મર્દાનગી કોણ નક્કી કરશે? એક પત્નીનો પત્ર તેના પતિ માટે…

હેલ્લો વિવેક,

હું નિકિતા. તમારી પત્ની આજે તમારી પાસે પહેલીવાર કશુંક માંગી રહી છે. ના ન પાડશો. પ્લીઝ એકદમ નોર્મલ થઈ જાઓ. તમને આ રીતે આખો દિવસ ઉખડેલા ઉખડેલા, મૂડલેસ અને ક્યાંય કોઈ સાથે વાતો નહીં કરતા જોવા એ મારા માટે કાળાપાણીની સજા હોય એવું મને લાગે છે. આ હું લખી રહી છું ત્યારે મને રડવું આવે છે કેમકે જ્યારથી હું સાસરિયે આવી ત્યારથી લઈને અત્યાર સુધી આ પાંચ વર્ષમાં આ ઘર મને જેટલું પારકું નથી લાગ્યું એટલું અજાણ્યું અત્યારે તમારા આ મૂડના કારણે લાગે છે.

તમે વાત નથી કરતા. રૂમમાં પૂરાઈ રહો છો. માથા પર હાથ દઈ આંખો બંધ કરી બેડ પર સૂઈ રહો છો. જમવા નથી આવતા. આખી રાત ખુલ્લી આંખે છતને જોયા કરો છો, શેવિંગ નથી કરાવતા, કલાકો સુધી બાથરૂમમાંથી બહાર નથી નીકળતા, કોઈના ઘરે લગ્ન પ્રસંગમાં કે પાર્ટીમાં જવાનું માંડી વાળ્યું છે, ફેસબુક ઈન્સ્ટાગ્રામ પર તમારી કોઈ લાઈક, સ્ટોરી કે સ્ટેટસ દેખાતી નથી. આ બધું કોના માટે વિવેક ? આવું બધું કરીને તમે મને સજા આપી રહ્યા છો. આખી વાતમાં જાણે મારો વાંક હોય એવું મને લાગે છે.

વિવેક હું બધું સહન કરી શકું પણ તમારા અબોલા નહીં. હું તમને પરણીને આ ઘરમાં આવી છું, તમારો હાથ પકડીને અગ્નિની સાક્ષીએ સાત વચન આપ્યા છે, તમારા ખભે માથું મુકી મેં મારા બધા પ્રશ્નો શમાવી દીધા છે અને હવે તમે એવી રીતે વર્તી રહ્યા છો કે, ‘’ હું કોઈને ઓળખતો નથી અને મારે કોઈને ઓળખવા નથી.’’ આ તો કેવી રીતે ચાલશે ? તમારા સુખમાં જો મારો બરોબરીનો હિસ્સો હોય તો તમારા દુ:ખમાં પણ હું બરોબરની ભાગીદાર છું. તમારા હરખમાં હું હિસ્સેદાર હોઉં તો તમારા સંતાપનો તાપ ખાવા હું પણ અધીરી છું જ. મારે તમને કોઈ રાજા રામ નથી થવા દેવા.. કેમકે રાજા રામ થઈને પણ બળતરા તો સીતાના ભાગે જ વધારે આવેલી. તમને થશે કે નિકિતા ફરી અત્યારે નારીવાદની વાતો લઈને બેસી ગઈ પણ શું કરું વિવેક….અરીસામાં જોઈને તૈયાર થઈ શકાય એમાં જોઈને એકલા એકલા બોલ બોલ ન કરી શકાય. મારી એકલતા મને અંદરથી કોરી ખાય છે.
તમારી આ રીસ કોના માટે છે ? આઈ નો હું જાણું છું કે તમારા આ ગુસ્સા તમારા પોતાના માટે જ છે, તમારા પોતાના પર જ છે પણ વિવેક, મને એમ કહો કે આ જે કંઈ થયું એમાં તમારો દોષ ક્યાં છે ? વિવેક, ટ્રસ્ટ મી મને કોઈ જ ફરક નથી પડ્યો. તમારા માટેની મારી કોઈ ફિલિંગ્સ નથી બદલાઈ. શું એક રીપોર્ટનું કાગળિયું નક્કી કરશે કે તમે મર્દ છો કે નહીં ? વિવેક, તમારામાં શુક્રાણુઓ ઓછા છે સંવેદનાઓ નહીં ! શુક્રાણુઓની સંખ્યા નક્કી કરશે કે તમે યોગ્ય છો કે નહીં ?
મેં તો તમને પહેલા પણ ના જ પાડી હતી વિવેક કે મારે કોઈ રિપોર્ટ નથી કરાવવા. તમને તાલાવેલી હતી કે જોઈ લઈએ શું પ્રોબ્લેમ છે. હું તમને સારું લગાડવા નથી કહેતી પણ હું ખરેખર કોઈ પણ પ્રકારના રિપોર્ટમાં ઈન્ટ્રસ્ટેડ નહોતી. મેં તમને એકપણ વખત એવું નહોતું કહ્યું કે વિવેક, હવે મને બાળક જોઈએ છે. ઘરના બધા લોકો જ્યારે સતત એવું કહેવા લાગ્યા હતા કે, ‘’ લગ્નને પાંચ વર્ષ થઈ ગયા.. હવે કાંઈક વિચારો.’’ આ કાંઈક વિચારો પછી મેં ક્યારેય નહોતું વિચાર્યું પણ તમે જાણે કે સતત વિચારતા રહેતા. મને યાદ છે એ રાત્રે તમે મને કહેલું કે, ‘’ નિકિતા, આપણે લોકોએ પ્રિકોશન લેવાનું બંધ કર્યું એ વાતને છ મહિના થયા. બધું બરાબર છે ને ? તને એવું નથી થતું કે તારે પ્રેગનેન્સી ચેક કરાવવી જોઈએ ?’’ હસી પડેલી હું. તમારા વાંકડિયા વાળમાં આંગળિઓ ફેરવતા હું બોલેલી કે, ‘’ મારા ભોળા ઘરવાળા, આ કાંઈ તાવ શરદી નથી કે ખબર પણ ન પડે…ખબર પડી જ જાય..’’
મને યાદ છે એ પછી તમે સમયાંતરે મને સતત પૂછતા રહેતા કે, ‘’નિકિતા, કશું લાગે છે…કંઈ લાગે છે ?’’ હું તમને સતત ના પાડતી રહેતી. પણ વિવેક, મને શું ખબર કે મારી આ સતત ના એ તમારા માથા પર હાવી થઈ રહી છે. તમે જ્યારે રિપોર્ટની વાત કરી ત્યારે જ મેં તમને અટકાવ્યા હતા કે, ‘’ વિવેક, આ બધું કોના માટે કરી રહ્યા છો. તમને ખબર છે કે મને તો હજું બાળક જોઈતું નથી. તમે પણ મને સતત કહેતા કે નિકિતા, લગ્નના સાત આઠ વર્ષ આપણે બેબી પ્લાન નહીં કરીએ…આપણી ઉંમર, સપના, ફ્યુચરપ્લાન…અને હવે તમને અચાનક આ શું થઈ ગયું ..પ્રિકોશન લેવાનું તમે બંધ કર્યું ત્યારથી મારા મનમાં આ બધું ચાલી રહ્યું છે.‘’ એ દિવસે મારો હાથ પકડીને કહેલું કે, ‘’ નિકિતા, બહું થયું. હવે કંટાળો આવે છે. આપણા બંને પાસે વાતો કરવા માટે કોઈ ટોપીક પણ નથી. ઝઘડવા માટે કોઈ મુદ્દાઓ પણ નથી. હવે બાળક જોઈએ છે.’’ આટલું બોલતા સુધીમાં તો તમારી આંખો ભરાઈ આવી. હું બધા વિચારો ખંખેરીને ઉભી થઈ ગઈ કે ‘’ચલો, અત્યારે ને અત્યારે જ હોસ્પિટલ જઈએ.’’ અને એનું પરિણામ જુઓ તમારી લાંબી ચૂપકીદી આવ્યું. વિવેક એવો કોઈ પહાડ નથી તૂટી પડ્યો કે તમારે બધાથી આમ મોઢું સંતાડતા ફરવું પડે. કમ ઓન યાર, એ શુક્રાણુઓ છે શ્વાસ નહીં કે તમારું જીવવું કપરું થઈ જાય !
એક વાત મને બિલકુલ સમજાતી નથી. તમે આમ સાવ ચૂપ કેમ થઈ ગયા ? કોઈ સાથે વાતો નહીં કરવાથી, ઘરમાંથી બહાર નહીં નીકળવાથી, શેવીંગ નહીં કરવાથી શુક્રાણુઓ શરીરમાં વધી જશે ? અને એક મિનિટ, તમને આજકાલ આ મર્દ હોવાની જાણે સાબિતી વારંવાર આપવાની હોય એમ વાતે વાતે મારા પર ગુસ્સો કરો છો. બધાની હાજરીમાં બૂમો પાડો છો. તમે સાબિત શું કરવા માંગો છો ? એમ કે તમે આ બધું કરી શકો છો અને હું તમારાથી ડરું છું એટલે તમે મર્દ સાબિત થઈ ગયા એમ ? વિવેક તમને આ સ્યૂટ નથી થતું. યાદ છે એક દિવસ તમે ઓફીસમાંથી કોઈ બીજાના શૂઝ પહેરીને આવી ગયેલા અને પછી તમે મને કહેલું કે ‘’નિકિતા, આ બીજાના શૂઝ છે…યાર બાય મિસ્ટેક પહેરી લીધા છે, મને બિલકુલ સ્યૂટ નથી થતા.’’ બસ તમે એ શૂઝવાળી ઘટના જ અત્યારે દોહરાવી રહ્યા છો.
વિવેક, આ ગુસ્સે રહેવાનું, બૂમો પાડવાનું, કોઈ સાથે વાત નહીં કરવાની, શેવિંગ નહીં કરાવવાની આ બધું મને એવું લાગે જાણે તમે કોઈક બીજાના શૂઝ પહેરીને આવી ગયા છો. આ તમારું નથી. સ્ટોપ ઈટ પ્લીઝ. હું તો એમ કહું છું વિવેક કે તમારે કોઈને સાબિતી આપવાની જરૂર જ શું છે કે તમે મર્દ છો કે નહીં ? હું તમારી પત્ની છું. મને કોઈ પ્રશ્ન કે શંકા નથી તો પછી તમારે જગત પાસે સર્ટિફિકેટ લઈને શું કરવું છે ? હું તો કહું છું કે મર્દાનગી નક્કી કોણ કરશે ? હું અત્યારે આ લખી રહી છું એ ગુસ્સાથી લખી રહી છું, ખરાબ લાગે તો માફી નહીં માગુ… હું એમ કહું છું કે શું મર્દાનગી ચાર ઈંચથી જ નક્કી થશે ? જો એ રીત અને સાઈઝ હોય તો તો પુરુષોની મર્દાનગી બહું નાની કહેવાય.
વિવેક, તમે બહુ સમજદાર છો. તમે મર્દની વ્યાખ્યાને કોઈ નાનો કોચલામાં પૂરી ન દો. પેઢી તો કૂતરા બિલાડા પણ જણી લે છે એથી કાંઈ એ મર્દ નથી સાબિત થતા. મર્દ. મર્દ એ છે જે પોતાની સ્ત્રીની ન કહેવાયેલી વાતોને પણ સમજી શકે. એ નામાં રહેલી હા અને હામાં રહેલી નાને સમજી જાય. પોતાની પત્ની, મમ્મી, બહેન કે બીજી કોઈપણ સ્ત્રી હોય એને નહીં એના સ્વમાનને પ્રોટેક્ટ કરે. સ્ત્રીઓની આવડતોને એની મજબૂરી નહીં શક્તિ સમજે. દરેક વસ્તુ અને વ્યક્તિ પર પોતાના અધિકાર નહીં જવાબદારી સમજે. મર્દ એ છે જે દરેકને સમ્માન આપી શકે, લાગણીઓની કદર કરી શકે, સંબંધો તોડી તો બધા જાણે મર્દ તો સંબંધો સાચવી જાણે. કોઈની પીઠ તોડીને પરિસ્થિતિ તો સૌ સંભાળી શકે, મર્દ તો પીઠ થાબડીને પંપાળીને પરિસ્થિતિ સંભાળે તો એ મર્દ. મર્દ હોવા પણા સાથે બેફિકરાઈ નહીં જવાબદારીઓ જોડાયેલી છે. ટ્રસ્ટ મી વિવેક, આ બધું તમારામાં છે તો કોઈ શુક્રાણુઓ કે સાઈઝના સર્ટિફિકેટ નક્કી નહીં કરી શકે કે તમે મર્દ છો કે નહીં !
હું તમને પ્રેમ કરું છું અને એટલે મન મોટું રાખીને તમને સ્વીકારી રહી છું એવી કોઈ વાત નથી વિવેક. બે લોકો સાથે જોડાય છે અને આખી જીંદગી સાથે રહેવાનું નક્કી કરે છે પછી કોણે શું કર્યું, કોણે કેટલું જતું કર્યું અને કોણ કેટલું પામ્યું એ ગણતરી ત્યાં જ એ ક્ષણે પૂરી થઈ જાય છે. સાથે જીવન જીવવાની કોઈ બ્લુપ્રિન્ટ નથી હોતી. સમય કસોટી કરે છે, આવી અઘરી પરિસ્થિતિઓ ઉભી કરે છે પણ આપણે એકબીજાનો હાથ પકડી આમાંથી પસાર થઈ જવાનું છે. તમે તો બેસી પડ્યા છો. હજું સાથે રહીને આપણે ઘણી લાંબી મજલ કાપવાની છે. ટ્રસ્ટ મી વિવેક, ફોર મી બાળક બહુ મોટી વાત નથી. મારા માટે તમારી ખુશીઓથી વધું અગત્યનું કશું જ નથી. જે બાળક આવ્યું જ નથી એની હાજરી કે ગેરહાજરીની બળતરામાં તમારું હોવાપણું હું કેવી રીતે ગુમાવી શકું ? તમને બાળક જોઈએ છે ને વિવેક ? આપણે એડોપ્ટ કરી લઈશું. બહુ બધા એવા બાળકો છે જેને યોગ્ય આંગળીઓની જરૂર છે. ઝાલી લઈશું કોઈ આંગળી. એકબીજાના સહારે આખી જીંદગી છાંયડો બની જશે પણ તમે આમ એકલતાની જેલમાંથી બહાર આવો પ્લીઝ. હું તમને પહેલાં પણ પ્રેમ કરતી હતી અને આગળ પણ કરીશ. મારા માટે તમે મારા વિવેક છો અને મારા વિવેક જ રહેવાના. કોઈ રિપોર્ટ કે પરિસ્થિતિ મારી અંદર તમારા માટેની જે લાગણીઓ છે એમાં એક દોરો સમાય એટલી જગ્યા પણ નહીં કરે. મારી અંદર તમે અને તમારો પ્રેમ અકબંધ છે. મનની અંદર જે આગળિયો દઈને બેસી ગયા છો એને ખોલો.
ઘરે કોઈ નથી. બધા લગ્નમાં બહાર ગયા છે. હું ગરમા ગરમ ચાયના બે કપ લઈને અગાશી પર ગઈ છું. થોડો ગરમ નાસ્તો પણ લેતી આવી છું. સાંજ થવા આવી છે. અગાશી પર આવી જાઓ. તમારું ફેવરીટ ગીત વાગી રહ્યું છે.. રફી અને લતાના અવાજમાં….સો સાલ પહલે મુજે તુમસે પ્યાર થા આજ ભી હૈ ઔર કલી ભી રહેગા…. હું આંખો બંધ કરીને રીપીટ મોડ પર વારંવાર સાંભળી રહી છું.. તમે આવી જાઓ… આપણી સાંજ સુધારી લઈએ… એક મિનિટ, ઝડપ

કરજો..ચા ઠરી જાય તો ફરી ગરમ નહીં કરું હા !
તમારા એકલાની બીજા કોઈની નહીં એવી

નિકિતા

લેખક : રામ મોરી

આપ જો આ યુવાન પુરુષની જગ્યાએ હોવ તો શું કરો? કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘણાય મિત્રો જે આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હશે તેમને હિંમત મળશે… વધુને વધુ શેર કરો.

ટીપ્પણી