નીનીની મમ્મી – દરેક આધુનિક પેરેન્ટ્સ ખાસ વાંચે આ વાર્તા…

TITLE -‘નીની’ની મમ્મી

નીનીને નાનીમા ના સફેદ વાળ બહુ ગમે ! એનો ઉછેર તેના મોસાળમાં થઈ રહ્યો હતો. નાનાજી અને નાનીમા નીનીને મોટી કરી રહ્યા હતા. નીનીની મમ્મી ઈશીકા અને પપ્પા જય બંને લંડન હતા. ઈશીકા ફેશન ડિઝાઈનર હતી. જયની પોતાની રીસોર્ટ અને હોટેલ્સ હતી. નીનીનો જન્મ થયો એ જ દિવસે ઈશીકાને લંડનની કોઈ મોટી કંપનીએ તગડા પગાર સાથે નોકરીની ઓફર કરી. ભારતમાં કોઈને કોઈ કારણસર બિઝનેસમાં સફળ નહીં થયેલો જય પણ લંડન જવાના મુડમાં હતો. આખી વાતમાં સમસ્યાનું કારણ બની નીની. ઈશીકા માનતી હતી કે જો એ અત્યારે નીનીને તેની સાથે લંડન લઈ જશે તો એ પોતાના કામમાં ધ્યાન નહીં આપી શકે. ઈશીકા અને જય વચ્ચે તો એ બાબતે એ સમયે ઝઘડા પણ થતા.‘’ જસ્ટ બીકોઝ ઓફ ધ બેબી..હું આ નોકરી હાથમાંથી નહીં જવા દઉં જય, મેં તો તને ફેમીલી પ્લાનીંગની જ ના પાડી હતી.’’

‘’સ્ટોપ ઈટ ઈશીકા. બેબી પ્લાનિંગ ટાઈમે આપણને અંદાજો પણ નહોતો કે લંડન જવાનો ચાન્સ મળશે.’’

‘’ડોન્ટ નો..આ બેબીનું શું કરીશું…મને પણ કંઈ સુઝતું નથી.’’ઈશીકાના મમ્મી પપ્પાએ આ બધી વાતો સાંભળી. એ લોકો બહુ દુ:ખી થયા કે ઘોડિયામાં સુતેલી આ નાની બાળકી આ લોકોને અત્યારે પ્રોબ્લેમ લાગી રહી છે. આખરે ઈશીકાના મમ્મી પપ્પાએ નિર્ણય લીધો કે નીનીને એ લોકો સંભાળશે. ઈશીકા અને જયને બહુ મોટી હાશ થઈ. નીની સાતેક મહિનાની માંડ થઈ અને ઈશીકા-જય લંડન જતા રહ્યા. નીની એના નાનાજી અને નાનીમા સાથે મોટી થવા લાગી. સમજણી થઈ ને બોલતા શીખી ત્યારથી એ નાનીમાને જ ‘મમ્મી’ કહેતી. નાનીમાએ એને સમજાવવાનો પ્રયત્ન કરેલો કે એ તેની મમ્મી નહીં, મમ્મીની મમ્મી એટલે નાનીમા છે. નીનીને કશું સમજાયેલું નહીં.નાનાજીએ નાનીમાને કીધું કે નીનીને ફાવે એમ બોલાવા દો. બસ પછી તો નીની માટે નાનાજી તો નાનાજી જ રહ્યા પણ નાનીમા કાયમ મમ્મી બની ગયા. ઈશીકા કે જયના ફોન આવતા પણ નીનીને એ લોકો સાથે વાત કરવામાં બહુ રસ નહોતો. ઈશીકાની મમ્મી ઈશીકા અને જયને ભારતમાં સમયાંતરે આંટો મારતા રહેવાનું કહેતી પણ એ લોકોને ભારત આવવા માટેની ફૂરસદ નહોતી. સ્કૂલમાં પહેલા ધોરણમાં ભણવા જતી નીનીને નાનીમાના સફેદ વાળ બહુ જ ગમતા. નાનીમા એને રમાડે, હોમવર્ક કરાવે, જમાડે, વાર્તા કહે અને સાથે સુવાડે. નીનીની નાનકડી આંગળીઓ નાનીમાના સફેદ વાળમાં ગુંચવાયેલી હોયજ. એ હેતથી પોતાની આંગળીઓ એ વાળમાં ફેરવ્યા કરે. રવિવારે તો નીની જ પોતાના નાનકડા હાથે નાનીમાના સફેદ વાળમાં તેલ નાખી આપે. નાના નાનીમા આ જોઈને લાગણીશીલ થઈ જતા.
લંડનમાં હવે ઈશીકા અને જયને એકલું લાગવા લાગ્યું હતું. નીનીને મુકીને આવ્યા એ વાતને પાંચેક વર્ષ થવા આવ્યા હતા. ઈશીકાએ નિર્ણય લીધો કે હવે એ નીનીને એ લોકોની સાથે લંડન બોલાવી લેશે. જયને પણ આ વાત ગમી. એ બંનેએ ભારત ફોન કરીને મમ્મી પપ્પાને વાત જણાવી. લંડનમાં નીનીની સ્કૂલના એડમીશનની અને અલગથી મોટા રૂમની વ્યવસ્થા થવા લાગી. નાનાજી અને નાનીમા પર તો જાણે કે વીજળી પડી. આટલા વર્ષો નીની સાથે રહ્યા અને હવે અચાનક નીની જતી રહેશે એ વાત પર એ લોકો રડી પડ્યા. નીની સ્કૂલે જતી રહેતી પછી નાનીમા બહુ રડતા. નાનાજી એમને સાંત્વના આપતા કે આખરે એક દિવસ તો એ પોતાના સાચ્ચા મમ્મી પપ્પા પાસે જવાની જ હતીને. હજુ અણસમજુ છે ત્યાં સુધીમાં જતી રહેવાની છે એ નીની માટે જ સારું છે. નાનીમા આ વાતને સમજતા પણ સ્વીકારી નહોતા શકતા.નાનાજીએ નાનીમાને કીધું કે નીનીને જણાવી દો કે હવે એને જવાનું છે પણ નાનીમા કહી શક્યા નહોતા.
દિવાળીના દિવસો આવ્યા. આખરે ઈશીકા અને જય ભારત આવ્યા. નીની એ લોકોને અજાણ્યાને જોતી હોય એમ જોઈ રહી. બધા લોકો બે દિવસ સાથે રહ્યા, હર્યા ફર્યા પણ નીની ઈશીકાથી દૂર રહેતી હતી. ઈશીકા એને ભેટવા જાય કે વાત કરવા જાય તો એ રડી પડતી. આ બધું જોઈને ઈશીકા પણ રડી પડી. જયે ઈશીકાને સમજાવ્યું કે લંડન સાથે રહેશે એટલે નીનીને આપણા લોકોની ટેવ પડી જશે. સામાન પેક થયો. નીનીને જવાનું થયું તો એ જોર જોરથી રડી પડી. નાનીમાને મમ્મી મમ્મી કહેતી એ વળગી પડી. નાનાજી અને નાનીમા પણ રડી પડ્યા. ઈશીકાએ નીનીને ખોળામાં બેસાડીને કીધું કે,‘’બેટા, હું તારી મમ્મી છું.’’ નાનકડી આંખોમાંથી આવતા મોટા મોટા આંસુ લૂંછતી નીની ઈશીકાના લાલ વાળ તરફ ઈશારો કરીને બોલી,

‘’ તમે મારા મમ્મી નથી કેમકે તમારા માથામાં સફેદ વાળ નથી !’’

લેખક : રામ મોરી

દરરોજ રામ મોરીની અલગ અલગ નવીન વાર્તાઓવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી