રામ મોરીની કલમે લખાયેલો આજની યુવાપેઢીના બ્રેકઅપના ખયાલોને રજૂ કરતો લેખ…

“મેરા વો સામાન લોટા દો”

‘’જ્યારે તમને કોઈ ગમે ને, ત્યારે તમને બધું જ ગમવા લાગે….’’ તાજેતરમાં જ સિનેમા ઘરોમાં જેણ સો દિવસો પૂરા કર્યા એવી ગુજરાતી ફિલ્મ ‘લવની ભવાઈ’નો આ સંવાદ છે. કેટલો બધો સાચો છે આ સંવાદ. જ્યારે પ્રેમમાં હોઈએ ત્યારે આખ્ખે આખું જગત વન્ડરફૂલ લાગતું હોય છેય. એક એક મોમેન્ટને હેશટેગ અને સ્ટેટસમાં કેદ કરી લેવાની જીદ. અને પછી એ જ સંબંધ જ્યારે તૂટે છે ત્યારે ? ત્યારે આખું જગત ડાર્ક પ્રોફાઈલ જેવું લાગે ! ‘ફીલીંગ નીલ’ એવું જ કશુંક ! એવું કેમ હોય છે કે આપણે પ્રેમમાં હોઈએ ત્યારે આપણને જે વસ્તુઓ વધુને વધુ સુંદર અને ખાસ લાગી હોય એ વસ્તુઓ પ્રેમ પૂરો થઈ ગયા પછી સખત અકળાવે. જે રસ્તા પર તમે એકબીજાનો હાથ પકડીને કલાકો ચાલ્યા હો એ રસ્તા પરથી પછી જ્યારે પણ પસાર થવાનું થાય ત્યારે એકલતા અને અંધારું ઘેરી વળે !
પ્રેમમાં હોઈએ ત્યારે અચાનક એવી વસ્તુઓ ગમવા માંડે જે પહેલાં તો ક્યારેય ગમી નહોતી. પ્રેમમાં હોઈએ ત્યારે અરીસા સામે જોવાની આપણી રીત પણ બદલાઈ જતી હોય છે. પ્રેમભંગ પછી એ જ અરીસો તમને તોડવાનું મન થાય. આપણે કશીક વાતોથી છૂટવાના વ્યર્થ પ્રયત્નોમાં લાગી જઈએ છીએ. બારણું અંદરથી લોક કરીને બેસી રહેવાથી, કલાકો શાવર નીચે ઉભા રહેવાથી, બીયરની બોટલ ખાલી કરવાથી, મોબાઈલ એપ્લીકેશન અનઈન્સ્ટોલ કરવાથી, કેટલાક નંબર બ્લોક કરવાથી, ગેલેરીના પીક્ચર્સ ડીલીટ કરવાથી, સીગારેટના ગોટેગોટા કાઢવાથી કે પછી અગાશી પર જઈને જોર જોરથી ચીલ્લાવાથી કોઈ વ્યક્તિ કે અમુક લાગણી કે અમુક સમયમાંથી છૂટી નથી શકાતું. સમય અને સંબંધ માણસને બહુ બધું શીખવી આપે છે પણ કોઈને કેવી રીતે ભૂલી શકાય એ કોઈ શીખવી નથી શકતું.
કોઈપણ સંબંધનું તુટવું એ વાત તકલીફ આપે એવી હોય જ પણ એ સંબંધ કેમ ન ટકી શક્યો એના જવાબ એક નહીં અનેક હોય છે. પ્રેમમાં સીધા નથી પડી જવાતું. માણસ ધીરે ધીરે કોઈને પ્રેમ કરતો થાય છે. તો એ પ્રેમ પૂરો થવાની ઘટના પણ પાણી ભરેલા વાસણમાં પડેલી તિરાડ જેવી જ હોય છે. તમને ખબર પણ ન રહે અને ટીપે ટીપે સંબંધના વાસણમાંથી પ્રેમનું પાણી નિતરી જાય.

બે લોકો જ્યારે એકબીજાના પ્રેમમાં પડે ત્યારે એ લાગણીને, એ સંબંધને ખાસ બનાવવા એકબીજાને ભેટ સોગાદ આપે છે, જાતજાત અને ભાતભાતની સેલ્ફી લે છે, લોંગડ્રાઈવ પર જાય છે, નવું નવું એ બધું જ કરે જેમાં થ્રીલ હોય અને અકબંધ રહે એવી ફીલ હોય. આવી ઝીણી ઝીણી વાતોથી એ પ્રેમના ગુલાબી રંગને ઘાટ્ટો બનાવે. હકીકતમાં એ બધી વસ્તુઓ એ ચોક્કસ સમય અને સંબંધને સાચવી લેવાનો હુંફાળો પ્રયત્ન હોય છે. સ્પર્શને બની શકે એટલા જથ્થામાં એકબીજાના સ્મૃતિના પટારામાં દબાવી દબાવીને લોકો ભરી લેતા હોય છે…પણ એ જ બે લોકો વચ્ચે જ્યારે પ્રેમ પૂરો થઈ જાય પછી મનમાં એક શૂન્યાવકાશ ઉભો થાય છે.
એકબીજાને ગીફ્ટમાં અપાયેલી એ બધી વસ્તુઓ જાણે તમારી સામે અટ્ટહાસ્ય કરતી હોય, તમને ચીવડતી હોય એવું લાગે. ઘણા લોકો આવા સમયે એ વસ્તુઓ તોડી ફોડી નાખે, કોઈ બોક્સમાં પેક કરી માળિયામાં ચડાવી દે અથવા એ વ્યક્તિ સુધી એ વસ્તુઓ પાછી મોકલી દે…’’તારી મારી વચ્ચે જે કંઈપણ હતું એ સંબંધના સાક્ષીરૂપ આ બધી જ વસ્તુઓ તને પાછી મોકલી આપું છું. હવે તું નથી તો આ તારી ગીફ્ટ પણ મને જીવનમાં ન જોઈએ.’’ બરાબર છે. હું માનું છું કે કોઈ ડિપ્રેશનમાં, અણગમતા હોવાની લાગણીમાંથી જો આવું કરવાથી છૂટી જવાતું હોય તો આવું કરવું જ જોઈએ.

પણ અહીં પ્રશ્ન એ છે કે આ બધું કર્યા પછી પણ તમે ખરેખર બધું જ પાછું આપી દો છો ? આઈ મીન બધું જ પાછું આપી શકો છો ? આથમતી સાંજે એકબીજાના હાથમાં હાથ દબાવીને એકબીજાને અઢેલીને કલાકો બેસી રહ્યો હો અને પછી બંને હથેળીમાં જે ઉષ્માભર્યા પરશેવો થયો હતો એ પરશેવાની ઉષ્મા પાછી આપી શકાશે ? એકાંતની ક્ષણોમાં બંધ આંખે ધ્રુજતા એકબીજાના હોઠે જે લાંબુ સ્પર્શનું સૂખ માણ્યું હતું એ ધ્રુજતા ગુલાબી હોઠનો સ્પર્શ પાછો મોકલી શકશો? તમારી પીઠ પર એણે માથું ટેકવ્યું હોય હોય અને લાંબા વાળ તમારા બટનમાં ગુંથાઈને તૂટ્યા હોય એ લાંબા સુંવાળા વાળનો હિસાબ કરી આપશો ?
કશીક ગભરામણમાં એની કોલરને પકડી છાતી પર માથું મુકીને કલાકો રડ્યા હશો અને તમારા આંસુથી એની છાતી ભીંજાઈ હશે ને કલાકો એનો હાથ તમારા માથા પર ફર્યો હશે…એ કોરી છાતીનું સરનામું પાછું મોકલી શકશો ? સંબંધમાં હશો ત્યારે એવી કેટલીય ક્ષણો આવી હશે જ્યાં એકબીજાની આંખોમાં જોઈને કશું કહ્યા વિના પણ એકબીજાની વાતો ઝીલાઈ હતી એ કૂંપળની જેમ પાંગરેલી સમજણ એકબીજાને પાછી આપી શકશો ? જો આ બધા જ પ્રશ્નોનો કોઈ ઉત્તર ન હોય તો પછી એકબીજાને બધો સામાન મોકલી આપ્યો અને હવે અમારી વચ્ચે કશી જ લેવડ દેવડ નથી એવા બોદા સત્યને તપાસવું પડે ! ખાલીપો બ્લેકહોલ જેવો હોય છે, એ પોતાની અંદર બધું જ સમાવી લે છે પણ સંબંધની સ્મૃતિઓને એ ખાલીપામાં ખંડાઈ જવા ન દેશો.

કોઈપણ સંબંધમાં હોવું એ ખરેખર સમાધિ અવસ્થા જેવું છે. એવું લાગે કે આખા શરીરમાં લોહી બમણી ઝડપે ફરી રહ્યું છે. સંબંધ પૂરો થઈ જાય છે પણ એ સંબંધમાં સાથે વિતાવેલા સમયનું મૂલ્ય ખૂબ હોય છે. એ સમયની સુગંધ છાતીમાં સંઘરીને પણ આગળ વધી શકાય. હવે સાથે નથી એ વાત ઓલરાઈટ પણ સાથે હતા એ આખો સમય વ્યર્થ ગયો, મૂર્ખ હતો એ સમય એ બધી વાતો કરવી એ વાત બરાબર નથી. એ સ્વીકારી લો કે હવે સાથે નથી પણ સાથે હતા એ સમય જીવનના સૌથી સુંદર સમયમાંનો એક સમયખંડ હતો. એકબીજાના આભારી રહો કે હવે ભલે સંબંધ ન હોય પણ એ સંબંધની સોનેરી ક્ષણો લાગણીઓને રૂપાળી બનાવશે, સાથે હતા અને હવે નથી એ આખો સમયખંડ જે જે શીખવી ગયો એના અજવાળાથી આગળના જીવનનું અંધારું ઉલેચી શકાશે. કોઈએ તમારી સાથે અન્યાય કર્યો છે, એણે તમને છેતર્યા છે…તમને તકલીફ થઈ રહી છે….તમે ખરેખર બદલો લેવા માંગો છો…તો એક ઉપાય છે…એને એ ક્ષણે માફ કરી દો. કેમકે તમે માફ કરીને છૂટી જશો પણ તમારા ઉદાર દિલની માફી એને પચશે નહીં અને પછી એ વ્યક્તિ અપરાધભાવથી પીડાતી રહેશે. જીવનમાં ‘’જતું કરવું…વાત છોડી દેવી…’’આનાથી મોટું કોઈ સુખ નથી, આ અનુભવનો વિષય છે. ક્યારેય પ્રયત્ન કરજો. કોઈની ભૂલો અને તમારી સાથે થયેલા અન્યાયને માફ કરી આગળ નીકળી જાઓ અને પછી અરીસામાં પોતાને જોશો તો ખરેખર તમને થશે કે ‘’હા યાર, હું ખરેખર અદભૂત છું !’’ આ અદભૂત હોવાની અનુભૂતિ પણ સાથે પસાર કરેલા સમયમાંથી જ આવે છે.

તો યાદ રાખજો. સંબંધમાં આવી પડેલી વ્યક્તિ ખોટી હોઈ શકે, અનુભૂતિ નહીં. વ્યક્તિના ઈરાદા ખોટા હોઈ શકે પણ આપણી અંદર ઉછાળા મારતી એ લાગણી નહીં. સાથે હતા તો બધું બરાબર અને નથી તો બીજી એનાથી પણ ઉત્તમ વ્યક્તિ તમારા નસીબમાં આવી રહી છે…જેની સાથે તમે હવે એ બધી બાબતોનું ધ્યાન રાખશો જે પાછલા સંબંધમાંથી તમે શીખ્યા છો.‘’મેરા વો સામાન લોટો દો’’માં એનર્જી બગાડ્યા વગર લાગણીના ચોખા અને હૂંફનું કંકુ લઈ જીવનના ઉંબરે ઉભા રહો..એક પ્રેમભૂખ્યુ કપાળ તમારા દરવાજે આવીને હમણા જ ઉભું રહેશે !

લેખક : રામ મોરી

દરરોજ આવી અનેક વાતો વાંચો ફક્ત અમારા પેજ પર, તમને જે પણ લેખ અને વાર્તાઓ પસંદ હોય તેના માટે કોમેન્ટમાં બે શબ્દો લખો જેથી લેખકને વધુને વધુ સારું લખવા માટે પ્રેરણા મળે.

ટીપ્પણી