કેમ હું તમારી દીકરી નથી? – નવવધુનો તેના સસરાને લખેલો આશાસભર પત્ર… રામ મોરી

આદરણીય પપ્પાજી,

હું તમારી પુત્રવધૂ પ્રાર્થી. સૌથી પહેલા તો પપ્પાજી ગુસ્સો કરીને કાગળ નીચે ન મુકી દેશો. પ્લીઝ એકવાર શાંતિથી આખો કાગળ વાંચી જાઓ. પપ્પાજી હું ગઈકાલના મારા વર્તન માટે સૌથી પહેલાં તો માફી માગુ છું. મને એવું કહેવામાં આવ્યું કે “વહુ, તમે નોકરી નહીં કરી શકો.’’ ત્યારે મારા હાથમાં રહેલી થાળીને મે રસોડાના પ્લેટફોર્મ પર જોરથી પછાડી અને રડતી રડતી મારા રૂમમાં જતી રહી. મને ત્યારે બિલકુલ અંદાજો નહોતો કે મારું આમ રડીને જતા રહેવું એ ઘટનામાં મારા સાસરિયાની આબરું ઓછી થઈ જશે…મને બિલકુલ ખ્યાલ નહોતો કે તમારા મનમાં આવેલા ભાવોને તરત વ્યક્ત કરવાથી સાસરિયાની વર્ષોથી અકબંધ રહેલી પ્રતિષ્ઠાની દિવાલમાં ગાબડા પડી જાય. તો પપ્પાજી, હું રડી અને જાત પર ગુસ્સો કરીને આખો દિવસ ભૂખી રહી તો એના માટે તમારી માફી માગુ છું. હું જે આ માફી માંગી રહી છું એ મારા પપ્પાના સંસ્કારો છે… હું રીસાઈને જતી રહી એ મેં પોતે કેળવેલા સંસ્કારો છે. એટલે આખી વાતમાં મારા પપ્પાને વચ્ચે વારંવાર ન લાવશો એવી મારી નમ્ર અપીલ છે.

પપ્પાજી, હું અરેન્જ મેરેજની ક્યારેય વિરોધી નથી રહી. હું તો લગ્ન સંસ્થાનો હંમેશા આદર કરતી આવી છું. મમ્મી પપ્પા જગતમાં તમને સૌથી વધુ સારી રીતે ઓળખતા હોય છે તો એમણે પસંદ કરેલો છોકરો એ બધી રીતે મારા માટે યોગ્ય હોય ત્યારે જ પસંદ કરાયો હોય એવો વિશ્વાસ મેં મનમાં ઠાંસી દીધેલો. આકાશ પણ મારા મમ્મી પપ્પાની પસંદ હતો. એટલે જ મેં કોઈ વધારે સવાલો કર્યા જ નહીં. એક બે મીટીંગ કરી અને એકબીજાની આંગળીઓમાં રીંગ પહેરાવી દીધી. સગાઈના છ મહિનામાં લગ્ન નક્કી થયા અને જુઓ હું સાસરિયે આવી ગઈ એને પંદર દિવસ પૂરા પણ થઈ ગયા.પપ્પાજી, તમે જેટલી સરળતાથી ગઈ કાલે કહી દીધું કે, ‘’અમારા ઘરની વહુ નોકરી નથી કરતી તો પ્રાર્થી વહુ તમે પણ નોકરી નહીં કરી શકો.’’ એ વાત મારા માટે બિલકુલ સરળ નથી. પપ્પાજી, મારે નોકરી કરવી છે. મમ્મીજીએ મને એમ કહીને નોકરીની જીદ પરથી અટકાવી કે, ‘’આ ઘરમાં ક્યાં પૈસાની તંગી છે કે તમારે કમાવવું પડે. ઘરના પુરુષો ઘણું સારું કમાઈ જાણે છે. તમે લોકો ખાઓ પીઓ અને સારા કપડાં પહેરીને હરો ફરો !’’ પપ્પાજી, આઈ એમ સોરી પણ મારાથી આ નહીં થાય. હું નોકરી એટલા માટે નથી કરી રહી કે ઘરમાં પૈસાની તંગી હોય અને હું મારો ભાગ આપીને રોફ જમાવું. મારે નોકરી એટલે કરવી છે કેમકે એ મારા ભણતરનું પરિણામ છે. પપ્પાજી, મારા પપ્પાએ મારા અભ્યાસ પાછળ બહુ મહેનત કરી છે. એમણે ઉછીના પૈસા લઈને પણ મારી કોલેજની ફીસ ભરી છે. હું રાતોની રાતો જાગી છું. કેટકેટલી ટૂર, ફિલ્મસ, પ્રસંગો અને પાર્ટીઓ મેં મારા ભણતરના કારણે જતી કરી છે.

મારા માટે મારો અભ્યાસ એ ભાર ક્યારેય નહોતો. મારા માટે સ્ટડી એટલે મારી જાતને ઓળખીને મારી આવડતને એસ્ટાબ્લીશ કરવાનું માધ્યમ છે. હું એટલા માટે નહોતી ભણી કે મારા સાસરિયા જાહેરમાં સગાવહાલાઓની સામે વટથી કહેતા હોય કે, ‘’અમારી વહુ તો માસ્ટર ગ્રેજ્યુએટ છે.’’ અને રસોડામાં બેઠી બેઠી કોથમીર સમારતી હું શરમાઈ જાઉં. માફ કરજો પપ્પાજી મારાથી આવું બધું નહીં થાય. હું એટલા માટે નહોતી ભણી કે સારા મોટા ઘરમાં મારું લગ્ન થઈ જાય. મારા માટે લગ્ન એ મારી પ્રાયોરીટી ક્યારેય નહોતી. હા પપ્પાજી, તમને આઘાત લાગશે પણ મારી ફર્સ્ટ પ્રાયોરીટી હતી કે હું મારામાં રહેલી ટેલેન્ટને ઓળખીને યોગ્ય જગ્યાએ એને સાબિત કરું.

જો મારે ખાલી ડિગ્રી જ જોઈતી હોત તો ઈકોનોમીક્સ જેવા અઘરા વિષય સાથે પાંચ વર્ષ માથું શુ કામ કૂટત ? કોઈપણ સરળમાં સરળ વિષયમાં ભણીને શાંતિથી ડિગ્રી મેળવી શકી હોત. દીવાલો પર લાગેલી ડિગ્રીઓ જો ખાલી દેખાડવા માટે જ હોય તો મારે મન એ સ્વર્ગસ્થ સ્વજોના સુખડના હાર જેટલી જ કિંમત છે.

પપ્પાજી, મારા પપ્પાનું પણ એક સપનું હતું કે મારી દીકરી ભણી ગણીને મોટી કંપનીમાં નોકરી કરે અને મને એની કેબિનમાં લઈ જાય અને એનું ટેબલ દેખાડીને કહે કે પપ્પા, તમારી વર્ષોની મહેનતનું આ પરિણામ છે. તમને ખબર છે પપ્પાજી? મારા લગ્નના થોડા દિવસોની વાર હતી ત્યારે મારા પપ્પા એકદમ સૂનમૂન રહેતા હતા. મને એમ કે હું સાસરિયે જવાની એટલે એ થોડા મૂંઝાયેલા હશે. મને તો બહુ પાછળથી સમજાયું કે મારા પપ્પાને ઓલરેડી આ વાતનો અંદેશો આવી જ ગયેલો કે મારી દીકરી પરણીને જે ઘરમાં જઈ રહી છે ત્યાં એ નોકરી નહીં કરી શકે !

પપ્પાજી, મને ખબર છે કે તમે મારી સામે એવી દલીલ કરશો કે હું તો મારી દીકરીને પણ નોકરી કરવા નથી દેવાનો. પણ પપ્પા, મને એક વાતનો જવાબ આપો કે રશ્મિબેનને પણ નોકરી ક્યાં કરવી જ છે. ઈનફેક્ટ એમને તો કોલેજ જવાનો પણ કંટાળો આવે છે. મમ્મીજી સતત એવું કહ્યા કરે છે કે ગ્રેજ્યુએટ નહીં થા તો કોઈ સારા ઘરનો છોકરો લગ્ન નહીં કરે ! બસ આ જ એક કારણ છે કે રશ્મિબેન કોલેજ જાય છે. આઈ એમ સોરી અગેઈન. મને ખબર જ છે કે પોતાની દીકરી વિશે આવી કોઈ વાત સાંભળવી કોઈ પપ્પાને ન ગમે. મારા પપ્પાને પણ નહીં જ ગમેને પપ્પાજી…જ્યારે એમને ખબર પડશે કે એમની દીકરીના ભણતરના સપના પૂરા કરવા એમણે રાતદિવસ એક કર્યા છે અને આજે એ જ સપના સાસરિયે જઈને નંદવાઈ ગયા. ભણવું એ મારી જરૂરિયાત નહીં મારો શોખ હતો પપ્પાજી. નોકરી મારો શોખ નહીં મારી ઓળખ છે અને હું મારી ઓળખ બનતા પહેલાં ગુમાવવા નથી માંગતી. હવે કદાચ તમે એવી દલીલ કરો કે પ્રાર્થીવહુ, તમે અમારા આવડા મોટા ઘરના વહુ છો એ તમારી ઓળખ ઓછી છે ? પપ્પાજી, એ મારું સમ્માન છે, મારું સદભાગ્ય છે પણ ઓળખ તો નથી જ !
તમારા મનમાં એક વાત અત્યારે એવી પણ ઉભી થતી હોય કે ‘’વહુ બેટા, આ બધી વાતો તો લગ્ન પહેલાં કરી લેવી જોઈતી હતી, અમને આ વાતની ખબર હોત તો સગાઈ જ ન કરત. તમારે લગ્ન પહેલાં જ તમારી શરતો કહેવી જોઈતી હતી.’’ પપ્પાજી, મારા પપ્પાએ એક વાત મને હંમેશા શીખવી છે કે બેટા, સંબંધોમાં શરતો ન હોય. જો શરતો હોય તો એ સંબંધ ન હોય. કોઈ સંબંધમાં હોવું એટલે ચોક્કસ નિતિ નિયમો અને માંગણીઓની સાંકળમાં ગુગળાવવું નહીં પણ સંબંધ એટલે તો તને ઉડવા આખ્ખું આકાશ મળે એવી હિંમત આપતો સથવારો. સંબંધ અને બંધન બંને અલગ છે. સંબંધ તમારી તાકાત હોઈ શકે મર્યાદા નહીં. મારા પપ્પાની આ વાતો પર મેં હંમેશા આંખ મીંચીને ભરોસો રાખ્યો છે.

આકાશ મને જોવા આવ્યા ત્યારે મેં એમને મારી કોઈ માંગણી કે શરતો એટલે જ નહોતી કહી કેમકે મને વિશ્વાસ હતો કે હું જે કરી રહી છું એ વિવાહ છે વેપાર નહીં! બીજી વાત પપ્પાજી, તમે મારા પપ્પાને એવું કહેલું કે, ‘’અશોકભાઈ, તમે પ્રાર્થી બાબતે હવે કોઈ જ ચિંતા ન કરશો. એ રશ્મિની જેમ જ અમારા ઘરની દીકરી છે. તમારી દીકરીની બધી ફરિયાદો અને તકલીફો હવે અમારી છે.’’ પપ્પાજી, તમારા એ શબ્દો સાંભળીને હું હરખાઈને રોઈ પડી હતી. આજે તમે તમારા એ જ વાક્યો ભૂલી ગયા ? જો તમે મારી ફરિયાદો અને તકલીફો પણ સ્વીકારી લીધી હોય તો મારા સપના તમે કેમ ન સ્વીકારી શકો ?
સપનું બહું નાજૂક બાબત છે. એ લજામણીના છોડની પાંદડીઓ જેવું હોય છે. સ્પર્શો અને એની પાંદડીઓ બિડાઈ જાય. યોગ્ય વ્યક્તિનો સાથ મળે તો સપનું સૂરજમુખીના ફૂલ જેવું બની શકે. સમય અને સંજોગનો સૂર્ય જે તરફ ફરે સપનું એ તરફ દ્રઢતાથી ફર્યા કરે અને પોતાના અસ્તિત્વની રક્ષા કરે. પપ્પાજી, તમને લોકોને હું મારા પોત્તાના લોકો માની રહી છું. હું મારી વાત તમને નહીં કહું તો કોને કહીશ ? એકવાર શાંતિથી મારા સપનાઓ વિશે વિચારજો, રાતોની રાતો આંખોમાં પાણી છાંટી છાંટીને પુસ્તકોમાં ખોવાયેલી રહેતી એ રાતોનો વિચાર કરજો, મને સારી કોલેજમાં એડમીશન મળી જાય એ માટે ઘી દૂધ નહીં ખાવાની બાધા લઈ લેનાર મારી મમ્મી વિશે વિચારજો, મારી કોલેજની ફીસ ભરવા પોતાની એફડી તોડવામાં પણ જરાય નહીં અચકાયેલા અને ઉછીના પૈસા લઈ મારા પ્રોજેક્ટના પૈસા ભરતા એ પપ્પા વિશે વિચારશો, સૌથી વધુ તમે તમારા એ વાક્યો વિશે વિચારજો કે પ્રાર્થી અમારી વહુ નહીં દીકરી છે… તમારા લોકોના ભરોસાની આંગળી પકડીને તો હું આ ઘરમાં આવી છું એ વિશ્વાસનો વિચાર કરજો.
પપ્પાજી, મારી જગ્યાએ આ જીદ રશ્મિ બહેનની હોત તો તમે એને પૂરી કરતા બિલકૂલ અચકાયા ન હોત….તો પછી મારી બાબતે એવું કેમ ? કેમ હું તમારી દીકરી નથી ?

જેને પપ્પાજી કહેતા મારી જીભને બિલકૂલ અજાણ્યું નથી લાગતું એવા પપ્પાની….

દીકરી પ્રાર્થી

લેખક : રામ મોરી

ખરેખર હૃદયસ્પર્શી પત્ર, દરરોજ આવી અનેક વાર્તાઓ અને પત્રોવાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી