ડોરબેલ – વર્ષો પછી ફરી અચાનક સામે આવી ગઈ એ ઘટના… વાંચો રોમાંચક હોરર વાર્તા…

“ડોરબેલ”

માલતીને બહું જ કંટાળો આવતો. કંટાળો નહીં સખ્ખત ગુસ્સો. એને થતું કે હવે જેવી ડોરબેલ વાગે એટલે દરવાજો ખોલીને એક તમાચો લગાવી દેશે. દરેક વખતે એ એવું નક્કી કરતી. ડોરબેલ વાગતી ત્યારે ગુસ્સાથી ભભૂકતી દરવાજો ખોલતી પણ જેવો દરવાજો ખુલતો તો સામે સીત્તેરેક વર્ષના માજીને જોઈને એ દરેક વખતે ઠરી જતી. કોઈ બાળક હોય તો બે તમાચા લગાવી દેવાય પણ આ માજીનું શું કરવું ?સવારે માલતીના બંને બાળકો અને એનો વર આકાશ ટિફિન લઈને સ્કૂલ ઓફીસે જતા રહેતા. આખા એપાર્ટમેન્ટના બધા બાળકો અને પતિઓ પોતપોતાના ઠેકાણે ઠલવાઈ જતા. સાડા આઠ પછી એપાર્ટમેન્ટમાં માત્ર સ્ત્રીઓ હોય. કપડાં ધોવા, દોરીએ સુકવવા, કચરા પોતા, નાસ્તામાં વપરાયેલા એંઠા વાસણોનો ઢગલો, શાકભાજી ધોઈને સમારવી,બપોરની રસોઈની તૈયારી કરવી આ બધામાં સ્ત્રીઓ અટવાયેલી હોય. માલતીને પણ ફટાફટ કામ પતાવી દેવાની ઉતાવળ. જુના ક્લાસિકલ હિન્દી ફિલ્મી ગીતો સાંભળતી સાંભળતી કપડાં વાસણ કરતી જાય. માંડ અડધી કલાક થાય ત્યાં ડોરબેલ વાગે. એ જઈને જુએ તો એક સીત્તેર વર્ષના માજી ઝીણાઝીણા ફ્લાવરના પ્રિન્ટવાળું બ્લુ ગાઉન પહેરીને ઉભા હોય. માલતી યાદ કરવાનો કંઈ કેટલોય પ્રયત્ન કરતી કે આ માજીને ક્યાંક જોયા છે પણ એને કશું યાદ નહોતું આવતું. પહેલાં તો એને લાગ્યું કે માજીને કોઈનું કામ હશે પણ પાછળથી સમજાયું કે માજી કંઈ સાંભળી શકતા નથી. માલતી એમને કંઈ કેટલાય સવાલો કરે પણ એના જવાબમાં માજી માલતીને ટીકી ટીકીને જોયા કરે. માલતી દરવાજો બંધ કરી દે તો ફરી એ ડોરબેલ વગાડે. લગભગ સાડા દસ અગિયાર સુધી આ સિલસિલો શરું રહેતો.
માલતીએ આજુબાજુની દરેક સ્ત્રીઓને પૂછ્યું કે આ માજી કોના ઘરેથી આવે છે પણ એને કોઈ માહિતી ન મળી. માલતીએ આકાશને વાત કરી. આકાશે સોસાયટીના સીક્યુરીટી ગાર્ડને ધમકાવી નાખ્યો કે કોઈ અજાણ્યાને એન્ટર થવા ન દેવો. પણ આ ડોરબેલની મુસીબત માલતીનો છેડો મુકે એવું લાગતું નહોતું. માલતીને ડોરબેલનો ત્રાસ એટલો વધી ગયો હતો કે સામાન્ય સંજોગોમાં પણ ડોરબેલ વાગતી તો એ ચિડાઈ જતી. આખરે માલતીએ પડોશીઓને પણ પૂછ્યું તો બધાએ કીધું કે એ લોકોની ડોરબેલ તો કોઈ વગાડતું નથી !

માલતી રાત્રે સુતી તો સપનામાં પણ એને ડોરબેલ સંભળાતી. એ ઝબકીને જાગી જતી અને એકવાર ઘરનો મેઈન દરવાજો ખોલીને ચેક કરી લેતી કે કોઈ ખરેખર ડોરબેલ વગાડે છે કે કેમ ?

રવિવારે આ ડોરબેલ બિલકુલ વાગતી નહીં પણ હવે તો રવિવારના દિવસોમાં પણ માલતીને એવો ભ્રમ થતો કે ડોરબેલ વાગે છે. એ રસોઈ કરતી કરતી ગુસ્સે થઈને હાથમાં વેલણ લઈને દરવાજો ખોલતી તો બહાર કોઈ દેખાતું નહીં. આકાશ જ્યારે માલતીને એવું કહેતો કે માલતીના મનમાં વહેમ ઘુસી ગયો છે તો માલતીને રડવું આવતું. એને લાગતું કે બધા લોકો ભેગા મળીને એને ગાંડી સાબિત કરી રહ્યા છે.
બીજા દિવસે બપોરે માલતી રસોઈ બનાવતી હતી ત્યાં ડોરબેલ વાગી. માલતીએ ઈગ્નોર કરી. ડોરબેલ ભલે વાગતી, દરવાજો ખોલવો જ નથી. પાંચ મિનિટ, દસ મિનિટ અને પંદર મિનિટ. ડોરબેલ વાગતી રહી. આજે માલતીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે દરવાજો ખોલ્યો અને સામે ઉભેલા પેલા માજીને ધક્કો માર્યો. ધક્કો એટલા જોરથી વાગ્યો કે માજી ગ્રીલ પરથી સંતુલન ગુમાવી છઠ્ઠા માળથી નીચે પટકાયા. માલતીની ચીસાચીસ, બુમાબુમ એ સોસાયટી એકઠી થઈ ગઈ. માલતી બેહોશ થઈને ઢળી પડી. તાત્કાલીક ફોન. માલતીનો વર ઓફીસથી દોડી આવ્યો.
માલતીએ જ્યારે આંખો ખોલી તો એ હોસ્પીટલમાં હતી. સામે આકાશ અને માલતીના મમ્મી હતા. માલતી એની મમ્મીને જોઈને રડી પડી. ‘’પોતે જાણી જોઈને ધક્કો નહોતો માર્યો’’ એવું કહીને હીબકે ચડી. આકાશ ગુસ્સે થયો. એને સમજાવ્યું કે છેલ્લા છ કલાકથી માલતી‘’મેં ધક્કો જાણી જોઈને નથી માર્યો’’ એવી માળા જપે છે પણ ધક્કો લાગ્યો છે કોને? ત્યાં કોઈ હતું જ નહી. માલતી સ્તબ્ધ.
મમ્મીએ માલતીના માથા પર હાથ મુક્યો અને સમજાવ્યું કે ‘’તારા મનનો વહેમ છે બેટા કોઈ હતું જ નહીં.’’ મમ્મી આકાશને કહેવા લાગ્યા. ‘’માલતી સાવ નાની હતી ત્યારે આવી રીતે જ ડરી ગયેલી. પડોશીના ઘરે વારંવાર ડોરબેલ વગાડવા જતી. પડોશીના સીત્તેર વર્ષના ડોશી માલતી પર બહુ ચીડાતા. એકવાર એ ગુસ્સો કરી દરવાજો ખોલવા ગયા અને લપસીને પડ્યા. બ્રેઈન હેમરેજ થયું અને ગુજરી ગયા. ત્યારે પણ માલતી આમ જ ડરી ગયેલી. ’’ આટલું સાંભળી માલતી ચોંકી ઉઠી. એનું રડવાનું અટકી ગયું. અચાનક એને બધું જ યાદ આવી ગયું. વર્ષો પહેલાના એ સીત્તેર વર્ષના પડોશી માજી અને ઝીણાઝીણા ફ્લાવરની પ્રિન્ટવાળું બ્લુ ગાઉન !

લેખક : રામ મોરી

હવે રામ મોરીની નવી નવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી