કોટનનો ઘુંઘટ – અને એક સાથે બે દુર્ગામાનું વિસર્જન થયું… વાંચો લાગણીસભર વાર્તા…

“કોટનનો ઘુંઘટ”

નવરાત્રીના દિવસો પૂરાં થવામાં હતા. સોસાયટીની સ્ત્રીઓ ચોગાનમાં મુકાયેલી માંડવીની આસપાસ ગરબા લેતી. મુંબઈ જેવા શહેરની એકલદોકલ સોસાયટીમાં હજું શેરી ગરબા સચવાયેલા હતા.. સોસાયટીની બધી સ્ત્રીઓ ભાવથી માતાજીના ગરબા ગાતી. બાર વાગ્યાની આસપાસ ગરબા પૂરાં થાય અને પ્રસાદ વહેંચાય. બધી સ્ત્રીઓ પ્રસાદ ખાતી હોય ત્યારે બી વીંગમાંથી એક સ્ત્રીની ચીસો સંભળાતી, દરરોજ.બી વીંગના પાંચમા માળનો પહેલો ફ્લેટ. એ સ્ત્રીનું નામ કોઈને આવડતું નહોતું. કોટનની ડાર્ક રંગની સાડીઓના મોટા ઘુંઘટમાં એ ચહેરો ઢાંકી રાખતી. ફૂલ સાઈઝનું કોણી સુધીનું બ્લાઉઝ, ઘુંઘટમાંથી દેખાતું કાળા મોતીવાળું ચાંદીનું મંગળસુત્ર, બંને હાથમાં એક એક સોનાની અને બાકી કાચની લીલી બંગડીઓ. ડાર્ક લાલ રંગથી રંગાયેલા નખ અને પગમાં મોજડી. એનો ચહેરો ક્યારેય કોઈએ જોયો નહોતો. સતત ઘુંઘટમાં રહે. નીચે એ શાકભાજી લેવા આવે ત્યારે એના સાસુ એની સાથે હોય જ. પરણીને આ સોસાયટીમાં આવી એ વાતને આઠેક મહિના થઈ ગયા. કોઈ કહેતું કે એ બિહારની છે, કોઈ કહેતું કે યુ.પી. કે એમ.પી.ની છે. ઘુંઘટની આડશમાં દેખાતી ડાર્ક આઈલાઈનર કરેલી એ આંખોનું તળ કોઈ નક્કી નહોતું કરી શકતું. એ છોકરી પરણીને આવી એના મહિના પહેલાં જ એના સાસરિયાના લોકો આ સોસાયટીમાં રહેવા આવ્યા હતા. સોસાયટીની સ્ત્રીઓએ આજ સુધી એ પાંચમા માળાના ઘર વીશે અનેક વાતો સાંભળી હતી.“તમને ખબર છે ? એ જેને પરણી છે એ એનો બનેવી જ થાય છે. આની પહેલાં એની મોટી બહેન આ લોકોમાં પરણીને આવેલી. બાળક નહોતી દઈ શકતી તો મારી નાખી હતી.”

“હા, એની બહેન મરી ગઈ એટલે એ લોકોના રીવાજ પ્રમાણે નાનીને પરણવું પડ્યું.”

“હાય હાય, પોતાના બહેનના હત્યારાને તો કેમ પરણી શકાય, જોડે જ કઈ રીતે રહી શકાય”

“બિચારી, ઘુંઘટમાં કેટલી ગુંગળાઈને એકલવાયું જીવતી હશે.’’

“મિલમાં નોકરી કરે છે એનો વર. રોજ રાત્રે દારૂ પીઈને આવે છે અને આખા દિવસનો ગુસ્સો આ બાઈ પર ઉતારે છે’’

“મા વગરની છે, દારુડિયા બાપે પૈસા માટે મોટી પણ આ જ ઘરમાં આપી અને નાની પણ આપી દીધી’’

“તમને ખબર છે ? સાવ અભણ છે એ. વાંચતા લખતા બિલકુલ નથી આવડતું.’’

“ઓય મા બિચ્ચારી…’’
આ બધી વાતોની વચ્ચે એક વાત હંમેશા આગળ મુખ્ય રહેતી કે એ કેવી દેખાતી હશે. કોઈ કહે બહું જ રૂપાળી છે, કોઈ કહે એકદમ કાળી છે, કોઈ કહેતું કાળી ભલે હોય પણ નમણી બહું જ દેખાય છે. આ બધામાં એક વાત તો સાવ સાચ્ચી એ કે કોઈએ સ્પષ્ટ ચહેરો નહોતો જોયો. કંઈક વિચિત્ર હિન્દીમાં એની સાસુ સતત એ વહુને ધમકાવતી રહે. રાત્રે એનો વર કામ કરીને આવે પછી માર્યા કરતો. કોઈ કહેતા લેણું વધી ગયું છે એટલે પેલો બધો ગુસ્સો એની વહુ પર કાઢે છે. કોઈ કહેતું કે બાળક થાય એમ નથી એ વાતનો ગુસ્સો છે. વાત જે હોય તે પણ કોટનના ઘુંઘટની પેલે પાર બે આંખો ગુંગળાતી અને ભીંજાતી એ સત્ય હતું.

બાજુમાં જ બંગાળી કોલોની હતી. સો બસ્સો બંગાળી પરિવાર રહેતા. એ બધા લોકોએ એની કોલોનીમાં દુર્ગા પૂજા રાખી હતી. છઠ્ઠા નોરતાથી પંડાલમાં દુર્ગાની મૂર્તિ સ્થપાઈ. સોસાયટીની સ્ત્રીઓ પોતાના ગરબા પૂરા કરી બંગાળી કોલોનીમાં દુર્ગામાતાની મૂર્તિના દર્શન કરવા જતી.
એ બપોરે સોસાયટીની સ્ત્રીઓએ પેલી કોટન સાડીના ઘુંઘટવાળીની મરણતોલ ચીસ સાંભળી. બધી બારીઓ ખુલી, આંખો અને કાન સીધા બી વીંગના પાંચમા માળે. કોઈ કહેતું હતું કે એમણે થેલો લઈને ભાગી જતી પેલી કોટન સાડીના ઘુંઘટવાળી સ્ત્રીને જોઈ હતી. એના વરે એને અધવચ્ચેથી પકડી લીધી હતી. પેલી કદાચ ભાગીને એના ઘરે જતી રહેવાની હતી. સાંજે ગરબા ગાવા ભેગી થયેલી સ્ત્રીઓએ વાતો કરી કે આજે તો એને બહું મારી !

દશમની છેલ્લી પૂજા હતી. અચાનક પોલીસ વાનની સાઈરન સંભળાઈ. પાછળ એમ્બ્યુલન્સ. ફરી વાતો થઈ. શું થયું શું થયું ? . બી વીંગની એક સ્ત્રી દોડતી આવી કે,

“આપણી સોસાયટીમાં ખૂન થઈ ગયું !”

“કોનું ?” બધી સ્ત્રીઓ દોડી. પંડાલમાંથી દુર્ગાની મૂર્તિ વિસર્જન માટે આગળ વધી. મહિલા પોલીસની હાથકડી પહેરીને પેલી કોટન સાડી દાદરા ઉતરતી હતી. સોસાયટી માણસોથી ખીચોખીચ.
“એનો વર એને સળગાવવા નજીક આવ્યો તો રસોડાની ચપ્પુથી એણે વરને પતાવી દીધો.” ગણગણાટ. ફાટી આંખે સોસાયટીની સ્ત્રીઓ જોઈ રહી. પોલીસની વાન અને દુર્ગાની મૂર્તિવાળો ટ્રક ટ્રાફિકમાં ફસાયા હતા. વિસર્જનના ઢોલ નગારા વાગતા હતા. અબીલ ગુલાલકંકુ ચોમેર. ઘુંઘટમાં મોઢું ઢાંકેલી એ સ્ત્રીના ચહેરા પર વિસર્જનનું કંકુ ઢોળાતું હતું !

લેખક : રામ મોરી

દરરોજ રામ મોરીની વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી