રામ મોરીની કલમે લખાયેલો બે પેઢીના મતભેદ અને મનભેદની કથા…પપ્પા અને દીકરાના ઘર્ષણની વાત રજૂ કરતો કાગળ….

ડિયર કરણ,

તારો કાગળ મળ્યો. ના, કાગળ નહીં ચીઠ્ઠી મળી, નાની ચબરખી. એમાં ગણીને માંડ પાંચ સાત લાઈનો લખી હતી. એ શબ્દો ઓછા અને આરોપો ઝાઝા હતા. ‘’પપ્પા, હું ઘર છોડીને શહેર છોડીને જાઉં છું….તમારા પાપડ થેપલાના બિઝનેસમાં મારું કોઈ ફ્યુચર નથી….મારી જીંદગી મારી શરતે જીવીશ…પ્લીઝ કોઈ મેણા ટોણા કે શંકા ન કરતા હું હવે મોટો થઈ ગયો છું….તમે મને ક્યારેય મોટો થવા નહીં દો…કાલે સવારે પાંચ વાગ્યાની ટ્રેન છે…મને તમારી પાસે પરવાનગી સિવાય બીજી કોઈ અપેક્ષા નથી….અને છેલ્લે…તમારો દિકરો કરણ.’’
આવું બધું છૂટક છૂટક અને ગરબડિયા અક્ષરોમાં, કંઈ કેટલાય ચેકચાક સાથે લખ્યું હતું. ડાઈનીંગ ટેબલ પર મળી તારી ચીઠ્ઠી. રાત્રે એક વાગ્યે દુકાનેથી ઘરે આવ્યો અને તારી આ ચબરખી મળી. તને જગાડવાનું મન થયું પણ સામાન પેક કરીને તું જે ગાઢ નિંદરમાં હતો તો તને ઉઠાડ્યો નહીં. ડ્રોઈંગરૂમમાં અંઘારામાં ક્યાંય સુધી બેસી રહ્યો અને પછી રાતના ત્રણ વાગ્યે તને આ કાગળ લખવા બેઠો છું.

પહેલીવાત તો બેટા તું જ્યારે નાનો હતો અને હું દુકાનેથી થાક્યો પાક્યો ઘરે આવતો ત્યારે તું દોડીને પાણિયારે પહોંચી જતો. ટેબલ ઘસડતો ઘસડતો પાણિયારા સુધી પહોંચતો. ટેબલ પર ચડીને મારા માટે પાણીનો ગ્લાસ ભરી લાવતો. પછી દોડતો દોડતો મારી પાસે આવતો અને કહેતો કે, ‘’પપ્પા, મેં જાત્તે એકલાએ પાણી ભરી લીધું.’’ હું એ વખતે તને ઉંચકી લેતો અને તારા ગાલને પંપાળીને બચીઓ ભરતા કહેતો કે, ‘’મારો દિકરો તો જુઓ એકદમ મોટો થઈ ગયો છે…જાત્તે પાણી ભરી લાવ્યો છે !’’ બેટા, પાંચ વર્ષના એ તને છાતીએ વળગાડીને મેં તો એ ક્ષણેથી જ એને મોટો માની લીધો હતો. મેં તો તને એ સમયે પણ નાનો નહોતો ગણ્યો.
બીજી વાત, તું આ જેને પરવાનગી કે પરમીશન કહી રહ્યો છે એની તો તને ખરેખર કોઈ જરૂર નથી. કોઈ ચોક્કસ પરિણામ સુધી પહોંચ્યા પછી લોકો પોતાનો નિર્ણય સંભળાવે પરવાનગી ન માગે. બધું નક્કી થઈ ગયા પછી પરવાનગી ન હોય. તેં તો તારો નક્કર નિર્ણય મને જણાવ્યો છે તો એમાં મારી પોલી પરવાનગીને ક્યાંય જગ્યા નથી. હા, પરમીશન અને ડિસીઝન આ બંને વચ્ચેનો તું ભેદ જ ભૂલી ગયો છે એટલે મારે માનવું પડે કે તું ખરેખર મોટો થઈ ગયો છે. તું જેને થેપલા અને ખાખરાની દુકાન કહે છે, દુકાન નહીં…તારા માટે તો એ શરમ છે પણ મારા માટે એ મારી ખુમારી છે, મારી આબરું છે. તને આ ધંધો ન ગમે, ન ફાવે એ સમજી શકાય પણ તને શરમ આવે એ વાત મારાથી સ્વીકારી ન શકાય. આ ખાખરા થેપલાના ધંધાના કારણે ત્રણ ટાઈમ જમવાનું આપણને નસીબ થાય છે, આ ઘર ઉભું છે એના પાયામાં આ ખાખરા થેપલાની મહેરબાની છે. તમે મોંઘી મોંઘી સ્કૂલ કોલેજમાં ભણ્યા એ બધું…છોડ મને તારી જેમ વેઢે બધું ગણાવતા નહીં આવડે કેમકે હું બાપ છું.તને આજ સુધી મેં કોઈ વાતની ના નથી પાડી. તારી દરેક ઈચ્છાઓને મેં માન આપ્યું છે કરણ. પણ તું આજે મારા બિઝનેસને માન ન આપી શક્યો એ વાત બહુ ખટકી છે. તારા મનમાં તારી પોતાની જીંદગીના રંગો હોય, તારા પોતાના પ્લાનીંગ હોય, સપના હોય એ બધી હકીકતો સામે મને કોઈ વાંધો ન હોઈ શકે. મેં પોતે પણ મારું ગામડું અને મારા બાપૂજીની ખેતી છોડેલી. હું પણ તારા જેવડો હતો ત્યારે અહીં અમદાવાદમાં આવીને વસી ગયેલો. પણ મને એ વાતનું બહુ ગૌરવ છે કે મેં મારા બાપૂ સાથે સંવાદ કર્યા હતા, હું આવી ચબરખી લખીને છૂટી નહોતો ગયો. મેં મારી વાત એમને સમજાવી હતી, એ માટેની મારી આવનારી તકલીફોની ચર્ચા અમે લોકોએ કરી હતી, મેં ખેતીવાડી એટલે નહોતી છોડી કેમકે મને શરમ આવતી હતી પણ મેં એટલે છોડી હતી કેમકે મને એ ફાવતી નહોતી.
હવે મને એવું થાય છે કે લોકો એમ કહે છે કે આ ટેક્નોલોજીનો યુગ છે, માણસ ટેક્નોલોજીમાં અપગ્રેડ થયો પણ સાથોસાથ મને એમ પણ થાય કે સંબંધોમાં કેમ માણસ અપગ્રેડ નથી થઈ શકતો. બદલાતા સમય સાથે બે લોકો વચ્ચેના સંવાદ કેમ મરી પરવાર્યા છે ? હું આમાં માત્ર તારો વાંક નથી જોતો. ક્યાંક મારા પક્ષે પણ કશીક કચાશ રહી ગઈ હશે. તારી આ નાનકડી ચબરખીએ તો મારા ઉછેર પર શંકા ઉભી કરી દીધી છે. તું મને ખુલ્લા મનથી તારી વાત કહી જ ન શકે એવો વ્યવહાર તો મેં ક્યારેય તારી સાથે રાખ્યો નહોતો. ઉંમરના એક તબક્કે દરેક બાપ એને દિકરાને દોસ્ત માને છે. પછી આ જ દોસ્ત બધી વાતો સંતાડે અને દરેક વાતે સંકોચાય ત્યારે બાપને એ વાતનું ખોટું બહુ લાગે કે એ દોસ્ત ન જ બની શક્યો.

કોઈપણ સંબંધનો પાયો વિશ્વાસ પર ટકેલો હોય છે બેટા. જો એ વિશ્વાસનો પાયો જ નબળો હોય તો પછી એ સંબંધોમાં તમે ગમ્મે એટલું ઈનવેસ્ટ કરો એ બધું નકામું. તું ક્યાં જવાનો, શું કરવાનો તે કશું કીધું નથી…એટલે હું તને પૂછવાનો પણ નથી પણ એટલું કહીશ કે તારું ધ્યાન રાખજે. બિઝનેસ કોઈપણ કર પણ એમાં તારી ખુદ્દારી રાખજે, તારું સ્વમાન જળવાય ત્યાં જ કામ કરજે. તારી જીંદગીમાં આગળ વધવાના તને બહું બધા શોર્ટકટ મળશે પણ થોડો હેરાન થઈને પણ તું તારા મૂલ્યો સાથે બાંધછોડ ન કરતો. હું એકવાત શીખ્યો છું મારા બાપૂ પાસે જે તને શીખવીશ. સાંજે તમે ઘરે આવો અને અરીસામાં તમારું મોઢું જુઓ ત્યારે તમને શરમ ન આવે, કોઈવાતનો સંકોચ ન થાય બસ એવી જીંદગી જીવવાની. ગમ્મે એટલો કપરો સમય હોય પણ એ સમયને વીતી જવું જ પડશે એ યાદ રાખજે. મેં ક્યારેય તને મારી સંઘર્ષ કથા નથી કીધી. મને નથી ગમતું કે દરેક બાપ પોતાના દિકરાઓને પોતપોતાના સંઘર્ષની કથા સંભળાવે અને પછી સંતાનોના મોઢે બોલાવડાવે કે જુઓ, તમારા પપ્પા કેટલા મહાન છે. દરેક માણસનો પોતાનો સંઘર્ષ છે, દરેક માણસની પોતાની કથા છે, જરૂરી નથી જ કે જે રસ્તે જે ખાડે હું પડ્યો ત્યાં મારા પછી આવનારો પડે જ. દરેક શ્વાસ પોતિકા છે એમ તકલીફ પણ પોતીકી છે. એક ટંક જમીને, પ્લેટફોર્મ પર સૂઈને રાતોની રાતો કામ કરીને જુઓ આજે હું ક્યાં પહોંચ્યો એવી કથા સંભળાવીને મેં તારી પાસેથી તાળીઓ ક્યારેય નથી ઉઘરાવી. તારી પાસે પણ આ જ અપેક્ષા રાખું છું કે તું પણ તારા સંઘર્ષને સીમ્પથીનું હથિયાર ન બનવા દેતો. તારી તકલીફોને તારી તાકાત બનાવજે. એક વાત હંમેશા યાદ રાખજે કે તું જે કંઈ પણ કરે છે એ તારી ઈચ્છાથી અને તારા માટે કરી રહ્યો છે એટલે એ વાત સાથે આવનારા દરેક પરિણામ માટે તું અને માત્ર તું જ જવાબદાર હોઈ શકે, તારો પરિવાર કે તારા મિત્રો નહીં.તું તારા મનનું સાંભળે છે એ વાત પણ મને અંદરથી બહુ બધી રીતે હરખ આપી રહી છે એ વાત પણ મારે સ્વીકારવી જોઈએ. આ કાગળ તારી બેગમાં મુકી દઉં છું, થોડાક રૂપિયા પણ મુકી રહ્યો છું. તને કંઈપણ જરૂર પડે તો બેશક મને કોલ કરજે. તારી નવી જીંદગી અને તારી સફર માટે તને દીલથી શુભેચ્છાઓ.

તારા પપ્પા

લેખક : રામ મોરી

દરરોજ રામ મોરીની અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી