રક્ષાબંધન – એક બહેન લગ્નના સાત સાત વર્ષ પછી પણ નથી જઈ શકી ભાઈને રાખડી બાંધવા…

ઘર બહાર ન હીંચકે બેઠેલો અમિત કઈક વિચારી રહ્યો હતો. ત્યાં જ ટપાલી નું આગમન થયું. અમિત હીંચકેથી ઉભો થઇ ટપાલી તરફ ગયો. અમિત ના હાથ માં એક કવર પકડાવી ટપાલી વિદાય થયો. એ કવર ને જોઈ અમિત ના ચહેરા પર હર્ષ અને દુઃખ ના મિશ્ર ભાવ છલકાઈ આવ્યા. હર્ષ ના એટલે કે એની લાડકી બહેન રિયા એ આ કવર માં રાખડી મોકલી હતી. અને દુઃખ ના એટલે કે આ વખતે પણ રિયા રૂબરૂ આવી ને અમિત ને રાખડી નહિ બાંધી શકે.

રિયા ના લગ્ન ને 7 વર્ષ વીતી ચુક્યા હતા. પણ આ 7 વર્ષ માં શરૂ ની પહેલી રક્ષાબંધન સિવાય રિયા ક્યારેય અમિત ને રાખડી બાંધવા આવી નહોતી શકી. એટલે આ વખતે પણ દર વખતની જેમ રિયાએ પોતાના ભાઈ અમિત માટે પોસ્ટ માં જ રાખડી મોકલી દીધેલી. રિયા ના લગ્ન પહેલા અમિત અને રિયા અન્ય ભાઈ બહેન ની જેમ જ ખૂબ જ ઝઘડતા પણ રિયા ના લગ્ન બાદ તો જાણે બંને એકબીજા વગર સુના પડી ગયા હતા. અમિત પણ ઉંમર કરતા જલ્દી જ સમજદાર થઈ ગયો હતો. અને બિચારી રિયા તો જાણે સાવ શાંત જ થઈ ગઈ હતી. ઘર ના અન્ય સભ્યો રિયા ના આ બદલાયેલા વર્તન ને એની પીઢતા માં ખપાવતા પણ અમિત ને આ બદલાયેલી રિયામાં હંમેશા કઈક રહસ્ય લાગતું. અમિત ઘણીવાર પૂછતો પણ ખરા

“રિયા તું ઠીક તો છે ને? તું પહેલા કરતા ઘણી શાંત થઈ ગઈ છે”.. “અરે એ તો એમ જ . સમય જતાં બદલાવ આવે જ આપડા માં” એમ કહી રિયા વાત ને ઉડાવી દેતી. રિયા ની રાખડી મળી ગયા નો ફોન અમિતે રિયા ને કરવાનું વિચાર્યું. રિયા નો નંબર જોડ્યો. સામે છેડે 4 5 રિંગ છતાં રિયા એ ફોન ન ઉપાડ્યો. અમિતે ફરીવાર ફોન જોડ્યો ફરી 4 5 રિંગ પુરી થઈ પણ સદનસીબે રિયા એ ફોન ઊંચક્યો.

“હેલો અમિત” રિયાએ ફોન ઉપાડતા વેંત કહ્યું “હા રિયા. કેમ છે તું?” અમિતે વળતો જવાબ આપ્યો “હું મજામાં છું. પણ હમણાં જરા કામ માં છું પછી ફોન કરીશ” રિયા ઉતાવળા સ્વરે બોલી “અરે પણ તારી રાખડી………”અમિત કઈ બોલવા જાય એ પહેલાં સામે છેડેથી ફોન કપાઈ ચુક્યો હતો. પોતાના ભાઈ સાથે આમ બરછટતા થી વાત કરતી રિયા ફોન મુકતા વેંત રડી પડી. પોતાની પરિસ્થિતિ પર એને ઘૃણા ઉતપન્ન થવા લાગી. હજી વધારે કઈ વિચારે એ પહેલાં તો રિયા ના સાસુ એ જાણે ઝેર મિશ્રિત શબ્દો સાથે એક વાગબાણ નો ઘા કર્યો

“હવે રોદણાં જ રડવા છે કે કઈ કામકાજ કરવાનું છે ઘરમાં. હાલ આમ ઉભી શુ છું” રિયાના સાસુ એ રિયા નો હાથ પકડી એને રસોડા તરફ ધક્કો માર્યો. અને ગઈકાલે પોતાના પતિ મિતેશ દ્વારા આવા જ એક ધક્કા ના કારણે ઝખમી થયેલા હાથ ના દુખાવા માં વધારો કરવા સાસુમા નો એ ધક્કો પૂરતો હતો. પીડાથી કણસી રહેલી રિયા એ જેમ તેમ કરી રસોઈ બનાવી.

સાસરિયા ના ત્રાસથી સંપૂર્ણ રીતે ત્રસ્ત થયેલી રિયા એ આટલા વર્ષો માં પોતાની સ્થિતિ નો ક્યારેય પોતાના માતા પિતા કે પોતાના ભાઈ અમિત ને અણસાર સુધ્ધાં નહોતો આવવા દીધો. પોતાના પિયર માં તો એનું વર્તન હંમેશા એવું જ રહ્યું હતું જાણે એ એની સાસરી માં ઘણી જ ખુશ છે. પણ કરિયાવર રૂપે પોતાની સાથે ઝાઝી વસ્તુ ન લાવી શકનાર રિયા નું એના સાસરિયા એ જીવવું મુશ્કેલ કરી દીધું હતું. લગ્ન ન બીજા જ વર્ષે રિયા એ રક્ષાબંધન પર પિયર જવાની વાત માંડી ત્યારે બદલા માં મિતેશે ચોખ્ખું કહી દીધેલું

“તારી આ 10 રૂપિયા ની રાખડી પાછળ 1000 ના ગાડીભાડા નો ખર્ચો મને પોસાય એમ નથી. તારા માબાપ અહીંયા મારી તિજોરી નથી ભરી ગયા કે હું બે હાથે તારા પાછળ વાપરું. 5 રૂપિયા નું કવર લઈ આવ અને કરી દે તારી આ રાખડી પોસ્ટ” આવા શબ્દો સાંભળ્યા બાદ રિયા ફરી ક્યારેય રાખડી બાંધવા પિયર જવા અંગે ઉચ્ચારી પણ ન શકી. આવુ તો કઈ કેટલુંય હતું જે રિયા પોતાના અંતરના એકાદ ખૂણે ધરબી દઈ હસતા મોઢે વેકેશન માં પિયર જતી. થોડા દિવસ માતાપિતા અને ભાઈ સાથે રહી પોતાના જુના દિવસો તાજા કરી ફરી સાસરિયા ના ઢસરડા કરવા આવી જતી.

આટલું ઓછું હોય એમ છેલ્લા 3 વર્ષથી તો સંતાન ન હોવાના મહેણાં એ રિયા ની રાતો ની ઊંઘ હરામ કરી દીધી હતી. વાતે વાતે સાંભળવા મળતા એ કટુવચન એના ગળે કોળિયો ઉતરવા નહોતા દેતા. દિવસે ને દિવસે રિયા ની સ્થિતિ વધુ ને વધુ કથળી રહી હતી. ઘણીવાર માતાપિતા સાથે આ અંગે વાત કરવાનું વિચારતી પણ પછી નાહક ના એ ચિંતા માં આવી જશે એમ વિચારી પોતાના વિચાર ને પાછલે પાને કરી દેતી.

એ રાત્રે અમિતે ફરી રિયા સાથે વાત કરવા ફોન જોડ્યો પણ ફરી રિયા એ ઊંઘ નું બહાનું કરી અમિત સાથે વાત કરવાનું ટાળ્યું. રક્ષાબંધને પોતાના ભાઈ ને રાખડી રૂબરૂ ન બાંધી શકવાનું એને પારાવાર દુઃખ હતું અને આ દુઃખ અમિત સામે છતું ન પડે એટલે એ અમિત ના ફોન ને ટાળતી રહેતી. રખે ને અમિત ને એની સ્થિતિ ની જાણ થઈ જાય તો બિચારો ચિંતા માં આવી જાય. લગ્ન પહેલા સવાર માં ખુદ વહેલી ઉઠી ને તૈયાર થતી અને અમિત ને પણ પરાણે વહેલો ઉઠાડી તૈયાર થવા કહેતી.

સવારના પહોર માં જ અમિત ના હાથે એને ગમતી રુદ્રાક્ષની રાખડી અને માથે કુમકુમ અને અક્ષત તિલક શોભી ઉઠતું. પોતાનું દાપૂ પણ હકભેર લેતી. એ દિવસો યાદ કરી રિયા ફરી એકવાર રડી પડી. એના ડુસકા મિતેશ ને ઊંઘ માં ખલેલ ન પહોંચાડે એનું બરાબર ધ્યાન રાખી એને માથે બ્લેન્કેટ ઓઢી લીધું. ક્યાંય સુધી એ રડતી રહી. એના આંસુ અને ઓશિકા ના એ ખુણા નું મિલન જોતું હોય એમ સૂર્યનું પહેલું કિરણ એના બ્લેન્કેટ માં પ્રવેશ્યું. હા આખી રાત એ રડતી રહી.

આજે રક્ષાબંધન .સવાર માં ઉઠી ને નાહી ને જૂની જ પણ સ્વચ્છ સાડી પહેરી સૌપ્રથમ રિયા મંદિર વાળા ઓરડા માં પ્રવેશી. આખી રાત રડી ને લાલ થયેલી આંખો સામે જાણે મંદિર માં ટમટમી રહેલો એ લાલ બલ્બ પણ ઝાંખો લાગી રહ્યો હતો. બે હાથ જોડી ભગવાન પાસે બેસી એને પોતાના લાડકા ભાઈ ના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી. ઝડપભેર રસોડામાં પહોંચી પોતાના કામે લાગી ગઈ. મિતેશ માટે ચા બનાવી એને ચા નો કપ અને નાસ્તા ની પ્લેટ મિતેશ ને ધરી. રિયા તરફ જોવાની પણ પરવાહ કર્યા વિના મિતેશે ટીવી જોતા જોતા જ ચા અને નાસ્તા ની પ્લેટ લઈ લીધી. હજી તો રિયા અન્ય કામ માં પરોવાય એ પહેલાં જ ધડામ કરતો ચા ના કપ નો ઘા થયો

“અરે આવી તે કઈ ચા હોતી હશે. કેટલી ખાંડ નાખી છે તે આમે..આટઆટલા વર્ષ વીત્યા ચા બનાવતા ય ના અવડ્યું તને” કહેતા જ મિતેશે હાથ રિયા ના ગાલ પર ઉગામયો. પણ આશ્ચર્યવશ એ હાથ હવા માં જ અટકી ગયો. કદાચ એક વધારે ભારે હાથ દ્વારા મિતેશ ના એ હાથ ને પકડી લેવાયો હતો. રિયા ચોધાર આંસુ એ રડી રહી હતી. સૌના કુતૂહલવશ સામે અમિત ઉભો હતો. અને રિયા ની સ્થિતિ જોઈ અમિત ગુસ્સા માં ભભૂકી ઉઠ્યો

“જીજાજી તમે આમ મારી બહેન પર હાથ ન ઉગામી શકો” “અમિત તું ન બોલીશ. એ અમારા પતિ પત્ની ની વાત છે. તું એમાં ન પડ” હજી પણ પોતાના સાસરિયા નું ઢાંકી રહેલી રિયા ને અમિત જોઈ રહ્યો…

“બસ રિયા. ક્યા સુધી તું આ લોકોનો બચાવ કરતી રહીશ” અમિતે રિયા ને સામો સવાલ કર્યો “તું સમજે છે એવું કંઈ નથી અમિત” રિયા એ જવાબ આપ્યો “આ માણસ ચા જેવી નજીવી બાબતે તારા પર હાથ ઉપાડી રહ્યો છે અને તું કહે છે હું સમજુ છું એવું કંઈ નથી. બહેન તું જરા તારી હાલત તો જો .આ હેવાન લોકો એ તને પજવવા માં કઈ જ બાકી નથી રાખ્યું તેમ છતાં હજી તું એમનો પક્ષ લઈ રહી છે”. રિયા ચૂપ જ રહી.એની આંખો એ અમિત ના સવાલો ના જવાબ આપી દીધા

“હું તો અહીં હોંશભેર મારી બહેન પાસે રાખડી બંધાવવા આવ્યો હતો. પણ તારી આ સ્થિતિ જોઈ મને મારી જાત પર ગુસ્સો આવે છે. આટઆટલા વર્ષો વીત્યા પણ હું તારી સ્થિતિ નો તાગ ન મેળવી શક્યો. દરવખતે મારા હાથે રાખડી રૂપે રક્ષા બાંધતી બહેન ની આવા કપટી લોકોથી રક્ષા ન કરી શક્યો એ બદલ મને માફ કરી દે રિયા” કહેતા અમિત રિયા સમક્ષ ઘૂંટને પડી ગયો “અમિતને પ્રેમથી ઉભો કરી રિયા પોતાના ભાઈ ને વળગી પડી. અત્યાર સુધી અસહાય બનેલી રિયા ને જાણે અમિત ના આવવાથી હિંમત મળી ગઈ

“બહેન તે અત્યારસુધી અમને તારા પર થતા ઝૂલમો અંગે જાણ ન થવા દીધી. પણ તારા આંસુ તારા જેટલા મક્કમ નહોતા. એ તો તારા એ રાખડી સાથે મોકલેલા પત્ર માં પત્ર લખતી વખતે પડેલા આંસુઓની છાપ છોડી ચુક્યા હતા. અને એ જોતાં જ મને અહીં આવવા નું મન થઇ ઉઠેલું. સારું થયું હુ આવી જ ગયો. બસ હવે બહુ થયું . તું હવે અહીંયા એક મિનિટ પણ નહિ રહે. ચાલ મારી સાથે” કહેતા અમિતે રિયા નો હાથ જાલી ઘર બહાર પગ મૂક્યો “તું એને આમ અહીંયાંથી ન લઈ જઈ શકે” મિતેશે પોતાનો બચાવ કરવા પ્રયત્ન કર્યો

“તારા માટે જે રાખડી ની કિંમત ફક્ત 10 રૂપિયા છે ને પણ મારા માટે એ અણમોલ છે. અને મારી બહેન એથી પણ વધુ અણમોલ. હવે હું રક્ષાબંધન નું ઋણ ચૂકવી ને જ રહીશ. હું એને લઈ જ જઇશ ફરી ક્યારેય પાછી ન મૂકી જવા માટે. હવે જે વાત કરશે એ અમારો વકીલ કરશે” કહેતો અમિત પોતાની બહેન ના હાથ માં રાખડી આપી. રિયા એ પણ પોતાના ભાઈ ના કાંડે રાખડી બાંધી. અને બંને ભાઈ બહેન ત્યાંથી નીકળી ગયા.

લેખક : કોમલ રાઠોડ

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ