ક્રીકેટર બનવાનું સ્વપ્ન રોળાયુ અને ઉભું કરી દીધું કોરોડનું બિઝનેસ એમ્પાયર..

ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ વ્યક્તિનું એક સ્વપ્ન પુરું ન થાય તો તે નિરાશ થઈ જાય છે. તે પોતાના નસિબને કોસ્યા કરે છે. અને કેટલીકવાર માણસ એટલો નિરાશ થઈ જાય છે કે આત્મહત્યા કરવા જેવું કૃત્ય પણ કરી લે છે. અને પછી પોતાના કુટુંબીજનોને રડતાં મુકી દે છે. અને આ કોઈ એક વ્યક્તિની માનસિકતા નથી આપણામાંથી ઘણા આવી માનસિકતા ધરાવે છે. જે એક વસ્તુમાં નિષ્ફળ ગયા બાદ બીજી વાર ઉંચા થવાની હામ નથી રાખતા. જેસેથે સ્થિતિમાં જ આખું જીવન પસાર કરી દે છે.

પણ માણસ અલગ, વિશિષ્ટ, સફળ, વખાણવાપાત્ર, લોકપ્રિય ત્યારે જ બને છે જ્યારે તે ક્યારેય હાર નથી માનતો. ઇશ્વરે આપણા માટે બધા જ રસ્તાઓ હંમેશા ખુલ્લા જ રાખ્યા હોય છે. ફરક માત્ર એટલો છે કે તેને આપણે જોઈ નથી શકતા અથવા તો જોવાની તકલીફ લેવા નથી માગતા. માટે હંમેશા આપણે નવા રસ્તાઓની શોધ કરતાં રહેવું જોઈએ કોને ખબર કે તે જ રસ્તો તમને કોઈ નવી ઉંચાઈ તરફ લઈ જાય.

ઘણીવાર એવું થતું હોય છે કે આપણે સંપૂર્ણ લાયક હોવા છતાં યોગ્ય સંસાધન નહીં મળવાના કારણે આપણા સ્વપ્નાઓ સાથે સમાધાન કરી લઈએ છીએ. પણ તે મુશ્કેલીના સમયમાં પણ જો આપણે આપણા આત્મવિશ્વાસને અડગ રાખીશું તો એવી કોઈ જ શક્તિ નથી કે તમને સફળ થતાં રોકી શકે. આજે અમે તેવી જ એક વ્યક્તિ વિષે વાત કરવા જઈ રહ્યા છે જેણે બધા જ પડકારોને માત આપી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતી કંપની ઉભી કરી છે.

30 વર્ષના રજનીશ કુમાર, બિહારના પટના શહેરના રેહવાસી છે. તેમના પિતા વેદપ્રકાશ તિવારી વિજીલેન્સ ડિપાર્ટમેન્ટમાં ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા હતા. આમ તો રજનીશનો જન્મ સીવાનમાં થયો હતો પણ બાળપણથી જ તે પટનામાં રહે છે. પટનાની જ વલ્ડવિન શાળામાં તેમણે દસમા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને કોલેજ ઓફ કોમર્સમાંથી 12મું ધોરણ પૂર્ણ કર્યું હતું. રજનીશ અભ્યાસમાં વધારે રસ નહોતા ધરાવતા, તેમને તો ક્રિકેટનો ખુબ શોખ હતો. જો કે કૌટુંબિક પ્રેશરના કારણે તેમણે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો અને એક્સટર્નલ શીક્ષણ દ્વારા એમબીએ કરવા પ્રવેશ લીધો. ક્રિકેટ પ્રત્યે તેમનું પેશન એટલું બધું વધી ગયું હતું કે તેમણે ઇનડોર સ્ટેડિયમ ક્રિકેટ ફોર્મેટમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ કરી હતી. પણ બિહારને બીસીસીઆઈ દ્વારા માન્યતા નહીં મળવાના કારણે તેમનું ક્રિકેટર બનવાનું સ્વપ્ન સ્વપ્ન જ રહી ગયું.

તે જણાવે છે “બિહાર સ્ટેટને માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે મારે ક્રીકેટ છોડવું પડ્યું. તે જ કારણે બિહારના ખેલાડીઓને રણજી રમવાનો મોકો નથી મળતો. મારી પાસે બે જ રસ્તા હતા કે હું બીજા રાજ્યમાંથી ક્રીકેટ રમુ અથવા તો ક્રીકેટ જ છોડી દઉં. કૌટુંબિક સ્થિતિ ઠીક ન હોવાના કારણે હું બીજા સ્ટેટમાંથી રમવા જઈ શકું તેમ નહોતો. તે સમયે મારા પિતા એક કોન્સ્ટેબલ હતા અને તેમની આવક તેટલી નહોતી. મારી સાથેના મોટા ભાગના ખેલાડીઓ હાલ કોઈ બેન્ક કે સરકારી ઓફિસમાં ક્લાર્કની નોકરી કરે છે. હું પણ રમત ક્વોટામાંથી સરકારી નોકરી લઈ નોકરી કરતો હોત.”

રજનીશે ભારતી ઇન્ફ્રાટેલમાં એડમિનની નોકરી કરવાની શરૂ કરી અને ત્યાંથી જ તેમને ટેલિકોમ સેક્ટરની જાણકારી પ્રાપ્ત થઈ. નોકરી દરમિયાન રજનીશના મગજમાં ઇ-કોમર્સ સાઇટ્સની જેમ જ એક ઓનલાઇન રિચાર્જ પોર્ટલ બનાવવાનો આઇડિયા આવ્યો. નોકરી દરમિયાન તેમણે બિમકો ઇન્ડિયાના નામથી પોતાની એક કંપની બનાવી. તે રિટેલર્સને એક એવું પ્લેટફોર્મ આપવા માગતા હતા જે દ્વારા એક જ સિસ્ટમમાંથી મોબાઈલ, ડીટીએચ વિગેરેનું રિચાર્જ થઈ શકતું હતું.

તેમની કંપનીના નામ પાછળ પણ એક રસપ્રદ કિસ્સો છે, રજનીશના મગજમાં કોઈ નામ જ નહોતું આવતું. ત્યાં જ તેમની નજર એક માચિસની ડબ્બી પર પડી તેના પર લખ્યું હતું વિમકો અને આવી રીતે તેમણે પોતાની કંપનીને નામ આપ્યું વિમકો. તેમ છતાં રજનીશે પોતાની નોકરી તો ચાલુ જ રાખી જેથી કરીને શરૂઆતમાં તે પોતાને ત્યાં કામ કરતા લોકોને સેલેરી આપી શકે. 2 મહીના બાદ જ પૈસાની તંગીના કારણે તેમણે પોતાની કંપની બંધ કરવાની નોબત આવી ગઈ.

રજનીશ જણાવે છે, “અમારી કંપની બંધ થવાની અણી પર આવી ગઈ કારણ કે અમારે ત્યાં કામ કરતા લોકો વધારે પૈસાની લાલચમાં બીજી કંપનીમાં જવા લાગ્યા હતા. તે સમયે મારા મિત્ર પ્રમોદ સિંહે મારી ખુબ મદદ કરી અને કંપની ફરી ઉભી થઈ શકી.”

ફરી પાછી રજનીશની કંપની પાટા પર આવી ગઈ હતી અને જોતજોતામાં કરોડોનું ટર્નઓવર થવા લાગ્યું. હાલ કંપની પાસે 1 મિલિયન રજિસ્ટર્ડ ઉપભોગતા છે. અને દર મહીને 7 મિલિયનથી પણ વધારે ઓર્ડર મેળવે છે. આટલું જ નહીં તેમણે પોતાની સેવાઓ દ્વારા 5000 રિટેલરોને પણ જોડ્યા છે. હાલમાં કંપનીનું વાર્ષિક ટર્નઓવર કરોડો રૂપિયામાં છે.
રજનીશની સફળતા એ બાબત તરફ ઇશારો કરે છે કે જો નસીબ એક દરવાજો બંધ કરી દે તો ઘણા બધા દરવાજા ખોલી પણ આપે છે. હવે તે આપણા પર આધાર રાખે છે કે આપણે તે ખુલ્લા દરવાજાનો ઉપયોગ કરીને જીવનમાં આગળ વધીએ અથવા તો લમણે હાથ દઈને બેઠા રહીએ.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી