ભાત અને પરાઠા સાથે ખુબ જ ટેસ્ટી લગતા ‘રાજમા’ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી જોઇને આજે જ ટ્રાય કરો

‘રાજમા’

રાજમા મસાલા એ નોર્થ ઈન્ડિયાની બહુ જ પ્રખ્યાત ડીશ છે. જેને ભાત જોડે સર્વ કરવામાં આવે છે. પરાઠા સાથે પણ એટલા જ સરસ લાગે છે.રાજમાને કિડની બીન્સ પણ કહેવામાં આવે છે.

રાજમા ટેસ્ટમાં જેટલા સ્વાદિષ્ટ છે એનાથી વધુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છે. રાજમા માં ફાયબર પણ વિપુલ માત્રા માં આવેલુ હોય છે. જેના ઉપયોગ થી બીજા પણ ઘણા ફાયદા છે.

રાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે.

ખાસ કરી ને બાળકો ને રેગ્યુલર આપવાથી એમના વિકાસ થવા માં પણ હેલ્પ કરે છે.
રાજમા અને ભાત એ સંપૂર્ણ આહાર છે .. ચોક્કસ થી તમારા ડાયેટ માં એને સ્થાન આપો.

રાજમા મસાલા માટેની સામગ્રી:-

રાજમા પલાળવા માટે

2 કપ રાજમા,
પાણી,
તજ પત્તા,
સ્ટાર એનિસ,
મીઠું,
ચપટી ખાવનો સોડા,

રીત :

એક તપેલા માં રાજમા લઇ ને 2-3 પાણી થી ધોઈ લો. હવે 8 કપ હુંફાળું ગરમ પાણી નાખો અને ઢાંકી ને મૂકી દો. અને 8-10 કલાક પલાળવા દો.

સવારે તાજા પાણી થી રાજમા ને 3-4 વાર ધોઈ લો અને કુકર માં બમણું પાણી , મીઠું, તજપત્તા, સ્ટાર એનિસ , ખાવાનો સોડા નાખી ને 5-6 સીટી વાગે ત્યાં સુધી બાફી લો. (જેટલા રાજમા હોય એનાથી 2 ગણું પાણી મૂકવું) બફાઇ ગયા બાદ તજપત્તા અને સ્ટાર એનિસ નીકાળી લો. અને બાફેલા રાજમાનું પાણી એમાં જ રેહવા દો.

રાજમા મસાલાના વઘાર માટેની સામગ્રી:-

2 ચમચા તેલ,
1 મોટી સમારેલી ડુંગળી,
3 ટામેટાંના ટુકડા,
8-10 કળી લસણ,
1 મરચું કાપેલું,
1 ચમચો આદુ મરચાંની પેસ્ટ,
1 ચમચી જીરુ,
ચપટી હિંગ,
1-2 ચમચી હળદર,
2 ચમચી મરચું,
1 ચમચી ધાણાજીરું,
1 ચમચી પાવભાજી મસાલો,
1 ચમચો તાજી મલાઈ,
મીઠું સ્વાદાનુસાર,
1 ચમચો સમારેલી કોથમીર ગાર્નીશ કરવા માટે.

રીત:-

સૌ પ્રથમ ટામેટાં , લસણ, અને મરચાંને એક મિક્સર બાઉલમાં લઇને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેમાં જીરુ , હળદર અને હિંગ ઉમેરી ને ડુંગળી ,આદુમરચાની પેસ્ટ ને 2-3 મિનીટ મધ્યમ આંચ પર સાંતળો.

પછી તેમાં ટામેટાંની પેસ્ટ નાખી ને 5-7 મિનિટ મધ્યમ આંચ પર સાંતળો. પછી જ્યારે પેસ્ટ માંથી તેલ છૂટું પડવાનું શરૂ થાય એટલે મીઠું , મરચું, ધાણાજીરુ અને પાવભાજી મસાલો નાખી ને 1-2 મિનીટ સાંતળો . ત્યારબાદ બાફેલા રાજમા એના પાણી સાથે જ ઉમેરી દો. મધ્યમ આંચ પર 10-12 મિનીટ પકાવો.

અને આ રાજમા મસાલામાં ફ્રેશ મલાઈ અને કોથમીર ઉમેરીને ભાત કે પરાઠા સાથે સર્વ કરો . દહીં અને સલાડ પણ જોડે સર્વ કરો..

સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ એવા રાજમા મસાલા તૈયાર છે.

નોંધ:-

– બાફતી વખતે મીઠું નાખ્યું છે એટલે વઘારમાં મીઠું ઓછું ઉમેરવું.
– બાફેલા રાજમાનું પાણી થોડું ડાર્ક કલરનું જ હોય છે પણ એનાથી જ ગ્રેવી સ્વાદિષ્ટ બને છે.
-બાફીને રાજમાને હાથેથી ક્રશ કરી જોવો .. જો જરાપણ કડક લાગે તો ફરીથી સીટી વગાડીને બાફી લો.
-તમે ઈચ્છો તો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. પાવભાજી મસાલાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.
તમે ટામેટાંનું પ્રમાણ વધુ કે ઓછું કરી શકો છો.
-રાજમા ભાત સાથે ખૂબ જ સરસ લાગે છે. તમે ઇચ્છો તો એની જોડે જીરા રાઈસ પણ બનાવી શકો.
-ગ્રેવી વધુ કે ઓછી તમારી ઈચ્છા પ્રમાણે કરી શકો છો. ભાત જોડે સર્વ કરવા ગ્રેવી વધુ જોઈશે.
-બાફેલા રાજમાંનું પાણી ગ્રેવી માટે પુરતું ના હોય તો તમે ગરમ પાણી ઉમેરો ગ્રેવી માટે .
-બાફેલા રાજમા સલાડમાં એટલા જ ટેસ્ટી લાગે છે.

રસોઈની રાણી : જલ્પા મિસ્ત્રી (અમદાવાદ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી