રાજકોટની પ્રખ્યાત ચટણી By અલ્કા સોરઠીયા, શીખી લો સ્ટેપ બાય સ્ટેપ ફોટો જોઇને…

મિત્રો,
ચટણીનું નામ સાંભળતા જ નાના-મોટા સૌના મોમાં પાણી આવી જાય છે. સવારનો નાસ્તો હોય કે બપોરનું જમણવાર કે પછી સાંજનું વાળું, ચટણી ભોજનના સ્વાદમાં વધારો કરીને સ્વાદિષ્ટ બનાવે છે. બોરીંગ લાગતા ભોજન સાથે ચટણી પીરસવાથી ન ખાવું હોય તો પણ ખાવાની ઈચ્છા થઇ જાય છે. અવનવા નાસ્તા અને ફરસાણ સાથે ચટપટ્ટી ચટણી સર્વ કરવાથી નાસ્તા અને ફરસાણના સ્વાદમાં ચાર-ચાંદ લાગી જાય છે. આવી ચટણીઓ ઘણી બધી અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. તેમાં પણ રાજકોટની ગ્રીન ચટણી મળી જાય તો ખુબ જ મજા પડી જાય છે તો આજે હું સરળ રીતથી, ફટાફટ અને રસોડામાં જ હાજર ઇન્ગ્રેડિયન્ટ્સની મદદથી સ્વાદમાં બેસ્ટ એવી લીલી ચટણી બનાવવાની રેસિપી શેર કરું છું, તો ચાલો બતાવી દઉ રાજકોટની પ્રખ્યાત ચટણી બનાવવાની રેસિપી

સામગ્રી :

* 1/2 કપ સીંગદાણા,

* 8 થી 10 તાજા લીલા મરચાં,

* 1/4 ટેબલ સ્પૂન મીઠું,

* 1/4 ટેબલ સ્પૂન હળદર,

* 1 ટેબલ સ્પૂન લીંબુનો રસ,

તૈયારી :

લીલા મરચાને સાફ પાણીથી ધોઈ કોરા કરી નાના ટુકડામાં કાપી લો.

રીત :

1) સૌ પ્રથમ નાના મિક્સર જારમાં સીંગદાણા પીસી લો. નાના મિક્સર જારમાં ડબલ બ્લેડ હોવાથી સરસ સ્મૂથ પીસી શકાય છે. સિંગદાણાને થોડા થોડા લઇ બે થી ત્રણ વારમાં ક્રશ કરવા જેથી સરસ બારીક પીસી શકાય.

2) હવે ક્રશ કરેલા સીંગદાણાના ભૂકામાં સમારેલું લીલું મરચું, મીઠું, હળદર અને લીંબુનો રસ ઉમેરી સરસ રીતે મિક્સ કરી લો.
3) ફરીથી થોડું થોડું મિક્સર જારમાં લઇ પીસીને ફાઈન સ્મૂથ પેસ્ટ બનાવી લો.

4) તો, તૈયાર છે રાજકોટની પ્રખ્યાત ગ્રીન ચટણી, સર્વિંગ બાઉલમાં લઇ મનપસંદ ડીશ સાથે એન્જોય કરો.

ફ્રેન્ડ્સ, કેટલી આસાન રીત છે આવી ટેસ્ટફૂલ ચટણી બનાવવાની અને માત્ર પાંચ જ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ કરીને બનાવી શકાય છે. તો બહાર લેવા જવાની જરૂર નથી આજે જ ટ્રાય કરો. આ ચટણીને ફ્રિજમાં રાખવાથી એક અઠવાડિયા સુધી ખાય શકાય છે. હું તો અવારનવાર બનાવું છુ. આ વિક-એન્ડમાં માત્ર પાંચ જ મિનિટનો ટાઈમ કાઢીને આપ પણ અચૂક બનાવજો સીંગદાણાની ચટપટ્ટી ચટણી. વરસાદની સીઝન આવી રહી છે તો ગરમા-ગરમ ભજીયા સાથે ખાવાની મજા પડી જશે.

બાળકોને પણ ટિફિન બોક્સમાં રોટલી, પરોઠા, પૂરી કે થેપલા સાથે સર્વ કરીને વૈવિધ્ય લાવી શકાય છે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

દરરોજ અવનવી અને અદ્ભુત રેસીપી બનાવતા શીખો ફક્ત આપણા પેજ પર, આ ચટણી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો.