બસ સ્ટેશન પર આ ‘સુપર મોમે’ જોયુ એક એવું દ્રશ્ય જેનાથી બદલાઇ ગયુ તેમનુ જીવન અને લક્ષ્ય

રાજસ્થાનના જયપુરમાં રહેતી મનન ચતુર્વેદી નામની એક યુવતી ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી હતી. મનન એના વિષયમાં એટલી હોશિયાર હતી કે એમણે લંડનમાં ફેશન ડિઝાઇનનો અભ્યાસ કરવા માટેની સ્કોલરશિપ મેળવી. મનનનું હવે એક જ સપનું હતું કે ફેશન ડિઝાઇનના ક્ષેત્રે લંડનમાં રહીને ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવો છે અને ત્યાં જ સ્થાયી થઈને કારકિર્દી બનાવવી છે.

image source

લંડન જવાની તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી હતી. એકદિવસ મનન જયપુરથી દિલ્હી જવા નીકળી. સિંધી કેમ્પ બસસ્ટેશન પર એણે એક દ્રશ્ય જોયું જેનાથી આ યુવતીનું જીવન અને લક્ષ્ય બદલાય ગયું. એક સાત વર્ષની નાની છોકરી બસસ્ટેન્ડ પાસેના એક કચરાના ઢગલામાંથી કંઇક વીણી વીણીને ખાતી હતી. છોકરીએ પૂરતા કપડાં પણ નહોતા પહેર્યા અને એની બાજુમાં જ આ ઢગલામાંથી એક ભૂંડ પણ કંઈક ખાઈ રહ્યું હતું. પશુવત સ્થિતિમાં એક નાની બાળકીને જોઈને મનનનું હૈયુ ભરાઈ આવ્યું.

image source

બાળકી પાસે જઈને બાળકીને ઉપાડી લીધી. 7 વર્ષની નાની દીકરી સાથે વાત કરતા ખબર પડી કે તે માં-બાપ વગરની અનાથ દીકરી છે. મનનનું મન વિચારે ચઢ્યું. હું વિદેશના લોકોના કપડાં ડિઝાઇન કરવા માટે જાવ છું અને મારા દેશના ભવિષ્ય સમાન બાળકોના શરીર પર પહેરવા પૂરતા કપડાં પણ નથી. મનને તે જ ક્ષણે નિર્ણય કર્યો કે મારે વિદેશમાં નથી જવું પણ દેશમાં જ રહીને માતા-પિતા વગરના અનાથ બાળકોની સેવા કરવી છે. જેનું કોઈ નથી એવા બાળકોની માં બનીને મારે એમનું જીવન શણગારવુ છે. વિદેશની લાખો રૂપિયાના પગાર વાળી કારકિર્દી છોડીને મનન ચતુર્વેદીએ માતા-પિતા વગરના બાળકોની સેવા કરવાનો નિર્ણય કર્યો.

image source

મનન ચતુર્વેદીએ અનાથ બાળકોને આશ્રય આપ્યો અને માતા જેવો સ્નેહ આપ્યો. પોતાના બાળકો માટે પોતે લોકો પાસેથી દાન નહિ સ્વીકારે પણ પોતે જ કામ કરશે અને બાળકોને ભણાવશે આવો સંકલ્પ પણ કર્યો. અત્યારે મનન ચતુર્વેદી 150થી વધુ અનાથ બાળકોને માં બંનેને સાચવે છે. બાળકોનો ખર્ચ કાઢવા માટે દેશ-વિદેશમાં જઈને જુદા જુદા પ્રકારના પેઇન્ટિંગ્સ કરે અને એના વેચાણમાંથી થતી આવકમાંથી 150 બાળકોના મોટા પરિવારનું ભરણપોષણ કરે. મનન જ્યારે પેઇન્ટિંગસ બનાવે છે ત્યારે એ એટલા ઓતપ્રોત થઈ જાય છે કે સતત 24 કલાક સુધી કશું જ ખાધા વગર પેઇન્ટિંગસ બનાવે છે અને એ પણ પોતાના પેટના જણ્યા માટે નહિ.

image source

71માં પ્રજાસત્તાક પર્વની રાજકોટ ખાતે ઉજવણી થઈ રહી છે ત્યારે આ સુપર મોમ અત્યારે રાજકોટ આવ્યા છે. રાજકોટમાં રેસકોર્સ ખાતે આવેલા બાલભવનના મુખ્ય દરવાજા પાસે મનન ચતુર્વેદી સતત 26 કલાક સુધી લાઈવ પેઇન્ટિંગસ બનાવીને 26મી જાન્યુઆરીની વિશિષ્ટ ઉજવણી કરશે.

image source

બીજાના માટે સ્વમાનભેર જીવતી આ સુપર મોમના દર્શન કરવા રાજકોટના લોકોએ એકવાર અવશ્ય જવું જોઈએ. તા.25 સાંજના 4 થી તારીખ 26 સાંજના 6 વાગ્યા સુધી બાલભવનના મેઈન ગેટ પર એને ચિત્ર બનાવતા નિહાળી શકશો.

લેખક : શૈલેશ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ