રાજકોટમાં બડા હનુમાનજીની મૂર્તિને માસ્ક પહેરાવ્યું, જાણો બીજી જગ્યાએ કેવી રીતે કરી હનુમાન જ્યંતીની ઉજવણી

જય હનુમાન

ગઈ કાલે ૮ એપ્રિલ, ૨૦૨૦ના રોજ હનુમાન જયંતીનો અવસર આવ્યો હતો. ગયા વર્ષે હનુમાન જયંતી દરેક નાના-મોટા હનુમાન મંદિરોમાં ખુબ ધૂમધામ પૂર્વક ઉજવવામાં આવી હતી. પણ આ વર્ષે હનુમાન જયંતી ધૂમધામ પૂર્વક ઉજવવી શક્ય નથી. કારણ કે, દેશમાં નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને જેટલા સંક્રમિત દર્દીઓ છે તેઓ દ્વારા કોઈ અન્ય વ્યક્તિ સંક્રમિત ના થાય એ વાતને ધ્યાનમાં રાખીને દેશમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. તેમછતાં કેટલાક મંદિર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા હનુમાન જયંતીની કઈક અલગ પ્રકારથી ઉજવણી કરવામાં આવી હતી. આજે અમે આપને આ લેખમાં ગુજરાતની કેટલીક એવી સંસ્થાઓ વિષે જણાવીશું જેમણે આ વર્ષે હનુમાન જયંતી કઈક અલગ રીતે ઉજવી હતી.

-રાજકોટ શહેરના બડા હનુમાન મંદિર.:

image source

આમ તો રાજકોટ શહેરના બડા હનુમાન મંદિરમાં દર વર્ષે ખુબ ધૂમધામથી હનુમાન જયંતી ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના વાયરસની મહામારીના ચાલતા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું ત્યારે આ મંદિર દ્વારા એક નવી પહેલ શરુ કરાઈ છે. કોરોના વાયરસ સામેની લડતમાં પવનપુત્ર અપીલ કરી રહ્યા છે કે, આપ બધા ઘરમાં રહો અને બહાર જાવ તો માસ્ક જરૂરથી પહેરો. આ વર્ષે બડા હનુમાન મંદિરના હનુમાનજીને માસ્ક પહેરવામાં આવ્યું છે. તેમજ પ્રસાદીની સાથે કેટલાક માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર પણ અર્પણ કરાયા છે જે પછીથી પ્રસાદી વિતરણ સમયે ગરીબ અને મજુરોને આપવામાં આવ્યા હતા.

-ગોંડલના કૈલાશ બાગના મારુતિનંદન.:

ગોંડલના કૈલાશ બાગ સોસાયટીમાં રહેતા પ્રવીણ ભાઈ હરસોડાના ઘરે છેલ્લા ૨૬ વર્ષથી મારુતિનંદન વિરાજમાન છે. સામાન્ય રીતે દર વર્ષે પ્રવીણભાઈના ઘરે હનુમાન જયંતી નિમિતે ખુબ ધૂમધામ કરવામાં આવે છે. પણ આ વર્ષે લોકડાઉનના કારણે પ્રવીણભાઈએ આ વર્ષે વધારે કશું નહી કરતા પણ ઘરના જ સભ્યોએ મળીને ઘરમાં વિરાજમાન મારુતિનંદનના જન્મદિન નિમિતે ગુંદી-ગાઠીયાના પેકેટ બનાવીને તેનો જ ભોગ ધરાવવામાં આવ્યો હતો. ઉપરાંત પ્રવીણભાઈએ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર પણ ધરાવ્યા હતા. આ માસ્ક અને હેન્ડ સેનેટાઈઝર પાછળથી પ્રસાદીની સાથે જ ગરીબ અને મજૂરો સુધી પહોચાડી દેવામાં આવ્યા હતા.

આજે લોકડાઉનની સ્થિતિમાં પણ લોકો ભલે પૂજા કરવા માટે હનુમાનજીના દર્શન કરવા માટે મંદિરે જઈ ના શકે પરંતુ આવા કેટલાક મંદિરો પણ હનુમાન જયંતી નિમિતે હનુમાનજીનો પ્રસાદ શક્ય હોય ત્યાં સુધી પહોચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

image source

આ તો થઈ મંદિરોની વાત હવે અમે આપને જણાવીશું કે સુરત શહેરની કેટલીક સેવાભાવી સંસ્થાઓએ કઈ વિશેષ રીતે હનુમાન જયંતીના અવસરની ઉજવણી કરી હતી.

દેશમાં જ્યારથી કોરોના વાયરસની મહામારીના લીધે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે ત્યારથી તંત્ર તો પોતાના કામે લાગી જ ગયું છે સાથે જ કેટલીક સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવીને કામ કરવામાં મદદરૂપ થઈ રહી છે. આવી જ એક સુરતની સેવાભાવી સંસ્થા છે રોટરેકટ ક્લબ સુરત ઇસ્ટ અને સોશિયલ આર્મી નામની સેવાભાવી સંસ્થા છેલ્લા ૧૫ દિવસથી અંદાજીત ૧૫૦૦ વ્યક્તિઓને રોજ બન્ને ટાઇમ ભોજન પૂરું પાડી રહી છે.

હનુમાન જયંતી નિમિતે ખાસ સેવા.:

image source

રોટરેક્ટ ક્લબ સુરત ઇસ્ટ અને સોશિયલ આર્મી સંસ્થાઓએ હનુમાન જયંતી નિમિત્તે ગરીબ અને જરૂરિયાત વર્ગની વ્યક્તિઓ માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હનુમાન જયંતી નિમિત્તે ભોજનમાં આશરે ત્રણ હજારથી વધારે લાડવા, પૂરી અને શાક બનાવીને ભોજન કરાવવામાં આવ્યું હતું. રોટરેકટ કલબ સુરત ઇસ્ટ અને સોશિયલ આર્મી સંસ્થાના સભ્ય એવા ચિરાગભાઈ કુકડીયાએ જણાવ્યું હતું કે, જે દિવસથી લોકડાઉન થયું ત્યારથી અમારી સંસ્થાના સ્વયં સેવકોની મદદથી વરાછા રોડ પર સ્થિત ચીકુવાડીની સૂર્ય કિરણ સોસાયટીની વાડીમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ભોજન બનાવવા માટે રસોડું શરુ કરીને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા શરુ કરાયેલ રસોડામાં બનતું ભોજન સંસ્થાના સ્વયં સેવકોની મદદથી સુરતના અલગ અલગ વિસ્તારો જેવા કે, એકે રોડ, એલએચ રોડ, તાપી ઇન્ડસ્ટ્રીઝ, લક્ષ્મણ નગર, ડાયમંડ નગર સાથે ના કેટલાક વિસ્તારોમાં રોજના ૧૫૦૦ જેટલા વ્યક્તિઓ સુધી ભોજન પહોચાડવામાં આવે છે.

પ્રાણીઓની પણ સેવા કરવામાં આવી હતી.:

આ તો થઈ માનવ સેવાની વાત જયારે રોટરેકટ ક્લબ સંસ્થા દ્વારા હનુમાન જયંતી નિમિત્તે વિશેષ સેવાના રૂપમાં પ્રાણી માત્રની પણ સેવા કરવામાં આવી છે. જેમાં આ સંસ્થાના સ્વયં સેવકો દ્વારા કીડીઓનું કીડીયારું પુરીની કીડીઓની સેવા કરવામાં આવી હતી. ત્યાર પછી રોટરેકટ ક્લબ સુરત ઇસ્ટ અને સોશિયલ આર્મી સંસ્થા દ્વારા હનુમાન જયંતી નિમિત્તે અબોલ પશુઓ માટે ૨૫૦૦ જેટલી ગાયો માટે ૧૨ ટન જેટલી લીલી મકાઈનું દાન ગૌશાળામાં આપવામાં આવ્યું હતું. તેમજ બન્ને સંસ્થાઓના સ્વયંસેવકોએ સાથે મળીને દેશહિત અને લોકહિત માટે કાર્યો કર્યા છે. આવી પરિસ્થિતિમાં થેલેસેમિયા અને અને અન્ય રોગના દર્દીઓની લોહી પૂરું પાડવા માટે રક્તદાનના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યા હતા.

કતારગામમાં લાડવાનું વિતરણ.:

image source

સુરત શહેરના કતારગામ વિસ્તારની નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પટેલ પાર્ક સોસાયટી કતારગામ ગ્રુપ દ્વારા છેલ્લા નવ દિવસથી બંને સમયનું ભોજન ૨૫૦૦ જેટલા જરૂરિયાત મંદ વ્યક્તિઓ સુધી ભોજન પહોચાડવાનું કામ કરવામાં આવે છે. નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ અને પટેલ પાર્ક સોસાયટી કતારગામ ગ્રુપ દ્વારા હનુમાન જયંતી નિમિત્તે ૭૦૦૦ જેટલા ચુરમાના લાડવા બનાવીને જરૂરિયાત મંદ વ્યક્તિઓને જમાડવામાં આવ્યા હતા. આ સંસ્થા સુરતના ઇન્દિરા નગર, સીતા નગર, જનતા નગર, કતારગામ જીઆઇડીસી અને અશ્વિનીકુમાર સ્મશાન વિસ્તારોમાં ચુરમાના લાડવાને વહેચવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ