રાજાની ચિતાના સ્થાને બનાવાયું કાળી માતાનું મંદિર, પૂરી કરે છે અનોખી રીતે ભક્તોની મનોકામના…

સ્મશાનમાં લગ્ન ન થાય પરંતુ આ મંદિરમાં લગ્ન પણ થાય છે અને નવું વરઘોડીયું અહીં દર્શન કરવા પણ આવી શકે છે… ચિતા ઉપર બનેલું છે આ ઐતિહાસિક મંદિર… રાજાની ચિતાના સ્થાને બનાવાયું કાળી માતાનું મંદિર, પૂરી કરે છે અનોખી રીતે ભક્તોની મનોકામના…

આપણાં દેશમાં હજારો અને લાખોની સંખ્યામાં નાના મોટાં મંદિરો આવેલાં છે. ભારતીય સંસ્કૃતિએ મંદિરોની સંસ્કૃતિ જ કહેવાય છે. દરેક મંદિરની સ્થાપના પાછળનું કારણ કે કહાની જુદી જુદી હોય છે. કેટલાંય મંદિરો વિશે તો પૌરાણિક કથાઓ અને ધાર્મિક ગ્રંથોમાં પણ ઉલ્લેખ થયેલો છે એટલાં જૂના છે. તો કોઈ મંદિરો આજે પણ વિવિધ સ્થાને લોકોની આસ્થાને કાયમ રાખીને આધૂનિક ઢબના પણ બંધાવાઈ રહ્યાં છે. દરેક મંદિરની કોઈ ખાસિયત કે માન્યતા હોય છે. કોઈ મંદિરમાં ઝાડૂ ચડાવીને માનતા પૂરી કરાય છે તો કોઈ મંદિરમાં ઘોડો ચડાવાય છે. કોઈ મંદિરમાં માતાજીને ચાંદીની આંખ ચડાવવાની રસમ હોય છે તો ક્યાંક પ્રસાદને લઈને વિવિધ માન્યતાઓ હોય છે. કોઈ મંદિર માત્ર પત્થરોથી બનેલ છે તો કોઈ મંદિરનું બાંધકામ સદીઓ જૂનું પણ છે. આવું જ એક મંદિર છે જે રાજાની ચિતા ઉપર બાંધવામાં આવેલું છે અને ભક્તોની ત્યાં સ્થાપિત મા કાળી ઉપર છે અપાર શ્રદ્ધા, જાણો ક્યાં આવેલું છે આ મંદિર અને શું છે તેની ખાસિયત…

મહરાજાની ચિતાને સ્થાને બંધાયેલ મંદિરનો છે દાયકા જૂનો ઇતિહાસ

માતા કાલિનું ધામ શ્યામા કાલિ મંદિર બિહારના દરભંગામાં ચિત્તા પર બાંધવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં આવે છે અને તેમની તમામ મનોકામનાઓ અહીં પૂરી થાય છે તેવું માનવામાં આવે છે. આ મંદિર શ્યામા માતાના મંદિરના નામથી જાણીતું છે. શ્યામા માતાનું મંદિર મહારાજા રામેશ્વર સિંહની અંતિમવિધિ બાદ તેમની ચિતાના સ્થાનમાં બાંધવામાં આવ્યું છે અને તે ભારતીય હિન્દુ સંસ્કૃતિ મુજબ અસામાન્ય ઘટના છે. કારણ કે સ્મશાને મંદિર તો બંધાતા હોય છે પરંતુ કોઈની ચિતાને સ્થાને મંદિર બાંધવું અશુભ મનાતું હતું. મહારાજા રમેશશ્વર સિંહ દરભંગા રાજ પરિવારના સાશકો પૈકીના એક હતા. રાજાના નામને કારણે, આ મંદિર રામેશ્વરી શ્યામા માઈ તરીકે પણ ઓળખાય છે. ૧૯૩૩માં દરભંગાના મહારાજા કામેશ્વર સિંહ દ્વારા મંદિરની સ્થાપના થઈ હતી.

ચિતાને સ્થાને બનેલ મંદિરની જાણો શું છે વિશેષતા…

મહાકાલીના મંદિરમાં કાલીમાતાની મૂર્તિની સાથે મહાકાલની પણ વિશાળ મૂર્તિ જમણી તરફ આવેલી છે. તેમજ ડાબી તરફ ગણપતિ અને બટુક દેવની મૂર્તિ સ્થાપિત છે. માતાની ગરદનમાં જે મુંડમાળા છે તે હિન્દી ભાષાના મૂળાક્ષરના અક્ષરોની ગણતરી મુજબની ખોપરીના મણકા આવેલા છે. શ્રદ્ધાળુઓ માને છે કે આ એટલા માટે છે કારણ કે હિન્દી મૂળાક્ષર રચનાના પ્રતીક છે. મંદિરમાં કરવામાં આવતી આરતી પણ આગવું મહત્વ ધરાવે છે. અહીંના ભક્તો મંદિરની આરતીમાં જોડાવા માટે કલાકો સુધી રાહ જોતા હોય છે. ખાસ કરીને નવરાત્રીનાં દિવસોમાં, ભક્તોની સંખ્યા અહીં વધે છે અને ત્યાં એક ભાવભર્યું વાતાવરણ સર્જાય છે.

મંદિરમાં થાય છે ખાસ પ્રકારની વૈદિક અને તાંત્રિક પૂજા વિધિ

આ મંદિરમાં, વૈદિક અને તાંત્રિક પદ્ધતિઓ દ્વારા મા કાલિની પૂજા કરવામાં આવે છે. સામાન્ય રીતે લગ્ન કર્યા પછીના એક વર્ષ સુધી હિન્દુ ધર્મમાં નવું દંપતી અંતિમવિધિમાં કે સ્માશાને જવા દેવામાં આવતા નથી. પરંતુ આ મંદિર તો સ્મશાન ભૂમિમાં જ આવેલું છે, આ મંદિર એક જ એવું મંદિર છે જ્યાં નવ દંપતીઓને દર્શન કરવા દેવાની રજામંદી હોય છે. તેમજ અહીં તો અનેક વર – વધુના લગ્ન પણ કરી આપવામાં આવવાની પ્રથા છે.

આ મંદિરનો રામાયણ સાથે પણ જોડાયેલો છે, સંબંધ

નિષ્ણાતો કહે છે કે શ્યામા માતા સીતાનું સ્વરૂપ છે. રામેશ્વર ચરિત્ર મીથિલા રામાયણમાં, રાજા રમેશર સિંહના સેવક લાલદાસ દ્વારા આ બાબતની અર્થઘટનની સમજણ આપવામાં આવી હતી. જે વાલ્મીકી દ્વારા લખાયેલ રામાયણથી લેવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે રાવણની હત્યા પછી, માતા સીતાએ ભગવાન રામને કહ્યું કે જે કોઈ વ્યક્તિ સહસ્ત્રાનંદનો વધ કરી શકવામાં સમર્થ થશે તેજ વ્યક્તિ વાસ્તવિક રીતે વીર કહેવાશે.

આ ભગવાન રામ દ્વારા તેનો વધ કરવા નીકળી પડ્યા. તેની સાથેના યુદ્ધ દરમિયાન, સહસ્રાનંદનું એક તીર ભગવાન રામને લાગ્યું. જેના કારણે, માતા સીતા ખૂબ ગુસ્સે થયાં અને સહસ્ત્રાનંદનો તેમણે વધ કર્યો. ક્રોધ આવેશમાં આવી ગયેલાં માતાનો રંગ કાળો થઈ ગયો. વધ કર્યા પછી પણ માતા શાંત નહોતાં થતાં ત્યારે તેમને શાંત કરવા સ્વયં ભગવાન શંકરે આવવું પડ્યું હતું. જ્યારે તેમના પગલાં ભગવાન શિવની છાતી પર પડ્યાં ત્યારે તેની માતાએ ખૂબ જ શરમિંદગી અનુભવી અને તેમની જીભ મોઢામાંથી બહાર આવી. માતાના આ સ્વરૂપની જ આજ સુધી ઉપાસના કરવામાં આવે છે અને તેમને અહીં મા કાળી નહીં પરંતુ શ્યામાના નામથી જ પૂજાય છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ