રાજગરાની ફરાળી સુખડી – ઉપવાસ કોઈપણ હોય હવે બનાવો આ સુખડી, શીખો સ્ટેપ બાય સ્ટેપ ફોટો સાથે…

મિત્રો, વ્રત અને ઉપવાસની સીઝન શરૂ છે. તો આ સીઝનમાં દરેક ઘરોમાં અવનવી ફરાળી વાનગીઓ બનાવવામાં આવે છે. આવા સમયે રાજગરાની સુખડી શી રીતે ભુલાય? આ સુખડી હેલ્ધી તો છે સાથે સ્વાદિષ્ટ પણ બને છે. આજે હું થોડી અલગ રીતથી સુખડી બનાવવા જઈ રહી છું. તો ચાલો બનાવીએ રાજગરાની સુખડી.

સામગ્રી :


Ø 100 ગ્રામ રાજગરાનો લોટ

Ø 140 ગ્રામ ગોળ

Ø 6 થી 7 ટે -સ્પૂન ઘી

Ø થોડા મનપસંદ ડ્રાયફ્રૂટસ

રીત :


1) સૌ પ્રથમ એક જાડા તળિયાવાળા પેનમાં બે ટે-સ્પૂન ઘી લઇ ગરમ કરવા મુકો. ઘી આપણે જરૂર મુજબ ઉમેરીશું. ઘી ગરમ થાય પછી તેમાં લોટ ઉમેરી દો. લોટ હંમેશા ચાળીને વાપરવાનો આગ્રહ રાખો. જરૂર મુજબ ઘી ઉમેરીને ધીમા તાપે લોટ શેકી લો.


2) લોટનો કલર સહેજ બદલાય, જાળીદાર દેખાય અને સુગંધ આવે ત્યાં સુધી લોટ શેકો. 100 ગ્રામ લોટ શેકવા માટે મેં 4 ટે -સ્પૂન ઘી યુઝ કર્યું છે.


3) હવે આપણે ઘી-ગોળની પાઇ લઇ લઈએ. તે માટે એક કડાઈમાં બે ટે -સ્પૂન ઘી નાંખો. સાથે જ ગોળ નાંખી દો. જો ગોળના મોટા-મોટા ટુકડાઓ હોય તો નાના-નાના કરી લો. જેથી ઝડપથી મેલ્ટ થઇ જાય.


4) સ્ટવની ફ્લેમ મિડિયમથી ઓછી રાખી સતત હલાવીને ગોળ પિગાળો. બધો જ ગોળ પિગળીને એકરસ થાય તેમજ સહેજ બબલ્સ દેખાય તરત જ સ્ટવની ફ્લેમ ઓફ કરી દો.


5) તેમાં રાજગરાનો શેકેલો લોટ ઉમેરી બરાબર મિક્સ કરો.


6) તેલથી ગ્રીસિંગ કરેલી પ્લેટમાં ઢાળી દો. તેને થપથપાવીને સેટ કરો. સહેજ ઠંડુ પડે એટલે કાપા મૂકી દો. ડ્રાયફ્રુટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો. તૈયાર છે રાજગરાની સુખડી.


મિત્રો, છે ને સાવ સરળ રેસિપી. પવિત્ર શ્રાવણમાસ આવી રહ્યો છે. તો નોટ કરી લો. આ રેસિપી અને વ્રત, ઉપવાસમાં ખાવા માટે બનાવીને સ્ટોર કરી લો. મે તો બનાવી લીધી. સરસ બને છે, સૌને ખુબ પસંદ છે. હવે તમે ક્યારે આ રીતે ટ્રાય કરો છે? રાજગરાની ફરાળી સુખડી.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

- તમારો જેંતીલાલ