શોર્યતા – વાત એક સૈનિકની માતાની ખુમારી અને બહાદુરીની…

શોર્યતા

(વાત એક સૈનિકની માતાની ખુમારી અને બહાદુરીની)

યુવરાજસિંહ આજે ઘણાં સમય બાદ પોતાના ઘરે એક અઠવાડિયાની છુટ્ટી હોવાથી પરત ફરી રહ્યો હતો, મનમાં એક પ્રકારનો આનંદ થઈ રહ્યો હતો, કારણ કે ઘણા સમય બાદ આજે પોતે પોતાના ઘરે જઈ રહ્યો હતો અને બધા ઘરનાં સભ્યોને મળવાનાં વિચાર માત્રથી પોતાના શરીરમાં એક પ્રકારની નવી લાગણીનો અનુભવ કરી રહ્યો હતો, ટ્રેનમાં સફર કરવાનો પુરે પૂરો આનંદ ઉઠાવી રહ્યો હતો, એટલીવારમાં યુવરાજસિંહ ખૂબ જ થાકી ગયેલ હોવાથી ઠંડા પવનને લીધે ક્યારે ઊંઘ આવી ગઈ તે ખ્યાલ ન રહ્યો.

***************************************************
યુવરાજસિંહ ભારતીય સેનામાં એક સૈનિક તરીકે ફરજ બજાવી રહ્યા હતા, દેશ માટે કંઇક કરી છૂટવાની તેની તમન્નાને લીધે યુવરાજસિંહ આજે આ મુકામ પર પહોંચેલ હતાં, નાનપણથી જ યુવરાજસિંહ દેશપ્રેમ તેને પોતાના પરિવાર તરફથી વારસામાં મળેલ હતો, કારણકે તેના પિતા પણ એક રિટાયર્ડ સૈનિક હતાં, અને તેનો મોટો ભાઈ પણ ભારતીય સેનામાં જ ફરજ બજાવતા હતાં, જાણે પુરેપુરો પરિવાર દેશભક્તિનાંરંગમાંરંગાયેલ હોય તેવું લાગી રહ્યું હતું.

યુવરાજસિંહના ઘરમાં એટલા બધા એવોર્ડ હતા કે તેનો એક આખો કબાટ ભરેલ હતો, જે તેના અલગ – અલગ પરિવારજનો ને તેમની દેશભક્તિ અને બહાદુરી માટે આપવામાં આવ્યો હતો.

યુવરાજસિંહને પણ પોતાની બહાદુરી બદલ ભારત સરકાર તરફથી ઘણા એવોર્ડ એનાયત કરવામાં આવેલ હતાં, જે તેની બહાદુરીના પ્રતીક સમાન હતાં.

***************************************************

થોડીવારમાં પોતાનું ગામ આવવાથી યુવરાજસિંહ પોતાના બેગ લઈને રેલવે સ્ટેશન પર ઉતરી ગયાં, અને ઉતારતાની સાથે જ તેણે પોતાની માતૃભૂમિને નમન કર્યું અને પોતાના ઘર તરફ આગળ વધવા લાગ્યાં, રેલવે સ્ટેશનથી પોતાનું ઘર થોડેક જ દૂર હોવાથી યુવરાજસિંહએ રિક્ષા ના કરી, આમ પણ તે ઘરના બધા સભ્યોને તે સરપ્રાઇઝ આપવા માંગતા હતાં.

ઘરે જઈ તેણે પોતાના ઘરનો દરવાજો ખટખટાવ્યો, યુવરાજનાં મમ્મીએ દરવાજો ખોલ્યો, દરવાજો ખોલતાની સાથે જ પોતાના જીવથી વધુ વહાલા પુત્રને જોતા જ યુવરાજસિંહની માતાની આંખોમાં ખુશીના આંસુઓ આવી ગયાં, અને રડવા લાગ્યાં, અને યુવરાજને કપાળ પર ચુંબન કર્યું.

યુવરાજસિંહના મમ્મીને જોઈને એવું લાગતું હતું કે જાણે તેની મમ્મીએ પોતાના માટે ઘણાં સમયથી પ્રેમ એકઠો કરીને રાખ્યો હોય, આટલું બોલી યુવરાજસિંહ ભારતીય પરંપરા અનુસાર તેના મમ્મી અને તેના પપ્પા અને દાદાને પગે લાગ્યો, અને સૌ કોઈના આશીર્વાદ મેળવ્યા.

“બેટા ! આ વખતે તો રોકાઇશ ને ?” – યુવરાજની માતાએ લાગણીવશ થતાં પુછ્યું.

“હા ! મા હું પુરા એક અઠવાડિયાની છુટ્ટી પર આવ્યો છું, અને હવે આખું અઠવાડિયાયું હું તારી નજર સામે જ હોઈશ અને અહીં જ રોકાવાનો છું.”

આખા ઘરમાં ખુશી અને આનંદનો માહોલ ફેલાયેલો હતો, પરંતુ યુવરાજસિંહના ઘરનાં કોઈ એક ખૂણામાં ઉદાસી અને માયુસી છવાયેલ હતી, એ હતો યુવરાજસિંહનો નાનો ભાઈ ક્રિપાલસિંહ કે જેણે આ વખતે ઇન્ડિયન આર્મીમાં ફોર્મ ભરેલ હતું અને લેખિત પરીક્ષામાં પણ ખૂબ જ સારા માર્ક્સ આવ્યા હતાં, પરંતુ ફિઝિકલ ટેસ્ટમાં તેની ઊંચાઈ 3 સે.મી ઓછી પડી હોવાથી તેને ઇન્ડિયન આર્મી માંથી રિજેક્ટ કરવામાં આવેલ હતો, તે પણ પોતાના મોટાભાઈ યુવરાજસિંહ અને પિતાની જેમ ઇન્ડિયન આર્મીમાં જોડાયને દેશ સેવા કરવા માંગતો હતો, પરંતુ તેની ઊંચાય એ તેને સાથ ન આપ્યો, આથી ક્રિપાલસિંહ ખૂબ જ ઉદાસ અને હતાશ થઈ ગયા હતાં, પરંતુ ક્રિપાલસિંહએ કસરત દ્વારા પોતાની ઊંચાય વધારવાના પ્રયત્નો ચાલુ રાખ્યા, અને આ માટે તેને તેના પરિવારજનો તરફથી સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહ્યો હતો.

**************************************************
બીજે દિવસે

સવારે જ્યારે યુવરાજસિંહ ફ્રેશ થઈને પોતાના રૂમમાં તૈયાર થઈ રહ્યાં હતાં, તે દરમ્યાન તેના કાને એક સાથે ઘણાં બધાં માણસોનો અવાજ અથડાયો, જે ઘરનાં હોલના ભાગેથી આવી રહ્યો હતો, આથી યુવરાજસિંહ આતુરતાપૂર્વક જિજ્ઞાસા સાથે પોતાના રૂમની બહાર આવીને હોલનાં ભાગ તરફ ઝાંખવા લાગ્યાં, આ જોઈ યુવરાજસિંહને ખ્યાલ આવી ગયો કે જરૂર આ લોકો કોઈ વ્યવહારિક કામ માટે જ આવ્યા હશે, આથી પોતે દોડીને રસોડામાં ગયાં, અને એનાં મમ્મીને પૂછ્યું.

“મમ્મી ! આ બધું શું છે ?”

“ બેટા ! તું હવે ઉંમર લાયક થઈ ગયો છે, માટે અમે તારા માટે સારી છોકરી શોધીને અમારી જવાબદારી માંથી મુક્ત થઈએ.”

“પણ ! મમ્મી ! તું જાણે તો છો જ ને કે હું ક્યારેય આ માટે સહમત નહિ થાવ.”

“પણ ! બેટા એકવાર તારા મમ્મીના માન ખાતર જોઈ લે પસંદ કરવી ના કરવી એ અલગ વસ્તુ છે.”

પછી યુવરાજસિંહ પોતાની મમ્મીની ઇચ્છાનું માન રાખીને હોલમાં મહેમાન પાસે ગયો અને કહ્યું કે

“જોવો ! હું તમારા બધાંની લાગણીને માન આપું છું, પરંતુ હું તમને એક વાત એકદમ સાફ જણાવવા માંગુ છું કે મારા લગ્ન ઘણાં સમય પહેલા જ થઈ ગયાં છે.”

આ સાંભળી યુવરાજસિંહને જોવા આવેલ મહેમાનો અને તેના બધા પરિવારના સભ્યોના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો, બધાની આંખો નવાઈને લીધે પહોળી થઇ ગઇ, હરકોઈ યુવરાજસિંહની સામે તાકી – તાકીને જોવા લાગ્યાં, ત્યારબાદ યુવરાજસિંહે બધાને આશ્વાસન આપતા કહ્યું કે

“ગભરાશો નહી ! મારા કહેવાનો મતલબ એમ છે કે મેં મારું સંપુર્ણ જીવન દેશભક્તિ માટે સમર્પિત કરી દીધું છે અને મેં મારી દેશભક્તિ સાથે જ લગ્ન કરી લીધાં છે, અને હવે હું કોઈની સાથે લગ્ન કરીને તેની જીંદગી બરબાદ કરવાં માંગતો નથી, મારા જીવનનું કઈ નકકી નથી કે આવતીકાલે મારી સાથે શું થવાનું છે એ હું પણ નહીં જાણતો, માટે હું આ વ્યવહાર કરવાં માંગતો નથી, યુવરાજસિંહની વાત બધાને ગમી નહીં પરંતુ તેની વાતમાં સો ટકા સચ્ચાઇ હતી, એટલે બધાં તેની વાત સાથે સહમત થઇ ગયાં, અને યુવરાજસિંહના પિતાની રજા લઈ મહેમાન પોતાના ઘરે જવા માટે રવાના થયાં.

***************************************************
બે દિવસ બાદ

સવારના 9 વાગ્યાની આસપાસ ઘરનાં બધાં જ સભ્યો પોત પોતાના કામમાં વ્યસ્ત હતાં, એવામાં યુવરાજસિંહનો ફોન રણક્યો.

“ હેલ્લો ! યુવરાજસિંહ ! મેજર સુર્યપ્રતાપ બોલું છું.”

“જયહિંદ ! સર”

“જયહિંદ”

“સાહેબ ! આમ અચાનક ફોન કરવાનું કારણ..?”

“ યુવરાજસિંહ ! આપણાં દેશની સરહદ પર દુશ્મન સેનાએ એકાએક હુમલો બોલી દીધો છે, માટે તમે મોડામાં મોડું કાલે હાજર થઈ, તમારો ચાર્જ સાંભળી લો.”

“ ચોકકસ ! સાહેબ ! હું કાલે જ આવીને મારો ચાર્જ સંભાળી લઈશ.”

આટલું બોલી યુવરાજસિંહ પોતાનાં થેલો ભરીને તૈયાર થઈ ગયાં, અને પોતાના માતા – પિતા, દાદા અને નાના ભાઈને મળીને તાત્કાલિક સરહદ પર જવું પડે તેમ છે એવું જણાવ્યું.”

“બેટા ! તું તો એક અઠવાડિયાની છુટ્ટી લઈને આવ્યો હતો ને…?”

“પણ ! મમ્મી, આપણાં દેશની સરહદ પર દુશ્મન દેશનાંસૈનિકોએ હુમલો બોલાવી દીધો છે, અને મારે તાત્કાલિક જાવું પડે તેમ છે.” – યુવરાજસિંહે કારણ જણાવતા કહ્યું.

“સારું ! બેટા, તારું ધ્યાન રાખજે.”

“હા ! મમ્મી,” – આટલું બોલી યુવરાજસિંહ પોતાને સરહદ પર ફાળવવામાં આવેલ છાવણી તરફ જાવા માટે નીકળ્યો.

***************************************************

બીજે દિવસે

યુવરાજસિંહ પોતાની છાવણીએ પહોંચીને પોતાને સોંપવામાં આવેલ ચાર્જ સંભાળી લીધો, તે જ દિવસે રાતે 1 વાગ્યાની આસપાસ ફરી પાછો દુશ્મન સેનાએ હુમલો બોલાવી દીધો, આથી તે લોકોનો બરાબરનો પાઠ ભણાવવા માટે યુવરાજસિંહ પોતાની ટુકડીનું નેતૃત્વ કરતાં – કરતાં, દુશ્મન દેશે કરેલા હુમલાનો જવાબ આપવા માટે આગેકૂચ કરી, એક – પછી એક દુશ્મન સૈનિકોને ધૂળ ચાટતાં કરી, યુવરાજસિંહ દુશ્મન દેશની છાવણી સુધી પહોંચી ગયાં, છાવણીએ પહોંચતાની સાથે જ યુવરાજસિંહે પોતાની સાથે રહેલા બધા સૈનિકોને ચારે બાજુએ ફેલાય જવા માટેનો આદેશ કર્યો, આથી બધાં સૈનિકો યુવરાજસિંહના આદેશ પ્રમાણે ચારેબાજુએફેલાય ગયાં, ધીમે – ધીમે તેણે છાવણી પર પહેરીદારી કરતાં ઘણા દુશ્મન સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા, એટલીવારમાં થોડેક દૂરથી એકસાથે ઘણાં બધાં દુશ્મન સૈનિકોને ગાડીમાંથી ઉતરીને છાવણી તરફ આગળ વધવા લાગ્યાં, આ જોઈ યુવરાજસિંહ વોકી – ટોકી પર પોતાના બધા જ સૈનિકોને પરત ફરવા માટે આદેશ કર્યો, અને પોતે પણ થોડીક વારમાં પહોંચે છે, તેવું જણાવ્યું, આ દરમિયાન એક દુશ્મન સૈનિક યુવરાજસિંહની પાછળથી આવીને તેને પકડી લીધો અને તેને ગળાનાં ભાગને છરાની મદદ વડે કાપી નાખ્યું, અને માથું ધડથી અલગ કરી નાખ્યું, અને તેના બાકીનાં ધડને ભારતની સરહદ સુધી પહોંચાડી દીધું.

આ જોઈ સૌ કોઈ અરેરાટી અનુભવે એવું કૃત્ય દુશ્મન દેશનાં સૈનિકોએ કરેલ હતું, ખાલી ધડથી તો યુવરાજસિંહની ઓળખાણ કરાવી મુશ્કેલ હતી, પરંતુ તેના યુનિફોર્મમાં લગાવેલ નેમ પ્લેટનાં આધારે યુવરાજસિંહની ઓળખાણ થઈ ગઈ.

ત્યારબાદ યુવરાજસિંહના નિષ્પ્રાણ મૃતદેહ સન્માનપૂર્વક, તિરંગામાં વીંટાળીને, ભારતીય ફોજની શબવાહિણીમાં, યુવરાજસિંહનાં ઘર સુધી મોકલવાની વ્યવસ્થા કરાવી આપી.

સૌ કોઈ યુવરાજસિંહની અંતિમયાત્રાને રસ્તામાં જોઈ માનપૂર્વક સાવધાનની પોઝિશનમાં ઉભા રહીને સેલ્યુટ કરતાં હતાં, ભારતમાં હજુ પણ માણસાઈ ક્યાંકને ક્યાંક લોકોના હ્ર્દયમાં જીવે છે, જો ભારતમાં કોઈ અજાણ્યા વ્યક્તિની અંતિમયાત્રા નીકળે તો પણ લોકો ઉભા રહી જાય છે, અને મૃતદેહને નમન કરે છે, પછી તે વ્યક્તિ ભલે ગમે તેટલો ગરીબ હોય કે પછી કોઈ કરોડોપતિ પરંતુ તે અંતિમયાત્રાને સન્માન તો આપે જ છે, જ્યારે આતો ભારતમાતાના એક વીર પુત્રની અંતિમ યાત્રા હતી, તો પછી યુવરાજસિંહના મૃતદેહને તો બધાં સલામી કરવી જ પડે.

**************************************************
બીજે દિવસે

ભારતીય જવાનો યુવરાજસિંહના પાર્થિવ દેહને લઈને તેના ઘરે પહોંચ્યા, આ વાત આખા ગામમાં વાયુવેગે ફેલાય ગઈ, અને આખે – આખા ગામમાં જાણે શોકનું એક મોજું ફળી વળ્યું હોય તેવું લાગી રહ્યું હતું, યુવરાજસિંહના પરિવારજનો પણ શોકમાં ડૂબી ગયાં હતાં, પોતાને ખૂબ જ આઘાત લાગ્યો હોવા છતાં પણ યુવરાજસિંહની માતાએ એકપણ આંસુ પોતાની આંખોમાં આવવા ના દીધું, અને હિંમતપૂર્વક સેનાના હેડને પોતાના પુત્ર યુવરાજસિંહનો મૃતદેહ સ્વીકારવાની ઘસીને ના પાડી દીધી, આ જોઈ આજુબાજુ હાજર રહેલા તમામ લોકોનાં આશ્ચર્યનો પાર ના રહ્યો…..ત્યારબાદ જ્યારે યુવરાજસિંહના માતાએ પોતાના પુત્રનાં મૃતદેહને ના સ્વીકારવા પાછળનું કારણ જણાવ્યુ તે સાંભળી હાજર રહેલા તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયાં.

યુવરાજસિંહના માતાએ કારણ જણાવતા કહ્યું કે, “ સાહેબ ! મારા પુત્રના મૃત્યુથી મને જેટલું દુઃખ નથી થયું તેટલું દુઃખ મને તમારાં સેનાની ભરતીના નિયમો જાણીને થયું છે.”

“નિયમ ? કેવા અને કયાં નિયમ વિશે જાણીને તમને દુઃખ થયું છે?” – સેનાનાં વડાએ પોતાના કપાળ પર હાથ ફેરવતા – ફેરવતા પૂછ્યું.

ત્યારબાદ યુવરાજસિંહની માતાએ ક્રિપાલસિંહને પોતાની પાસે બોલાવી તેના ખભે હાથ મુકીને કહ્યું કે, “સાહેબ ! આ યુવરાજસિંહથી નાનો મારો બીજો પુત્ર છે, તેના પણ દેશભક્તિ ફૂટી – કુટીને ભરેલ છે, તેણે લેખિત પરીક્ષામાં પણ સારા માર્ક્સ મેળવ્યા પણ ફિઝિકલ ટેસ્ટમાં તેની ઉંચાઈ બે સે.મી ઓછી હતી એટલે તેને રિજેક્ટ કરવામાં આવ્યો.”

“હા ! તો એમાં શું ખોટું છે? આ ભરતીના નિયમો વર્ષોથી અમલમાં છે કે જો નક્કી કરેલ ઊંચાઇ કરતાં એક પણ સે.મી ઓછી હોય, તો તેને રિજેક્ટ કરવા એવું નિયમોમાં જ લખેલ છે.” – સેનાનાં વડાએ આત્મવિશ્વાસ સાથે જણાવ્યું.

“સાહેબ ! જો તમે વ્યક્તિની ઊંચાઇ એક સે.મી પણ ઓછી હોય તો તમે તેને રિજેક્ટ કરો છો, સ્વીકારતા નથી, તો સાહેબ તમે જ વિચારો કે મારા દિલના ટુકડા સમાન યુવરાજસિંહના શરીરમાં તો માથું જ નથી, સાહેબ એક કે બે સે.મી. ની તો વાત ખૂબ જ દૂર છે…. તો તમે જ વિચારો કે સાહેબ હું મારા દીકરાનાં શરીરમાં તો શિષ જ નથી તો હું મારા દીકરાના મૃતદેહનો કેવી રીતે સ્વીકાર કરું…….?

આ સાંભળી હાજર સૌ કોઈની આંખોમાં દુઃખ સાથે આસું આવી ગયાં, અને સૌ કોઈ યુવરાજસિંહની માતા સાથે સહમત થઈ ગયાં.

ખૂબ જ વિચારણા બાદ સેનાના વડાએ યુવરાજસિંહની માતાને જણાવ્યું કે,

“અમે ! આ બદલ દુઃખ અનુભવી શકીએ છીએ અને તમારી વાત સાથે સહમત પણ છીએ પરંતુ અમે નિયમોથી બંધાયેલા છીએ, એ અમારી મજબૂરી છે, જો તમે કહેતા હો તો ક્રિપાલસિંહને હું યુવરાજસિંહની પોસ્ટ અપાવવામાં માટે ભલામણ કરીશ, જેથી તમારો યુવરાજસિંહ કાયમ માટે તમને ક્રિપાલસિંહમાં દેખાશે.”

આ સાંભળતાં જ યુવરાજસિંહની માતા ખુશ થઈ ગયાં અને ત્યારબાદ, દુઃખ સાથે પોતાના પુત્રના પાર્થિવદેહનો સ્વીકાર કર્યો, અને હિન્દૂ ધર્મની ધાર્મિક પરંપરા અનુસાર યુવરાજસિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં.

મિત્રો ખરેખર તો જ્યારે સેનામાં જવાનોની ભરતી કરવામાં આવે છે, ત્યારે તેની ઊંચાઈ, વજન અને છાતી માપવામાં આવે છે, જાણે દુશ્મન તેની હાઈટ જોઈને જ ગોળી છોડવાનો હોય, મિત્રો આ નિયમો કદાચ સાચા પણ હશે પરંતુ આ બધાની સાથે સાથે એ યુવકનો પોતાના દેશ પ્રત્યે કેટલો પ્રેમ છે એ પણ તપાસવું જોઈએ.

લેખક : મકવાણા રાહુલ એચ.

આપના અભિપ્રાય કોમેન્ટમાં જણાવો, દરરોજ અલગ અલગ વિષયની વાર્તાઓ વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી