ભાવતા ભૂંગળા આંગળીમાં લગાવીને ગણતરી શીખવાડે છે આ સરકારી શિક્ષક…

સરકારી કર્મચારીઓને ‘સરકારના જમાઈ’ કહીને લોકો કામચોર અને આળસુ ગણતા હોય એવા માહોલમાં દિલ રેડીને કામ કરતા કર્મયોગીઓની બહુ ઓછી નોંધ લેવાય છે. આજે એક એવા સરકારી શિક્ષકની વાત કરવી છે જે હૈયું નીચોવીને કામ કરે છે.

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં આવેલા મિતિયાળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો યુવાન રાઘવ કટકીયા પ્રાથમિક શાળાના બાળકોને અનોખી રીતે શિક્ષણ આપે છે. સામાન્ય રીતે બાળકોને શાળાએ જવાનું બહુ ગમતું નથી. શાળાનું નામ પડતા જ બાળકોના મોઢા મચકોડાઈ જાય છે પણ મિતિયાળાના બાળકો હસતા હસતા શાળાએ જાય છે. બાળકોને રજા પાડવી ગમતી જ નથી કારણકે એના રાઘવ સર બાળકો માટે ‘રઘુ રમકડું’ બનીને ગમ્મત સાથે જ્ઞાન પીરસે છે. નાચતા જાય, ગાતા જાય, ગવડાવતા જાય, મજા કરાવતા જાય અને શીખવતા જાય.

image source

બાળકોને ગણિતના દાખલા શીખવવાના હોય તો રાઘવભાઈ બાળકોને ભાવતા ભૂંગળા પોતાના ખર્ચે લાવે અને બાળકોની આંગળીઓમાં ભૂંગળા ભરાવીને ગણતરી કરાવે અને ભૂંગળા ખવડાવીને બાળકોને મજા કરાવે. ક્યારેક બીસ્ટીટ લાવે તો ક્યારેક ફળ કે શાકભાજી લાવે. ક્લાસરૂમમાં કંઇકને કંઇક એવું લાવે જેમાં બાળકોને મજા પડી જાય. આ માટે દર મહિને 1000-1500 પોતાના ખિસ્સાના ખર્ચે એ પણ ફિક્સ પગારની આવકમાંથી.

image source

બાળકોને ભણવામાં રસ પડે એટલે જે ભણાવવાનું હોય એ ક્લાસરૂમમાં પ્રેકટીકલ કરીને સમજાવે. પ્રાણીઓ કે પક્ષિઓ વિશે માહિતી આપવાની હોય તો ઘેટુ, સસલું, પોપટ વગેરે ક્લાસમાં જ લાવીને વિદ્યાર્થીઓને બતાવે અને સમજાવે. માત્ર પુસ્તકના આધારે નહીં પણ પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ આપે જેથી બાળકોને મોજ પડી જાય અને શાળાએ આવવું ગમે. મિતિયાળાની આ સરકારી શાળામાં 400થી વધુ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને કેટલાક તો ખાનગી શાળા છોડીને આ શાળામાં આવી રહ્યા છે.

અભ્યાસકીય બાબતો સિવાય જીવન ઉપયોગી કૌશલ્યો પણ શીખવાડે. ચા કેમ બનાવાય ? વગેરેથી શરૂ કરીને નાની મોટી જીવનજરૂરી ક્ષમતાઓ ઉજાગર કરવાનું કામ કરે. ગામડાના બાળકો સ્વચ્છતા પ્રત્યે સભાન થાય એટલે એના હાથ પગ ધોઈ આપે, નખ કાપી આપે, વાળમાં તેલ નાંખીને વાળ ઓળી આપે આવું બધું જ કામ એ હોંશથી કરે અને વિદ્યાર્થીઓને સાચા અર્થમાં કેળવે. રાઘવભાઈ કટકીયા ગામડાની સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ ઘરના બાળકોને શિયાળાની કાતિલ ઠંડીથી બચાવવા કોઈ દાતાની મદદથી સ્વેટર પણ અપાવે છે તો મિત્રોની મદદથી બાળકોને સ્ટ્રોબેરી જેવા ફળોનો સ્વાદ પણ ચખાડે છે.

image source

કોઈ પોતાના કામની નોંધ લઈને એની પ્રસંશા કરે છે કે કેમ એની પરવા કર્યા વગર આ માસ્તર ખરેખર ‘મા’ના સ્તરે પહોંચીને કામ કરે છે.

image source

મિત્રો, સરકારી શાળાઓમાં ‘રઘુ રમકડાં’ જેવા કેટલાય શિક્ષકો છે જે તન, મન અને ધન સમર્પિત કરીને શિક્ષણનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે. કામચોર કર્મચારીઓ તો ઘણા જોયા હશે અને એના વિશે સાંભળ્યું પણ હશે પણ આવા અનેક કર્મશીલ કર્મચારીઓ પણ છે જે નિસ્વાર્થભાવે પોતાની ફરજો નિભાવે છે.

લેખક : શૈલેશ સગપરીયા

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ