પ્યાર કોઇ ખેલ નહી – પતિના જીવનમાં આવે છે કોલેજકાળનો પ્રેમ, એક લાગણીસભર વાર્તા…

‘પ્યાર કોઇ ખેલ નહી…’

આરતીને હમણાં હમણાંથી લાગતુ હતું કે વિક્ર્મ બદલાઇ ગયો છે, પણ એના બદલાવનું કારણ તે જાણી શકી નહોતી.

-તેનું મોડેથી ઘરે આવવું, એકાંતમાં મોબાઇલ ઉપર વાતો કર્યા કરવી, પોતા સાથે માત્ર ખપપૂરતી જ વાત કરવી અને એ પણ ‘હા’ અથવા ‘ના’ એકાક્ષરી ઉત્તરો અને ખાસ તો પોતાના તરફનું તેનું ઉપેક્ષિત વલણ ! આ બધું તે સહન કરી શકતી નહોતી, પણ એક દિવસ અચાનક વિક્ર્મનાં મોબાઇલ ઉપરના કોલરજિસ્ટરમાં ‘મેઘના’ નામની યુવતીના કોલ્સ આઉટગોંઇગ થયેલા જોયા ત્યારે તેનો શક પાક્કો થઇ ગયો કે આ મેઘના નામની યુવતી બીજી કોઇ નહીં પરંતુ વિક્રમનાં કોલેજ જીવનની તેની બહેનપણી જ છે !

આ મેઘનાનો સંદર્ભ તો હસીમજાકમાં તેની નણંદ પૂજાએ આપેલો. એટલે જ એક દિવસ એણે બેડરૂમમાં સૂતાં સૂતાં વિક્રમની ડોકમાં હાથ નાખીને પૂછેલું : ‘વિક્રમ, મારા પહેલાં તારી લાઇફમાં કોઇ છોકરી આવેલી ?’ ત્યારે વિક્રમે વાતને હસી કાઢેલી, પણ આરતીએ વિક્રમની આંખમાં આંખ પરોવીને કહ્યું : ‘વિક્રમ, આ વાતને ઉડાવી દેવી યોગ્ય નથી. જોકે,મને તો ખબર પડી છે કે તું મેઘના નામની છોકરીને પ્રેમ કરતો હતો, ખરું કે નહી ?’ ત્યારે વિક્રમે એવો જ ઉડાઉ જવાબ આપ્યો : ‘આરતી માય સ્વીટહાર્ટ, કોલેજનું સ્ટેજ જ એવું હોય છે કે જયાં આપણે અવશ્ય કોઇ પ્યારમાં પડી જતાં હોઇએ છીએ. જસ્ટ, તું પણ કોઇના તો પ્રેમમાં નહીં જ પડી હોય કે ?’

‘ના, હું માત્ર તારા જ પ્રેમમાં પડી છું.’ આરતીએ હક્ક સાથે જુસ્સાભર સ્વરે કહ્યું ત્યારે વિક્રમ વ્યંગમાં હસીને બોલ્યો હતો : ‘માનું છું, પણ એવું ય બને કે કોઇ તને પ્રેમ કરતું હોય અને ખુદ તને જ ખબર ન હોય. મે બી પોસિબલ. બની શકે ને ?’

-આરતી મૌન થઇ ગયેલી. બાય ધ વે, એ પછી તો પાંચ-સાત વરસ પસાર થઇ ગયા. મેઘના ભુલાઇ પણ ગઇ. ક્યારેય મેઘનાના નામનો અછડતો ઉલ્લેખ પણ થયો નહોતો. રાજનગર જેવી નાનકડી સિટી માંથી બહાર નીકળીને બન્ને અમદાવાદ, વિક્રમને સારી જોબ મળતાં સેટ થઇ ગયાં હતાં અને અચાનક જ અમદાવાદ આવ્યા પછી ચાર-છ મહિનામાં તો આ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઇ હતી.

પણ હવે ધીરજથી કામ લેવું પડે તેમ હતું. એકવાર વિક્રમે જોકે વાતવાતમાં કહેલું કે મેઘનાનાં લગ્ન તો અમદાવાદ થયેલાં છે. -આજે એ વાતનો તાળો મળી ચૂકયો હતો ! વિક્રમ નક્કી મેઘનાને મળવા રેસ્ટોરંન, હોટલ કે કોઇ ટોકીઝમાં બોલાવતો હશે અને બન્ને જણ રોમાન્સ…

આજે, આરતીને પોતાની જીવનનૌકા ડગમગતી હોય એમ લાગ્યું. સતત વિક્રમ અને મેઘનાનાં વિચારોને લીધે પોતે પાગલ થઇ જશે કે શુ ? આ મુશ્કેલીનો રસ્તો કાઢવા તેને કોલેજ કાળની ફ્રેન્ડ પાયલને મળવા ખાસ ફોન કર્યા. એ પણ અમદાવાદમાં જ હતી. પાયલને સઘળી વાત કરી. પાયલે કહ્યું કે જિંદગીની એક એવી હિલ પર તું ઊભી છો જયાં ઊંડી ખીણ પણ શરૂ થઇ જાય છે. આ તરફ અનેક વળાંક છે. સબરથી કામ લેજે.

વિક્ર્મ સાથે આ બાબતે ઝઘડતી નહીં. ઝઘડો આ બાબતને બહુ આક્રમક સ્વરૂપ આપી દેશે. તું વિક્રમનાં મોબાઇલ માંથી મેઘનાનો નંબર ગમે તેમ કરીને મેળવી લે. એ પછી બીજા ફોન માંથી ફોન કરીને ખાતરી કરી લે કે એ નંબર મેઘનાનો છે. એ કોણ બોલે છે એ પૂછીને એકવાર તારા પતિને હસતા મુખે વાત કરજે કે, “ખોટું નહીં લગાડતા પ્લીઝ, તમારી એક ખૂબસૂરત ફ્રેન્ડ છે મેઘના, પણ મને એ બતાવો તો ખરા કે તમારી એ ફ્રેન્ડ કેવીક છે ?”

‘પછી ? પછી મારે શું કરવાનું ?’ આરતીએ પૂછયું. પાયલે કહ્યું કે “તારે એને ફોન કરવાનો. ઘરે જમવા બોલાવવાની. એ બન્નેની આંખો ઉપરથી તને હકીકત શું છે એની જાણ થશે. પછી રસ્તો કાઢીશું. ઓકે ? અને…ડુ નોટ વરી. મુશ્કેલી ભલે આવે., ઇશ્વર ક્યાંક તો ઉકેલ રાખતો જ હોય છે.”
યોજના મુજબ એક દિવસ સાંજે જ આરતીએ મેઘનાનો રેફરન્સ ટાંકીને પ્યારથી કહ્યું “વિક્રમ, મને મેઘનાને બતાવશો નહીં ? અહીંયા અમદાવાદમાં જ ક્યાંક સાસરું છે ! ચાલોને એ બહાને પરિચય પણ થાય અને બીજું તો શું આ અજાણી સિટીમાં કમસેકમ આપણે રજામાં કયારેક એને ત્યાં બેસવા જઇએ તો ટાઇમ પણ પસાર થાય, ખરું કે ? ચાલોને મારે તેને મળવું છે !”

વિક્રમ તો આશ્વર્યમાં પડી ગયો, પણ આરતીની આંખમાં છલકતા પ્યારને લીધે તેને કશી શંકા ન લાગી. તે દિવસે સાંજે જ તેને લઇને મેઘનાને ત્યાં પહોંચ્યો. મેઘનાને જોઇને આરતીને લાગ્યું કે ખરેખર મેઘના બ્યુટિફુલ યુવતી છે. મેઘનાનું રૂપ, લાવણ્ય અને યોવન હજી અકબંધ છે. અઠ્ઠાવીસની ઉંમરે પણ ‘અનાઘ્રાત પુષ્પ’ જેવી ખીલી ખીલી જ રહી છે. એ અડધો કલાક બેઠી પરંતુ કંઇ સમજ ન પડી.

હા, પોતાના પતિની મેઘનાને જોવાની દ્રષ્ટિમાં ચોકકસ દટાઇ ગયેલો પ્રેમ અંકુર બનીને ઉભો થતો હતો. તો શું મેઘનાય વિક્રમને ચાહતી હશે ? કદાચ પોતાની હાજરીથી પોતાની આંખોનાં ચેહરાના ભાવ છુપાવતી હોય… સ્ત્રી છે. ભાવ છુપાવવાની સહજતા એનામાં જન્મજાત હોય છે. અને સામેની વ્યકિતનાં ભાવ પણ તે એક જ ક્ષણમાં પારખી લે છે. તો પોતે કેમ પારખી શકતી નથી એક સ્ત્રી થઇને પણ ?

બેશક, પોતાને જોઇને મેઘનાને આંનદ થયો. અવારનવાર મળવા આવવાનું વચન માગીને એક દોસ્ત પણ બની ગઇ. મેઘના પતિ હર્ષ, કે જે એક સિવિલ એન્જિનિયર હતો એ પણ ખુશ ખુશ થઇ ગયો.

દિવસો વીતવા લાગ્યા. આરતી વિક્રમનું નિરીક્ષણ કરતી હતી. એક વાર તેણે મેઘનાને જમવા માટે નિમંત્રણ આપ્યું. મેઘનાએ હસીને એ આમંત્રણને વધાવી લીધું, પણ એના પતિને જમવા આવવાની વેળાએ જ ઓચિંતાનું વ્યવસાયનાં કામે કોન્ટ્રેકટરને મળવા જવાનું થયું. મેઘના એકલી જ જમવા આવી. આવી હતી તો એકલી પણ પોતાની ગાડી લઇને.

આરતી, વિક્રમ અને મેઘના ત્રણેયે ખૂબ વાતો કરી. પેટ ભરીને જમ્યાં. વિક્રમે મેઘનાને ખૂબ આગ્રહ કરીને જમાડી. પ્રેમ કરવાની એક પણ તક ન છોડી. અરે, મેઘનાનાં હાથને સ્પર્શ કરી લેવાની એક તકને ગુમાવવા જાણે માગતો નહોતો, પરંતુ આરતી આંખ આડા કાન કરતી હતી. જમીને રાત્રીના અગિયાર જેવું થઇ ગયું. આખરે મેઘનાએ કહ્યું : ‘વિક્રમ, આરતી…ખૂબ મોડું થઇ ગયું છે. હું જાઉ ?’ “અહીંયા જ સૂઇ રહેને? તારા હસબન્ડ તો આજે મહેસાણા રોકાઇ જ જવાના છે.પછી શું ?

“ના વિક્રમ, ઘર એકલું રહે અને વળી, એ વહેલા સવારના આવે, ચાવી મારી પાસે હોય. એમને અહીં સુધી ધક્કો થાય. હું નીકળું…’ કહેતી એ ઊભી થઇ. જતાં જતાં આરતીને ગળે લગાડતાં કહ્યું : “તારો નેચર એબ્સોલ્યુટલી સરસ છે. I Love You. મને તારા જેવી એક ફ્રેન્ડ મળી એ માટે Thanks to Vikram.” ‘હવે ?’ એ મૂંઝાઇને ઊભી રહી. પણ વિક્રમે કહ્યું : ‘ચાલ મેઘના હું તને મૂકી જાઉં.’

આરતી ચમકી ગઇ. કદાચ આ જ બહાનું તો વિક્રમ શોધતો હતો. મેઘના ઇન્કાર ન કરી શકી અને વિક્રમે પોતાની બાઇક બહાર કાઢી. મેઘના કશું પણ બોલ્યા વગર એની પાછળ બેસી ગઇ. આરતીને હવે ફિલ થયું કે દાળમાં કશુંક કાળું તો જરૂર છે. શું રંધાઇ રહ્યું છે એ બન્નેની વચ્ચે ? -કોઇ પછી પ્રિ પ્લાન છે ! હવે તેને પાક્કી ખાતરી થઇ ગઇ કે આખરે બન્નેને રોમાન્સ કરવા માટેનું એક બહાનું હતું. તેનું દિલ તૂટીને ચૂરચૂર થઇ ગયું.

પણ તે હિંમત હારી જાય તેમ ન હતી. આજે મેઘનાનું અસલ સ્વરૂપ છતું કરવું હતું. પોતાના સંસાર સરોવરમાં કાંકરીચાળો કરી વમળ ઉત્પન્ન કરનાર મેઘનાનો છડેચોક આખી સોસાયટીમાં ધજાગરો કરવાનો નિર્ણય તે લઇ ચૂકી હતી. એટલે વિક્રમનું બાઇક જેવું દરવાજા માંથી નીકળ્યું કે એ પણ પાછળ જ પોતાની સ્કૂટી લઇને નીકળી પડી.

આ વાતથી બેખબર વિક્રમ મસ્તીથી ગાડી ચલાવતો હતો અને ઘડીએ ઘડીએ આગળ-પાછળ ઝૂકી મેઘનાનાં ઉરોસ્તનો પીઠને સ્પર્શ થાય એવા પ્રયત્નો કરી લેતો હતો, પણ મેઘના મૌન હતી. એ એની મૂક સંમતિ હતી કે શું ? અડધા કલાક બાદ તેઓ મેઘનાના ભવ્ય બંગલા પાસે આવી પહોંચ્યા. બાઇક ઉપરથી ઉતરી વિક્રમ ઉભો રહ્યો. મેઘનાએ તાળું ખોલતા સહજતાથી કહ્યું, ‘પાણીબાણી પીવું નથી કે ?’ ‘હા… ચાલો એક ગ્લાસ પાણી પિવડાવી દો એટલે બસ…’

બન્ને અંદર આવ્યાં. મેઘનાએ પાણી આપ્યું. ત્યાં જ મેઘનાનાં હાથના સ્પર્શને માણી લેતો વિક્રમ ઊભો થયો : ‘મેઘના, આઇ લવ યુ…’ મેઘના હસી પડી : ‘હું જાણું છું કે તું મને પ્રેમ કરે છે, પણ તું એ જવાબ આપીશ કે તું મારા શરીરને ચાહે છે કે આત્માને ?’ ‘તને…’ કહેતો વિક્રમ નજીક આવ્યો. મેઘનાના ઉરોજ પર માથું ઢાળી દેતાં કહે, ‘એક વાર તારામાં સમાવી લે મેઘના.’

મેઘનાએ તેને સલૂકાઇથી દૂર કરતાં કહ્યું : ‘વિક્રમ, હું જોતી હતી કે આપણે ઓચિંતાનાં મલ્ટિપ્લેક્સ શોપિંગ મોલમાં મળી ગયા પછી કેટલીય વાર તું મને કંઇક કહેવા માગતો હતો. ફોન કરી કરીને પણ કશુંક કહેવા ઇચ્છતો હતો, પણ અટકી જતો હતો. વેલ, હું જાણું છું કે કોલેજમાં તું મને ચાહતો હતો, પણ ચાહત, ઇટ મીન્સ પ્યાર – પ્રેમમાં ‘શરીર’ વચ્ચે આવતું નથી. શું હું શરીર વેચવાવાળી સ્ત્રી છું ? ‘અરે ? તું કેવી વાત કરે છે ? વિક્રમના આવાજમાં ગુસ્સો ભળ્યો.

‘તો પછી તું કેવી વાત કરે છે વિક્ર્મ ? આજે આપણે પરણેલા છીએ. હું કોઇની પત્ની છું. એના વિશ્વાસનો દ્રોહ કઇ રીતે કરું ? શું તું એટલો નીચે પડવા માગે છે કે તને હું બળાત્કારી સમજું ? તારા વિચારો એટલા બધા નિમ્ન છે ? શું તારી પત્ની પાસે કોઇ આવી બેહૂદી માગણી કરે તો સ્વીકારી શકીશ તું ?’ ‘ના…ના… ના…’

‘તો પછી અહીંથી પાછો વળી જા વિક્રમ ! તને સુંદર પત્ની મળી છે જે તને મારા કરતાંય અધિક પ્રેમ કરે છે અને કરશે. તું મને પામવા જઇશ તો તું મને ખોઇ બેસીશ. કેમ કે હું કોઇની પરણેતર છું. જો તું આરતીને પામવાની કોશિશ કરીશ તો તારો પ્રેમ દ્રિગુણિત થઇને મહોરી ઊઠશે. એક તારા હૈયા માંથી, એક એના હૈયા માંથી અને સાચું કહું ?’

શરીર માત્ર એકને જ સોંપવાનું હોય છે. માત્ર પોતાના પતિને, અન્યને નહીં. તો તો પત્ની અને વેમ્પમાં ફેર શું બોલ તો…’

‘મેઘના…’ કહેતો વિક્રમ બેસી પડ્યો ત્યારે મેઘનાએ તેના માથામાં હાથ ફેરવતાં કહ્યું : ‘હું તારી મિત્ર હતી અને રહીશ, પણ એ મિત્રતામાં કયારેય ડાઘ લગાડવાની કોશિશ ન કરતો. પત્નીને પ્રેમ કરતાં શીખ. સ્ત્રીનું દિલ સાત પડવાળું છે. હજી તો તેં માંડ પહેલું જ પડ ખોંલ્યું હોય એમ લાગે છે. તું જેમ જેમ તારી પત્નીને સંવારતો જઇશ એમ એમ તને તેમાંથી જ સઘળું સુખ પ્રાપ્ત થતું જશે.

પછી કદાચ અપ્સરાઓ તારી સામે આવીને ઊભી રહેશે તો પણ તારી પત્ની કરતાં એ બધી જ ફિક્કી લાગશે. લે, આ પાણી પીને સીધો ઘરભેગો થજે. ત્યાં કોઇ નમણી આંખો તારો ઇન્તઝાર કરતી હશે…’ પણ ત્યારે ડ્રોંઇગરૂમનું ચૂપકે ચૂપકે દ્રશ્ય નિહાળી રહેલી બન્ને નમણી આંખોમાં તો મેઘના પ્રત્યેનો પ્રેમ આંસુનાં મેઘ બનીને વરસી રહ્યો હતો !!!

*****

લેખક : યોગેશ પંડ્યા

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ