પુત્રી-વધુ – તેમની પીઠ પાછળ તો લોકો વાત કરતા જ હતા પણ આજે તો મોઢે પણ કહી દિધું…

વડોદરા ની બાલાજી સોસાયટી ના મકાન નંબર 35 પાસે સામાન ભરેલો એક ટેમ્પો આવીને ઉભો રહ્યો.પડોશમાં રહેતા લોકો ઉત્સુકતાવશ થઈ પોતપોતાના ઘર ની બહાર નીકળી આવ્યા..દશેક મિનિટ બાદ એ જ ઘર પાસે એક ટેક્ષી આવીને ઉભી રહી એમાંથી એક ત્રીસેક વર્ષની યુવતી પૂજા અને 55ની આસપાસ ના આધેડ મહિલા રમાબેન બહાર આવ્યા…સાથે ઓમ જેની ઉંમર સાતેક વર્ષની હતી..આ નાનકડું કુટુંબ પેલા 35 નંબર ના મકાન માં રહેવા આવ્યું છે એ વાત નો ખ્યાલ પડોશીઓને પણ આવી ગયો..


આમ તો સોસાયટીના બધા જ લોકો ખૂબ જ મિલનસાર એટલે પૂજા અને રમાબેન ને આવતાની સાથે જ લોકો એ ચા પાણી અંગે પૂછી લીધું…સામાન ઉતારવામાં થોડી ઘણી મદદ કરી સૌ કોઈ છુટા પડ્યા..પૂજા અને રમાબેન નો આખો દિવસ ઘર વ્યવસ્થિત કરવામાં જ નીકળી ગયો…પૂજા ને પોતાની સરકારી નોકરી માં પ્રમોશન સાથે બદલી પણ મળી હતી બસ એ જ કારણસર પૂજા એ રમાં બેન અને ઓમ સાથે જામનગરથી વડોદરા સ્થળાંતર કર્યું હતું..

આખો દિવસ ઘરનું કામ કરી થાકી ગયેલા રમાબેન વહેલા જ સુઈ ગયા..એમના સુઈ ગયા પછી પૂજાએ રમાબેન ના પગના તળિયે થોડું દિવેલ ઘસી આપ્યું અને એમની જ બાજુ માં સુતેલા ઓમ ને પણ વ્હાલથી કપાળ પર ચૂમી ને પોતાની પથારી માં આડી પડી..પૂજા ખૂબ જ બહાદુર છોકરી..નાની એવી તકલીફ એને હચમચાવી ન શકે પણ કોણ જાણે કેમ રાત નું એ એકલવાયાપણું એને વિચારો ના વમળ માં દૂર દૂર ફેકતું જતું…પૂજા પોતાના ભૂતકાળ ના એ પળોને યાદ કરીને વિચારોના ઊંડા સાગર માં ડૂબી જતી..અલબત્ત ક્યારેય રડતી નહિ એ..જાણે આંખમાંથી આંસુ જ સુકાઈ ગયા હોય..વિચારોની માયાજાળ વચ્ચે એને ક્યારે ઊંઘ આવી ગઈ એને ખબર જ ન પડી..


બીજા દિવસે એનો ઓફિસનો પહેલો દિવસ હતો.એટલે એ વહેલી જ ઉઠી ગયી હતી…ઘર નું લગભગ બધું જ કામ આટોપી લીધું હતું..પોતાના અને ઓમ ના ટિફિન સાથે એને રમાબેન માટે પણ રસોઈ બનાવી લીધી હતી..રમાબેન ને ઉઠતાંવેંત જ ચા નો કપ જોઈએ એ વાત ની પૂજાને જાણ એટલે એ ક્રમ માં ક્યારેય સમયચુક ન થવા દેતી…8 :30 ના ટકોરે પૂજા ઓફિસ જવા રવાના થયી..પૂજા ના ગયા બાદ રમાબેને ખૂબ જ પ્રેમથી ઓમ ને ઉઠાડ્યો અને એને તૈયાર કરી અને જમાડી સ્કૂલે મોકલ્યો.

રમાં બેન ને વાંચવાનો ખૂબ જ શોખ એટલે એ ભગવાનની ચોપડીઓ લઈને સોફા પર ગોઠવાઈ ગઈ..થોડીવાર માં દરવાજે ટકોરા પડ્યા.. રમાબેને દરવાજો ખોલ્યો તો સામે આડોશપડોશ ની કેટલીક મહિલાઓ ઉભી હતી..રમાબેને સૌને ઉમળકાભેર આવકાર આપ્યો..બધી જ મહિલા ઘરમાં ગોઠવાઈ ગઈ અને રમાબેન સાથે સામાન્ય વાતો કરવા લાગી..એમાંથી એક જણી એ કહ્યું


“તમે સાવ એકલા એકલા શુ કરશો ઘરમાં…અમે બહાર જ બેઠા હોઈએ છે…તમારે આવવું અમારી સાથે બેસવા તો તમારો ય સમય જાય”

રમાબેને હકાર માં માથું ધુણાવ્યું…નવા શહેરમાં સારા પાડોશી મળ્યા છે એ વિચારે રમાબેન ખુશ હતા..રમાં બેને સૌમાટે શરબત બનાવ્યું અને બધા થોડી અલકમલકની વાતો કરી ને છુટા પડ્યા.એ દિવસ બાદ રોજ રમાં બેન સાંજ ના સમયે એ મહિલા મંડળ સાથે બેસતા..

હવે બધા સાથે એમને સારું ફાવી ગયું હતું.એટલે ક્યારેક શાકમાર્કેટ પણ એ બધા સાથે જતા.સાંજે પૂજા ઘરે આવે ત્યારે એને પોતાની રોજ ની દિનચર્યા અચૂક કહેતા..પૂજા પણ એમની એક એક વાત ખૂબ જ રસપૂર્વક સાંભળતી..એક ગજબ નો સુમેળ હતો રમાબેન અને પૂજા ના સંબંધમાં..પૂજા આમ ઓછાબોલકી હતી એટલે એનો પાડોશી સાથે લાંબો સંવાદ ન થતો…પણ એ રમાબેન સાથે દિલ ખોલી ને વાતો કરતી…


પણ ઘણીવાર એ પોતાના ફોન માં સાચવી રાખેલા એના અને સુજલ ના ફોટા ને જોઈને દુઃખી થઈ જતી..રમાં બેને ઘણી વાર એને આમ એકલતા અનુભવતી જોઈ હતી… કાળજું કઠણ કરી ને જીવી રહેલી પૂજા આંસુ નહોતી સારતી પણ એની આંખના આરે આવેલી એ ભીનાશ રમાબેન જોઈ શકતા હતા..ઘણીવાર બીજા લગ્ન માટે સમજાવી ચૂકેલા રમાબેન પૂજા ને ફરી નહિ પરણવાની હઠ આગળ થાક્યા હતા..

રોજ ની જેમ આજે પણ રમાબેન પડોશ ની મહિલાઓ સાથે બેઠા હતા..પૂજાનો આવવા નો સમય થાય એના કલાક પહેલાં એ રોજની માફક આજે પણ ઘરે જઇ રહ્યા હતા ત્યારે જ કોઈક બોલ્યું, “બેસો ને રમાબેન..પૂજા આવે પછી રસોઈ બનાવજો..એની પણ થોડી મદદ મળી રહેશે તમને”

“ના ના એ બિચારી આખો દિવસની થાકેલી ક્યાં રસોડામાં કુટાય..હું જરા વહેલી જ રસોઈ માંડી દઉં જેથી કરીને એ આવે કે તરત જ ગરમ ગરમ જ હું ઓમ અને પૂજા જમી શકીએ..ચાલો હું જાઉં છું..ફરી કાલે મળીશું” રમાં બેને વળતો જવાબ આપ્યો અને એ ઘર તરફ ઉપડ્યા.

“રમાબેન પૂજા ના સમય નું કેટલું ધ્યાન રાખે છે નહીં?” એક જણી બોલી “તે રાખે જ ને..પૂજા કમાણી એય એવી લાવે છે ને” “હા દીકરી ના પૈસે લહેર કરે છે રમાં બેન..તે પછી સાચવે જ ને પૂજા નો સમય” “જુવાન જોધ દીકરી પોતાનો ઘરસંસાર છોડી આમ માઁ પાસે આવી ને રહે તો માઁ ની જ ફરજ મા આવે એને સમજાવીને એના સાસરે પરત મોકલવાની..”


“રમાબેન તો ઠીક પણ પૂજા ને ય ભાન ન પડે કે આમ સંસાર ત્યજી ને માવતર ના ઘરે રહેવાથી એની જ બદનામી થાય?..કઈ નહિ તો પેલા નાનકડા ઓમ વિશે વિચારી ને જ જતી રહેતી હોય સાસરે પાછી..” “ભલી બાઈ છે રમાબેન…દીકરી નો રૂપિયો ક્યાં જન્મ માં ખપશે?…પોતે સાવ એકલી એટલે પડી છે દીકરીના માથે”

મહિલા મંડળ દ્વારા થઈ રહેલી રમાબેન ની કુથલી ઓફિસ થી જલ્દી આવી ગયેલી પૂજા દૂર ઉભી રહી શબ્દે શબ્દ સાંભળી રહી હતી..આ પહેલા પણ એને ઘણી વાર આવી વાતો સાંભળી હતી…પણ એને જતું કર્યું હતું…ક્યારેય રમાબેન ને પણ આ વિશે વાત નહોતી કરી એમ સમજીને કે કદાચ એમને દુઃખ થશે..પણ આજે એની ધીરજ ની કસોટી થઈ ગઈ..એ ધીરજ ન જાળવી શકી..અને પહોંચી ગઈ એ મહિલા મંડળ પાસે.


“કેમ ન પડી શકે એ મારા માથે..? જે સ્ત્રી માત્ર 27 વર્ષની ઉંમરે વિધવા થઈ…જેને હજી દુનિયા પણ સરખી જોઈ ન હતી…એને માથે એની અને એના 5 વર્ષ ના સંતાન ની આવડી મોટી જવાબદારી આવી પડી ત્યારે તો કોઈએ નહોતી કીધું કે એની માથે જવાબદારી પડી?…ફક્ત પોતાના સંતાન ખાતર જેને ફરી ક્યારેય લગ્ન અંગે નો વિચાર સુધ્ધાં નહોતો કર્યો…જેને પારકા કામ કરીને એના સંતાન ને ભણાવી ને સારી પેઠે ઉછેર કર્યો ત્યારે ક્યાં હતા તમે જેને આજે એ સ્ત્રી મારે માથે પડતી…મારા પૈસે જલસા કરતી દેખાય છે?..

જેને ફક્ત પોતાના સંતાન માટે પોતાના બધા જ મોજશોખ નેવે મૂકી દીધા…પોતાની ઈચ્છાઓ હ્ર્દય ના એક ખુણા માં ધરબી દીધી..શુ એ સ્ત્રી એના સંતાન પાસે બદલા માં એની પાછલી જિંદગી શાંતીથી સુખસગવડ સાથે વ્યતીત કરી શકે એટલી પણ ઈચ્છા ના રાખે?…”પૂજા આવેશ માં આવી ને એક પછી એક સ્ટીવચનો બોલતી રહી….એનો અવાજ એ મહિલાઓને આરપાર વીંધી ગયો..બધી જ મહિલાઓ નીચું મોઢું કરી ઉભી રહી ગઈ..

“અરે પૂજા બેટા તું ક્યારે આવી? ચાલ ચાલ જમવાનું તૈયાર છે” પાછળ થી રમાબેને પૂજા ને બૂમ પાડતા કહ્યું.. પૂજા કઈ પણ બોલ્યા વિના રોષભેર ઘરમાં જતી રહી..રમાબેન એને જતા જોઈ રહ્યા..અને સામે નીચું મોઢું કરી ઉભેલી મહિલાઓ સામે પ્રશ્નાર્થ નજરે જોવા લાગ્યા.. એકે બધી જ વાત રમાબેન ને જણાવતા એમની માફી માંગવા લાગી અને કહ્યું


“ખૂબ જ ભાગ્યશાળી છો રમાંબેન તમે…તમે ભૂતકાળ માં ખૂબ દુઃખ ભોગવ્યું છે એની હકીકત જાણ્યા વગર જ તમારા વિશે ગેરસમજ ઉભી કરી લીધી એ માટે અમે ખૂબ દિલગીર છે..પણ ભગવાન નો આભાર માનવા જેવો કે એમને તમને પૂજા જેવી પુત્રી આપી…જે એની માઁ ની પોતાના માટે ભોગવેલી એક એક પીડા ને સમજી શકે છે..” “વાત તો તમારી સાચી..પૂજા ખૂબ જ સમજુ છું…પણ મારા એવા ક્યાં નસીબ કે આવી બહાદુર અને સમજુ દીકરી ને હું જન્મ આપી શકું”

બધી જ મહિલાઓ આ વાત સાંભળી સ્તબ્ધ થઈ એકબીજાની સામું જોવા લાગી. “હા પૂજા મારી પુત્રી નથી પણ મારા માટે પુત્રી થી પણ વધુ છે..એ મારા ઘરની વહુ છે…8 વર્ષ પહેલાં મારા દીકરા સુજલ માટે પૂજા પર પસંદગી નો કળશ ઢોળેલો..એક જ નજર માં મને અને સુજલ બન્ને ને પૂજા ગમી ગયેલી..સુજલ ભણેલો એટલે એને પત્ની પણ ભણેલી જ જોઈતી અને એની આ ઇચ્છામાં પૂજા બંધબેસતી હતી..બન્ને ના ઘડિયા લગ્ન લેવાયા…સુજલ ની કમાણી સારી હતી એટલે અમે સુખે થી જીવતા હતા…


લગ્ન ન બીજા જ વર્ષે અમારા ઘરે પારણું બંધાયુ અને ઓમ નું આગમન થયું…ઓમ માં વ્યસ્ત રહેતી પૂજાને સુજલ ક્યારે એનાથી દૂર થઈ ગયો એની ખબર જ ન રહી…અને એક દિવસ સુજલ એની જ સાથે નોકરી કરતી કોઈ છોકરી સાથે હમેશ માટે અમને છોડી ને ચાલ્યો ગયો…2 વર્ષના ઓમ અને જુવાનજોધ વહુ ને આમ મારો દીકરો છોડી ને ચાલ્યો ગયો એના કારણે હું પૂજાની અપરાધી હતી…મારા સંસ્કારો માં જ ક્યાંક ખોટ રહી ગઈ હશે એટલે જ સુજલ આવું પગલું ભર્યું..


એકાદ વર્ષ તો સુજલ ને યાદ કરવામાં ..એની પાછળ રડવામાં…ક્યારેક એને કોષવામાં વ્યતીત થઈ ગયું…પણ પછી સામે રહેલી પૂજાની આખી જિંદગી અને ઓમના સારા ઉછેર માટે મેં એને ફરી પરણી જવા કહ્યું…પણ એ તૈયાર ન થઈ…એને મને એકલી મૂકી ને ક્યાંય જવાની ના પાડી દીધી…એને નોકરી શોધી અને મારી અને ઓમ ની જવાબદારી એના કુમળા ખભે ઉપાડી લીધી..અને ત્યારથી જ એ મારા માટે પુત્રવધુ નહિ પણ પુત્રી-વધુ છે?” રમાબેન પોતાનો હૃદયની ઉભરો ઠાલવી અશ્રુસહ આંખે ઘરે ગયા.

રમાબેનની વાત સાંભળી દરેક મહિલાની આંખો છલકાઈ ગઈ….મનોમન પોતે ઉચ્ચરેલા એ કડવા શબ્દો પર પસ્તાવો થવા લાગ્યો. બીજા દિવસે સવારે પૂજા ઓફિસ જવા નીકળી જ રહી હતી કે ડોરબેલ વાગી..એને દરવાજો ઉઘાડયો સામે કાલ વાળી મહિલાઓને જોઈ એ ઘડીભર ત્યાં જ ઉભી રહી..ગુસ્સા માં પણ એ પોતાના સંસ્કાર નહોતી ભૂલી એટલે પછી તરત જ એને એ મહિલાઓને આવકાર આપ્યો..બધી જ મહિલાઓ દરવાજે જ ઉભી રહી પૂજા ની કાલ માટે માફી માંગવા લાગ્યા.


“ધન્ય છે પૂજા તને…અમે તો તને સાસરે થી નાહક ની રિસાઈને પરત ફરેલી દીકરી સમજતા હતા…પણ તું તો રમાબેન નો સાચો સહારો છે”

“શુ એક દીકરી જ માવતર ની લાગણી કરી શકે?..મમ્મી એ જ્યારે સુજલને એકલે હાથે મોટા કર્યા…એમને ભણાવ્યા…એમને પરણાવ્યાં…ત્યારે શું એમને તકલીફો નહિ પડી હોય?…શુ એમને બદલામાં સુજલ પાસે અપેક્ષાઓ નહિ રાખી હોય?.અમારા કમનસીબે સુજલ અમને છોડીને પોતાની અલગ દુનિયા વસાવવા ચાલ્યા ગયા..પણ શું એનાથી એમની એમના મમ્મી પ્રત્યે ની જવાબદારી પૂર્ણ થઈ ગઈ…


લગ્ન વખતે મેં સુજલ ના સુખે સુખી ને દુખે દુઃખી થવાના કોલ આપ્યા હતા..પણ સુજલ મને .એમન પરિવાર ને છોડીને ચાલ્યા જાય તો મારા પરિવારના દુખે દુઃખી થવાની મારી જવાબદારીમાંથી હું કઈ રીતે છટકી શકુ..ફક્ત સુજલ માટે પોતાનો સર્વસ્વ ત્યજીદેનાર મમ્મી ને જ્યારે સુજલ ત્યજીને ચાલી નીકળે તો હું એમને કઈ રીતે એકલા મૂકી ને પરણી શકું..મારા નાનકડા ઓમ ને એમનાથી વિશેષ કોઈ સાચવી નહિ શકે એની મને ખાતરી હતી..અને બસ એટલે જ મેં મારી અને મારા પરિવારની જવાબદારી ઉપાડી લીધી”


પૂજા ના શબ્દો સાંભળી રમાબેનની આંખો માંથી દડદડ આંસુ વહી રહ્યા હતા…એ પૂજા ને ભેટી પડ્યા અને બસ એટલું જ બોલી શક્યા.

લેખક : કોમલ રાઠોડ

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ