પૂર્વગ્રહ – સાસુ વહુના સંબંધોની એક અનોખી વાર્તા, તેના પતિની એ સાવકી મા હતી પણ તેની સાથે આવો વ્યવહાર…

“પૂર્વગ્રહ”

” શું આ અત્યારની મમ્મીયુંને તો છોકરાવ રાખતાંય નથી આવડતું ? ” ઉનાળાની ગરમીની મોસમ અને આપણે ત્યાં લગ્નની સીઝન ! એક બાજુ ગરમી ત્રાહિમામ પોકારાવે અને ઉપરથી ભારેખમ કપડાં, ઘરેણા, લગ્નનો દબદબો, નાના બાળકોને નિયમિત ઊંઘ ન થાય, ખાય પીએ નહિ સરખાએ અને કજીયે ચડે !


એક લગ્ન પ્રસંગેથી બસમાં, પાછા ફરતા હતા ત્યારે, વસુબેન તેની સાથે તેની ભત્રીજી અને એ ભતીજીની નાનકડી બેબલી સાથે હતી. તે બેબી ઊંઘમાં આવી હતી પણ ગરમી અને લૂ થી પરેશાન થઈ ઉઠી અને તેથી એ કજીયે ચડી. એની મમ્મીથી પણ તે બેબી શાંત થતી નહોતી. બસમાં આજુબાજુ બેઠેલા લોકો પણ તે બેબીને રડતી જોઈ પરેશાન થઇ ગયા હતા. એક તો બેબી ઉનાળાના ઉકળાટથી કંટાળી ગઈ હતી અને ઊંઘમાં હોવા છતાં સુઈ શકતી ન હતી પણ રડવાનું વધતું જતું હતું. હવે તો તે તેની મમ્મીથી એ ચૂપ થતી નહોતી તેથી વસુબેનની ભત્રીજી ય રડવા જેવી થઈ ગઈ !!


વસુબેને રડતી બેબીને પોતાની પાસે લીધી. પાણીની બોટલમાંથી પાણી કાઢ્યું અને તે બેબીના હાથ પર જરા જરા રેડયું. બેબીને પાણીથી મજા આવી. તો થોડું પાણી તેના નાનકડા નાનકડા પગ પર ધાર કરી. ઠંડક અનુભવતાં તે બેબી રડતી બંધ થઈ. વસુબેને થોડું પાણી લઇ એના મોં પર ફેરવ્યું બેબી ખુશ થઈ ગઈ. રડવાનું ભૂલી ગઈ ! વસુબેને તેને પોતાની પાસે લીધી અને તે બેબી વસુબેન સાથે હળી મળી ગઈ પછી બેબીએ તે બોટલ પોતાના હાથમાં પકડી લીધી અને વસુબેને તેને પોતાના ખોળામાં જ થપથપાવી. બેબી થોડીવારમાં સુઈ ગઈ. વસુબેનની ભત્રીજી પણ ખુશ થઇ ગઇ. આજુબાજુની સીટમાં બેઠેલા મુસાફરો પણ વસુબેન સામે આદરથી જોઈ રહ્યા. કોઈક બેન તો ઉપરનું વાક્ય બોલી પણ ખરી , ” આમ છોકરા રખાય અત્યારની મમ્મીયુને છોકરા સાચવતાં ય આવડતું નથી !!”


વસુબેનની ભત્રીજી, આ સાંભળીને તરત જ બોલી ઉઠી, “હા, હો વસુફોઈબા ! તમે તો કમાલ કરી !! મારી ઢીંગલીને રડતી બંધ કરી દીધી ! તે પહેલેથી જ એવી છે કે રડવાનું ચાલુ કરે પછી બંધ થવાનું નામ ન લે ! આજે તો તમે જાદુ કર્યો ! ખરેખર !!! વસુ ફોઈબા, તમને બાળકોને રાખતા કેવું આવડે છે ? તમારી વહુ, પ્રિયાને તો કેવું સારું ? રાહુલ ભાઈને ત્યાં પણ નાનકડો બાબલો છે ને ??કેવડો થયો એ ? શું નામ છે એનું ?”

વસુબેન બોલ્યા, “હા, મારા રાહુલને ત્યાં સાત મહિનાનો દીકરો છે અને મારા પૌત્રનું નામ યશ છે.” વસુબેન ની ભત્રીજી કહેવા લાગી રાહુલભાઈની પત્ની પ્રિયાને કેવું સારું ?? તમારા જેવી પ્રેમાળ સાસુ હોય તો બાળકોને સંભાળવાની જવાબદારી જ નહિ ને ?? ખરેખર પ્રિયાભાભી ખૂબ નસીબદાર કહેવાય !”

વસુબેન મલકી રહ્યા… લાંબી રૂટની બસ અને બપોરનો સમય હોવાથી થોડા ઘણા મુસાફરો સુઇ ગયા હતા. થોડાઘણા એમને એમ આંખો બંધ કરીને પડ્યા હતા. નાનકડી બેબી જંપી ગઈ તેથી વસુબેનની ભત્રીજી પણ આંખો બંધ કરી ઝોકે ચડી. વસુબેનના મનમાં તેના શબ્દો ગુંજતા હતા, ” પ્રિયા ભાભી, નસીબદાર, બાળક સાચવવાની જવાબદારી, કેવું સારું ,…!!!”

પહેલેથી જ વસુબેનનો સ્વભાવ મિલનસાર. નાના બાળકો તો તેમને ખૂબ જ ગમે. આડોશપાડોશના ટાબરિયા તો તેમના ખૂબ જ હેવાયા. એમની બાજુમાં રહેતા પૂર્ણાબેનની ગુડ્ડી, વસુબેનની ઘરે જ મોટી થઈ હતી. અને પૂર્ણબેન પણ હોંશે હોંશે સૌને કહેતાં કે આ ગુડ્ડીને મેં ભલે જન્મ આપ્યો પણ, એ વસુબેનની જ દીકરી થવા આવી છે. મારાથી પણ વધારે વસુબેનનો હેડો છે.”

અને હા, વસુબેનના લગ્ન પણ મુકેશભાઈની સાથે આ આવડતને કારણે જ થયા હતા.વાત જાણે એમ હતી કે, યુવાન વસુની માસીની દીકરી મેનાના લગ્ન મુકેશભાઈ સાથે થયા હતા. તેમને એક દીકરી નિશા બે વર્ષની થઈ અને મેનાને બીજી ડિલિવરીમાં રાહુલનો જન્મ થયો અને ડિલિવરી માં કંઈ પ્રોબ્લેમ થયો અને મેનાનું અવસાન થઈ ગયું. મુકેશભાઈની માથે તો આભ તૂટી પડ્યું.

વસુબેન ના માસી બિચારા તો તેમની દીકરી મરી ગઈ તેનું એક તો દુઃખ અને તેના નાના બાળકો મા વગરના થઈ ગયા તે બીજું દુઃખ !! જાણે બધા ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો. વસુના માસી બાળકોને પોતાને ત્યાં લઈ આવ્યા અને વસુ ત્યારે માસીના ઘરે આવી હતી અને નાની નિશા તથા નવજાત શિશુને સાચવવામાં માસી ને મદદ કરવા માટે વસુ તેની માસીના ઘરે રોકાઇ ગઇ.


નમાયા છોકરાઓને યુવાન વસુએ માનો પ્રેમ આપી ખૂબ કાળજી લીધી. વસુના માસી તો, વસુનો આવો પ્રેમાળ સ્વભાવ અને બાળકોની સંભાળ રાખતી વસુ ઉપર આભારવશ થઈ ગળગળા થઈ જતા. તેઓ વસુ ઉપર આશીર્વાદ વરસાવતા કહેતા “અમારી વસુ તો કોઈ નસીબદાર, ભારે નસીબવંતા હશે તેમના ઘરે જશે.” માસીના ઘરે તેમના જમાઈ મુકેશભાઈ પણ અવારનવાર પોતાના બાળકોને મળવા આવતા. તેણે પણ વસુને કહ્યું હતું, ” વસુ તે માં વગરના મારા બાળકોની કાળજી લઈને મારા ઉપર ખૂબ મોટો ઉપકાર કર્યો છે હું તેનો બદલો વાળી શકું તેમ નથી.'” અને આટલું બોલતાં તો તેમની આંખમાં આંસુ આવી ગયા


વસુના માસીને કે પણ ચિંતા હતી કે મુકેશકુમારના બીજા લગ્ન થશે અને કેવું પાત્ર મળે? તે તેમના બાળકોને માનો પ્રેમ આપે કે ન આપે ?? મુકેશભાઈ તો ભગવાનના ઘરના માણસ ! ઘરમાં બધી સુખ-સાહ્યબી હતી. મુકેશભાઈનો બિઝનેસ પણ ખૂબ સારો ચાલતો હતો. શ્રીમંતાઈની સાથે ઘર-ખાનદાન પણ ખૂબ સારું હતું. અને તેથી જ તો બીજવર અને બે સંતાનોનો પિતા હોવા છતાં, નાતમાંથી ઘણા માબાપ તેમની દીકરીને મુકેશકુમાર સાથે પરણાવવા ઇચ્છતા હતા. પણ મુકેશભાઈનું મન માનતું નહોતું. એવામાં વસુના મમ્મી તેમની બેન પાસે આવ્યા અને કહેવા લાગ્યા, ” હવે વસુ કેટલા દિવસ અહીં રહેશે ? હું તેને લેવા આવી છું.” વસુની માસી બોલ્યા, “તારી વાત સાચી છે પણ, તું આવી છે તો બે દિવસ તો અહીં રહે પછી જાજો. ”

બંને બહેનોએ રાતે સુતા સુતા વાતો કરતી હતી ત્યારે માસી કહેવા લાગ્યા, ” આ છોકરાઓને વસુની માયા લાગી ગઈ છે. એ જતી રહેશે તો તેમનું શું થશે ? બેન, ખોટું ના લગાડે તો એક વાત પૂછું ? મારી મેનાના આ નાના બાળકોની વસુ તો જાણે સગી માં થઈ ગઈ છે ! તો આમને આમ વસુને જ મુકેશ કુમાર સાથે…” ત્યાં અધવચ્ચે જ વસુની મમ્મી બોલ્યા, “ના , ના, મારી વસુની ઉંમરે ય શું છે હજુ ? અને આમ સીધેસીધી બે છોકરાની મા ?? ”

માસી કંઈ બોલી ન શક્યા. ત્યાં તો અડધી રાતે, વસુની બાજુમાં સુતેલો રાહુલ જાગ્યો, તેણે પથારી ભીની કરી હતી. તે રેડયો કે તરત વસુ ઉઠી, તેને પોતાની પાસે લીધો, તેના ભીના કપડાં દૂર કરી, બનાવીને રાખેલું દૂધ પાઈને સુવડાવ્યો. બાજુમાં સુતેલી નિશા ઊંઘમાં જ “માછી, માછી,…” કરતી વસુના ગળે હાથ ભરાવી સૂઈ ગઈ અને બન્ને બાળકોની વચ્ચે વસુ પણ સૂઈ ગઈ. આ બધું જોઈ રહેલા વસુના મમ્મી પણ મનમાં કંઈક નક્કી કરી સુઈ ગયા.

બીજે દિવસે સવારે વસુ અને તેના મમ્મી જવાના છે તેથી માસી ઉદાસ હતા. બંને બાળકોને તૈયાર કરી દૂધ પાઈને હિચકે લઈને વસુ બેઠી હતી. બંને બહેનો અંદર હતી તેમણે સાદ કરી વસુને અંદર બોલાવી. બધી વાત કરી અને જરાપણ ફોર્સ નથી તું વિચારી ને કહેજે એમ જણાવ્યું પરંતુ, વસુને સાચ્ચે જ આ બાળકોની માયા લાગી ગઈ હતી અને આ તો જાણે પોતાના દિલની વાત છે તેમ કહીને તેણે તરત “હા” પાડી દીધી.

તે જ દિવસે મુકેશકુમારને પણ તેડાવવામાં આવ્યા તેમની સાથે વાત થઈ, બધું નક્કી થઈ ગયું અને એકદમ સાદાઇથી વસુના લગ્ન મુકેશકુમાર સાથે થઇ ગયા અને તે દિવસથી વસુ રાહુલ અને નિશા માટે ખરા અર્થમાં મા બનીને રહી. ઘણા વર્ષો વીતી ગયા આ વાતને !! બાળકોને ક્યારેય માં ની ખોટ લાગવા ન દીધી અને ઉંમરલાયક થતાં નિશાનને પરણાવી સાસરે વળાવી. સમય જતાં રાહુલ પણ મોટો થઈ પપ્પાના બિઝનેસમાં સેટ થઈ ગયો હોવાથી સારું ખાનદાન કુટુંબ જોઈ તેના લગ્ન પ્રિયા સાથે કરાવી આપ્યા. પ્રિયા ઘરરખ્ખું અને સંસ્કારી હતી.બધું બરાબર ચાલતું હતું.

પરંતુ, જ્યારથી પ્રિયા ડીલેવરી કરીને આવી ત્યારથી… પ્રિયાના વર્તનમાં જબરદસ્ત ફેરફાર થઈ ગયો હતો. વસુબેન તેના પૌત્ર પર ઓળઘોળ થઈ જતા તેને તો જાણે રાહુલ ફરીથી બાળ સ્વરૂપે મળ્યો હતો, યશને જોઈને તેમને રમાડવા માટે, ઉમંગની હેલી ચડતી હતી. પૌત્રને માલીશ કરવું, નવડાવીને તૈયાર કરવો હાલરડા ગાવા, વસુબેન ખૂબ ઉત્સુક રહેતાં પરંતુ પ્રિયાને વસુબેન પ્રત્યે ઊંડો પૂર્વગ્રહ હતો. કેમ કે તેને થતું કે “વસુબેન તો રાહુલના સગા મમ્મી નથી, એ તો પાલક માં છે એમણે છોકરાને જન્મ તો નથી આપ્યો ને તે શું છોકરા સાચવી જાણે ??”

અરે જ્યારે વસુબેન યશ ને તેડવા જાય કે નિશા તરત જ વચ્ચે આવતી, યશ ને લઇ લેતી અને કહેતી, ” હું છું ને ?? હું કરીશ !! મારા યશને માટે બધું હું જ કરીશ !”

એક બે વખત વસુબહેને કહ્યું, ” મને યશનું કામ કરવા દે ! રડતા યશ ને લાવ હું છાનો રાખું !” ત્યારે એક વખત તો પ્રિય એમ પણ કહી દીધું કે , “બાળકોને રમાડી તો સૌ કોઈ શકે પણ રડતા બાળકને તકલીફ શું છે તે જન્મ દેનાર માને જ ખબર પડે ! તમે રહેવા દ્યો ! તમને નહિ સમજાય !”


વસુબેનના કોમળ હૃદયને ઠેસ લાગી ગઈ. પરંતુ વસુબેન સમજુ હતા તે વાત બગાડવા ઇચ્છતા ન હતા. તેમણે પોતાની મર્યાદા રેખા બાંધી લીધી અને જાણે કંઈ જ બન્યું નથી તેમ પોતાનું વર્તન રાખી ઘરનું વાતાવરણ બગડવા દીધું નહીં. પાણીના રેલાની જેમ ચાલતી બસ, એકાએક ધીમી પડી અને ઊભી રહી વસુબેનને ઉતારવાનું સ્થળ આવ્યું. ભત્રીજીની વિદાય લઈને તે ઉતરી પડયા અને રીક્ષા પકડી ઘરે આવ્યા. ઘરનો દરવાજો ખોલી અંદર આવી જોવે છે તો ….

યસ ઘોડિયામાં રડતો હતો અને પ્રિયા પલંગ પર સુતી સુતી જ હીંચકાવતી હતી. વસુબેન પાણી પીને પ્રિયા પાસે આવ્યા. પ્રિયા કહેવા લાગી, ” તમે ગયા ને બીજા દિવસથી, યસ ને ઝાડા ઉલટી થયા છે અને ગઈકાલથી મને તાવ આવ્યો છે. આ રાહુલ પણ બિઝનેસના કામે ગયા છે.” તે રડવા લાગી. વસુબેન, પ્રિયાની નજીક આવ્યા અને કપાળે હાથ મૂક્યો, ” અરે બાપ રે !! તને તો સખત તાવ છે! તું સુઈ જા ! હું યસ ને સંભાળું છું ! તેઓ રડતાં યસ પાસે ગયા. એમણે જોયું તો યસના કપડાં બગડી ગયા હતા. તેને સંભાળી, બહાર કાઢી, સાફ કર્યો, બીજા કપડાં પહેરાવ્યા. તેને એક હાથે તેડીને, બીજા હાથે ગ્લુકોઝ વાળું પાણી બનાવીને પાયું. ધીમે ધીમે શાંત પાડી તેને સુવડાવી દીધો.

પછી પ્રિયા પાસે આવ્યા તેને મીઠાનું પાણી બનાવી, કોટનના કપડાં લઈ પ્રિયાને કપાળે પોતા મૂકવાનું શરૂ કર્યું. અને થોડી કોફી પીવડાવી, બનાવીને પાઈ દીધી અને દવા પણ આપી. તેમણે પ્રિયાને યશની દવાનું પણ પૂછી લીધું. પ્રિયા પલંગમાં લાંબી થઇ. યસ ઉઠ્યો તો એને ઊલટી કરી, તે રડતો હતો અને તેને ફરીથી ઘોડિયામાંથી બહાર લઈ શાંત પાડ્યો, પ્રેમથી બધું બદલાવ્યું, સાફ કર્યું, તેને ફરીથી દવા પાઇ, ઉકાળીને ઠંડુ કરેલું પાણી પાયું !! ફરી ઘોડિયામાં સુવડાવ્યો ! તે હજુ કણસતો હતો. વસુબેન મધુર કંઠે હાલરડું ગાવા લાગ્યા, ” હાં રે વાલા !! જશોદાજી પોઢાડે તમને કાનજી !! હાં રે વાલા !! ઘડીક જમ્પી જાવ ને મારા કાનજી !!” થોડીવારે કણસતો યશ, શાંત થઈ ગયો અને પ્રિયાને પણ ક્યારે ઊંઘ આવી ગઇ એની ખબર ન પડી.

જ્યારે પ્રિયાની ઊંઘ ઊડી તો સાંજ પડી ગઈ હતી વસુબેન યશ ને કંઇક જ્યુસ જેવું પીવડાવી રહ્યા હતા. પ્રિયાને સરસ સુગંધ આવી. રસોઈ પણ તૈયાર હતી. શાક ખીચડી લઈને વસુબેન પ્રિયા પાસે આવ્યા અને તેને ગરમાગરમ જમવાનું આપ્યું તથા કહ્યું, “તું નિરાંતે જમી લે ! રાહુલ ટુર પરથી આવીને સીધો ફેક્ટરીએ ગયો છે અને મેં ત્યાં જ બાપ દીકરાનું ટિફિન મોકલાવી દીધું છે. પ્રિયા જમી રહી. યશ હજુ કણસતો હતો. વસુબેને તેને ઘોડિયામાંથી ઊંચકીને પોતાના ખભે થપથપાવીને રૂમના આટા મારતા મારતા શાંત કર્યો અને જંપી ગયેલા યશને હળવેથી ઘોડિયામાં સુવડાવી, ધીમે ધીમે હીંચકાવવાનું ચાલુ રાખ્યું અને હાલરડુ ગાવા લાગ્યા.


યશ સુઈ ગયો. પ્રિયાને પણ દવા આપી દીધી. મોડી રાતે, રાહુલ અને મુકેશભાઈ ઘરે આવ્યા તેમણે વસુબેનને આરામ કરવા કહ્યું પણ વસુબેને કોઈની વાત ન માની અને કહ્યું,” તમે બંને થાક્યાપાક્યા આવ્યા છો! તમે સુઈ જાઓ ! મને જરાય તકલીફ નથી. હું અહીં જ રહીશ!”

બાપ-દીકરો બંને બીજા રૂમમાં ગયા. ત્યાં સૂઈ ગયા. વસુબેને ઘોડિયાની દોરી નીચે પડવા ન દીધી અને જ્યારે પરોઢીએ પ્રિયાની આંખો ખુલી અને જુએ છે તો વસુબેન જોકે ચડિયા’તા પણ, યશનું ઘોડિયું ચાલતું જ હતું. તે શાંતિથી સુતો હતો. વસુબેને આખી રાત ઘોડિયાની દોરી પડવા દીધી ન હતી. પ્રિયા ઊભી થઇ, તેનો તાવ જતો રહ્યો હતો. તેણે ઘણી હળવાશ અનુભવી. તે રસોડામાં પાણી પીવા ગઈ, વસુબેનની થાળી એમને એમ જ પડી હતી. તે સમજી ગઈ કે એના સાસુ જમ્યા પણ નથી તે ગઈકાલથી વસુબેન ને જોઈ રહી હતી !!


પ્રિયા નો તાવ તો ગયો સાથે મનમાં ઘર કરી ગયેલો પૂર્વગ્રહ પણ ભાગી ગયો !! તે વસુબેન પાસે આવી, એને આ મમતાની મૂર્તિ ને પગે પડવાનું મન થયું. તેણે હળવેથી વસુબેનના હાથમાંથી ઘોડિયાની દોરી સરકાવી.. ત્યાં તો, વસુબેન જાગી ગયા, બોલી ઉઠ્યા, ” બેટા ઉઠી ગઈ ? સુઈ જા!તું સુઈ જા !હું છું ને, હું છું ને બધું સારું થઈ જશે..!!” ” હા મમ્મી !! તમે છો તેથી જ બધું સારું છે ! મારી માં !!”

તે વસુબેનને મનોમન નમન કરી સવારના પ્રાતઃકર્મ કરવામાં પરોવાઈ ગઈ અને થોડીવાર પછી યશ ઉઠ્યો અને વસુબેને પ્રિયાને સાદ કર્યો, ” પ્રિયા !! ચાલ, યસ ઉઠી ગયો છે !! યશુ દીકો, મમ્મી ને બોલાવે છે !!” પ્રિયા આવી નહીં, તેણે અંદરથી જવાબ આપ્યો કે હું અહીં ઠીક છું, યશની મમ્મી, હું ભલે હોવ, પણ તમે તેના મોટા મમ્મી, યશની મોટી મમ્મી તો તેની પાસે જ છે !!” પ્રિયાનો બદલાવ જોઇને વસુબેન આભા બની ગયા. તે ભાવવિભોર બનીને યશને ઊંચકી વહાલથી નવડાવી રહ્યા !


રાહુલ અને પ્રિયા અંદરથી ત્યાં આવ્યા અને આ જઈને બોલ્યા, ” બધો પ્રેમ તેને જ કરશો ?? અમને નહીં ?? ” વસુબેન હાથ પહોળા કરી બોલ્યા, ” આવતા ર્યો મારા બાળકો ! તમારી આ “માં” તમને પ્રેમ કરવા માટે જ તો છે !” અને ત્રણેયને પ્રેમથી જોઈ રહ્યા. પ્રિયાની આંખમાંથી આંસુ સરી પડ્યા !! અને સાથે સાથે તેની અંદર અત્યાર સુધી રહેલો, પૂર્વગ્રહ પણ સરી પડ્યો !

લેખક : દક્ષા રમેશ ઝાલાવાડીયા “લાગણી”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ