પુરુષોની ૬૪ કળાઓ !! ભારતના આ ભવ્ય સાહિત્યના વારસા વિષે તમે જાણતા હતા ? અચૂક વાંચો…!

આકરજ્ઞાન, પ્રહેલિકા અને પટ્ટિકાવેત્ર : પુરુષોની ૬૪ કળાઓ

આપણા અનેક પ્રાચીન ગ્રંથોમાં ચોસઠ અને બોતેર કળાનાં ગુણગાન ગાવામાં આવ્યાં છે. એ વાંચતાં ખ્યાલ આવે કે હજારો વર્ષ પહેલાં પણ ભારતીય સાહિત્ય કેટલું સમૃદ્ધ હતું. જોકે એમાંથી કેટલીક કળા આજના સમયે બિનજરૂરી લાગે, તો કેટલીક કળાને કાળનો કાટ ચઢયો નથી અને તેનું મહત્ત્વ આજે અગાઉની સરખામણીએ અનેકગણું વધ્યું છે

પ્રાચીન ભારતમાં મહાભારત અને રામાયણ જેવાં મહાકાવ્યો લખાયાં, કામસૂત્ર જેવી કૃતિઓ કંડારાઈ અને જીવનની લગભગ દરેક બાબતોને સ્પર્શતી વાતો વેદોપનિષદમાં કંડારવામાં આવી. બરાબર આ જ પ્રકારે આપણે ત્યાં ચોસઠ કળાઓનાં ગુણગાન ગવાયાં. સામાન્યત: આપણે ત્યાં ‘કામસૂત્ર’માં વર્ણવવામાં આવેલી પુરુષની ચોસઠ કળાઓ વધુ પ્રચલિત છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે, ભારતના અનેક ગ્રંથોમાં ચોસઠ કળાઓનું વર્ણન છે. વિવિધ કૃતિઓના કર્તાઓએ પોતપોતાની મતિ મુજબ, પોતપોતાના અભિપ્રાય પ્રમાણે વિધવિધ કળાઓને મહત્ત્વપૂર્ણ ગણાવી છે.

ચોસઠ કળાઓ વિશે વાંચીએ તો ખ્યાલ આવે કે, સેંકડો – હજારો વર્ષ પહેલાં પણ ભારતીય સાહિત્ય કેટલું સમૃદ્ધ હતું! બેશક, તેમાં કેટલીક કળાઓ આજના સમયે બિનજરૂરી લાગે, પરંતુ સ્થળ-કાળ મુજબ એ સમયે કદાચ તેનું મહત્ત્વ રહ્યું હશે. ઉદાહરણ તરીકે, એક જગ્યાએ એક કળાનો ઉલ્લેખ છે: ‘મેષ-કક્કુટ લાવર યુદ્ધવિધિ. સરળ ભાષામાં કહીએ તો તેતર કે લાવર જેવાં પક્ષીઓને લડાવવાની કળા. આ કળા ન આવડતી હોય તેમાં જ આજે ભલાઈ છે. મેનકા ગાંધીની અડફેટે ચડી જશો. શક્ય છે, એ સમયે મનોરંજનનાં માધ્યમોમાં આવા તમાશાનો સમાવેશ થયો હશે. વિકલ્પો જ ઓછા હતા. એ સમયે જેનો મહિમા હોય તેનો સમાવેશ થયો હોય આવી યાદીમાં. ચોસઠમાંથી એક કળા છે: પટ્ટિકાવેત્ર. એટલે? પટ્ટિકાવેત્ર એટલે તીર-કામઠાં અને ગિલ્લી-દંડા વગેરે બનાવવાની કળા. આજે આવડે તો પણ શું અને ના આવડે તો પણ શો ફરક પડે. આજે ગિલ્લી-દંડા કે તીરથી તમારું બાળક રમતું હશે તો તેના ફ્રેન્ડની મોમ પોતાના સનને એડવાઈઝ આપતાં કહેશે: ‘એ ડર્ટી છે. ડૉન્ટ પ્લે વિથ હિમ!’

કેટલીક કળાઓ પર કાળનો કાટ ચઢતો નથી. તેનું માહાત્મ્ય હરહંમેશ અખંડ-અમર રહે છે. ચોસઠ કળાઓમાં આવી અનેકાનેક કળાઓને સામેલ કરવામાં આવી છે. એક કળા છે: પ્રહેલિકા. જે પુરુષ પ્રહેલિકામાં નિપુણ હોય એ આજે પણ દોસ્તોની મહેફિલોમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. વેલ, પ્રહેલિકા એટલે નિતનવાં ઉખાણાં પૂછવાની કળા. આવી જ રીતે એક કળા છે: અંત્યાક્ષરી. એટલે? અંતકડી. શાસ્ત્રો માને છે કે, લેખનની માફક વાચન પણ એક કળા છે. બજારમાં હજાર પ્રકારનાં પુસ્તકો ઠલવાતાં હોય છે, વધુ ટકાવારી તેમાં રદ્દી અને બિનજરૂરી પુસ્તકોની જ હોવાની. ચિંતકોની વાત માનીને પુસ્તકોને શ્રેષ્ઠ મિત્ર માની બધાં જ પુસ્તકો વાંચવા માંડીએ તો થઈ ગયું કલ્યાણ. એટલે જ વાચનને પણ ચોસઠ કળામાં સ્થાન મળ્યું છે. કહેવાની જરૂર નથી કે લેખનનો પણ આ લિસ્ટમાં સમાવેશ થયો છે. ઉમેરો એ છે કે, નાટક કે કવિતાના વિવેચનને પણ એક કળા ગણાવાઈ છે. આ કળાનું નામ છે: નાટય – આખ્યાયિકા દર્શન.

કેટલીક કળાઓનું મહત્ત્વ ક્યારેય ઓછું થવાનું નથી. હજારો વર્ષ પહેલાં આલેખાયેલા આ ગ્રંથોમાં જે કળાને મહત્ત્વપૂર્ણ ગણાવાઈ છે તેમાંથી કેટલીકનું મહત્ત્વ તો આજે અગાઉની સરખામણીએ અનેકગણું વધ્યું છે. કેટલાંક ઉદાહરણો પર નજર કરવા જેવી છે.

ચોસઠ કળામાંથી એક કળા છે: પાકશાસ્ત્ર. અગાઉ પુરુષ રસોડામાં કામ કરતો હોય એવું દૃશ્ય પડોસી જોઈ જાય તો ડાયલોગ આવતો: ‘બાઈ વેતા વગરની હોય તો જણે જ રસોઈ કરવી પડે ને!’ આજે હવે ‘શૅફ’ એ એક કરિયર ઑપ્શન છે. ટેલિવિઝન પર માસ્ટરશેફ જેવા રિયાલિટી શો આવતા થયા છે અને હવે તો બાળકો માટેના કુકરી શો પણ શરૂ થઈ ગયા છે. આજે શરીરસૌષ્ઠવનું મહત્ત્વ વધ્યું છે.

અગાઉની લાઈફસ્ટાઈલ જ એવી હતી કે આપમેળે જ સવારથી રાત સુધીમાં શરીરને જરૂરી કસરત થઈ જતી. તેમ છતાં એ સમયે એક કળા તરીકે, કસરત વગેરેનું મહત્ત્વ હતું. ‘આકર્ષક ક્રીડા’ નામની એક કળા છે, ચોસઠ કળાની યાદીમાં. ‘આકર્ષક ક્રીડા’ એટલે વ્યાયામ, મલ્લકુસ્તી જેવી વિભિન્ન રમતો. તેનું નામ જ છે: આકર્ષક ક્રીડા! આ કળામાં જેને કૌશલ્ય હાંસલ હોય તેના પ્રત્યે લોકોને અનાયાસે જ આકર્ષણ થતું હોય છે. કેવી-કેવી અદ્ભુત કળાનું વર્ણન મળે છે, આવી યાદીમાં! પ્રાચીન ગ્રંથ ‘પૃથ્વીચંદ્ર ચરિત્ર’માં આપેલી ચોસઠ કળાની યાદીમાં કેટલીક વાતો બહુ રસપ્રદ છે, રસોઈકળા ઉપરાંત તેમાં એક વિશિષ્ટ આર્ટને સ્થાન છે! નામ છે, ક્રિયાવિકલ્પ. આ કળા એટલે રાંધેલો ખોરાક, તેમાં ઝેર પારખવાની વિદ્યા! એ સમયે રાજકીય ષડયંત્રોના ભાગરૂપે ઝેર આપીને લોકોને ખતમ કરી નાખવાનું બહુ સામાન્ય હતું. એટલે જ આ કળાનો મહિમા ગવાયો હશે.

એક કળા છે: છલિતયોગ: આ અદ્ભુત કળા આજે પણ પોપ્યુલર છે. કદાચ સૌથી વધુ લોકપ્રિય. છલિતયોગ એટલે લોકોને છેતરવાની કળા! મ્લેચ્છકળાનો મહિમા પણ આજે ઓછો નથી.

યુનિવર્સિટીઓથી લઈ મહોલ્લા સુધી આજકાલ ફ્રેન્ચ, જર્મન કે રશિયન કે અંગ્રેજી ભાષા શીખવાના વર્ગો ચાલે છે. અગાઉ પણ અન્ય દેશની ભાષોઓનું મહત્ત્વ હતું. મ્લેચ્છકળા એટલે વિદેશી ભાષાનું જ્ઞાન. અને આજના કરતાં ત્યારના વિદ્વાનો વધુ બુદ્ધિશાળી હશે, તેથી જ વિદેશી ભાષાના જ્ઞાનને તો એક કળા તેમણે ગણી જ છે, પરંતુ માતૃભાષાના જ્ઞાનને પણ યાદીમાં સમાવિષ્ટ કર્યું છે. આટલું ઓછું હોય તેમ ‘અભિધાન કોશ’ નામની એક ખાસ આર્ટનો અહીં ઉલ્લેખ છે. આપણે દેશી-વિદેશી ભાષાનાં મહત્ત્વ અંગે વાત કરી. અભિધાન કોશ એટલે, સાંકેતિક ભાષા સમજવાની કળા!

એક કળા છે: વૈતાયિકી કળા. જાદુગરના કરતબોને સમજવાની આર્ટ! બાળક્રીડન કળા એટલે રમતગમત દ્વારા બાળકોને જ્ઞાન આપવાની વિદ્યા. એક કળા છે: શુક્રસારિકા પ્રલાપન. નામ પરથી કંઈ સમજાયું ન હોય એ ઑબ્વિયસ છે. વેલ, તેનો અર્થ છે, કબૂતરોને સંદેશાઓની આપ-લે શીખવવી, મેના-પોપટને બોલતાં શીખવવું – ટૂંકમાં કહીએ તો પક્ષીઓને તાલીમ આપી તેનો સંદેશાવ્યવહારમાં ઉપયોગ કરવો. ચોરીને પણ તેમાં કળા ગણાવાઈ છે અને છેતરપિંડીને પણ ‘દુર્વચક’ નામ સાથે વિશિષ્ટ કૌશલ્ય ગણાવાઈ છે. તેમાં કૃષિકળા પણ છે તો ભૂમિ પરીક્ષા (તેને કહેવાય, આકરજ્ઞાન) પણ છે અને તર્કજ્ઞાન પણ છે.

આજથી લગભગ અઢી હજાર વર્ષ પહેલાં પણ ભારતમાં આવી કળાઓની બોલબાલા હતી. ઈસવીસન પૂર્વે ૫૦૦ વર્ષ અગાઉ રાજા શ્રેણિક બિંબિસારે તેના નગર, ‘રાજગૃહી’માં એક મહાવિદ્યાલયની સ્થાપના કરી હતી. ‘ગુણશીલા વિશ્ર્વવિદ્યાલય’ નામની આ શૈક્ષણિક સંસ્થામાં આ પ્રકારની ૭૨ કળાઓ શીખવવામાં આવતી. તેમાં વૃક્ષારોહણથી શરૂ કરી અશ્ર્વવિદ્યા, સંગીત, નૃત્ય, જ્યોતિષ, સાહિત્ય, નાટ્ય, રસોઈ જેવી બોતેર કળાઓનું વિદ્યાર્થીઓને શિક્ષણ અપાતું. ભણતર માત્ર ગણિત કે ભાષા પૂરતું મર્યાદિત નહોતું, જીવનમાં ઉપયોગી હોય તેવી સંખ્યાબંધ કળાઓના અગણિત

મુદ્દાઓને તેમાં સ્પર્શવામાં આવતા. આ વિશે નિરાંતે વિચારીએ તો મનમાં પ્રશ્ર્ન થાય: શિક્ષણક્ષેત્રે આપણે ભલે ભવ્ય બિલ્ડિંગો ધરાવતી ઈન્સ્ટિટ્ટયૂટનો ખડકલો કરી દીધો હોય, પણ… તેની ગુણવત્તામાં આપણે પ્રગતિ સાધી ગણાય કે અધોગતિ?

રાજા દશરથે પોતાના ચારેય પુત્રોને વશિષ્ઠ ઋષિના જે આશ્રમમાં ભણવા મૂકયા હતા તેનું વર્ણન હેમચંદ્રસૂરિએ પોતાના ગ્રંથ ‘ત્રિશષ્ઠિશલાકા પુરુષચરિત’માં કર્યું છે. બેશક, જૈન સાહિત્યમાં અતિશયોક્તિનું પ્રમાણ તો હોવાનું જ, પરંતુ એક રસપ્રદ વાત તેમણે નોંધી છે કે, એ સમયે પુરુષને ૭૨ કળાઓનું તથા સ્ત્રીઓને ૬૪ કળાઓનું શિક્ષણ અપાતું. ઈ. સ. પૂર્વે ૧૦૦૦માં કાશી વિશ્ર્વવિદ્યાલયમાં વૈટિક, બૌદ્ધ, જૈન એ તમામ કુળની મહિલાઓને સંગીત, નૃત્ય, નાટક, મુખસૌંદર્ય (બ્યુટી ટ્રીટમેન્ટ?), દેહ પર વિવિધ આકૃતિઓ કરવાની (ટેટૂ!), રસોઈ, સ્વાદિષ્ટ પીણાં તૈયાર કરવાની કળા, શીઘ્રકાવ્યરચના, આકરજ્ઞાન જેવી અનેક કળાઓ શીખવવામાં આવતી. પુરુષોનો સિલેબસ અલગ રહેતો. કેટલીક કળાઓ એકસમાન હતી, પરંતુ શસ્ત્રો, દ્યુત (જુગાર), કપટકળા વગેરે પુરુષો માટે અનામત રહેતી. સિલેબસ તૈયાર કરવા જેને અધિકાર હોય તે કેટલીક કળાઓ પર તો માત્ર પોતાનું જ આધિપત્ય ઈચ્છેને! વેલ, અહીં આપેલી કળામાંથી થોડી કળા તમે શીખતા થાઓ, ત્યાં મોડર્ન યુગની ચોસઠ કળાઓ સાથે અમે હાજર થઈશું.

લેખક :  કિન્નર આચાર્ય

ટીપ્પણી