“અ..અ..મમ..મ..” સવારના સાત વાગ્યાના સુરજના કોમળ કિરણો બરખાના ચહેરા પર આવ્યા ..એક આળસી હંકાર ભરી બરખા મખમલી બ્લેન્કેટ પોતાના મોં પર ઓઢી પડખું ફરી ગઈ..બાજુમાં હાથ જતા જગ્યા ખાલી લાગી અને તે તરતજ સફાળી બેઠી થઈ ..જોયું તો બાજુમાં કોઈ નહોતું.. બેડની નીચે રાખેલા સ્લીપર્સ પહેર્યા અને તરત બહાર આવી પોતાની કામ કરી રહેલી મેઈડને પૂછ્યું …
“મારિયા, સાહેબ ક્યાં છે?” “મેડમ, સાહેબતો હું ઉઠી એ પહેલાજ નીકળી ગયેલા” “ઓહ !..” “મેડમ તમારી કોફી તૈયાર કરુ?” “હા, મારા રૂમમાં જ લઈ આવ..” બરખાએ બેડરૂમમાં આવી જોયું તો સોફાની સામે સેન્ટર ટેબલ પર એક ચિટ્ઠી પડેલી.. “બરખા, હું બેંગલોર જાઉં છું…રાત્રે આવતા મોડું થઇ ગયેલું અને સવારે ૬ વાગ્યાની ફલાઈટ છે અને તું સુતી છે તો તને ઉઠાડવાનું મન નથી થતું….. – સાવન”
મારિયા કોફી મૂકી ચાલી ગઈ બરખાની નજર ઘડીક સામે મુકેલ ખાલી ખુરશી પર સ્થિર થઈ..તેને કદાચ ત્યાં સાવનની ખોટ વર્તાઈ…તેને કોફીનો મગ હાથમાં લીધો અને બીજા હાથે ફોન લઇ સાવનને કોલ કર્યો બે-ત્રણ વાર આમ કર્યું પણ ફોન અનરીચેબલ આવ્યો તેને એક ઘૂંટડો ભર્યો..ને પછી મેસેજ ટાઇપ કર્યો.. “અ વેરી હેપ્પી મેરેજ એનીવર્સરી ..” અને મોકલ્યા વિનાજ ડીલીટ કરી નાંખ્યો.. આમ ત્રણ વાર કર્યું ને અંતે મેસેજ મોકલ્યા વિનાજ ફોન મૂકી દીધો..એક નીસાશો સાંપડ્યો..એ મનોમન જ બોલી “સાવન આજે આપણી મેરેજ એનીવર્સરી છે આજે આપણા લગ્નને છ વર્ષ પુરા થયા..તું મને તો લગભગ ભૂલીજ ગયો છે પણ આજનો આ દિવસેય તને યાદ ના રહ્યો..” મનમાં ઠસોઠસ ઉદાસી સમાણી, આંખો પાંપણોના કિનારા સુધી ભીંજાઈ ગઈ, એક ડૂમો આવીને ગળામાં અટક્યો..ને એને પાછો હડશેલવા પ્રયત્ન કરતી હોય તેમ કોફીનો બીજો ઘૂંટડો ભર્યો..
“બરખા…બરખા…ક્યાં છે તું?” “ અહિયા રૂમમાં છું..” ને સાવન ઉછળતો ખુશ થતો રૂમમાં દોડી આવેલો… પોતાની ફર્સ્ટ એનીવર્સરી નો એ દિવસ બરખાની આંખો સામે ફરીથી જીવંત થયો.. ૨ BHKનો પોતાનો સુંદર રીતે સજાવેલ ફ્લેટમાં ઘરે આવતાજ સાવને એક ગાઢ આલિંગન અને કપાળ પર ચુંબન સાથે કાનમાં કહેલું અ વેરી હેપ્પી વેડિંગ એનીવર્સરી ડાર્લિંગ..અને એક બ્લુ કલરનું ગીફ્ટ પેક તેના હાથમાં આપેલું..પેકેટ ખોલતાની સાથેજ બરખાનું મોં પડી ગયેલું..
“સાવન ડીઝાઈન અને કાપડ તો જોવો માંડ ૨૦૦૦/- નો પીસ લાગે છે અને એતો તોય ઠીક પણ કલર તો જોવ સાવ લાલ-ચટક લો-ક્લાસ જેવો..તમે કેવી રીતે વિચાર્યું કે હું આ પહેરીશ..” આ સાંભળી સાવનનો ઉત્સાહ ત્યાંજ ખરી પડેલો .. એ સાંજે બરખાએ બ્લેક ગાઉન પહેરેલું અને ડીનર પર નજરે ચઢતું હતું કે સાવન ને દુ:ખ થયું હતું.
સાવનનું વ્યક્તિત્વ એક રંગીન અને ખુશ-મિજાજ માણસનું, સ્વભાવે સ્નેહાળ અને હ્રદય તો વ્હાલ અને પ્રેમથી છલોછલ ભરેલું જ્યાં હોય ત્યાં ખુશોઓંજ વહેંચતો.પોતાના લોકો પર એ લાગણીઓં વરસાવી દેતો..બરખા તો એને ક્યાં ક્યારેય પોતાના જીવથી અલગ લાગતી.. તેને તો એ પોતાના અપાર વ્હાલ અને પ્રેમમાં તરબતર કરી દેતો..
લગ્નના શરૂઆતના દિવસોમાં સાવન ઓફિસથી ઘરે આવતા ક્યારેક ચોકલેટ, તો ક્યારેક ગુલાબ તો વળી ક્યારેક કાર્ડ જેવું અવાર નવાર કંઈનું કંઈ લઈ આવતો… બંને રાત્રે બાઈક પર આંટો મારવા જતા સાવનને થતું કે હું થાકીને ઘરે આવું પણ બરખા આખો દિવસ ઘરમાં જ હોય છે તો એ બહાને એ થોડી ખુલ્લી તાજી હવામાં ફરે તો એને ગમે, અને જો ઈચ્છા થાય તો ક્યારેક આઈસ્ક્રીમ, સોડા કે કોલ્ડ ડ્રીન્કસ ની મજા પણ ઉઠાવી લેતા… બાઈક ચલાવતી વખતે સાવનને ગીતો ગાવાની આદત .. અને બરખા કેહતી “સાવન .. આ શું કરે છે? બધા આપણી સામે જુએ છે ..કેટલું ચીપ લાગી રહ્યું છે…” અને સાવન ચાલુજ રાખતો એ કહેતો… “ડાર્લિંગ .. આ તો મજા છે જિંદગીની ..લીકોનું શું વિચારવાનું?..”
ચોમાસાની એક સાંજે કાળા-ઘેરા વાદળો ગર્જના અને વીજળી ના ચમકારા સાથે ધોધમાર વરસી રહેલા..સાવન તો ભીંજાઈને જ આવેલો અને આવતાની સાથે રસોડામાં રહેલી બરખાને ટેરેસ પર ખેંચી ગયેલો એનો હાથ પકડી વરસતા વરસાદમાં બરખા સાથે પ્રેમ ભરી આંખ મિલાવવા ગયોને બરખા ત્યાંથી ચિડાઈ હોય એમ “હં..” કહી નીચે ઉતરી ગઈ સાવનને ખબર ના પડી કે એને શું થયું? સાવનને નીચે આવતાજ એને જાણે ઝગડવાનું શરુ કર્યું ..”તમને કોઈ વાતની સેન્સ જ નથી, ક્યારેક કોઈ વાતને સીરીયસ લેતાજ નથી .. કોઈ બીજાની પરવાહ જ નહી.. રસોઈના સમયે હું પલળવા નીકળું, તમારા કારણે કેટલું મોડું થયું મારે….” સાવને એને પોતાના બે હાથોમાં જકડી લીધી “અરે ડાર્લિંગ શું કામ મોડા વહેલાની ચિંતા કરે છે આપણા બે સિવાય છે જ કોણ અહીંયા તું જિંદગીને શાંતિ થી જીવ આમ જીવને ઉચાટમાં ના રાખ..”બરખાએ અકળાઈને એના હાથો માંથી પોતાને છોડાવી ને એને દુર હડસેલી દીધો..”
પોતાના જન્મદિવસના દિવસે સવારે ઉઠતાની સાથેજ પોતાને ટાઈટ હ્ગ સાથે વીશ કરેલું “હેપ્પી બીર્થ ડે માય લવ… ચાલ જલ્દી તારી માટે એક સરપ્રાઈઝ છે …”આટલું કહી એના આંખે પાટો બાંધી એને પાર્કીંગમાં લઈ ગયો અને ચાવી હાથમાં મુક્તા આંખો પરથી પાટો ખોલ્યો.. સામે એકટીવાને જોઈ પોતે કંઈજ ના બોલી ઘરમાં આવી કહ્યું “ તું તો એવી રીતે લઈ ગયેલો જાણે સરપ્રાઈઝમાં કાર હોય… ક્યાં સુધી આમ નાના નાના વિહીક્લમાં ફરશું ..ક્યારેક તો થોડું મોટું વિચાર..”
કોઈ કામથી એકવાર સાવને બરખાનો કબાટ ખોલ્યો અને પોતાની આપેલી અત્યાર સુધીની તમામ ભેટ ઉપરના ખાનામાં એમની એમ સ્થિતિમાં મુકેલી જોઈ, એમાંની એકેય વસ્તુ આજ સુધી નહોતી વપરાઈ… આ જોઈ સાવનને ખુબજ દુ:ખ થયું.. ઘણુંયે રોકવા છતાંય આંખો ભરાઈ આવી. એ વિચારી રહ્યો કે બરખા ખુશ નથી તેની સાથે, આ વસ્તુઓંનું એને કંઈજ મહત્વ નથી ના એ મારા પ્રેમ થી ખુશ છે જો એવું હોત તો એને મારી ખાતર પણ આ પેકેટ્સ એક વાર તો અડ્યા હોત.
એક સાંજે સાવને ઘરે આવતા જોયું તો દરવાજો ખુલ્લોજ હતો એ અંદર ગયો બરખા રૂમમાં હતી ..”અરે બરખા તું ગઈ નહી , આજે તારી ફ્રેન્ડના ત્યાં કીટી પાર્ટી હતીને ..” બરખાની આંખમાં આંસુ હતા, ચહેરો અને આંખો લાલચોળ , કેટલાય સમયથી જાણે મનમાં કંઈક ભરીને બેઠી હોય એક બધું એકી સાથે સાવન પર ગુસ્સામાં ઠાલવી દીધું “ શું જાવ કિટી પાર્ટીમાં, ત્યાં લોકો કેવા જાત-જાતના ને ભાત-ભાતના ડ્રેસિંગમાં આવે છે મોંઘી દાટ ગાડીયોમાં આવે છે ત્યાં મારી પાસે છે જ શું એવું કે હું જાઉં?… એક્ટીવા લઈને જઈ હું ત્યાં હસીને પાત્ર નથી બનવા માંગતી.. એ લોકો કેટલું એન્જોય કરે છે મારાજ નસીબ ફૂટેલા નીકળ્યા ને સપના બધાય અધૂરા રહ્યા ..કેટ-કેટલું વિચારેલું મેં …” બરખા રડતી રહી…
સાવન પોહ્ળી આંખે એને જોતોજ રહ્યો નાની નાની વાતોના દુ:ખથી ભેગા થયેલા એ ઘોડાપુર એની આંખોમાંથી વહી નીકળ્યા એતો વિચારતો જ રહી ગયો.. “હું તો મારા પ્રેમના બળે એને જીતવા નીકળેલો પણ આ શું એનેતો એ જોઈતુજ નથી હું તો રાહ જોતો હતો એ દિવસની કે એક દિવસ એ મને ચોક્કસ સમજશે પણ આ શું થઈ ગયું ? સાવન માટે આ બનાવ બહુ આઘાતજનક રહ્યો એને સમજાયું જ નહી કે શું કરવું..એ ઘરની બહાર નીકળી ગયો ને ક્યાંય સુધી પુલ પર બેસી રહ્યો… મોડી રાત્રે ઘરે આવ્યો તો બરખા સુઈ ગયેલી .. બરખાએ એની સાથે ૧ મહિના સુધી વાત પણ ન કરી એ વખતે એને નોકરી છોડી પોતાના અનુભવનો નાનકડો બિઝનેસ શરુ કરેલો…”
એક ઊંડો શ્વાસ લઈ ઉભી થઈ તે બાથરૂમમાં પ્રવેશી, નહિ-ધોહી ફ્રેશ થઈ સોફા પર બેઠી પણ ચહેરા પર સ્વસ્થતા નહોતી દેખાતી , એ ત્રણ ચાર કલાક જોયેલો રિપ્લે વારંવાર તેના મગજમાં રીવાઈન્ડ થઈ રહ્યો હતો એ સામે રહેલા સાવનના ફોટા સામે જોઈ બોલી…” સાવન આજે હું તને બહુજ મિસ કરું છું આજના આ દિવસે પણ તું મારી સાથે નથી.. અને મનમાં બોલી .. તારા આ બદલાયેલા વર્તન માટે હું દુઃખ કેવી રીતે લગાડું જયારે તારા બદલવા પાછળ જવાબદાર હું જ હોઉં…”
“ આજે આપણા લગ્નને છ વર્ષ પુરા થયા પણ હું હજીયે તારા વિના અધુરોજ છું… મારા જીવનમાં મેં હમેશા તનેજ ચાહી છે અને તને પામવાની કોશિષમાં હું તને ગુમાવતો રહ્યો તે સાચુજ કહેલું કે મેં ક્યારેય એ જાણવાનો પ્રયત્ન જ નહોતો કર્યો કે તું શું ઈચ્છે છે, પણ જ્યારથી જાણ્યું ત્યારથી માત્ર એને જ પૂરા કરવાની કોશિષ કરી…એના કારણે તું મારાથી સાવ દુર થઈ ગઈ..મને હમેશા તારી સાથે રહેવાનું, બેસવાનું અને કેટલીયે વાતો કરવાનું મન થતું પણ અંદરથી એક ડર લાગતો કે કદાચ તને નહી ગમે તો કદાચ હજીયે કંઈ ખૂટતું હશેતો અને હું તારાથી દુર જ રહ્યો તને ભૂલથી પણ દુખી કરી વધારે તકલીફ આપવા નહોતો માંગતો.
બરખા આટલા વર્ષોમાં આપણે એકજ છતની નીચે એકબીજાની સામે હતા પણ સાથે ના થઈ શક્યા … ખુબ અંતર આવી ગયું છે …પણ, તારી માટેનો મારો પ્રેમ મેં હજીયે મારા હ્રદયમાં અકબંધ રાખ્યો છે. તારી માટેની એ કુણી લાગણીઓ મારા મનમાં હજીયે એટલીજ કોમળતાથી સંભાળીને રાખી છે મેં, કેટલીયે વાતો મારા મૌનમાં સમાવીને રાખી છે તારી સાથે કરવા..
આજના આ દિવસે મારે એટલુંજ કહેવું છે કે જો તને ક્યાંય એવું લાગતું હોય કે તારા થોડા ઘણા સપના અને ઈચ્છાઓને હું પુરા કરી શક્યો છું અને તારી જીંદગી બગડી નથી એવું જો તારું મન તને કહે તો ..મારી આ ભેટ સ્વીકારી આપણા જુના ૨-BHK ના ઘરે સાંજે આવી જજે .. હું માની લઇશ તે મને તારે લાયક સમજ્યો અને મારો પ્રેમ સાર્થક થયો, જીંદગી સફળ થઈ…
તારી રાહ જોતો…
તારો સાવન
દરવાજો ખોલતાજ સાવન સામે ઉભો હતો..આખું ઘર ગલગોટા અને ગુલાબના ફૂલો, લાલ ફુગ્ગા, લાઈટીંગ અને મીણબત્તીથી સજાવેલું હતું.. રૂમમાં મોગરાના અત્તરની સુગંધ ફેલાયેલ હતી. સેન્ટર ટેબલ પર ૫૦૦ ગ્રામની ચોકલેટ કેઈક મુકેલી અને ડાઈનીંગ ટેબલ પર ફૂલોથી કરેલ ડીઝાઈન સાથે કેન્ડલ લાઇટ ડીનર ની તૈયારી હતી પણ આ બધામાં બંને માંથી એકેયને આજે ક્યાં કોઈ રસ જ હતો..
ખુલ્લા વાળ, ગળામાં મંગલસુત્ર, સેંથીમાં સિંદુર, કપાળે લાલ ચાંદલો, હાથોમાં મેચિંગ બંગડી સાથે લાલ સાડીમાં બરખા આજે પણ નવપરિણીત દુલ્હન લાગી રહી હતી.. બંનેએ એકબીજાની સામે જોયું, આંખો મળી, સાવને એના બે હાથ ફેલાવ્યા ત્યાંતો બરખા દોડીને તેને વળગી પડી…”આઈ એમ સોરી સાવન, આઈ એમ વેરી સોરી, મેં તને બહુજ દુ:ખી કર્યો છે, હું તને સમજીના શકી ..” રડતા આવજે બરખા બોલી રહી…
“મુશળધાર વરસી રહ્યો આ મેહુલો, ને તોય હું તો કોરીકટ..નીતરવું છે મારેય વ્હાલમાં, ઝંખું તારા પ્રેમની માત્ર એક વાંછટ…”
લેખક : સ્વાતી સીલ્હર