પુણાનો આ ડોક્ટર ગરીબ અને લાચાર લોકોનો છે મસીહા, સામે ચાલીને લોકો પાસે જાય છે અને દવા આપે છે…

જનસેવા એજ પ્રભુ સેવા કહેવત સાર્થક કરતાં પુનાના ડોક્ટર અભિજીત.

“વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે “આ ઉક્તિને બરાબર સાર્થક કરતા મહારાષ્ટ્રના પુણેના એક ડોક્ટર ગરીબોની સારવાર મફતમાં કરી રહ્યા છે. પુના શહેરના ડોક્ટર અભિજીત રસ્તા પર બેઠેલા દિન ,લાચાર અને ભીખ માગતા લોકોને શોધી શોધીને તેમનો ઇલાજ કરે છે.ગરીબ લોકોની સેવા કરવાનો ભેખ ધરનાર ડોક્ટર અભિજિત સોનવાણે ગાંઠનું ગોપીચંદન ખર્ચીને પણ શહેરમાંં રખડતા બીમાર ભિખારીઓની સારવાર કરે છે.

image source

ડોક્ટર અભિજિત સોનવાણે જણાવે છે કે ગરીબ લોકોમાં એવા લોકો પણ છે કે જેમને ડોક્ટરની અતિશય સારવારની જરૂર છે અને તેમના પરિવારજનોએ તેમની કોઈ દરકાર કરી નથી. રસ્તા પર ભીખ માગીને જીવનનિર્વાહ કરતા આ ગરીબ લોકો શારીરિક પીડા તો ભોગવે જ છે પરંતુ માનસિક અને આર્થિક રીતે પણ ભાંગી પડેલા છે.

image source

જેમની પાસે બે ટંક પૂરતું પેટ ભરવાના પણ પૈસા નથી એ લોકો તેમની બીમારીની હાલતમાં ડોક્ટરને તેમની ફીઝ આપવાના પૈસા તો ક્યાંથી કાઢી શકે? તેથી બીમાર ગરીબ દર્દી શારીરિક પીડા સહન કરીને જીવતરનો બોજ ઢસડે રાખે છે. ડોક્ટર અભિજીત આવા લોકોને શોધીને તેમની સારવાર કરે છે એટલું જ નહીં તેમને પોતાના ખર્ચે દવાઓ પણ પૂરી પાડે છે.

image source

ડોક્ટર અભિજીત દ્રઢપણે માને છે સમાજથી તરછોડાયેલો આ ગરીબ વર્ગ સમાજની જવાબદારી છે. એમને પ્રેમ સહાનુભૂતિ અને સ્વાવલંબન પૂરું પાડવાની જરૂર છે. ડોક્ટર અભિજીત આવા ભીખ માગતા મજબૂર લોકોની સાથે વાતચીત દ્વારા મિત્રતાનો સંબંધ સ્થાપિત કરે છે અને આવા લોકોને માનસિક હૂંફ પૂરી પાડીને જ્યાં સુધી તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થઈ જાય ત્યાં સુધી તેમની સાથે માનવતાપૂર્ણ અભિગમ કેળવી તેમની સારવાર ચાલુ રાખે છે.

સ્વ ખર્ચે આ સેવા પૂરી પાડતા ડૉકટર ભીખ માગનાર દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થયા બાદ તેને ભીખ માંગવાનું છોડી જીવન નિર્વાહ અર્થે નાનું-મોટું કામ કરવા માટે પણ સમજાવે છે .આ રીતે અભિજીત સમાજસેવાનું પણ કામ કરે છે કારણ જે દેશનો પ્રત્યેક નાગરિક કામ કરીને સ્વાવલંબી બનવાનું પસંદ કરે છે એ દેશનો વિકાસ ઘણો જ ઝડપથી થઇ શકે છે.

image source

ડોક્ટર અભિજીત દર્દીને માત્ર સમજાવતા જ નથી પરંતુ તેમને કોઈ કામ ધંધો શરૂ કરવા માટે આર્થિક મદદ પણ પુરી પાડવા તત્પર રહે છે.

ડોક્ટર અભિજિત જણાવે છે કે ગરીબ અને લાચાર પ્રજાની સેવા કરવાથી તેમને ખુશી મળે છે. ડોક્ટર જણાવે છે કે આ ગરીબ લોકોની સારવાર કરી, તેમને સ્વાવલંબી બનાવવા થોડી ઘણી મદદ પૂરી પાડવાથી જીવનમાં કંઈક સારુ કામ કર્યાનો સંતોષ મળી રહે છે.

image source

જનસેવા એ જ પ્રભુસેવા આ કહેવતને પુનાના ડોક્ટર અભિજીત સોનવાણેએ આત્મસાત કરી જાણી છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ