પૂજા – પાઠ કે ધાર્મિક વિધિવિધાન કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું, જેથી તે કર્મ અચૂક ફળ આપનાર બની રહે..

પૂજા – પાઠ કે ધાર્મિક વિધિવિધાન કરતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું, જેથી તે કર્મ અચૂક ફળ આપનાર બની રહેઃ

image source

આપણે દરરોજ સ્નાનાદિ રોજિંદી ક્રિયાઓ આટોપીને ઘરમાં જ સ્થાપેલ પૂજા સ્થાનમાં નિત્યસેવા કરતાં હોઈએ છીએ. કોઈને દરરોજ તો કોઈને પ્રસંગોપાત દેવસ્થાન મંદિરોમાં જઈને દર્શન કરવા જવાની પણ ટેવ હોય છે. એ રીતે ક્યારે ઘરમાં કે કોઈ વારતહેવારે મંદિરમાં આપણે પૂજા – પાઠ અને હવન યજ્ઞ પણ કરાવતાં હોઈએ છીએ. એવે સમયે બધું જ વિધિવિધાન પૂર્વક યથાયોગ્ય સ્થિતિ મુજબનું કર્મકાંડ પરિપૂર્ણ થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

image source

આ સાથે સંબંધિત પાઠ અને ધાર્મિક વિધિમાં એ પણ ખૂબ જ મહત્વપૂર્ણ રહે છે કે બધી જ પૂજામાં વપરાશની વસ્તુઓ અબોટ એટકે અગાઉ વપરાયા વિનાની આવી છે કે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. અમુક લોકો ઘરમાં જ સ્થાપેલ દેવને દરરોજ સ્નાન, ભોજન થાળ આરતી અને સ્ત્રોત – સ્તુતિ દ્વારા નિત્યક્રમ અનુસાર તિલક – ચંદન અને ધૂપ – દીપ સહિત પૂજન અર્ચન કરતાં હોય છે. એ સમયે કોઈ ચૂક ન રહે એ માટે અમુક એવી સામાન્ય લાગતી પણ ઝીણવટપૂર્વક ધ્યાનમાં રાખવા જેવી બાબતો જણાવીએ. જે હંમેશા યાદ રાખીને દરરોજ કરાતા પૂજા – પાઠ અને ધાર્મિક ક્રિયાઓમાં અપનાવવા જોઈએ જેથી તેનું કર્મફળ વધુને વધુ ફળદાયી રહે.

એવી કેટલીક બાબતો ચિવટથી યાદ રાખીએ જેથી ધર્મધ્યાનમાં કોઈ ભૂલચૂક ન રહી જાય અને કરેલ પૂજા – પાઠમાં અચૂક ફળ મળી રહેઃ

image source

આપણે જ્યારે કોઈ પણ દેવી – દેવતા; આદરણીય વડીલ કે ધર્મગુરુને વંદન કે પ્રણામ કરીએ ત્યારે નમસ્કાર કરતી વખતે એક હાથે ક્યારેય નમન ન કરવું જોઈએ. બંને હાથ જોડીને સહેજ વાંકાં વળીને પ્રણામ કરવું જોઈએ. ક્યારેય કોઈ સૂતેલ વ્યક્તિને નમન ન કરવું જોઈએ. વડીલ કે પૂજારી – ગુરુને પ્રણામ કરતી વખતે એમના જમણા પગના અંગૂઠાને અડકીને સ્પર્શ થાય તે રીતે વંદન કરવું જોઈએ જેથી તે આદરણીય વ્યક્તિની સકારાત્મક ઊર્જા સ્પર્શ દ્વારા આશીર્વાદ રૂપે આપણામાં આવી શકે.

image source

મંત્ર જાપ કરવાના પણ કેટલાક એવા નિયમો કે ધ્યાનમાં રાખવાની બાબતો છે જેથી અનુષ્ઠાન કરતી વખતે અને જાપ કર્યા પછી તેની ફળશ્રુતિ અધિકમાં અધિક મળી રહે. મંત્રોચ્ચારની જપ માળા ગુરુ દિક્ષા દ્વારા મળે છે. અથવા તો સાધકની ઇચ્છા અને શ્રદ્ધા મુજબ તે જાપના મંત્રોની પસંદગી કરી શકે છે. તે અનુષ્ઠાન રૂપે અમુક પર્વ પર થાય છે અથવા રોજિંદા ક્રમમાં નિત્યક્રમ સાથે પણ કરાય છે. મંત્ર જાપ કરવા બેસવા માટે દરરોજ એક જ નિશ્ચિત સમય રાખવામાં આવે તો ખૂબ જ ઉત્તમ રહે છે. છતાંય એ મુજબ ન થાય તોય જાપ કરવામં કોઈ વાંધો ન હોવો જોઈએ.

image source

જાપ કરતી વખતે માળાને જમણા હાથમાં ઝાલીને શુદ્ધ કાપડની થેલી જેવું વસ્ત્રમાં રાખીને માળા કરવી જોઈએ. જેને ગૌમુખી કહે છે. આ કોઈપણ પૂજાપા વહેંચતી દુકાનેથી મળી રહે છે. ક્યારેય માળાને ખુલી રાખીને જપ કરવા જોઈએ નહીં. મંત્ર જાપ એ ખરેખર તો ગૂઢ બાબત છે જે જાહેર થવી જોઈએ નહીં. મંત્રોની માળા કરતી વખતે મોં ખોલીને કે હોઠ ફફડે એ રીતે જાપ ન કરવો જોઈએ. અનુષ્ઠાન કરતી વખતે મોટેથી પણ મંત્રોચ્ચાર ન કરવા જોઈએ. જેથી શરીરમાં એ મંત્રની ઊર્જા વિસ્ફારિત થઈ જાય છે અને તેનું સિદ્ધ થવાનું તેજ ઘટે છે.

image source

પૂજા – પાઠ કરતી વખતે ધીનો દીવો, ધૂપ અને અગરબત્તી ચોક્કસ કરવા જોઈએ. પૂજામાં બેસવા કે મંત્ર પાઠ કરવા સીધું જમીન પર ન બેસી જવું જોઈએ. ઊનનું કે રેશમનું આસન હોય તો વધુ ઉત્તમ રહે છે. ભગવાનની છબી કે મૂર્તિમાં મા લક્ષ્મી કે સરસ્વતિ અને શ્રી ગણેશની મૂર્તિ બેઠા સ્વરૂપમાં હોય અને હાથની મુદ્રા વરદ મુદ્રા હોય તો તે ખૂબ ઉત્તમ ગણાય છે. જેથી એમ મનાય છે કે તેમના આશીર્વાદ આપણા માટે આપણા દેવસ્થાનમાં સ્થાઈ રહ્યા છે. રેશમી કે અતલસનું કાપડ લાલ, કેસરી કે પીળા રંગનું ભગવાનની મૂર્તિ કે છબીની સ્થાપના કરવા માટે પાથરવું જોઈએ જેથી તે ઉત્તમ ઊર્જાને આકર્ષીને ખૂબ શુભકારક ફળદાયી નિવડી રહે.

image source

પૂજા – પાઠ કરવા જાતકે પૂર્વાભીમુખ બેસવું જોઈએ અને ડાબીબાજુએ ઘંડા, ધૂપ અગરબત્તી રાખવાં અને જમણી બાજુએ શંખ અને જલાધારી આચમની રાખવામાં આવે છે. જાતકે પૂજા શરુ કરવા પહેલાં કુમકુમ ચંદનનો તિલક કે ત્રિપુંડ પોતાના લલાટે કરવો જોઈએ અને ભગવનની મૂર્તિ કે છબીને પણ કરવું જોઈએ. વિધિવિધાનમાં બેસતી વખતે અર્ધાંગિનિ પત્નીને પણ સાથે બેસાડાય છે, તેમાં તેમને શરીરની ડાબીબાજુએ હ્રદયસ્થાને બીરાજમાન કરાય છે. પૂજામાં સ્ત્રીઓ નારિયેળ વધેરવું કે અન્ય હોમ આહૂતિમાં પુરુષને સ્પર્શ કરીને સહભાગી થઈ શકે છે પરંતુ તેમના હાથે નારિયેળ ક્યારેય વધેરવું નહીં અને અથવા તો ચાકૂથી તેમણે પ્રસાદનું શ્રીફળ કાપવું જોઈએ નહીં.

image source

પૂજા વિધાન બાદ ભોગ – પ્રસાદ ચોક્કસ ધરાવવો જોઈએ. પ્રસાદને ક્યારેય ઉથાપીને જવું જોઈએ નહીં. પ્રસાદ ધરાવવા પહેલાં તેના પર તુલસી પત્ર અચૂક રાખવું જેથી તે ઇશ્વરને અર્પણ થઈ રહ્યું છે તેની અનુભૂતિ થાય. તુલસીદળ દસ દિવસ સુધી વાસી થતાં નથી તેને ધોઈને વાપરી શકાય છે. અગિયારસ, અમાસ કે વ્રતની પૂનમના દિવસે, શ્રાદ્ધના દિવસે અને શ્રી કૃષ્ણ ચતુર્થીના તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ, રવિવાર અને મંગળવારે પણ તુલસી દળ તોડવાં જોઈએ નહીં. વપરાશ માટે અગાઉથી તેને તોડી લઈ શકાય છે. તેને ભગવાન શ્રી ગણેશને ચડાવવામાં નથી આવતાં એનું ધ્યાન રાખવું. શુક્લ પક્ષની ભાદરવા માસની ચતુર્થીએ વર્ષમાં ફકત એક જ વાર ભગવાન શ્રી ગણેશને ચડાવવામાં આવે છે.

image source

આ રીતે જોઈએ તો કમળનું ફૂલ પાંચ રાત્રી સુધી, તુલસી દળ દસ રાત્રી સુધી વાસી નથી થતાં. શંકર ભગવાનને બીલીપત્ર ચડે છે, જેને ધોઈને ફરીથી ચડાવી શકાય છે, તે કરમાય નહીં ત્યાં સુધી વાસી નથી કહેવાંતાં. ભગવાન શિવને ક્યારેય કુમકુમ કે સિંદૂર ચડતું નથી, વર્ષમાં ફકત એક જ વાર તેમને શિવરાત્રીની પૂજામાં કંકુ ચડે છે. યાદ રહે ભગવાન શ્રી વિષ્ણુને તુલસી ધરાવાય છે, મા લક્ષ્મીજીને કમળનું ફૂલ અને શ્રી ગણેશને જાસૂદ અને દુર્વા ચડાવાય છે.

image source

પૂજા – પાઠમાં ઉપયોગમાં લેવાતાં ફૂલ વિશે પણ અમુક વાત જાણવા જેવી છે. નાગરવેલ જેવાં પાન ચડાવતી વખતે એમની દાંડી કાપી લેવી જોઈએ. ત્રિદળ એટલે કે બિલિપત્રના ત્રણેય પાન યથાવત હોવાં જોઈએ ખંડિત થયેલ કે કાંણાંવાળાં પાનનો પૂજામાં ઉપયોગ કરવો જોઈએ નહીં. કરમાયેલાં કે વાસી ફૂલોને પૂજા વિધાનમાં લેવાં નિષેધ છે. ભગવાન શંકરને જૂઈના ફૂલ, શ્રી વિષ્ણુને ધતુરો અને માતાજીને આંકડાના ફૂલ તથા સૂર્યનારાયણ દેવને ક્યારેય ચમેલીનું ફૂલ ચડાવવું જોઈએ નહીં.

આરતી કરીને નૈવેદ્ય ધરાવી વિધિ સંપન્ન કરવી. પૂજા કે જપ કર્યા પછી જે આસન પર બેઠાં હોઈએ તેની નીચેની જમીનને નેત્ર સ્પર્શ કરાવીને નમન કરીને જ ઊભાં થવું જોઈએ.

image source

પૂજા વિધાન બાદ દાન દક્ષિણા પણ કરવી જોઈએ જે હંમેશા જમણા હાથે આપવું જોઈએ.

આ રીતે દરેક ઉત્તમ બાબતોનું ધ્યાન રાખીને એક ચિત્તે બેસીને વિચલિત થયા વિના એકાગ્ર થઈને પૂજા કે મંત્ર જાપ કરવાથી માનસિક શાંતિ અને મનોબળ વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ