તમારા શરીરમાં પ્રોટીનની ખામીની કેટલીક નિશાનીઓ

પ્રોટીન શરીરના વિકાસ માટે ખુબ જ આવશ્યક પોષકતત્વોમાનું એક છે. આજે અમે કેટલીક નિશાનીઓ લાવ્યા છીએ, જે સૂચવે છે કે શરીરમાં પ્રોટીનની ઉણપ છે. જાણો શું છે એ…

૧. તમારા હાડકા ખુબ જ નબળા છે.

જો તમને ફ્રેકચર ખુબ જ સામાન્ય રીતે પડવાથી પણ થાય છે તો તેની પાછળનું એક કારણ શરીરમાં પ્રોટીનની ખામી હોઈ શકે છે. ખાસ કરીને વૃદ્ધ લોકોમાં. થાપાનું ફ્રેકચર થવાના મોટા ભાગના કેસોમાં પ્રોટીનની ખામી જોવા મળે છે.

૨. તમને બીમારીમાંથી બહાર આવતા ખુબ જ વધારે સમય લાગે છે.

રોગ પ્રતિકારક શક્તિ તેમજ વાગેલા ઘાવના રૂઝ માટે પ્રોટીન ખુબ જ આવશ્યક છે. પ્રોટીનની ઉણપ કોઈ પણ રોગ અથવા ઘાના રૂઝ દરમિયાન વધારે સમય લઈ શકે છે અથવા તેમાંથી જોઈએ એવી રિકવરી નથી આવી શકતી. આ ઉપરાંત પ્રોટીનની ઉણપને કારણે શરદી-ખાંસી તેમજ વાઈરલ ઇન્ફેકશન આસાનીથી થઈ શકે છે.

૩. તમારા વાળ અને નખ પતલા થતા હોય.

શરીરના નખ અને વાળ પ્રોટીનના બનેલા હોય છે. ઉમર વધે તેમ શરીરમાં પ્રોટીનની જરૂરિયાત વધે છે પરંતુ જો એ જરૂરિયાત પૂરી નથી થતી, તો તેની સીધી અસર જે તે વ્યક્તિના શરીરના બાંધા ઉપર થાય છે. શરીરને આવશ્યક પોષકતત્વો જો કોઈ બાહ્ય સ્ત્રોતમાંથી ન મળે તો શરીરની અંદર હાજર રહેલા પોષકતત્વો લેવાનું શરુ કરે છે. આમ તેની અસર વાળ અને નખ ઉપર થાય છે.

૪. તમને અશક્તિ લાગે છે.

જો તમારા શરીરને યોગ્ય માત્રામાં પ્રોટીન નથી મળતું, તો તેની સીધી અસર કાર્યશક્તિ ઉપર થાય છે. જો આવી અશક્તિ સમગ્ર દિવસ દરમિયાન દરરોજ રહેતી હોય, તો તમારે પ્રોટીનયુક્ત આહાર લેવાનો શરુ કરવો જોઈએ.

૫. તમને વારંવાર ભૂખ લાગે છે.

વારંવાર ભૂખ લાગવી એ દર વખતે પ્રોટીનની ખામીની નિશાની નથી હોતી પરંતુ પ્રોટીનની ખામીને કારણે જયારે વારંવાર ભૂખ લાગે છે ત્યારે લોકો ભૂખને શાંત કરવા કેલરી અને ચરબીથી ભરપુર ખોરાકની પસંદગી કરે છે જયારે પ્રોટીનની ઉણપ તો રહે જ છે. આમ, જો તમને ખુબ જ વધારે ભૂખ લાગતી હોય, તો પ્રોટીનયુક્ત આહાર હિતાવહ રહે છે.

લેખન.સંપાદન : યશ મોદી