પ્રેરણાદાયી સત્યઘટના – અચૂક વાંચો : જે તમને પોલીસ પ્રત્યેનો તમારો દ્રષ્ટિકોણ બદલાવવા મજબૂર કરી દેશે……

મારા એક મિત્ર છે નામ છે ઈલ્યાસ ખાન. વેબમીડિયાનું કામ કરે છે પહેલા અનેક ન્યુઝ પોર્ટલો માટે રિપોર્ટિંગ કરી ચુક્યા છે. પોતે મૂળ વાંકાનેરનાં એટલે હાલ પોતાનો બ્લોગ “આપણું વાંકાનેર” નું કામ સંભાળે છે.

તેમણે હમણાં જ મને વોટ્સએપ્પ પર એક ટેક્સ્ટ મેસેજ અને એમનાં બ્લોગની એક લિંક પણ મોકલી. મેસેજનું લખાણ અને અને લિંક ઓપન કરી જે સ્ટોરી વાંચવા મળી તે ખરેખર દિલ ખુશ કરી દેનારી હતી.

એ સ્ટોરી એક પોલીસ અધિકારી વિશેની હતી. શું હતી એ સ્ટોરી અને એવું તે શું કર્યું એ પોલીસ અધિકારીએ કે તેને રાતોરાત ગુજરાતભરની પ્રજાનાં હદયમાં સ્થાન મળી ગયું ? આવો જાણીએ…

આ ઘટના વાંકાનેર (જિલ્લો:મોરબી) ખાતેની અને તારીખ 19 એપ્રિલની છે. બપોરના સમયે શહેરના એક ચોકમાં આજુબાજુની દુકાનોમાં ચીજવસ્તુ ખરીદવા આવેલા ગ્રાહકો અને માલ મુકવા આવતા ટ્રાન્સપોર્ટના વાહનોના આડેધડ પાર્કિંગને કારણે થોડો ટ્રાફિક જામ થાય છે.બરાબર તે જ સમયે એક પોલીસ વાહન ચોકમાં આવીને ઉભું રહ્યું. ગાડીમાંથી મધ્યમ બાંધાનું શરીર ધરાવતા એક પોલીસ અધિકારી અને ટ્રાફિક બ્રિગેડનો એક જવાન નીચે ઉતરે છે. એક-બે વહીસ્ટલ વાગતા જ ટ્રાફિક જામ કરતા વાહનો આગળ ચાલવા માંડ્યા, નડતરરૂપ રેંકડીઓ પણ હટવા લાગી. લગભગ 10 જ મિનિટમાં ચોકમાંથી ટ્રાફિક ગાયબ.

ઉપરોક્ત પોલીસ અધિકારી વેપારીઓ અને આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકોને ટ્રાફિક અંગે સજાગ રહેવાની સૂચના આપી પોતાની ગાડીમાં પરત બેસી રહ્યા હતા ત્યાં જ એમની નજર 60-70 વર્ષનાં એક વયોવૃદ્ધ માજી પર પડી જે વીજ થાંભલાની આડસે બેસી જુના કપડાં વેંચી રહ્યા હતા.

ઉપરોક્ત પોલીસ અધિકારીએ માજીને સંબોધીને કહ્યું, ” માજી, આ રીતે કપડાનો પથારો ન પાથરો, ટ્રાફિકમાં નડે ”

” લ્યો આ રાખો, આવા તડકાનાં હેરાન ન થાવ, ઘરે જાવ અને આરામ કરો..” આટલું કહી એ પોલીસ અધિકારીએ વયોવૃદ્ધ માજીનાં હાથમાં ત્રણ આંકડાની રકમની એક નોટ આપી દીધી.

આ પોલીસ એટલે વાંકાનેર પોલીસ અને પોલીસ અધિકારી એ વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર રામદેવસિંહ જાડેજા (RP જાડેજા).

આ સ્ટોરી જ્યારે મેં પહેલીવાર વાંચી ત્યારે રૂંવાડા ઉભા થઇ ગયા. હૃદયે પૂછ્યું શું સાચે જ પોલીસ આવી લાગણીશીલ હોઈ શકે ? ઘડીક તો લાગ્યું આ હકીકત નહિ હોય. એટલે પોતાના બ્લોગ પર આ સ્ટોરી લખનાર મિત્ર ઈલ્યાસ ખાનને ફોન કરી કન્ફર્મ કર્યું કે લખેલ માહિતી વાસ્તવિકતા તો છે ને તેણે હા કહી ત્યારે દિલડું ભરાઈ ગયું અને સાથે જ પોલીસ પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ પણ બદલાયો.

PSI રામદેવસિંહ જાડેજાને રૂબરૂ મળેલા અને ઉપરોક્ત ઘટના સમયે સ્થળ પર જ ઉપસ્થિત રહેલા ઈલ્યાસ ખાન Jentilal.com ને કહે છે, ” એવું નથી કે એમણે એ વયોવૃદ્ધ માજી સાથે જ સારું વર્તન કર્યું હોય તેઓ ગુન્હેગાર સિવાય તમામ સાથે આવો જ સૌમ્ય સ્વભાવ રાખે છે. મારે પોતાને પણ કોઈ કામ પડે ને તેમને ફોન કરું એટલે સામેથી ” બોલોને ભાઈ… ” જેવું મીઠું સંબોધન અવશ્ય મળે. ખરેખર, દરેક પોલીસ સ્ટેશનમાં જો આવા એકાદ પોલીસ અધિકારી હોય તો લોકોમાં પોલીસ પ્રત્યેની પોતાની છાપ સુધારવાનાં કોઈ પ્રયાસ કરવાના જ ન રહે “

આ પોલીસ અધિકારીની (PSI RP જાડેજા) આજથી બે-ત્રણ મહિના પહેલા પ્રોબેશનર PSI તરીકે નિમણુંક થઈ હતી. પરંતુ બે મહિનાના ટૂંકા ગાળામાં જ તેમણે શહેરની શકલ બદલી દીધી છે.

જામનગર જિલ્લા પોલીસ વડા પ્રદીપ સેજુલ અને મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ જેમના આદર્શ છે તેવા વાંકાનેર શહેર પોલીસ સબ ઇન્સ્પેક્ટર રામદેવસિંહ જાડેજાને જો ગુજરાત પોલીસ અને મોરબી પોલીસનું ગૌરવ કહેવામાં આવે તો એમાં કશી અતિશયોક્તિ નથી.

લેખન અને સંકલન : Mr. હુઝૈફા

જો તમારી આસપાસ આવી કોઈ પ્રેરણાદાયક સત્યઘટના હોય તો અમને ભૂલ્યા વગર મોકલી આપો !!!

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ