પ્રેમનું ગુરૂત્વાકર્ષણ – ખરેખર પ્રેમનું પણ એક ગુરુત્વાકર્ષણ હોય છે ખરું, પ્રેમ કહાની…

એક જ વર્ષમાં આશરે અઢારેક જેટલા મૂરતીયા જોયા પછી પણ આશકાના “છોકરો ગમતો નથી” ના જવાબે આખરે રસીકભાઇને ચિંતામાં મૂકી દીધા. તે દિવસે રાત્રે એ આશકાનાં રૂમમાં આવ્યા. પલભર આશકાને તાકી રહ્યા પછી ગળુ ખંખેરીને બોલ્યા : “બેટા આશકા, તેં આજે જે છોકરો જોયો એનો ક્ર્મ અઢારમો હતો, આ અઢારમાં ચાર પાંચ છોકરા તો એવા હતા જેને ‘ના’ કહેવાનું કોઇ પણ છોકરી ઉચિત્ત ન માને કેમ કે તેઓ બેસ્ટ કેરીયર ધરાવતા હતા. પણ એમને રિજેક્ટ કર્યા.


ખેર, તને ન ગમ્યા એતો જાણ્યું, પણ “તને કોણ ગમે છે એ જણાવી શકીશ ?” આશકા તેના પપ્પા રસિકભાઇ સામે જોઇ રહી, રસિકભાઇ એ નજીક આવી તેનાં માથામાં હાથ ફેરવીને કહ્યું : “સંકોચ ન રાખ, ડર પણ ન રાખ, હું પિતા છું સાથે તને સમજી શકું એટલો સંવેદનશીલ પણ છું. પણ પ્લીઝ તું બોલ…” “પપ્પા..” આખરે આશકાએ નજર ઢાળી દેતા કહ્યું : “પપ્પા, મને પ્રોફેસર અનુરાગ સર ગમે છે, પણ…હું તેમને કહી શકતી નથી”

“અનુરાગ ?” રસિકભાઇનાં ભવા ખેંચાયા. ચેહરા ઉપર અણગમાની ઓકળીઓ ઉપસી આવી પણ દિલની અંદરનાં ભાવોને માંડ દબાવતા બોલ્યા : “અરે દિકરી, ગમી ગમીને તને એ ગમ્યો ? એ ધૂની, તરંગી, વ્હીમઝિકલ માણસ સાથે પરણીને તું શું સુખ પામીશ ? હવે એનામાં લાગણી નામનું તત્વ જ નથી તો તારે કયા પ્રેમની આશા રાખવી ?” “એ જે હોય તે.. પણ પપ્પા, મને એ ગમે છે અને એમને મેળવી લઇશ એવી મને શ્રધ્ધા છે એના દિલમાં લાગણ્રીનું ઝરણું પ્રગટી ઉઠે એવી મારી કોશિષ એળે નહીં જાય પપ્પા.”


“જોઇએ…બાકી એ માણસ સાથે તારી કેમેસ્ટ્રી મેચ થાય એ હું માનતો નથી” કહી ખંડ છોડી ગયા. આ અનુરાગ કાત્યાયને અહીની સવાણી સાયન્સ કોલેજમાં ભૌતિકશાસ્ત્રનાં પ્રોફેસર તરીકે ફ્રેશ નિમણૂંક મળી હતી. એમ.એસ.સી (ભૌતિકશાસ્ત્ર) પૂરું કર્યા પછી પી.એચ.ડી કરીને જી.પી.એસ.સી પસાર કર્યા પછી અહીં નિમણૂંક પામ્યો હતો. રસિકભાઇ સાયન્સ કોલેજનાં પ્રિન્સિપાલ વ્યાસ સાહેબનાં મિત્ર હતા. રસિકભાઇ અનાજ,કરીયાણાનાં મોટા વેપારી હતા. વ્યાસ સાહેબે અનુરાગને રસિકભાઇનાં બંગલામાં ઉપરનાં માળે રહેવાની વ્યવસ્થા ગોઠવી દીધી હતી. બે રૂમ- હોલ કિંચનનું રોપરેટ હાઉસ હતું પણ એક વર્ષથી અહીં રહેતા અનુરાગે ભાગ્યે જ રસિકભાઇ સાથે કોઇ વાતચીત કરી હશે. એને તો એ ભલોને એનું કામ ભલું !

આખો દિવસ બ્રહ્માંડ વિષેનાં થોથા ઉથલાવ્યા કરતો. વિદેશી વૈજ્ઞાનિકોનાં રીસર્ચ વાંચ્યા કરતો અને મોટા મોટા ચોપડામાં અવનવી ડીઝાઇનો, રેખાંકનો, આકૃતિઓ બનાવ્યા કરતો કયારેક લાઇબ્રેરી માંથી સાંજેક થી મોડેથી આવતો ત્યારે રસિકભાઇ હીંચકે બેઠા હોય. એ અનુરાગને હીંચકે બેસવા બોલાવતા પણ અનુરાગ ‘થેન્ક યુ સર’ કહીને ઉપર જતો રહેતો એ દિલ્હીથી આવ્યો હતો. ધૂની હતો, તરંગી હતો પણ દિલનો સાફ અને સંસ્કારી હતો. અન્યથા રસિકભાઇએ એને ઘર છોડી દેવાનું પણ હવે દીકરીને એ જ ગમી ગયો હતો. ખેર, તેમને લાડકી દીકરીનાં કહી દીધું હોત ! દિલને તોડી નાખવું ગમ્યું નહીં.


એક દિવસ સાંજે આશકા લીંબુ શરબતનો ગ્લાસ લઇને ઉપર આવી ત્યારે અનુરાગ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ‘આધાત અને પ્રત્યાધાત’ વાંચી રહ્યો હતો. અનુરાગે ‘થેન્કસ’ કહી શરબતનો ગ્લાસ ખાલી કરીને આશકાને પાછો આપ્યો ત્યારે આશકાએ સ્મિત કરીને પૂછ્યું : “ન્યૂટન આ નિયમ દ્રારા શું કહેવા માગે છે ?” અનુરાગ આશકા સામે જોઇને સ્મિત કરી રહ્યો : ઓહ.. તો આપને ફિઝીક્સમાં રસ જાગ્યો છે ? ગુડ.. વેરીગુડ આઇ લાઇક ધેટ.. વેલકમ, અરે તમે અહીં બેસો. “હું તમને સમજાવું…” કહી, પલંગ પર પાથરો કરીને રાખેલા પુસ્તકોના થોથાં સરખા કર્યા.

આશકા બેઠી. અનુરાગે રસપૂર્વક શરૂ કર્યુ : “ન્યૂટન એમ કહે છે કે, દડો જેટલા વેગથી આપણે દિવાલ તરફ ફેંકીએ એટલા વેગથી જ પાછો આવે છે. બંધૂક માંથી નીકળેલી ગોળીનો જેટલો વેગ હોય છે એટલા જ વેગથી એનું બટ (કૂંદો) આપણા કંધા સાથે ભટકાય છે. રોકેટ જેટલી ગતિથી બ્રહ્માંડ તરફ ઊડે છે એટલી જ ગતિથી ધૂમાડા છોડે છે. પ્લેન, ટેક ઓફ કરતી વખતે ધરતી ઉપર અથડાયા પછી જ ઊંચકાય છે…સમજાયું ?” “એ નિયમ ભૌતિક વિજ્ઞાનને લાગુ પડે પણ પ્રેમનાં વિજ્ઞાનને નહી !


અનુરાગજી! કોઇ છોકરી છોકરાને જેટલું ચાહે, કે કોઇ છોકરો છોકરીને જેટલું ચાહે એટલી ચાહત સામેથી મળતી નથી. કોઇ વ્યકિત બીજી વ્યકિતને જેટલી લાગણીથી મદદ કરે, એટલી જ ઉત્કટતાથી વળતો પ્રતિભાવ નથી મળતો…” “શું તમેય પણ? પ્રેમ, લાગણી,ઇશ્ક, મહોબ્બત.. આ બધું વાહિયાત છે સાયન્સથી આગળ કશું જ નથી, આ દુનિયા વિજ્ઞાનથી ચાલે છે.” અનુરાગે ચીડથી કહ્યું આશકા ઊભી થતાં બોલી.. “જયારે વિજ્ઞાન નથી કામ આપતું ત્યારે ઇશ્વર હાજર થાય છે.” જયાં દવા ફેલ જાય છે ત્યાં દુવા કામ લાગે છે.

અનુરાગજી ! વિજ્ઞાનથી પણ એ ઉંચી શકિત છે તેનું નામ ભગવાન છે સાયન્સ જયાં પુરું થાય છે ત્યાંથી સૌહાર્દ ની સરહદ શરૂ થાય છે. સમીકરણો જયારે રચવાનાં બંધ થાય છે ત્યાં થી સંબંધની સરવાણી ફૂટે છે. સંયોજન થતું જયાં અટકે છે ત્યાંથી સ્નેહનું ઝરણું ફૂટે છે પણ આ બધી વસ્તુ તમને નહિ સમજાય…! હા, “કોઇ એવો અનુભવ થાય તો….ખબર પડે…”


“ફૂટ” અનુરાગ બબડી રહ્યો. તેનું ધ્યાન વિજ્ઞાન માંથી વિચલિત થઇ ગયું. થોડા દિવસો પસાર થયા ને એક દિવસ એ તાવમાં પટકાયો. ઘરગથ્થું દવા લીધી. પણ તાવનાં ઉતર્યો. બીજા દિવસે કોલેજ ન જઇ શકાયું શરીર તાવથી ધીખતું અને ભયંકર અશકિત ! છતાં ધીરે ધીરે તે ડોકટર પાસે જઇ પહોંચ્યો પણ દવા લઇને પાછો આવ્યો ત્યારે ઘર સુધી તે માંડ પહોંચ્યો. દરવાજામાં જ ઢગલો થઇ ગયો. આશકા દોડી આવી. પોતાના હાથનો ટેકો કરી તેને પોતાના ઘરનાં અલાયદા ખંડમાં જ સૂવડાવી દીધો.

અનુરાગે આશકાને કહ્યું : “પ્લીઝ મને ઉપર… મારા ઘર સુધી..” “કેવી વાત કરો છો તમે ?” આશકાએ તેને થપથપાવતા કહ્યું : “અનુરાગજી, આવી પરિસ્થિતિમાં તમને કશું થઇ જાય તો અમારે તમારા ઘરનાને જવાબ શું દેવો ?” અને બીજુ, કે આ ઘર નથી તો શું છે ? ચાહે તમારું હોય કે મારું..પણ અત્યારે તમારે અહીં રેહવું જરૂરી છે..” “પેરાસીટામોલ તો મેં લીધી હતી. ‘ડોકટરે બીજી દવાઓ પણ લખી આપી છે પણ તાવ..’ “હું એક કપ આદુવાળી ચા બનાવી આપુ. દવા પછી પીજો.”


આશકાએ અનુરાગને ભાવતા ટેસ્ટની ચા પીવડાવી. શરીર માંથી ઠંડી ઓછી થઇ. સાંજે ખીચડી દૂધ ખવડાવ્યા પછી દવાઓ પીવડાવી. બીજા દિવસે અનુરાગ ઊભો થઇ શક્યો. આશકાએ કહ્યું : “હજી તમારે આરામની જરૂર છે,આજે તમારે કોલેજ નથી જવાનું..” ગમે એમ પણ, અનુરાગ આશકાની વાત માની ગયો. ચાર દિવસ સુધી આશકાએ અનુરાગની સારવાર કરી. અનુરાગને સંપૂર્ણ રીતે સાજો થયા પછી જ ઉપરની રૂમે જવા દીધો. પાંચમા દિવસની સાંજે આશકા, આદુવાળી ચા લઇને ઉપર આવી ત્યારે અનુરાગે કહ્યું : “આશકા, તું જીતી, હું હાર્યો..! મને એમ હતું કે પેરાસીટામોલથી તાવ ઉતરી જશે પણ, મારી માન્યતા ખોટી ઠરી. એ ઉતર્યો પણ તારી પ્રેમ ભરી સુશ્રુષાથી જ !”


“ હા અનુરાગ..તમે માનો યા ના માનો… પણ ચૂંબકીય કે ગુરૂત્વાકર્ષણ બળ માત્ર ધન પદાર્થોને જ લાગુ પડતું નથી લાગુ પડતું પણ શરીરનેય લાગુ પડે છે અને વિજ્ઞાન માત્ર ભૌતિક કે રાસાયણિક જ નથી હોતુ પણ શરીરનું પણ એક વિજ્ઞાન હોય છે પણ એના કોઇ સમીકરણો નથી હોતા કેમ કે, પ્રેમને કોઇ સમીકરણની જરૂર નથી. લાગણી કોઇ અણુસુત્રની મોહતાજ નથી હોતો” “અરે..” અનુરાગ આસપાસ જોતાં જોતા બોલ્યો : “અરે, મને આ શું થઇ રહ્યુ છે ?” મને કશુંક.. હું તારા તરફ ખેંચાતો જાઉ છું આશકા “અનુરાગ, તને ન સમજી શકો એ વિજ્ઞાન છે…. જો સમજી શકો તો એ પ્રેમ છે..” આશકાનાં આ શબ્દોથી કશુંક ખેંચાયું તો ખરું.. પ્રથમ, તો આશકાનાં અંગ ઉપરની ઓઢણી અને પછી આખે આખી આશકા !!!
લેખક : યોગેશ પંડ્યા