પ્રેમનું અનેરું બંધન ટાઈ – અચાનક એક પરિવાર પર આવે છે મુસીબત, નોકરી નહિ અને અકસ્માત…

“અરે હવે જલ્દી કરો ને, મારે પછી બા સાથે ખરીદી કરવા જવાનું છે. નાહીને નીકળો હવે એટલે તમારી ટાઇ બાંધી આપું.”

મર્યાદા અને મિરાજનો સુખી સંસાર. લગ્ન થયા ત્યારથી એક નિયમ જળવાઈ રહ્યો છે જે છે ટાઇ બાંધવાનો. મિરાજ એક ખાનગી કંપનીમાં સિનિયર મેનેજર હતો. નાનપણથી જ તેને ટાઇ પહેરવાનો ગાંડો શોખ.


જયારે જયારે તે પોતાના પિતાજીને ટાઇ પહેરીને ઘરની બહાર જતા જોતો ત્યારે તેમનો મોભો કંઈક અલગ જ રહેતો. તે સમયે તેઓ બહુ નાના ગામમાં રહેતા એટલે ગામમાં આવા સૂટ ટાઇ વાળા વ્યક્તિનું માન અત્યંત જળવાતું. પિતાજીને જયારે જયારે સન્માનિત થતા જોતો હંમેશા વિચારતો કે પોતે પણ એક દિવસ આ રીતે ટાઇ સૂટ પહેરીને નામના મેળવશે.


નાનો હતો ત્યારે શાળાના યુનિફોર્મમાં ટાઇ નથી તેવી તેને ખબર પડી અને જયારે બીજી શાળાના યુનિફોર્મ માં ટાઇ જોતો ત્યારે તે ઉદાસ થઇ જતો. ક્યારેય કોઈ પ્રસંગે ટાઇ પહેરવાની તક ના ચૂકતો. તેથી જ હવે જયારે તેને રોજ કંપનીમાં ટાઇ પહેરવાની થતી તે અત્યંત ખુશ થઇ જતો. એમાંય લગ્ન પછી તો જાણે તેણે મર્યાદાને જ આ કામ સોંપી દીધું હતું. મર્યાદા ગમે ત્યાં હોય ગમે તેવા સંજોગો હોય પરંતુ મિરાજને ટાઇ તો તેણે જ બાંધવાની.


એવું નહોતું કે મિરાજને ટાઇ બાંધતા આવડતી નહોતી કે તેને ટાઇ બાંધવાનો કંટાળો આવતો. પરંતુ જયારે મર્યાદા તેને ટાઇ બાંધતી ત્યારે એક અલગ જ માહોલ છવાઈ જતો. જાણે આજુબાજુ કોઈ ના હોય એમ બન્ને પોતાના પ્રેમપ્રદેશમાં ખોવાઈ જતા. ટાઇ બાંધવા જેવી મામૂલી વાતને પણ તેઓ અનમોલ ગણતા.

રોજ સવારે જાગીને મિરાજને ગરમાગરમ કોફી પીવડાવતી મર્યાદા તેની ટાઇ જાતે પસંદ કરતી અને તેને ઈસ્ત્રી કરીને તેના કપડાં જોડે રાખતી. ટાઇ શોધવામાં મર્યાદાને અડધી કલાક લાગી જતી. મર્યાદા અને મિરાજની “ટાઇ કથા” હવે તો સોસાયટીમા બધે જ જાણીતી થઇ ચુકી હતી. મિરાજ નાહીને નીકળ્યો અને બોલ્યો,


“હા મેરી જાન, બંદા હાઝિર હૈ.” ફક્ત ટુવાલ વીંટાળેલા મીરાજને જોઈ મર્યાદા શરમાઈ ઉઠી. તે હંમેશા મિરાજને કહેતી કે તે ફક્ત ટુવાલમાં બહુ “હોટ” લાગે છે. આજે ઘણા દિવસે મિરાજ રોમાન્ટિક મૂડ માં હતો એટલે મર્યાદા પણ તેની મસ્તી લઇ રહી હતી. અચાનક જ મિરાજના મોબાઇલની રિંગ વાગી અને બંનેનો પ્રેમાલાપ થંભી ગયો.


“સાહેબ, માફ કરજો પણ એક ખબર આપવાના હતા. કાલે રાતના જ આપણી કંપનીએ દેવાળું ફૂંકી દીધું છે જેના કારણે બધાને જ નોકરીમાંથી કાઢી મુક્યા છે. તમે પણ તેમાંના એક છો.”

બીજા છેડેથી કંપનીનો મેનેજર કહી રહ્યો હતો. પણ મિરાજને તો જાણે કઈ સંભળાતું જ ના હતું. તે ગુમસુમ થઇ ગયો. મર્યાદાએ તેને હલબલાવ્યો પણ મિરાજે કઈ જવાબ જ ના આપ્યો. ફોન ખેંચી મર્યાદાએ સાંભળ્યું ત્યારે તેને હકીકત ખબર પડી. મહિનાના એક લાખ કમાતો માણસ જયારે અચાનક જ નોકરી વગરનો થઇ જાય ત્યારે તેની કેવી હાલત થાય તે આપ સૌ સમજતા જ હશો.


મિરાજ તે દિવસ પછી સાવ જ બોલતો બંધ થઇ ગયો. શરૂઆતમાં એક-બે જગ્યાએ ઇન્ટરવ્યૂની કોશિશ કરી પરંતુ કોઈ ચોક્કસ પ્રતિભાવ ના મળતા. પછી તો જાણે કામ પૂરતું જ બોલતો. મર્યાદા તેના માટે નવી કંપનીના ઇન્ટરવ્યૂ શોધતી રહેતી પરંતુ ક્યાંય મેળ નહોતો પડતો. મિરાજને સૌથી વધારે અહંગરો “ટાઇ” નો લાગ્યો હતો. હવે તેને રોજ ટાઇ પહેરવાની તક ના મળતી. પોતાની આ બેકારીથી તે અત્યંત નાસીપાસ થઇ ગયો હતો. રોજ સવારે કપડાં પહેરવા સમયે તે કબાટમાંથી ટાઇ કાઢે તેને પંપાળે અને ફરી પાછી મૂકી દે. હવે તે પોતાની જાતને એ ટાઇ બાંધવાને લાયક નોહ્તો સમજતો.


ધીરે ધીરે નોકરી ના હોવાના કારણે મિરાજ ડિપ્રેશનમાં સરી પડ્યો. એક સમય એવો આવ્યો કે મિરાજને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. એમાંય જયારે એ લકવાગ્રસ્ત થઇ ગયો ત્યારે તો મર્યાદા ભાંગી જ પડી. પણ તેણે હાર ના માની. તે હંમેશ તેની પડખે રહેતી. સાસુ સસરાનો તેને ઘણો સહારો હતો. સદાય હસતો મિરાજ જાણે હવે હસવાનું જ ભૂલી ગયો હતો.


એવામાં એક દિવસ તેણે હોસ્પિટલના બિછાને રહીને એક મેગેઝીનમાં ટાઇ ની એડવર્ટિઝમેન્ટ જોઈ અને સહેજ મુસ્કાન આવી તેના ચહેરા પર. મર્યાદા આ જોઈને અત્યંત હરખાઈ ઉઠી. પછી તો બીજા જ દિવસે તે અઢળક રંગબેરંગી ટાઇ મિરાજ માટે લઇ આવી. રોજ તેને નવડાવતી અને કોઈ કારણ વગર સૂટ પહેરાવીને ટાઇ પહેરાવતી. ધીમે ધીમે સહેજમાં થી થોડું અને થોડાંમાંથી ઘણું સ્મિત કરતો થઇ ગયો મિરાજ!!!!! મર્યાદાની મહેનત રંગ લાવી…


લગભગ એક વરસ પછી સંપૂર્ણ સાજો થઈને મિરાજ પોતાના ઘરે પાછો ફરી રહ્યો હતો. જેવો તેણે ઘરમાં પગ મુક્યો તો તે આભો જ રહી ગયો. તેનું સમગ્ર ઘર જાતજાતની ટાઇ વડે સજાવેલું હતું. જાણે હારમાળા હોય તેમ મર્યાદા એ ફરી એક વખત તેને ટાઇ પહેરાવી. બન્ને હસીને પોતાના ઓરડામાં ગયા.

પછીના દિવસે તેના પિતાજી તેના ઓરડામાં આવ્યા અને પોતાની “ટાઇ” આપતા કહ્યું, “દીકરા તને અચૂક નવી નોકરી મળશે. લાવ આજે મારા હાથે તને મારી આ પહેલી કમાણીની “ટાઈ” બાંધું. ને તે દિવસે મિરાજ એક વખત ફરી નવા જોશ સાથે “ટાઇ” પહેરીને ઇન્ટરવ્યૂ આપવા ગયો. અને આ વખતે તેણે કોઈ કસર ના છોડી.

ફરીથી રોજ “ટાઇ” બાંધવાનો મોકો મર્યાદાને આપ્યો અને નોકરી મેળવી.

લેખક : આયુષી સેલાણી

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ