પ્રેમની વસંત બારેમાસ – ધોધમાર વરસાદમાં પણ સાવ કોરો હતો તેણે છત્રી આપીને હું આખેઆખો પલળી ગયો

ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ છે પરંતુ હજુ મેઘરાજા જોઇએ તેટલા મહેરબાન થયા નથી. ધરતી પુત્ર ખેડુતોએ વાવણીની બધી તૈયારીઓ પુરી કરી દીધી છે પરંતુ વાવણી લાયક વરસાદની ખેડુતો રાહ જોઇ રહ્યા છે. મોર પણ આકાશ તરફ મીટ માંડીને બેઠા છે. ધીમે ધીમે પવન આવી રહ્યો છે. આકાશમાં વાદળો બંધાઇ રહ્યા છે. હવે બધાને આશા છે કે આજે તો મેહુલીયો મન મુકીને વરસસે. થોડી વારમાં તો ઝરમર ઝરમર છાંટા આવવાનો પ્રારંભ થાય છે. ધરતી પુત્રો ખુશ ખુશાલ થઇ જાય છે.

મોર નૃત્ય કરીને વરસાદને આવકારે છે. ચાતક તેની તરસ છીપાવે છે. ખેડુતો હળ જોડીને ખેતરે પહોંચી જાય છે. તો આ બાજુ ખેડુત પુત્ર અનિલ વરસતા વરસાદમાં સ્નાન કરીને કોલેજ જવા માટે તૈયાર થાય છે. ઘરમા જ બીરાજમાન પરમાત્માને પ્રણામ કરીને અનિલ તેની માતાને સાદ પાડીને કહે છે કે ચા ને કેટલી વાર? મારે કોલેજ જવાનું મોડુ થાય છે. અનિલની માતાએ કીધુ કે બેટા મને એમ કે આજે વરસાદ વધારે છે એટલે તું કોલેજ નહિ જાય એટલે મે હજુ ચા નથી બનાવી.

બસ પાંચ મિનીટમાં તારા માટે ચા નાસ્તો તૈયાર કરી દવ છું. તારા બાપુજી પણ ખેતરે ભાત (ટીફીન) લીધા વગર જ ગયા એ તો એમનું ભાત પણ રાંધી નાખુ છું. માતાની વાત સાંભળીને અનિલ નો કોલેજ જવાનો વિચાર થોડો બદલાઇ જાય છે અને માતાને કહે છે કે તમે જલ્દીથી રસોઇ બનાવો હું આજે કોલેજ નહિ પણ ખેતરમાં પિતાજીનું ભાત લઇને જઇશ અને આજે ખેતરથી પિતાજીની સાથે જ સાંજે પાછો આવીશ. અનિલની માતાએ કીધુ કે બેટા તું કોલેજ ભણવા જા, તારા પિતાજીને ભાત તો હું પહોચાડી દઇશ. પરંતુ અનિલ માતાની વાત માનતો નથી અને કોલેજ જતો નથી.

થોડી વારમાં અનિલ ચા નાસ્તો કરીને પિતાજી માટે ભાત લઇને ખેતર તરફ જવા માટે રવાના થાય છે. અનિલ જ્યારે ખેતરે પહોચે છે ત્યારે તેના પિતાજી મહેનત કરીને પરસેવેથી નિતરતા હોય છે તેમ છતાં પણ એક પળનો પણ આરામ કર્યા વગર ખેતરમાં કામ કરી રહ્યા હોય છે. આ દ્રશ્ય જોઇને અનિલની આંખો ભરાઇ આવે છે અને તે દૌડીને પિતાજીની પાસે પહોચી જાય છે.

અનિલ રૂમાલથી તેના પિતાજીનો પરસેવો લુછવા લાગે છે અને કહે છે કે પિતાજી આજે તમે આરામ કરો, ખેતરનું બધુ કામ હું કરીશ. અનિલ તેના પિતાજીને ખેતરમાં રહેલ મોટા ઘટાદાર વૃક્ષની નીચે બેસાડે છે અને પ્રેમથી જમાડે છે. પિતાજીને જમાડ્યા પછી અનિલ ખેતરમાં કામ કરવાનું શરુ કરે છે અને તેના પિતાજી પણ કામમાં સાથે જોડાય છે. સાંજ પડતા પિતા પુત્ર સાથે ખેતરેથી ઘરે પાછા આવે છે. ખેડુત પરીવારના બધા સદસ્યો સાથે ભોજન કરે છે અને વહેલા સુઇ જાય છે.

બીજા દિવસે પરીવારના નિત્ય ક્રમ મુજબ પરીવારના બધા સભ્યો વહેલા ઉઠી જાય છે અને પોત પોતાનું કામ શરૂ કરી દે છે. આજે આકાશમાં વાદળાઓ પણ દેખાતા ન હોવાથી અનિલ પણ કોલેજ જવા માટે તૈયાર થઇ જાય છે. અનિલ જેવો ઘરની બહાર નિકળવા જાય છે ત્યાં તેની માતા સાદ પાડે છે કે બેટા તું કોલેજ છત્રી સાથે લઇને જજે. અનિલે કહ્યુ માતા આજે વરસાદ આવે એવુ લાગતું નથી અને મારે ક્યાં ચાલતા જવાનું છે હું તો બસમાં જ કોલેજ જવ છું. તમે મારી બહું ચિંતા ના કરશો. આટલુ કહીને અનિલ કોલેજ જવા માટે ઘરેથી નિકળે છે અને બસમાં બેસીને કોલેજ પહોચે છે.

અનિલ જેવો કોલેજના દરવાજા પાસે પહોચે છે ત્યારે જુએ છે કે દરવાજા બહાર સોનલ ઉભી હોય છે અને તે થોડી તકલીફમાં હોય તેમ લાગી રહ્યુ છે. અનિલ સોનલ ને પુંછે છે કે કઇ તકલીફ છે કે શુ? આમ સવાર સવારમાં મોઢુ બગાડીને કેમ ઉભી છું? સોનલે કહ્યુ કે કાલે વરસાદ પડ્યો એટલે મારી ગાડી ખરાબ થઇ ગઇ છે. ગાડી કોલેજ પહોચે તે પહેલા જ રસ્તામાં બંધ પડી ગઇ છે.

સવારમાં કોઇ ગેરેજ પણ ખુલ્યા નથી. તું ખોટી ચિંતા ના કરીશ હું તારી સાથે આવુ છું તેમ અનિલે કીધુ. સોનલ તથા અનિલ બન્ને ગેરેજ વાળાને શોધવા માટે આગળ ચાલતા ચાલતા નિકળે છે. સાથે બન્ને થોડી વાતો પણ કરતા જાય છે. એટલામા જ એક ગેરેજ ખુલ્લુ દેખાતા બન્ને ત્યા પહોચે છે અને બધી વાત કરે છે. ગેરેજવાળો સાથે આવે છે અને થોડીવારમાં ગાડી ચાલુ કરી આપે છે. અનિલ તથા સોનલ બન્ને સાથે કોલજ પહોચે છે. અનિલ અને સોનલ એક સાથે ક્લાસરૂમમાં પ્રવેશ કરતા બધા વિદ્યાર્થીઓ પણ આશ્ચર્ય ચકીત થઇ જાય છે.

કેમ કે સામાન્ય રીતે સોનલ કોઇ છોકરા સાથે બોલવાનું પણ પસંદ કરતી નથી અને અનિલ તો છોકરીના નામથી પણ દુર ભાગતો ફરતો હોય છે. કોલેજનો સમય પુરો થતા જ બધા ક્લાસરૂમની બહાર નિકળી રહ્યા હોય છે ત્યારે અનિલના મિત્રો તેની પાસે પહોંચી જાય છે અને પુછે છે કે અનિલ, આ બધુ શું છે? તું આજે તો સોનલ સાથે આવ્યો? અનિલે કીધુ કે તમે બધા વિચારો છો એવું કઇ નથી. સોનલની ગાડી બગડી ગઇ હોવાથી હું તેની સાથે ગયો હતો એટલે જ અમે બન્ને સાથે ક્લાસરૂમમાં આવ્યા હતા.

અનિલ તેના મિત્રો સાથે વાત કરી રહ્યો હોય છે ત્યાં જ ધોધમાર વરસાદ શરૂ થઇ જાય છે. તો બીજી બાજુ સોનલ રેઇન કોટ પહેરીને સડસડાટ સીડીના પગથીયા ઉતરીને પોતાની ગાડીમાં પહોચી જાય છે. આ જોઇને અનિલનો એક મિત્ર કે છે કે જોયુને આ તારી સોનલ વરસાદમાં તને એકલો મુકીને જતી રહીને. તે એની મદદ કરી પણ એ તારા માટે એક મિનીટ પણ ના ઉભી રહીને. અનિલ આ પ્રશ્નનો કોઇ જવાબ આપી શકતો નથી એટલે મૌન રહેવાનું જ પસંદ કરે છે. અનિલ તેના મિત્રો સાથે ધીમેધીમે સીડીઓ ઉતરીને નીચે આવે છે.

પરંતુ અનિલના મિત્રો તેને મેણા મારીને મશ્કરી કરવાનું ચાલુ રાખે છે. એટલામાં બીજો મિત્ર બોલ્યો અલ્યા, અનિલ તારી સોનલ તો પાછી આવી રહી છે નક્કી ક્લાસમાં કઇ ભુલી ગઇ લાગે છે. તું ક્લાસમાં જા અને તેની વસ્તુ લઇ આવ. બીચારીને વરસાદમાં સીડીઓ ન ચડવી પડે. છતાં પણ અનિલ મૌન જ રહે છે. સોનલ અનિલ પાસે આવે છે અને કહે છે કે ચાલ અનિલ વરસાદ તને નહિં ભીંજવી શકે. હું તારા માટે છત્રી લઇને આવી છું. આ સાંભળતા જ અનિલનો ચહેરો મલકાવા લાગે છે અને તેના મિત્રોના ચહેરા સાવ પડી જાય છે કેમ કે હવે તેઓ કઇ બોલી શકે તેમ ન હતા.

સોનલના મનમાં તો અનિલ પ્રત્યે પ્રેમની લાગણી હોય છે પરંતુ હવે અનિલના મનમાં પણ સોનલ પ્રત્યે પ્રેમની લાગણી ઉદભવે છે. અનિલ છત્રી લઇને સોનલની ગાડી પાસે આવે છે અને બન્ને ગાડીમાં જ કોલજ કેમ્પસથી બહાર નિકળે છે. સોનલ બસ સ્ટોપ સુધી અનિલને મુકવા જાય છે અને બસ ન આવે ત્યાં સુધી ઉભી રહે છે. બન્ને પહેલી વખત પ્રેમની ખુબ જ વાતો કરે છે અને પ્રેમનો એકરાર પણ કરે છે. પછી તો દૈનિક અનિલ બસમાંથી ઉતરે તે પહેલા જ સોનલ બસ સ્ટોપ પર આવીને ઉભી રહી જાય છે અને અનિલ આવે એટલે બન્ને સાથે કોલેજ જાય છે. કોલેજ છુટ્યા પછી પણ બન્ને સાથે આવે છે તથા અનિલ બસમાં જાય પછી જ સોનલ તેના ઘરે જાય છે.

થોડા દિવસો પછી પાછો વરસાદ આવે છે અને સોનલ તેની ગાડીમાંથી અનિલ માટે છત્રી લઇ આવે છે ત્યારે અનિલ કહે છે કે આજે તારી છત્રી નહી લઉં. આજે તો આપણે સાથે વરસાદની મજા માણશુ. બન્ને હાથમાં હાથ નાખીને કોલેજમાંથી બહાર આવે છે અને ધોધમાર વરસાદમાં ભીંજાય છે. વરસાદમાં ભીંજાવાના કારણે મોહીની જેવી લાગતી સોનલને અનિલ પ્રેમથી ભેટી પડે છે અને કહે છે કે, “ધોધમાર વરસાદમાં પણ સાવ કોરો હતો, તે છત્રી આપીને હું આખેઆખો પલળી ગયો”

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ