પ્રેમ ની શક્તિ – અચૂક ને અચૂક વાંચો !!! યુવા પેઢી માટે માર્ગદર્શક….

બે વર્ષ ના સ્કોલરશીપ અભ્યાસ પછી હું દેશ પરત થયો. ટ્રાફિક માં કલાકો ફસાવા કરતા પપ્પા ને ઘરેજ રાહ જોવા કહ્યું. ટેક્ષી લઇ સીધો ઘર તરફ નીકળ્યો. મિત્રો ને મળવાના બે વર્ષ વીતી ચુક્યા. ક્યારેક ફેસબુક ને વોટ્સ એપ્પ પર ડોકિયું કરી લેતો પણ બંને દેશો ના સમય માં લાંબા કલાકો નો તફાવત હોવાથી વાર્તાલાપ નહિવત જેવોજ હતો. આજે એ લાંબા સમય ની રાહ નો અંત આવ્યો. સાંજે આખી ગેંગ ને જૂની કોલેજ ઉપર બોલાવી એક જબરદસ્ત રીયુનિયન કરવાના હેતુ એ વારાફરતી કોલ કરવાના વિચાર ને વાચા આપી . પરંતુ પહેલાજ મિત્ર ને કોલ કરતા જે સમાચાર સાંભળવા મળ્યા, એ સાંભળી નેજ જાણે પગ નીચે થી જમીન સરી પડી. હ્ય્યુ દ્રવી ઉઠ્યું. ધ્રુજતા હાથો માંથી મોબાઈલ નીચે ગબડ્યો.

” અંકિતા ની સ્કૂટી નું અકસ્માત થયું અને બે અઠવાડિયા પહેલાજ આ દુનિયા છોડી ગઈ ?????”

ટેક્ષી ચાલક ને ઘર ની જગ્યા એ આરુષ ના ઘર નું સરનામું આપ્યું. ટેક્ષી આરુષ ના ઘર તરફ વળી ને મારા વિચારો ભૂતકાળ માં આરુષ ને અંકિતા ની પ્રેમકથા તરફ. આરુષ મારો સૌથી ખાસ મિત્ર. સ્વભાવે અતિસંવેદનશીલ,શહેર ના અગ્રણી ધનાઢ્ય બિઝનેસમેન નો એક નો એક પુત્ર. માતા પિતા ના લાડ, પ્રેમ ને પંપાળ થી ઉછરેલો. એની દરેક ઈચ્છા તેજ ક્ષણે પુરી કરાવી અપાતી જે ક્ષણે ઉદ્દભવતી .એના જીવન નો સફર તદ્દન કાંટાવિહીન પુષ્પ જેવો. મોંઘા માં મોંઘી ગાડી એના માટે રમકડાં માંગવા સમાન.

કોલેજ પછી સીધોજ પિતાનો જમેલો બીઝનેસ સંભાળવાનો હતો. સજેલી થાળી સીધીજ હાથ માં આવવાની હતી. એટલે કોલેજ નો અભ્યાસ એને માટે ફક્ત એક ઔપચારિકતા હતી. એનાથી વિરુદ્ધ અંકિતા એક મધ્યમ વર્ગીય કુટુંબ ની સાધારણ કન્યા. માતાપિતા નું સઁઘર્ષયુક્ત જીવન નિહાળી ને ઉછરેલી .અંકિતામાટે કોલેજ નો અભ્યાસ અને એને અંતે હાથ માં આવનારી પદવી એના જીવન ને આકાર આપવા માટે અનન્ય મહત્વ ધરાવતા હતા. મહેનતી, ધગશી ને સંપૂર્ણ ધ્યેયયુક્ત વ્યક્તિત્વ. લેક્ચર બન્ક કરવા, કેન્ટીન માં નકામો સમય વેડફવો, બાઈક પર લાંબી લટારો મારવા જવું એને જરાય પોષાય નહિ. આરુષ મોટેભાગે કોલેજ ના પાર્કિંગ પર તો અંકિતા મોટેભાગે લાઈબ્રેરી માં જ દેખાતી.

કોલેજ ના પહેલા વર્ષ દરમિયાન આંતર કોલેજ નાટ્ય સ્પર્ધા માં રોમિયો ને જુલિયટ ના પાત્રો નિભાવતા આ બે જુદા વિશ્વ ની વ્યક્તિઓ સામસામે આવી. કોલેજ ને ટ્રોફી મળી અને આરુષ ને એના જીવન નો પ્રેમ. પણ એનો આ ‘લવ એટ ફર્સ્ટ સાઈટ ‘ ફક્ત એક તરફીજ બની રહ્યો. વેલેન્ટાઈન ડે હોય કે રોઝ ડે ,આરુષ પોતાના પ્રેમ નો પ્રસ્તાવ અચૂક મુકતો. ક્યારેક લાઈબ્રેરી માં વાંચન માં વ્યસ્ત અંકિતા સામે તો ક્યારેક એની સ્કૂટી અટકાવી પાર્કિંગ માં રસ્તા ની વચ્ચેજ .

અંકિતા એ આરુષ ના આ ફિલ્મી તમાસાઓ માં કોઈ રસ ના દાખવ્યો. આરુષ નો અંકિતા માટે નો પ્રેમ એની ઝિદ બનતો ગયો. અંકિતા ની એક ‘હા ‘ સાંભળવા એ કોઈ પણ હદ વટાવવા તૈયાર હતો. ‘ ના ‘ સાંભળવાની એને ટેવજ ક્યાં હતી ? એક દિવસ એણે આખા કોલેજ ની વચ્ચે ફરીથી એનો ફિલ્મી પ્રસ્તાવ મુક્યો. ફૂલો ની જાણે દુકાનો જ ઉઠાવી લાવ્યો હતો . આખું કેમ્પસ એ તાજા ફૂલો થી મહેકી ઉઠ્યું હતું. કેટલાક મ્યુઝિશ્યન ને ભાડે થી લઇ આવ્યો હતો , જે પોતાના રોમેન્ટિક સંગીત થી વાતાવરણ ને વધુ પ્રેમભર્યું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

કેમ્પસ પર ઉપસ્થિત દરેક યુવતીઓ ની આંખો માં ઈર્ષ્યા સ્પષ્ટ ડોકાઈ રહી હતી. આજે તો અંકિતા ‘ હા ‘ જ પાડી દેશે ,આરુષ નેજ નહિ અમને બધાને પણ પુરેપુરી શક્યતા દેખાઈ રહી હતી. પણ અંકિતા એ અમારી બધીજ આશાઓ પણ ઠંડુ પાણી રેડી નાખ્યું. આરુષ ના હાથ માંથી ગુલાબ લઇ એના ચૂરેચૂરા કરી નાખ્યા. મ્યુઝિશિયન ને પણ બરાબર ના ધમકાવ્યા ને વાઘ ની જેમ ગરજી :

” આ ફિલ્મી દુનિયા માંથી બહાર આવ. વાસ્તવિકતા ની ધરતી પર થોડા ડગલાં ભર. ને બીજી વાર આવા નાટકો કર્યા તો સીધી પુલીસ સ્ટેશન જઈશ , સમજ્યો ?”

અતિસંવેદનશીલ આરુષ ના હૃદય ના ટુકડે ટુકડા થઇ પડ્યા. એની ઝિદ પુરી નજ થઇ. એનો પ્રેમ અસફળ નીવડ્યો અને આખા કેમ્પસ ની વચ્ચે એની પ્રેમ ની મશ્કરી થઇ રહી. ગુસ્સા માં કેમ્પસ છોડી ગયેલો આરુષ આગળ જે પગલું ભરવાનો હતો એની કોઈએ કલ્પના સુધ્ધાં પણ કરી ન હતી !

બીજેજ દિવસે આરુષ હોસ્પિટલ માં ભરતી થયો. હાથ ની નસો કાપવાનો પ્રયાસ એણે કર્યો હતો. લોહી ઘણું વહી ગયું હતું. સદ્દભાગ્યે એનો મરવાનો પ્રયાસ નિષ્ફ્ળ નીવડ્યો . હોસ્પિટલ ના એ ઓરડા નું વાતાવરણ આજે પણ મારી આંખો માં સંપૂર્ણ જીવંત હતું. આરુષ ના માતા પિતા એક ના એક પુત્ર ના આ હાલ થી હચમચી ગયા હતા. અમે બધાજ મિત્રો એની આ માનસિક પરિસ્થિતિ માં એની પડખે ઉભા હતા. એક નિર્દય હૃદય ના નિર્ણય ની સજા એક અતિસંવેદનશીલ હૃદય ભોગવી રહ્યું હતું. બધા ના હૃદય માં એ પથ્થર હૃદય માટે તિરસ્કાર ભારોભાર ભર્યો હતો.

આ બધા તણાવ ની વચ્ચે હોસ્પિટલ ના એ ઓરડા નું બારણું આંધી ની જેમ ખુલ્યું અને તુફાની વાયરા સમાન અંકિતા અંદર પ્રવેશી. બધાની આંખોમાંના તિરસ્કાર ને ઘૃણા નો સામનો કરતી એ સીધી આરુષ ની સામે ઉભી થઇ.

” જો આજે તને કઈ થઇ જતે તો મારુ શું થતે ?”

અંકિતા ના શબ્દો થી બધીજ ઘૃણા અને તિરસ્કાર ઓરડા માંથી ઓસરી ગયા. જાગેલા પ્રેમ ની સુવાસ બધાને અનુભવાય. આખરે આરુષની ઝીદે અંકિતા ના હૃદય માં પ્રેમ ના બીજ રોપીજ નાખ્યા. બધાની ખુશી હજી આગળ પ્રસરે એ પહેલાજ એક જોરદાર થપ્પડ થી આખો ઓરડો ધ્રુજી ઉઠ્યો. મૃત્યુ ના મોઢે થી માંડમાંડ પરત થયેલ કોઈ વ્યક્તિ ને આવો થપ્પડ તો કદીયે ન મળ્યો હશે ! ઓરડા માં હાજર બધાજ આરુષ ની જેમજ અવાક બની રહ્યા . અંકિતા ના ગરજતાં અવાજ ની નીચે બધાની ખોટી ધારણાઓ કચડાઈ રહી.

” તને કઈ થઈ જતે તો તું તો સીધો સ્વર્ગ સિધારી જતે . પણ હું અને મારુ પરિવાર નકામા પુલીસસ્ટેશન ના ચક્કરો માં સપડાઈ જતે. પરીક્ષાઓ માથે આવી ઉભી છે ત્યાં આવી નકામી દોડધામો નહિ પોષાય. ”

આરુષ ના ટેબલ ની પાસે ગોઠવાયેલ ફ્રૂટ ને જ્યુસ ને જોઈ અચરજ પામતી એ અમારા મિત્ર મંડળ તરફ ફરી ને અમારું મિત્ર મંડળ ડરીને બે કદમ પાછળ હટ્યું .

” ને તમે એના મિત્રો છો કે ચમચા ? એની સેવા કરવાની જગ્યા એ બે ત્રણ થપ્પડ લગાવ્યા હતે તો કહેવાતે સાચા મિત્રો !” આરુષ ના હાથ માં લગાવેલી પટ્ટીઓ ને સ્પર્શતા એના ચ્હેરા પર મંદ હાસ્ય છવાયું.

” સારું થયું કે તારો પ્રસ્તાવ ઠુકરાવી દીધો. તારા જેવા કાયર ને ડરપોક ને કોણ જીવનસાથી બનાવે ? એક યુવતી એ ગુલાબ ન સ્વીકાર્યું ને મરવા ઉપડ્યો ? કાલે તારી પત્ની ના જીવન માં કોઈ સમસ્યા આવશે તો એને ઝહેર પીવાનું સુચવશે? અને તારા બાળકો ના જીવન માં કોઈ સંઘર્ષ ઉદ્દભવશે તો એમને દોરડા આપી પંખે લટકવાનું કહેશે ? જીવન તને બહુ સસ્તું લાગે છે ને ? ઈશ્વરે આપેલ સ્વાસ્થ્ય ની કોઈજ કદર નથી? તો જા ઉભો થા ને આ હોસ્પિટલ નો એક ચક્કર કાપી આવ. કેવી કેવી બીમારીઓ ને માંદગીઓ સામે લોકો જજુમી રહ્યા છે. જીવન માં હજી થોડા વર્ષો, મહિનાઓ , દિવસો કે થોડાક કલાકો વધારે મળી જાય એ માટે તરસી રહ્યા છે ને તું… ”

આરુષ ના વધુ નજીક જઈ એ ધીરે થી હસી :

” પ્રેમ તો શક્તિ નું નામ . એ જીવવું શીખવાડે , મરવું નહિ “

બંદૂક માંથી છૂટી નીકળેલી ગોળી સમાન એ ઓરડો છોડી નીકળી ગઈ. બધા એ રાહત નો શ્વાસ લીધોજ કે એ ઓરડા માં ફરી પ્રવેશી. અચાનક આવી પહોંચેલ શિક્ષક ને જોઇ વિદ્યાર્થીઓ જેમ સતર્ક થઇ જાય તેમજ આરુષ સહિત ઓરડા માં હાજર બધીજ વ્યક્તિઓ ફરી સતર્ક થઇ ગઈ.

આરુષ ના માતા પિતા ના પગે લાગી એ હાથ જોડી ઉભી થઇ :

” મારા આ વર્તન બદલ મને માફ કરશો . પણ આપનો પુત્ર એનેજ લાયક છે . નાનું મોઢું મોટી વાત. પરંતુ બાળક ની બધીજ ઈચ્છાઓ પુરી કરવાથી જ પ્રેમ ની સાબિતી ન અપાય , ક્યારેક બાળકો ની અયોગ્ય , નકામી ઈચ્છાઓ નો અસ્વીકાર કરી ; એમની ઝિદ ને તોડી ને પણ માતા પિતા એ સાચો પ્રેમ સાબિત કરવો પડે ”

અંકિતા જતી રહી ને આખો ઓરડો શાંત ભાસી રહ્યો. બધા ના મોઢા સિવાય ગયા. આરુષ ના માતા તો ચોંકી ને નિશબ્દ બની ગયા . ફક્ત એના પિતા ના મોઢે એટલાજ શબ્દો નીકળી શક્યા ; ” મારી વહુ તો આજ યુવતી બનશે “

એ દિવસે હોસ્પિટલ ના એ બનાવ પછી અમારા આખા મિત્ર મંડળ નું જીવન એક સીધી રેખા માં આવી ગયું . આરુષ ને પડેલા એ થપ્પડ થી એનું જીવન તો વધારે પડતુજ સુધરી ગયું . કેન્ટીન માં બેસી સમય વેડફતો યુવક લાઈબ્રેરી માં સમય નો સદુપયોગ કરવા લાગ્યો. અંકિતા ની આગળ પાછળ ફરવા ને બદલે અભ્યાસ ની પાછળ મઁડી પડ્યો. પાર્કિંગ માં કે લોન્ગ ડરાઇવ માં મજા માળનારો લેક્ચર માં નિયમિત થવા લાગ્યો. રજા ના દિવસો માં અમારી જોડે લટાર મારવા ને બદલે ઓફિસે જઈ પિતા ની પાસે બિઝનેસ શીખવા લાગ્યો.

કોલેજ નું ત્રીજું વર્ષ અજૂગતા બનાવો સાથે સંપન્ન થયું . અંકિતા એ કોલેજ માં ટોપ કર્યું. નહિ એ અજૂગતું નહિ સંપૂર્ણ અપેક્ષિત હતું . પણ ત્રણ ટોપ ના વિદ્યાર્થીઓ માં ત્રીજું નામ આરુષ નું હતું, એ અજૂગતું હતું અને એનાથી પણ અજૂગતું તો અંકિતા નો પ્રસ્તાવ જે એણે આખા કેમ્પસ ની સામે આરુષ ની સમક્ષ મુક્યો હતો, પ્રેમ નો, લગ્ન નો. એ દિવસે અમારો એ અતિસંવેદનશીલ મિત્ર અંકિતા ને ગળે લાગી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યો હતો ને અંકિતા એને ગળે લગાવી એના ઉપર ગર્વ લેતી કેવી ગદ ગદ હસી રહી હતી……..!!!!!!!!

આરુષે પિતા ના બિઝનેસ ને વધુ ઊંચાઈઓ આપવા એમ બી એ નું ફોર્મ ભર્યું, અંકિતા એના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નું સ્વ્પ્ન પૂર્ણ કરવા મન્ડી પડી. બધા જ મિત્રો પોતપોતાના વ્યવસાયિક નિર્ણયો માં આગળ વધ્યા ને હું મારા ફોટોગ્રાફી ની સ્કોલરશીપ સાથે વિદેશ ઉપડી ગયો. આવી હતી અમારી અંકિતા ને આ હતી આરુષ ને અંકિતા ની પ્રેમકથા. આજે જયારે અંકિતા ના મૃત્યુ ના સમાચાર સાંભળ્યા ત્યારે આરુષ ની પરિસ્તિથી મારી આંખો માં તદ્દન સ્પષ્ટ ઉપસી આવી . મારો એ અતિસંવેદનશીલ મિત્ર કઈ હાલત માં હશે એ વિચારતાંજ હ્ય્યુ પીગળી રહ્યું.ઓક્સિજન પર જીવતા કોઈ વ્યક્તિ નું ઓક્સિજન માસ્ક છીનવાઈ જાય કે કોઈ ડૂબી રહેલી વ્યક્તિ ને બહાર ખેંચી રહેલ હાથ પાછો છૂટી જાય ને એ અંધકાર ના વધુ ને વધુ ઉંડાણો માં ડૂબતો જાય ….એવીજ તડપ ને એવીજ વેદના !!!! પણ હવે તો કોઈ અયોગ્ય પગલું ભરતા આરુષ ને થપ્પડ મારવા અંકિતા પણ ન પહોંચશે !?!

ટેક્ષી ચાલકે ટેક્ષી આરુષ ના ઘર આગળ ઉભી કરી. એને ત્યાંજ રાહ જોવાનું કહી હું આંખો ના ખૂણાઓ સાફ કરતો, હિમ્મત ભેગી કરતો અંદર પ્રવેશ્યો. આરુષ ના માતાપિતા ની આંખો માં કોઈ કિંમતી હીરો ગુમાવી દેવાની પીડા સ્પષ્ટ પણે હું જોઈ રહ્યો :

” આરુષ ઉપર એના ઓરડામાં છે .”

એ મહેલ જેવા ઘર ની દાદરો ચઢતા મન ભારે થઇ રહ્યું. આરુષ ને એ પીડાજનક અવસ્થા માં કઈ રીતે જોઈ શકીશ ? શું સાંભળીશ ? શું કહીશ ? એના ઓરડા ની નજીક પહોંચ્તાજ હૃદય ના ધબકારા પણ ભારે થઇ રહ્યા. આ બધી મૂંઝવણો ની વચ્ચે મારા કાન પર એક જૂનું કર્ણપ્રિય ગીત આવી સ્પર્શ્યું. કિશોર કુમાર નો એ ક્લાસિકલ કંઠ આરુષ ના ઓરડામાંથીજ સંભળાઈ રહ્યો હતો.

” મોત આની હે આયેગી એક દિન; જાન જાની હે જાયેગી એક દિન;

એસી બાતોં સે ક્યાં ઘભરાના ? યહાં કલ ક્યા હો કિસને જાના ?”

સાથે સાથે આરુષ નો ગણગણવાનો ને સિટી વગાડવાનો અવાજ સાંભળતા હું જરા વિસ્મય માં મુકાયો. બારણું ખટખટાવ્યું ને તરતજ ઊઘડ્યું. ” અમિત, વ્હોટ એ સરપ્રાઈઝ ? તું ક્યારે પરત થયો?” ” બસ એરપોર્ટ થી સીધોજ અહીં આવ્યો .”

મને પ્રેમ થી ગળે લગાવી ઉત્સાહ થી એ પૂછી રહ્યો ; ” મને કોલ કરતે તો હું ગાડી લઇ પહોંચી જતે !?” ” તો પછી સરપ્રાઈઝ ની મજા ક્યાં આવતે ?” મારા જવાબ થી એ ખડખડાટ હસી પડ્યો ;” એ વાત તો સાચી ” ” અને બોલ કંઈક નવાજુની ?” એની પ્રતિક્રિયા ચકાસવા મારા તરફથી અંકિતા ની વાત છેડ્યા વિનાજ હું ઔપચારિકતા થી પૂછી રહ્યો .

ટેબલ ઉપર ની ફાઈલો માં પરોવાયેલા હાથો વડે એ ખુબજ ઉમળકા થી જવાબ આપી રહ્યો ; ” બસ એમ બી એ માં દિલોજાન આપ્યું છે. પરિણામ ની રાહ જોઉં છું. પોતાના અભ્યાસ નો પુરેપુરો ફાયદો પપ્પા ના બિઝનેસ ને આપી એને એક નવા મુકામ પર પહોંચાડવું છે. ” આરુષ ની આ ધ્યેયયુક્ત વાતો થી અમારી એ ધગશી ,મહેનતુ ને હેતુબધ્ધ અંકિતા નો ચ્હેરો આંખો સામે ઉપસી આવ્યો.

” તને આ રીતે જોઈ ખુબજ ખુશી થઇ આરુષ. અંકિતા વિશે સાંભળ્યું ત્યારે થયું કે……..” શબ્દો આગળ વધતા અટકી ગયા. આરુષ મંદ મંદ હસ્યો તદ્દન અંકિતા જેવુંજ ……” ત્યારે થયું કે આરુષ ફરી હાથો ની નસો કાપી નાખશે, પંખે લટકાઈ જશે , ટ્રક નીચે આવી જશે, નદી માં કૂદી જશે, ઝહેર પી લેશે કે બાલ્કની માંથી છલાંગ લગાવી દેશે, રાઈટ ?”

શબ્દો ના અભાવે મારી આંખો ઝૂકી ગઈ. પણ હા,સાચું કહું તો આરુષ થી એવીજ કોઈ અપેક્ષા હતી. એના હાથ મારે ખભે મુકાયા ને લાગણીઓ શબ્દો રૂપે આગળ વધી.

” આ બધું કરી ને શું મળતે મિત્ર ? અંકિતા તો પરત નજ થતે પણ મારા મૃત્યુ થી બીજા બે શરીરો જીવતાજીવત મરી જતે ,મમ્મીપપ્પા. જયારે પણ મારી તસ્વીર પર હાર ચઢાવવા એમના હાથો ઉઠતે ત્યારે મારા વિનાશ પાછળ અંકિતા નિજ તસ્વીર એઓ નિહાળતે. મારા માતાપિતા, મિત્રો, સંબંધીઓ, પાડોશીઓ, આખો સમાજ અંકિતા માટે તિરસ્કાર અને ઘૃણા ના ભાવો જ અનુભવતે. મારી અંકિતા ને મારી પડતી ના કારણ રુપેજ યાદ કરવામાં આવતે. નહિ મિત્ર , એ મારો પ્રેમ સહી નાજ શકે. હવે તો બસ એવું જીવવું છે, કે બધાજ અંકિતા ને મારી સફળતા માં ખોજે. મારા દરેક હાસ્ય અને દરેક ખુશી પાછળ બધાજ અંકિતા નો ચ્હેરો નિહાળે. મારી અંતર ની ખુશી ને બાહ્ય પ્રગતિ નિહાળી દરેક હૃદય અંકિતા ને માન , સન્માન ને આશિરવાદ જ આપે. ”

મારી વધુ નજીક આવતા એ હળવી રમૂજ માં બોલ્યો ;” અને જો સીધો નહિ જીવ તો મારી અંકિતા નો ભરોસો નહીં,પ્રેત બની ને પણ થપ્પડ મારવા પહોંચી જાય !” અમે બંને ખડખડાટ હસી પડ્યા . એ વાત જુદી હતી કે અમારા હાસ્ય થોડા ભીંજાયેલા હતા .આરુષ એ ટેબલ પર થી અંકિતા ની તસ્વીર ઉઠાવી ને એની આંખો માં પ્રેમ ની એક અનન્ય શક્તિ હું જોઈ રહ્યો.

” એટલે હવે અંકિતા સિવાય જીવન માં કોઈ પ્રવેશી ન શકે? ” ધીરે રહી હિમ્મત કરી એનું મન કળવા હું પ્રયાસ કરી રહ્યો. અંકિતા ની તસ્વીર પ્રેમ ને સમ્માન થી ટેબલ પર મૂકી એની આંખો મારી આંખો માં પરોવાય. ” પ્રેમ અને મૈત્રી જીવન માં પૂછી ને ન આવે.એ તો આવી ચઢે આંધી જેમ, તુફાની વાયરા જેમ, મારી અંકિતા જેમ.” એની આંખો ની ચમક હકારાત્મકતા થી પ્રજ્વલિત થઇ.” જીવન માં આવનાર એ નવી મિત્રતા મારી અંકિતા ને પણ મારી જેમજ પ્રેમ અને સમ્માન આપે તો ઘણું…….”

એના ખભે ગર્વ થી હાથ મુકાયા અને થોડા કલાક પહેલા નું વિહ્વળ મન સંતુષ્ટ ને શાંત અનુભવાયું ; ” તો સાંજે મળીયે કોલેજ પર ” આરુષ ના ઓરડા નું બારણું બઁધ કરી હું નીચે ઉતર્યો. એનું ક્લાસિકલ સંગીત ફરીથી હવાઓ માં ગુંજ્યું. એના માતાપિતા ને આશ્વાસન આપવા ખુબજ ટૂંકા શબ્દો નો ઉપયોગ કર્યો. ” આપ ભાગ્યશાળી છો કે આરુષ જેવો દીકરો આપને મળ્યો.”

આરુષ ના પિતા એ ગર્વ થી જવાબ વાળ્યો એનાથી પણ ટૂંકા શબ્દો માં ; ” હા.. અને અંકિતા જેવી દીકરી પણ.” આરુષ પોતાના પ્રેમ માટે બધાની આંખો માં જે સન્માન જોવા ઈચ્છતો હતો એ આરુષ ના માતાપિતા ની આંખો માં હું સ્પષ્ટ પણે નિહાળી રહ્યો. એમના હ્રદય માંથી અંકિતા માટે નીકળેલા આશિરવાદ હું રોમ રોમ માં અનુભવી શક્યો.

આજે યુવાન હય્યાઓ માં પ્રેમ ની જે ખોટી છબી પ્રચલિત થઇ છે ,એ એમની સમક્ષ રજૂ કરાતા ખોટા દ્રષ્ટાંતો નુજ પરિણામ નહિ? તારા વિના જીવી ન શકું કે તારા વિના મરી જ જઈશ જેવા ફિલ્મી સંવાદો કે ફિલ્મી ગીતો પાછળ ઘેલા બનતા યુવા હય્યાઓ જીવન નું મૂલ્ય, સ્વસ્થતા નું મૂલ્ય , કુટુંબ, સંબંધો નું મૂલ્ય અવગણી એક ક્ષણ માં જીવન નો અંત લાવવા અચકાતા નથી .

ગળે ફાંસો લગાવી, ઝહેર ગટગટાવી, વાહનો ની નીચે શરીર કચડી , હાથ ની નસો કાપી, કુવાઓ અને સમુદ્ર માં ઝમ્પલાવી જીવન ની મશ્કરી ઉડાવતા એવા યુગલો ને સમાચારપત્રો ની થોડી કોપીઓ વધુ વેચવા, પુસ્તકો ને બેસ્ટ સેલર બનાવવા, સમાચાર ચેનલો ના ટી.આર.પી. ઊંચે લાવવા કે ફિલ્મો ના નફાઓ ના આંકડા વધારવા ખોટા બિનજરૂરી પ્રચાર મળે છે. શબ્દો સાથે કામ પાડનાર દરેક વ્યક્તિ એ યાદ રાખવુંજ રહ્યું કે સાહિત્ય સમાજ નો અરીસો તો છે પણ યુવા પેઢી માટે માર્ગદર્શક પણ છે. એમની માનસિકતા ને સ્પર્શતું સંવેદનશીલ માધ્યમ છે. એના દ્રારા અંકિતા ને આરુષ જેવી પ્રેરણાદાયી પ્રેમકથાઓ યુવાપેઢી સુધી પહોંચાડી શકાય એજ સાહિત્ય ની સાચી જીત.’જે જીવતા શીખવાડે એજ પ્રેમ ,જે મૃત્યુ તરફ દોરી જાય ,એ કાયરતા ને ભ્રમણા !’

હું ટેક્ષી માં ગોઠવાયો ને ટેક્ષી આરુષ ના ઘર થી ધીરે ધીરે દૂર જઈ રહી . આરુષ ના ઓરડા ની ખુલ્લી બારીમાંથી વહી રહેલું ગીત આછું આછું સંભળાઈ રહ્યું :

” હસ્તે ગાતે જહાં સે ગુઝર; દુનિયા કી તું પરવા ન કર ;

મુસ્કુરાતે હુએ દિન બિતાના ; યહાં કલ ક્યા હો કિસને જાના ?…….

ઝીંદગી એક સફર હે સુહાના….. ”

લેખક : મરિયમ ધુપલી

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ