પ્રેમની સજા – શું પ્રેમ કરવાની આવી સજા મેળવી કેટલી યોગ્ય, અંત તમારી આંખો ચાર કરી જશે…

*”ઓ હ્રદય, તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને,*

*જે નથી મારા બન્યા, એનો બનાવ્યો છે મને..”*

“હાય.. ગુડ મોર્નિંગ.. હેલી ફ્રી હો ત્યારે ફોન કરજે ..” ઓફિસના કામમાં વ્યસ્ત હેલીએ ફોન જોયો ત્યારે તેના કોલેજના મિત્ર ઉમંગનો મેસેજ જોયો. હેલીએ ટાઇમ જોયો તો કલાક પહેલાનો મેસેજ હતો..તેણે તરત જ ફોન કર્યો અને ઉમંગને કહ્યું, “સોરી યાર.. કામમાં હતી એટલે મેસેજ હમણાં જ જોયો, પણ તારે મેસેજ કરવાની શું જરૂર? તું ગમે ત્યારે ફોન કરી જ શકે છે.” ઉમંગે કહ્યું, “ના હેલી… તું ઓફિસના કામમાં વ્યસ્ત હો એટલે મેસેજ કર્યો”

થોડીવાર આડીઅવળી વાતો કર્યા પછી હેલીએ પુછયું, “બોલને… શું કામ હતું…?” ઉમંગ જરાવાર શાંત થઇ ગયો. કંઇ બોલી ન શકયો. હેલી સમજી ગઇ, તેણે સામેથી પૂછયું, “પૂર્વાની વાત છે ??” ઉમંગે કહ્યું, “હા મને ખબર પડી છે કે તે લંડનથી આવી છે. 15 વર્ષથી તેને જોઇ નથી, તે કેમ છે..? તું તેને મળીને મને કહેજે.” હેલી ઉમંગનો પૂર્વા પ્રત્યેનો પ્રેમ જાણતી હતી. તેણે કહ્યું, “તું ચાલને, આપણે સાથે મળવા જઇશું. આટલા વર્ષોથી તું મળ્યો નથી, તો મળી લઇએ.” ઉમંગે ના પાડતા કહ્યું, “ના, મેં તેને કાયમ ખુશખુશાલ હસતી જ જોઇ છે. હવે તેને સફેદ કપડાંમાં નહી જોઇ શકું, તું તેને મળી આવ, પછી મને કહેજે.”

“ઓકે” , કહીને હેલીએ વાત પૂરી કરી ફોન તો પૂરો થઇ ગયો, પણ હેલીના મગજમાં વિચાર ચાલુ થઇ ગયા હેલી, ઉમંગ અને પૂર્વા ત્રણેય કોલેજ કાળના મિત્રો હતા હેલી અને પૂર્વા તો નાનપણથી જ મિત્ર હતા. કોલેજમાં પહોંચ્યા પછી ઉમંગ પણ તેની સાથે જોડાયો. શરૂઆતથી જ પૂર્વા પ્રત્યે લાગણી હતી, પણ દોસ્તીના સંબંધમાં તેણે પોતાનો પ્રેમ જાહેર ન કર્યો. હેલી અને પૂર્વાને તો સમજાય જ ગયું હતું. એકવાર પૂર્વાએ જ ઉમંગ સામે પ્રેમનો એકરાર કર્યો હતો. ઉમંગ ખૂબ જ ખુશ હતો. ઘણીવાર ત્રણેય સાથે ફરવા જતા.

ઉમંગ હેલીની સાથે પૂર્વાને પ્રેમપત્ર પહોંચાડતો, અને પૂર્વા પણ પત્ર લખે તેવો આગ્રહ કરતો. પૂર્વા હસતી, રોજ મળીએ છીએ પછી પત્ર લખવાની શું જરૂર છે.? પણ ઉમંગ કહેતો કે, “તું સાથે ન હોય ત્યારે તારા પત્ર વાંચુ તો તું સાથે હો તેવો અહેસાસ થાય છે.” બન્ને ખૂબ જ ખુશ હતા આમ તો પૂર્વા ખૂબ જ મહત્વાકાંક્ષી હતી. નાનપણથી જ દરેક ક્ષેત્રે પહેલું જ રહેવું તેવી તેની જીદ રહેતી હેલીને ઘણીવાર વિચાર આવતો કે પૂર્વા જેવી મહત્વાકાંક્ષી છોકરી ઉમંગનો જીવનભર સાથ નિભાવી શકશે..? પણ જયારે તે બન્નેને સાથે જોતી ત્યારે ઉમંગનો પૂર્વા પ્રત્યેનો પ્રેમ જોઇને તે કંઇ બોલતી નહી. તેને હમેંશા લાગતુ કે પૂર્વા કરતા ઉમંગનો પ્રેમ ચડિયાતો છે.

આમ બન્નેના ત્રણ વર્ષ વીતી ગયા ઉમંગના ઘરમાં તો બધાએ બન્નેનો પ્રેમ સ્વીકારી લીધો હતો ઉમંગ ઘણીવાર પૂર્વાના ઘરે મિત્ર તરીખે જઇ આવ્યો હતો પણ પૂર્વાના ઘરમાં પ્રેમની વાત જણાવી ન હતી પૂર્વા કહેતી કે, “યોગ્ય સમય આવશે ત્યારે કહીશ.” એક દિવસ અચાનક પૂર્વાએ હેલીને અને ઉમંગને બોલાવ્યો. રડી રડીને સોજી ગયેલી આંખો અને હતાશાથી ભરેલો ચહેરો જોઇને ઉમંગ ગભરાઈ ગયો પૂર્વાએ કહ્યું, “ઉમંગ હું તારી સાથે લગ્ન નહી કરી શકું.”

ઉમંગ સ્તબ્ધ બની ગયો અને બોલ્યો, “શું થયું..? ઘરમાંથી ના પાડી..?કે બીજો કોઇ પ્રોબ્લેમ છે ..? મારી આવક ઓછી છે એટલે ના પાડે છે..?” એવા ઘણા સવાલ કરી દીઘા. પૂર્વાએ રડતા રડતા કહ્યું, “ના ઉમંગ, એવી કોઇ વાત નથી, પણ બે દિવસ પહેલા મારા માટે લંડનથી માંગુ આવ્યુ હતું. તેના માટે પપ્પાએ મારા જન્માક્ષર બતાવ્યા ત્યારે ખબર પડી કે મારા નસીબમાં પતિસુખ નથી, લગ્નના દસ વર્ષ પછી હું વિધવા થઇ જઇશ. ઉમંગ હું તને ખૂબ જ ચાહું છું. તું મારી જિંદગી છો, હું મારા બદનસીબ તને ભોગવવા પડે તેવું ઇચ્છતી નથી. હું તારી સાથે જીવવા માંગુ છું. તને પરણીને તને મારવા નથી માંગતી.”

ઉમંગે હસીને વાત ઉડાડી દેતા કહ્યું, “એય… પૂર્વા.. શું વાત કરે છે..? આજના સમયમાં આવી જન્માક્ષરની કે ભવિષ્યવાણીની વાત કોઇ માને છે..?? તું ચિંતા ન કર.. જોજે આપણે સો વર્ષ સાથે જીવશું. પણ પૂર્વા ન માની. ઉમંગે ફરી તેને સમજાવતા કહ્યું, “ભલે તને બીક છે કે હું દસ વર્ષમાં મરી જઇશ, તો ભલે મરી જાઉ… દસ વર્ષમાં હું તારી સાથે દસ જનમ જેટલી ખુશી મેળવી લઇશ, પણ તું મને નહી મળે તો હું જીવી જ નહી શકું.”

ઉમંગ રોજરોજ તેને સમજાવતો રહ્યો, પણ પૂર્વા ન માની. એક દિવસ પૂર્વા તેના લગ્નની કંકોત્રી લઇને આવી અને કહ્યું, “ઉમંગ હું તારી સાથે લગ્ન કરીને તને મારવા નથી માંગતી, અને હું તારી સામે હોઇશ ત્યાં સુઘી તું લગ્ન નહી કરે એટલે હું મારા મમ્મી-પપ્પાની વાત માનીને લગ્ન કરીને લંડન ચાલી જાઉ છું, ત્યાં ગયા પછી જે થશે તે નસીબની વાત છે, તું ખુશ રહેજે, ઘણું જીવજે, મારા દિલમાં તું હમેંશા રહીશ, બસ તું મને ભૂલી જજે અને લગ્ન કરી લેજે…”

ઉમંગ આઘાતથી બેહોશ થઇ ગયો. રડીરડીને તેણે આંખો નીચોવી નાખી હેલીએ તેને ઘણો સાથ આપ્યો. ઉમંગ પૂર્વાને ભૂલી ન શકયો પોતાના જીવન માટે પૂર્વાએ આપેલું બલીદાન તેને લગ્ન કરવા માટે હમેંશા રોકતું રહ્યું, તેણે લગ્ન ન કર્યા. પૂર્વાની યાદમાં રોજ તેના પત્રો વાંચતો હેલીને કયારેક કયારેક તે મળતો

પૂર્વા લંડન ગઇ પછી તેનો સંપર્ક તૂટી ગયો હેલી અને ઉમંગને તેના વિશે કંઇ જ ખબર ન હતી. આજે અચાનક ઉમંગને ખબર પડી એટલે તેના કહેવાથી હેલીએ પૂર્વાના ઘરે ફોન કર્યો ફોન પૂર્વાએ જ ઉપાડયો હેલી વાત કરતા અચકાતી હતી, પણ પૂર્વા તો ખૂબ જ ખુશમીજાજમાં લાગતી હતી. પૂર્વાએ ફોનમાં ઘણીવાત કરી, પણ તેણે એકવાર પણ ઉમંગ વિશે ન પુછયું.બન્નેએ બીજા દિવસે સાંજે એક રેસ્ટોરન્ટમાં મળવાનું નકકી કર્યુ.હેલીએ ઉમંગને મળવાનો સમય અને સ્થળ જણાવ્યા, તેને સાથે આવવા કહ્યું. પણ ઉમંગે ના પાડી તેણે કહ્યું, “હું આવીશ, પણ પૂર્વાનું ધ્યાન ન પડે તેમ બીજા ટેબલ પર બેસીશ.”

બીજા દિવસે હેલી પૂર્વાને મળવા ગઇ. ઉમંગ પહેલેથી જ આવીને ખૂણાના ટેબલ પર બેઠો હતો. તેનો આંખોમાં પૂર્વાનો ઇન્તજાર હતો થોડીવારમાં પૂર્વા આવી. હેલી તો તેને ઓળખી પણ ન શકી પૂરેપૂરી પ્રાશ્ર્ચત રંગમાં રંગાઇ ગઇ હતી ટૂંકા વાળ, ટૂંકા કપડાં, હાઇ હિલ્સ સેન્ડલ, આંખોમાં મોંઘા ચશ્મા, ભરપૂર મેકઅપ બઘુ જોઇને હેલીને નવાઇ લાગી તેણે ઘીમેથી ઉમંગ સામે જોયું તો તે પણ નવાઇથી જોતો રહ્યો હતો.

પૂર્વા બેઠી. કેટલીવાર સુઘી બન્ને બાળપણથી કોલેજ અને લગ્ન સુઘીની વાતો કરતા રહ્યાં. પૂર્વાની વાતોમાં કયાંય દુ:ખની છાયા ન હતી. તેના શબ્દે શબ્દે ખુશી જ છલકતી હતી. બે કલાક વાતો કરી પણ તેણે ઉમંગનો ‘ઉ’ પણ ન ઉચ્ચાર્યો. પછી હેલીથી ન રહેવાયું. તેણે પુછયું, “પૂર્વે તું કહેતી હતી કે તારા લગ્નના દસ વર્ષમાં તારા પતિનું મૃત્યુ થશે.. એટલે તે ઉમંગ સાથે લગ્ન ન કર્યા.. તો તારા પતિ….?” આગળ તે બોલી ન શકી.

હેલીની વાત સાંભળીને પૂર્વા ખડખડાટ હસી અને બોલી, “તને હજી યાદ છે..? હું તો ભૂલી પણ ગઇ.. અરે એ કંઇ વાત સાચી થોડી હતી ?? હું ઉમંગને ચાહતી હતી તે સાચી વાત હતી, પણ તેની આર્થિક સ્થિતિ મને ખટકતી હતી. એવામાં મારા માટે લંડનથી મયુરનું માંગુ આવ્યું, મયુર ખૂબ ધનવાન અને સ્માર્ટ હતો…. મને તે ગમી ગયો. પણ ઉમંગને શું કહેવુ એ સમજાતું ન હતું.

આથી મેં આવી વાત ઉપજાવી કાઢી. આજે મારા લગ્નને પંદર વર્ષ થયા, હું અને મયુર ખૂબ જ ખુશ છીએ… હું તો ઉમંગને ભૂલી પણ ગઇ… તે શું કરે છે..? તને મળે છે..?” હેલી સ્તબ્ધ બની ગઇ. પૂર્વાની વાત સાંભળીને ખુણામાં બેઠેલા ઉમંગ સામે જોવાની તેની હિંમત ન ચાલી. તે કંઇ બોલ્યા વગર હસતી પૂર્વા અને રડતા ઉમંગને ત્યાં જ મૂકીને ચાલી ગઇ.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ