પ્રેમની વસંત બારેમાસ – પ્રેમમાં નિષ્ફળતા મળ્યા પછી પ્રકૃતિ પ્રત્યેના પ્રેમે દિપ્તીને હંમેશા હિમ્મત આપી..

રસ્તાની બન્ને બાજુ ઘટાદાર વૃક્ષો અને વૃક્ષો પર બેઠેલા પક્ષીઓના મધુર અવાજના કારણે પ્રકૃતિના સાનિધ્યમાં વસેલા શહેરમાં નિવાસ કરતા દરેક લોકોના મન પ્રફુલ્લીત થઇ જાય છે. વહેલી સવારમાં મંદિરોમાંથી આવતો કર્ણપ્રિય અવાજ અને બપોર પછી રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી આવતા અનેક લોકોના અવાજ સંભળાય છે.

ઘડિયાળના કાંટા સાથે સમયબધ્ધ રીતે ચાલતા શહેરમાં એક સામાન્ય પરીવાર રહે છે. ઘરમાં માતા પિતાની સાથે એક દિકરી કિલ્લોલ કરી રહી છે. આનંદ સાથે જીવન જીવતા પરીવારની ખુશીઓ ત્યારે બેવડાઇ જાય છે જ્યારે ખબર પડે છે કે ઘરમાં બીજો નાનો મહેમાન આવનાર છે. થોડા મહિનાઓમાં જ બીજી દિકરીનો જન્મ થાય છે અને પરીવારમાં ખુશીઓ બેવડાઇ જાય છે. પરીવારની લાડલી દિકરીનું નામ દિપ્તી રાખવામાં આવે છે. દિપ્તી નાનપણથી જ ખુબ જ જીદ્દી, ચંચળ, તોફાની છે અને તેને ઘરમાં પુરાઇ રહીને રમવાને બદલે ખુલ્લા આકાશમાં પ્રકૃતિના સાનિધ્યમાં રમતો રમવી ખુબ ગમે છે.

દિપ્તી બાળપણમાં છોકરીઓ સાથે રમવાને બદલે છોકરાઓ સાથે રમતો રમે છે. દિપ્તી કોઇ પણ પ્રકારની બીક રાખ્યા વગર ઝાડ પર ચડી જાય છે અને ઝાડ પરથી કુદકો મારવામાં પણ ડરતી નથી. તે છોકરાઓ સાથે આંબલી પીપળીની રમત રમ્યા કરે છે. સમયની સાથે દિપ્તી ક્યારે મોટી થઇ ગઇ અને શાળામાં પણ જવા લાગી તે પરીવારને ખબર પણ ન પડી. શાળાના અભ્યાસના થોડા વર્ષો જ થયા છે અને હજુ દિપ્તી જીંદગીનો એકડો શીખી રહી હોય છે ત્યાં જ પરીવાર પર મોટી આફત આવી પડે છે.

દિપ્તીના પિતાની દુનિયામાંથી અણધારી વિદાય થાય છે અને આનંદમાં જીવન જીવતા પરીવારમાં શોકની લાગણી છવાઇ જાય છે. પિતાના અવસાન પછી દિપ્તીની બહેન હિમ્મતભેર પરીવારની જવાબદારી પોતાના ખભે ઉપાડી લે છે. પરંતુ પરીવારની આર્થિક સ્થિતી દિવસે ને દિવસે કથળતી જાય છે. પરીવારથી નજીકના માનવામાં આવતા લોકો પણ હવે ખરાબ આર્થિક સ્થિતીના કારણે દુર જઇ રહ્યા છે અને માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલા લોકો જ વિપત્તિના સમયે પણ સાથે ઉભા રહે છે.

દિપ્તિ ભણવામાં હોશિયાર છે પરંતુ પરીવારની આર્થિક કટોકટીની સીધી અસર તેના અભ્યાસ પર પણ પડવા લાગે છે. આવા સમયે પણ દિપ્તીનો પરીવાર હિમ્મત હાર્યા વગર અમદાવાદ શહેરમાં આવવાનો નિર્ણય કરે છે અને અમદાવાદમાં હપ્તાથી પોતાનું મકાન ખરીદે છે. મહિને મકાનના હપ્તાના પૈસા ભરવા માટે પણ દિપ્તીના પરીવારને તકલીફ પડે છે. તેમ છતાં પણ દિપ્તીના માતા નાના મોટા કામકાજ કરીને પરીવારની જવાબદારીઓ નિભાવે છે. દિપ્તી નાનપણથી જ સાદગીથી જીવન જીવે છે અને ગાંધી આશ્રમમાં રમવા માટે પહોચી જાય છે. દિપ્તી શાળાના વેકેશન દરમ્યાન કોમ્પ્યુટરનો કોર્સ કરે છે અને પરીવારને મદદરૂપ બનવા માટે નોકરીની શોધખોળ શરૂ કરે છે.

થોડા દિવસોમાં જ દિપ્તી અમદાવાદ શહેરમાં આવેલી કંપનીમાં નોકરી માટે જાય છે. કંપનીના માલીકે જ્યારે પુછ્યુ કે તમને ક્યા કામનો અનુભવ છે? ત્યારે દિપ્તીએ કીધુ કે આ મારી પહેલી નોકરી છે પણ તમે મને જે કામ સોંપશો તે પુરી નિષ્ઠાથી પુરૂ કરીશ. દિપ્તીના આ શબ્દો કંપનીના માલીકને ગમી જાય છે અને તે દિપ્તીને નોકરીએ રાખી લે છે. દિપ્તી પણ પોતાને સોંપવામાં આવેલ કામગીરી પુરી નિષ્ઠાથી કરી રહી છે. દિપ્તીના પિતાનું નિધન થઇ ગયુ હોવાથી માતાને એકલી છોડવા નથી માંગતી અને તે લગ્ન નહી કરવાનું નક્કી કરે છે.

દિપ્તી નોકરીની સાથે સમાજ સેવાના કામમાં જોડાય છે અને પોતાનાથી શક્ય હોય તે રીતે દરીદ્રનારાયણની સેવા કરવાનું શરૂ કરે છે. થોડા દિવસો પછી જુએ છે કે કેટલાક લોકો કોઇને કોઇ કારણોસર હતાશ થઇને અમુલ્ય જીંદગી ટુકાવા સુધીના પગલાઓ ભરી રહ્યા છે ત્યારે આવા હતાશ થયેલા લોકોને ધ્યાન દઇને શાંતીથી સાંભળે છે અને તેમને હિમ્મત સાથે જીંદગી જીવવા માટે પ્રેરણા પુરી પાડે છે.

આ જ કારણોસર દિપ્તીની મુલાકાત જય નામના યુવક સાથે થાય છે. જય પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે ખુબ જ હતાશ થઇ ગયો છે અને તે આત્મહત્યા કરવાનું પણ વિચારી રહ્યો છે. દિપ્તી જયને સમજાવે છે કે જીંદગી ખુબ જ અમુલ્ય છે અને આત્મહત્યા કરવીએ કોઇ સમાધાન નથી. દિપ્તી જયની મનોસ્થિતી જોઇને તેની સાથે થોડો વધારે સમય પસાર કરે છે અને મનનો ભાર હળવો કરે છે. પરંતુ દિપ્તીના નસીબમાં તો કંઇક જુદુ જ લખાયુ છે. જય સાથે વધુ સમય પસાર કરવાના કારણે તથા સતત વાતચીત કરવાના કારણે જય દિપ્તી તરફ આકર્ષાય છે.

એક દિવસ જય દિપ્તીને અનહદ પ્રેમ કરતો હોવાનું કહે છે પરંતુ દિપ્તી માનતી નથી. દિપ્તી કહે છે કે જય આપણે બન્ને સારા મિત્ર છીએ જ અને સાથે પણ રહીયે છીએ. તું પ્રેમની વાત રહેવા દે. પરંતુ એક પ્રેમીકાના ગુમાવ્યા પછી જય તેની બીજી પ્રેમીકાને ગુમાવવા માંગતો ન હોવાથી દિપ્તીને પ્રેમ માટે મનાવવામાં અવિરત પ્રયત્નો ચાલુ રાખે છે. આખરે જય સફળ થાય છે અને સતત સાથે રહીને વાતો કરવાના કારણે દિપ્તી પણ જય તરફ આકર્ષાય છે. જય અને દિપ્તી પ્રેમના તાંતણે બંધાય છે અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર પણ બની રહ્યા છે.

બન્ને સમય કાઢીને નિયમીત મળતી રહે છે અને દિવસે ને દિવસે પ્રેમ ગાઢ બનતો જાય છે. એક દિવસ અચાનક દિપ્તીની માતાનું સ્વાથ્ય કથળતા જય તેના ઘરે પહોંચી જાય છે અને દિપ્તીની માતાને દવાખાને લઇ જવાથી જઇને સારસંભાળ સહિતના કામકાજમાં મદદરૂપ થાય છે. થોડા દિવસો પછી સ્વાસ્થ સુધારા પર આવતા દિપ્તીની માતાને દવાખાનેથી ઘરે લઇ જવામાં આવે છે. આવા કપરા સમયે દિપ્તી પર એક બીજી અણદારી આફત આવી પડે છે. જય દિપ્તીને લગ્ન કરવા માટે જણાવે છે.

જયે દિપ્તીને કીધુ કે મારા પરીવારના લોકો મારા પર લગ્ન કરવા માટે ખુબ જ દબાણ કરી રહ્યા છે એટલે આપણે લગ્ન કરી લઇએ. દિપ્તીએ જયને કહ્યુ કે અત્યારે મારા માતાનું આરોગ્ય સારૂ નથી અને આપણે તો પહેલા જ નક્કી કર્યુ હતુ કે લગ્ન કર્યા વગર પણ એકબીજાને પ્રેમ કરતા રહેશુ. તેમ થતાં પણ જો તારી આવી જ ઇચ્છા હોય તો મને થોડો સમય આપ માતાનું સ્વાથ્ય સારૂ થયા પછી લગ્નનું વિચારીશુ. પરંતુ જય થોડા મહિનાઓમાં જ લગ્ન કરવાની વાત પર અડગ રહે છે. તો બીજી બાજુ દિપ્તી પણ પોતાની બિમાર માતાને એકલી મુકીને લગ્ન કરી શકે તેવી સ્થિતીમાં નથી.

થોડા દિવસો પછી જય તથા દિપ્તી વચ્ચે વાતચીતનો સીલસીલો ઓછો થઇ જાય છે અને આખરે જય દિપ્તી સાથે કોઇ પણ પ્રકારનો સંવાદ કરવાનો બંધ કરી દે છે. દિપ્તીના અનેક પ્રયાસો છતાં પણ જય તેની સાથે વાત કરતો નથી. જેના કારણે દિપ્તી રાત્રે પુરતી ઉંઘ પણ લઇ શકતી નથી અને માત્ર જયને જ યાદ કર્યા કરે છે. અન્ય લોકોને જીંદગી જીવવા માટે સતત પ્રેરણારૂપ બની રહેલ દિપ્તી પોતે જ પ્રેમમાં નિષ્ફળતા મળવાના કારણે ખુબ હતાશ થઇ જાય છે અને આત્મહત્યા કરવાનું અંતિમ પગલુ ભરવાનું વિચારે છે.

દિપ્તીને પોતે મનોચિકિત્સક પાસે જઇને સારવાર લેવી પડે તેવી સ્થિતી નિર્માણ પામે છે. આવી કપરી પરીસ્થીતીમાંથી પણ દિપ્તી ફરીથી હિમ્મત સાથે ઉંભી થાય છે અને પોતાનો નોકરી સિવાયનો સમય સમાજસેવા અથવા તો પ્રકૃતિના સાનિધ્યમાં વિતાવવાનું શરૂ કરે છે. દિપ્તી દરીદ્રનારાયણની સેવા ઉપરાંત અનેક વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદરૂપ બની રહી છે. દિપ્તી નોકરી કરી પરીવારની જવાબદારી નિભાવવાની સાથે વૃક્ષારોપણ, વૃક્ષોની માવજત, પશુ પક્ષીઓની સારસંભાળ જેવા કામ કરવાની સાથે જંગલમાં જઇને પ્રકૃતિના સાનિધ્યમાં પણ સમય પસાર કરે છે.

પ્રેમમાં નિષ્ફળતા મળવા છતાં પ્રકૃતિ પ્રત્યેના અનહદ પ્રેમના કારણે દિપ્તીને સતત હિમ્મત મળતી રહે છે. દિપ્તી આજે પણ ભગવાન ભરોસે દરીદ્રનારાયણની સેવા કરીને મૌજથી જીંદગી જીવી રહી છે. (સત્ય ઘટનાથી પ્રેરીત, નામ બદલેલ છે)

લેખકઃ- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ