પ્રેમમાં બધું કહીએ તો જ સમજાય એવું નથી હોતું, ક્યારેય રૂબરૂ વાત ના કરી હોય તો પણ પ્રેમ તો આખરે પ્રેમ જ છે…

” અરે આટલી બધી તસ્વીરોમાંથી કોઈ તો પસંદ આવી હશે ? હવે તો નોકરી પણ સ્થાયી થઇ ગઈ છે . ક્યાં સુધી આમ એકલો ફર્યા કરીશ ? મિત્રો ફક્ત ઘરની બહાર સુધીજ સાથ આપે . ઘરમાં પણ એક મિત્ર જોઈએ ને ! જીવનસાથી જ જીવનના સાચા મિત્ર હોય . જે દરેક સુખ દુઃખમાં આપણી પડખે હોય . આપણા મુશ્કેલ સમયમાં આપણી ‘હિમ્મત’ અને આપણી ખુશીની ક્ષણોમાં ‘ઉજવણીના સાથી’ . બાકી ફક્ત ભૌતિકતા ભેગી કરતા રહીયે એને જીવવું થોડી કહેવાય ? હું પણ હવે ક્યાં સુધી જીવીશ ? આ દુનિયા છોડી જાઉં એ પહેલા તારું ઘર વસી જાય તો બસ ….. જતીન તું સાંભળે છે કે નહીં ….?”


દર રવિવારની જેમ પોતાની માતાની ચિંતાઓ ફરી એના વૃદ્ધ મનમાંથી ઉભરાઈ રહી હતી. બારી ઉપર હાથ ટેકીને ઉભેલા જતીનના કાન ઉપર માતાના શબ્દો સંભળાઈ તો રહ્યા હતા પરંતુ એનું મન અત્યંત ઉચાટ અનુભવી રહ્યું હતું. સામેના મકાનની બારી જડબેસલાક બંધ હતી. જતીનની આંખો એ બારી ઉપર જાણે અકબંધ જડાઈ ચુકી હતી. નિશ્ચિત નિયત ક્રમ મુજબતો એ બારી અત્યાર સુધીમાં ઉઘડી જવી જોઈતી હતી . દિશાનો ચ્હેરો આજે સવારથીજ દ્રષ્ટિમાન થયો ન હતો . ગઈ કાલે અંતિમવાર એને જોઈ હતી. કેમિસ્ટ ની દુકાનમાંથી બહાર નીકળી રહી હતી . હાથોમાં થામેલી એની દવાઓને નજીકથી નિહાળી હતી. ઊંઘની ટીકડીઓ અને તે પણ એક આખો મોટો ડબ્બો . ત્યારથીજ જતીનનુ હૈયું વ્યાકુળ હતું. દિશાની આંખોમાં નિહાળેલી વેદના અને બેચેની એને ગૂંગળાવી રહી હતી . ફક્ત એકવાર દિશા એ બારી ઉઘાડે અને દર વખતની જેમ એની આંખોમાં આંખો પરોવી અનેક મૌન શબ્દો અભિવ્યક્ત કરતી જાય …..


એ ફક્ત એક બારી ન હતી . જતીન અને દિશાની મૌન પ્રેમ -વાર્તાનો એક સેતુ હતી અને જીવંત પુરાવો પણ .ત્રણ વર્ષથી એ બારી તરફથી કેટકેટલી ભાવનાઓ દિશાએ આંખોથી ઠલવી હતી અને એ દરેક ભાવનાઓ ને જતીને પોતાની નજરોમાં માનપૂર્વક અને મૌનપૂર્વક ઝીલી હતી. જ્યાં શબ્દોની અનિવાર્યતા ગૌણ બને ત્યાં પ્રેમની ગુણવત્તા અતિ ઉચ્ચ કક્ષા ગ્રહણ કરે . જતીન અને દિશાના પ્રેમે એવીજ ઉચ્ચ કક્ષા ગ્રહણ કરી લીધી હતી. કદી એકબીજા જોડે વાત પણ કરી ન હતી છતાં જેટલી વાતો એકબીજા જોડે કરી હતી એટલી કદાચ કોઈ જોડે નહીં .

દિશાના મકાનની પાછળ તરફની એ બારી ઉપર જતીને દિશાનું દુઃખ , એની વ્યથા, એની પીડા , એની ગૂંગળામળ બધુજ નિહાળ્યું હતું. દિશાની એકલતા અને ખાલીપણાનો એ નિયમિત સાક્ષી હતો. એની જડ શુન્ય મનસ્ક દ્રષ્ટિ, નિંદ્રા વિહીન પલકોનો ભાર , મારથી સૂજેલો ચ્હેરો , આંખો પર ગાઢ ઉતરી ચુકેલા કુંડાળાઓ , લગ્ન જીવનને નામે વેઠેલી દરેક ગૂંગી સજાઓ , શરીર અને મને વેઠેલો અત્યાચાર …..દિશાની આંખો એની આંખોને મળતી અને વેઠેલી તમામ વેદનાઓ જતીનના હૃદય સુધી એક પણ શબ્દનો આશરો લીધા વિનાજ પહોંચી જતી. જાણે એ આંખો એને ઉઘારી લેવા પુકારતી હોય . એક નાના બાળક જેમ મદદની યાચના કરતી હોય.


દિવસે દિવસે દિશાની કથળી રહેલી પરિસ્થિતિ હવે જતીનથી સહેવાતી ન હતી. દિશાની વેદના અને પીડા હવે જતીનના અંતર આત્માને ઢંઢોળી રહી હતી . એક સ્ત્રીને મંગળ સૂત્ર પહેરાવી કે એના સેંથામાં સિંદૂર પુરવાથી શું એના માલીક થઇ જવાય ? પત્ની અને ઢીંગલી બન્ને એકસમાન ? જે પોતાનું સમગ્ર જીવન પાછળ છોડી આવે એનાજ જીવનની અને અસ્તિત્વની કોઈ કીમત નહીં ? સાત ફેરા ફરી લેવાથી આજીવન પીંજરામાં કેદ ? પણ પીંજરામાં કેદ પંખીને પણ પ્રેમ , પંપાળ અને હૂંફતો મળતા હોય પણ દિશાને તો એ પણ ……

જતીનની વિદ્રોહી સંવેદનાઓ છંછેડાઈ હતી. પુલીસ સ્ટેશન જઈ ઘરેલુ મારપીટનો કેસ ઉભો તો કરી શકાય . પણ જે પુલીસ સ્ટેશનમાં દિશાનો પતિ જાતેજ મુખ્ય અધિકારીનાં પદ પર બિરાજમાન હોય ત્યાં એની ફરિયાદ કોણ નોંધવાનું હતું ? અન્ય પુલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાય પણ સંપર્કનું ગણિતતો ત્યાં પણ નડવાનું જ હતું .

જતીનની ધીરજ સંપૂર્ણપણે ખૂટી ચુકી હતી . જડ વાંસેલી બારી પર તકાયેલી એની નજર વ્યાકુળ માંથી વેધક બની ચુકી હતી . કાંઈકતો અશુભ ઘટયુંજ હતું . મનનો ધ્રાસ્કો છઠ્ઠી ઇન્દ્રિયથી પ્રેરાતો વધુ પ્રબળ બની એના મનને હચમચાવી રહ્યો હતો . ગઈ કાલે દિશાના હાથમાં નિહાળેલી ઊંઘની ટીકડીઓ વારંવાર મનની સપાટી ઉપર ઝબકારા જોડે એ જાણે જીવંત નિહાળી રહ્યો હતો . આજે શેરીમાંપણ વધારે પડતીજ ચહેલ પહેલ અનુભવાઈ રહી હતી .અચાનકજ બારી તરફથી પોતાના શરીરને સંકેલી એ ઘરની બહાર તરફ ડોટ મૂકી રહ્યો .


” અરે આમ ક્યાં જાય છે ? જમવાનું તો ….”

માતાના શબ્દો અધુરાજ કાન જોડે અથડાયા . પરંતુ શરીરની ઝડપ જરાયે ઓછી ન થઇ . એકજ શ્વાસે બધુજ અંતર કાપી જતીન થોડીજ ક્ષણોમાં પડખેની શેરીમાં દિશાનાં મકાનનાં આગળના ભાગ તરફ આવી ઉભો રહ્યો . સફેદ વસ્ત્રોમાં સજ્જ ભેગા મળેલા સમાજના લોકોને નિહાળી એની આંખો હેરતથી પહોળી થઇ રહી . સમાજમાં ખરેખર આટલા બધા લોકો અસ્તિત્વ ધરાવતા હોય ? પરંતુ જયારે કોઈ અન્યાય કે અત્યાચાર થતા હોય ત્યારે શા માટે કોઈ આસપાસ પણ ફરકતું ન હોય ? બધું સમાપ્ત થાય ત્યારેજ તમાશો નિહાળવા ટોળેટોળા ભેગા થાય !

જતીનના હય્યાની અગ્નિ સળવળી રહી હતી . અંતિમયાત્રાની તૈયારીઓ આંખો સમક્ષ નિહાળતા જતીનની નજરોમાં માં લોહી ઉકળી આવ્યું . આજે એના હાથની રેખામાં કોઈનું મૃત્યુ નિશ્ચિતતાની મોહર લઈ બેઠું હતું .

ભીડને ચીરતો એ સીધોજ દિશાના મકાનમાં પ્રવેશ્યો . ક્રોધથી બેબાકળી આંખો ચારે દિશામાં પોતાના શિકારને શોધી રહી . અચાનકજ દીવાલને અડકીને બેઠી દિશા ઉપર દ્રષ્ટિ આવી ઠરી . દિશાને સુરક્ષિત નિહાળી ફૂલેલી શ્વાસો ટાઢી પડી . ઓરડાના મધ્યમાં ગોઠવાયેલા દિશાના પતિના શબને જોઈ થોડી ક્ષણો માટે વિચારો સ્તબ્ધ થઇ ગયા . દિશાની સામે તરફની દીવાલને અડકીને ગોઠવાઈ ગયેલા જતીનની આંખો દિશાની આંખો સાથે મળી . પણ આજે એ આંખોમાંથી દરેક પીડા , દર્દ , નિસહાયતા , લાચારી , દુઃખ , એકલતા , ખાલીપણું , વ્યથા બધુજ જડમાંથી ઓગળી ચુક્યું હતું . કશુંક ડોકાય રહ્યું હતું તો એ મુક્તિ અને અનેરી શાંતિ ….


અંતિમ યાત્રા માટે ભેગા થયેલા લોકો અંદરોઅંદર ચર્ચા કરી રહ્યા હતા .

” ગઈકાલે રાત્રે શરાબના નશામાં કોઈ સ્ત્રી જોડે …… બધુજ કેમેરામાં ઝડપાયું . મોટું સ્ટિંગ ઓપરેશન હતું . કોઈએ મીડિયાને જાણ કરી હતી એને આધારેજ . મોટામોટા મંત્રીઓ અને પુલિસઅધિકારીના નામ નશાની હાલતમાં બહાર આવી ગયા . નશો ઉતરતાંજ ઘરે આવી ઊંઘની ટીકડીઓ ..

એક તરફ જતીનની આંખોમાં ઊંડી ઊતરી ચુકેલી દિશાની આંખોમાં રહસ્યાત્મક કબૂલાત હતી . પ્રેમની પણ અને …

તો બીજી તરફ હંમેશા લક્ષ્મી , સરસ્વતી , પાર્વતી , સીતા , મીરા , રાધા , જાનકીના પ્રેમમાં પડતો પુરુષ આજે ‘દુર્ગા’ના પ્રેમમાં પડ્યો હતો ..

લેખક : મરિયમ ધુપલી