જલ્સા કરોને જેંતીલાલ

કોલેજની પ્રેમ કહાનીઓની વાત જ નિરાળી હોય છે આજે તમારા માટે એક ઉત્તમ પ્રેમ કહાની…

નદીમાં ખળ ખળ પાણી વહી રહ્યુ છે. શહેરના લોકો ચાલવા માટે નદી કિનારે આવી રહ્યા છે. વહેલી સવારથી જ કોલેજના યુવક યુવતીઓ કોલેજ પહોચવા માટે થનગનાટ કરી રહ્યા છે. શહેરના પોશ વિસ્તારમાં રહેતી અને સામાન્ય રીતે સુર્યોદય થયાના કલાકો પછી પથારીમાંથી ઉઠવાની ટેવવાળી સીમરન આજે સવારે વહેલી ઉઠી જાય છે.


પરીવારના સભ્યો પણ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા અને વિચારવા લાગ્યા કે સીમરન આજે વહેલી કેમ ઉઠી ગઇ હશે? સીમરન પોતાની પથારીમાંથી ઉભી થઇને સીધી તૈયાર થવા લાગે છે. પરીવારના સભ્યો પુછે છે કે સીમરન આજે સુરજ કેમ પશ્મિમમાં ઉગ્યો? સીમરને ધીમા અવાજે કહ્યુ સુરજ થોડો પશ્મિમમાં ઉગતો હોય, સુરજ તો પુર્વ દિશામાં જ ઉગે. તમને બઘાને આટલી પણ ખબર પડતી નથી. સીમરનના મમ્મીએ પુછ્યુ કે તું અમને ગોળ ગોળ ના ફેરવીશ. સુરજ કદાચ પશ્મિમમાં ઉગી શકે પણ તું વહેલી ના ઉઠી શકે. તેમ છતાં આજે તું વહેલી ઉઠી ગઇ છું અને તૈયાર થવા માટે પણ થનગની રહી છું. આજે શુ છે કે તું અતિ ઉત્સાહીત છુ. તારો ચહેરો પણ ખીલેલો છે. મન પણ પ્રફુલ્લીત લાગે છે.


સીમરને કહ્યુ મમ્મી આજે મારે કોલેજનો પ્રથમ દિવસ છે. કોલેજમાં મને નવા મિત્રો મળશે. નવા અનુભવો મળશે. શાળાના કંટાળાજનક વાતાવરણમાંથી આજથી મને કોલેજરૂપી મુક્ત ગગન મળશે. સીમરનનાં આ શબ્દો સાંભળતા જ પરીવારના સભ્યો ખડખડાટ હસી પડે છે. સીમરન કહે છે કે તમે બધા વાતોના વડા બંધ કરો મને તૈયાર થવા દો માટે કોલેજ જવાનું મોડુ ના કરાવશો.


સીમરન વૈભવી પોશાક પહેરી અને હાથમાં ડાયમંડ જડીત ઘડીયાળ પહેરી હાથમાં પર્સ ગોળ ગોળ ઉછાળતી ઘરની બહાર પગ મુકવા જાય છે ત્યા તેની મમ્મી તેને અટકાવે છે. સીમરન પુછે છે કે હવે શુ બાકી રહી ગયુ છે? આજે કોલેજનો તારો પ્રથમ દિવસ છે એટલે તું સુકનનું થોડુ પંચામૃત ચાખતી જા એમ સીમરનના મમ્મીએ કહ્યુ. શુ મમ્મી આજના આધુનિક યુગમાં પણ તું સુકન અપસુકન માં માને છે? સીમરને કહ્યુ. દિકરી તને આ નહિ સમજાય પણ હું તારી મા છું એટલે મને સતત તારી ચિંતા રહે એ સ્વાભાવીક છે અને એમા પણ તું હવે કોલેજ જઇ રહી છે તો મારી ચિંતા પણ વધી જશે એમ મમ્મીએ કહ્યુ.


મમ્મી હું કોલેજમાં ભણવા જઉ છું નહિ કે ફરવા માટે. તું મારી ચિંતા ન કરીશ. હું કોલેજથી સીધી બપોરે ઘરે આવી જઇશ તેમ સીમરને કહ્યુ. સીમરન પોતાની કાર લઇને ઘરની બહાર નિકળે છે અને સીધી કોલેજ કેમ્પસ પહોચે છે. કોલેજનો પ્રથમ દિવસ હોવાથી ક્લાસરૂમ તો ઠીક પણ કેમ્પસમાં પણ ખુબ જ ઓછા લોકો જોવા મળી રહ્યા હતા. આવા સમયે સાડા પાચ ફુટની ઉંચાઇ અને દેખાવમાં ગોરો ગોરો અજય નામનો યુવક સાઇકલ લઇને કોલેજ કેમ્પસમાં દાખલ થાય છે અને સીમરનની કાર પાસે સાઇકલ મુકે છે.


અજય કોલેજના કાર્યાલયમાં જાય છે અને ત્યાંથી સીધો ક્લાસરૂમમાં જાય છે. પરંતુ ક્લાસરૂમમાં તો સીમરન સહીત આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ યુવક યુવતીઓ બેઠા હતા. બધા એકબીજાની સામે જોયા કરતા હતા પરંતુ વાત કરતા થોડા અચકાતા હતા. અજય પણ એક બાજુ બેઠો હતો પરંતુ થોડો સમય થયો એટલે અજયથી મૌન રહેવાયુ નહી અને કહ્યુ આપણે બધા ક્યાં સુધી આમ મૌન બેસી રહીશુ. આપણે એકબીજાનો પરીચય આપીશુ તો જ એકબીજાને ઓળખીશુ. અજય, સીમરન સહીતના લોકો પોતાનો પરીચય આપે છે. થોડી વાર પછી બધા ક્લાસ રૂમમાંથી છુટા પડે છે. સોહામણી સુંદરી જેવી લાગતી સીમરન પોતાની કાર પાસે આવે છે અને એ જ સમયે અજય પોતાની સાઇકલ લેવા માટે આવે છે. અજય સીમરનની સામે જોયા કરે છે પરંતુ સીમરન તો તેની મસ્તીમાં કાર લઇને રવાના થઇ જાય છે. કોલેજના પ્રથમ દિવસથી જ અજય સીમરન પ્રત્યે આકર્ષિત થઇ જાય છે.


કોલેજ શરૂ થયાને એકાદ મહીના જેટલો સમય વિત્યો હશે ત્યારે અજય સીમરનને પ્રપોઝ કરવાનું મનોમન નક્કી કરે છે. પરંતુ અજય કોલેજની કેન્ટીન પાસે પહોચે છે ત્યારે તે સીમરનને તેની સહેલીઓ સાથે વાતો કરતી સાંભળે છે એટલે થોડીવાર રોકાઇ જાય છે. સીમરન તેની સહેલીઓને કહે છે કે કોલેજના કેટલાય છોકરાઓ મને પ્રભાવીત કરવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે પણ હું કોઇની સાથે દોસ્તી કરવાની નથી.

તેમ છતાં જો કોઇએ મને પ્રપોઝ કરવાની હિંમત કરી તો હું તેને ચોખ્ખી ના પાડી દઇશ. આ શબ્દો સાંભળતા જ અજય સ્તબ્ધ બની જાય છે અને કેન્ટીનમાંથી ચુપચાપ બહાર નિકળીને સીધો ક્લાસ રૂમમાં પહોચી જાય છે. સામાન્ય રીતે મૌન ન રહી શકતો અજય આજે મૌન વ્રત ધારણ કર્યુ હોય તેમ મૌન બેસી રહ્યો છે. બધા વિચારમાં પડી જાય છે કે અજયને આજે શુ થઇ ગયુ છે કે તે મૌન બની ગયો છે. કોઇએ અજયને પુછ્યુ કે શુ થયુ ત્યારે અજયે થોડા ઉંચા અવાજમાં કહ્યુ કે કાંઇ નથી થયુ, તમે બધા મને એકલો મુકી દો. અજય તરત જ ક્લાસરૂમ માંથી બહાર નિકળી જાય છે. આજ સમયે સીમરન ક્લાસમાં આવે છે. એટલે અજય તરત જ પાછો ક્લાસમાં આવી જાય છે અને સીમરનને સતત જોયા કરે છે.


સીમરનને તો આ વાતની કઇ ખબર જ નથી એતો તેની મસ્તીમાં જ છે. કોલેજ છુટવાના સમયે અજય સાઇકલ લઇને ઝડપથી નિકળી જાય છે. સીમરન તેની કાર લઇને જતી હોય છે ત્યારે તે અજયને સાયકલ દોરીને લઇ જતો જુએ છે અને પોતાની ગાડી સાઇડમાં ઉભી રાખી ને પુછે છે કે અજય શુ થયુ? સાઇકલમાં પંક્ચર થઇ ગયુ કે શુ? અજય કહે છે કે મારૂ પંક્ચર તો ક્યાંરનું થઇ ગયુ છે. આ તો સાઇકલ છે આવુ બધુ તો થયા કરે. સીમરનને પોતાની સાથે વાત કરતી જોઇને અજય ઉત્સાહમાં આવી જાય છે અને સાઇકલ પર બેસીને સાઇકલ ચલાવા લાગે છે. સીમરને કહ્યુ અજય તારી સાઇકલમાં તો પંક્ચર હતુ ને. અજયે થોડુ હસીને કહ્યુ તું આવી ગઇ એટલે હવે પંક્ચર ક્યાંથી રહે. આટલુ બોલીને અજય ત્યાંથી રવાના થઇ જાય છે. સીમરન પણ થોડા વિચારોમાં ખાવાઇ જાય છે કે આ અજય બધાથી અલગ છે. તેનામાં કઇક ખાસ છે.


થોડા દિવસો પછી કોલેજનો એક છોકરો સીમરનને પ્રપોઝ કરે છે અને સીમરન ક્લાસમાં આવીને એકબાજુ બેસીને રડવા લાગે છે. અજય સીમરનને જોઇને ખુબ જ દુઃખી થાય છે. અજય થોડી હિમ્મત કરીને સીમરનને પુછે છે કે તું કેમ રડે છે. ત્યારે સીમરન અજયને કહે છે કે આજે એક છોકરાએ મને પ્રપોઝ કર્યુ. મારી સાથે જ આવુ કેમ બનતુ હશે. અજયે સીમરનને સમજાવતા કહ્યુ કે આવુ તો થયા કરે તું ચિંતા ના કરીશ. તું ભણવામાં ધ્યાન આપ. હું તારી સાથે જ છુ. અજયના આ પ્રેમાળ શબ્દો સાંભળીને સીમરનનું મન શાંત થઇ જાય છે અને તે પણ અજય તરફ આકર્ષાય છે. સીમરન અજયને તો કાંઇ પુછતી નથી પરંતુ અજય વિશે થોડી ઘણી માહીતી મેળવવાની શરૂ કરે છે.


સીમરન બધાને ક્લાસમાં અજય વિશે પુછ્યા કરે છે. અજય વિશે એક વાતની સીમરનને ખબર પડતા તે અચંબીત થઇ જાય છે. એ જાણી ગઇ હોય છે કે સાઇકલ લઇને કોલેજ આવતો અજયએ તો કરોડપતિ પરીવારનો એકનો એક પુત્ર છે તેમ છતાં પણ તે ખોટો દેખાડો કર્યા વગર એક સામાન્ય વિદ્યાર્થીની જેમ જ કોલેજ આવે છે એટલે સીમરન અજય તરફ વધુ આકર્ષાય છે અને અજયને મનોમન પ્રપોઝ કરવાનું નક્કી કરે છે. તો બીજી બાજુ અજયને પણ સીમરન પ્રેમ કરતી હોવાનો અણસાર આવી જાય છે. અજય અને સીમરન જ્યારે કોલેજની સીડી પરથી નીચે ઉતરતા હોય છે ત્યારે અચાનક જ અજયનો પગ લપસે છે અને સીમરન અજયનો હાથ પકડીને સીડી પરથી પડતો બચાવી લે છે.


અજય બોલી ઉઠે છે કે આભાર સીમરન. તું મને કાયમ આજ રીતે મુશ્કેલીના સમયે સાથ આપતી રહેજે. આ સાંભળીને સોહામણી સીમરન થોડી શરમાઇ જાય છે અને આ તક ઝડપી અજય સીમરનને પ્રપોઝ કરી દે છે. સીમરન પણ અજયને પ્રેમ કરતી હોવાથી તરત જ પ્રેમનો સ્વીકાર કરી લે છે. કોલેજમાં સીમરન અજયની જોડીની બધા જ લોકો ચર્ચા કર્યા કરે છે. તો બીજુ બાજુ અજય અને સીમરન પોતાની મસ્તીમાં જ કોલેજ જીવનનો અલૌકીક આનંદ માણી રહ્યા છે.

લેખક- નીલકંઠ વાસુકિયા

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version