જલ્સા કરોને જેંતીલાલ

આ પ્રેમીએ માત્ર પોતાના પ્રેમને પામવા ભારતથી સ્વિડન સુધીની 6000 માઈલની સફર સાઈકલ પર ખેડી !

પીકે મહાનન્દીઆએ પોતાની સ્વિડનમાં રહેતી ગર્લફ્રેન્ડ શેર્લોટ વોન શ્કેડવિને મળવા માટે લગભગ 6000 માઇલની યાત્રા સાઇકલ પર કરી છે. તેમના લગ્નને 40 વર્ષ થઈ ગયા છે.

પ્રદ્યુમન કુમાર એટલે કે પીકે મહાનન્દીઆ એક અછુત તરીકે પૂર્વ ભારતના અંતરિયાળ ગામડામાં જન્મ્યા હતા.

ભારતની નીચલી જાતીના સભ્યો હોવાથી તેમની પાસે ગરીબી તેમજ ભેદભાવમાંથી છૂટવાનો કોઈ જ રસ્તો નહોતો. પણ ભગવાને છેવટે તેમને આ અવસર આપ્યો અને તે આપ્યો તેમણે એક શ્રીમંત સ્વિડિશ સ્ત્રી દ્વારા – અને તેઓ કેટલાએ ખંડો સાઇકલ પર પાર કરી તેણી પાસે ગયા સ્વિડન ગયા અને તેમનું જીવન સદંતર બદલાઈ ગયું.

તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ પ્રદ્યુમન કુમારની આ પ્રેમ કથા પરથી એક સુંદર પુસ્તક પણ રચવામાં આવ્યું છે જેનું નામ છે ધી અમેઝિંગ સ્ટોરી ઓફ ધી મેન વ્હુ સાઇકલ્ડ ફ્રોમ ઇન્ડિયા ટુ યુરોપ ફોર લવ, જેના લેખક છે જે. એન્ડરસન. અને એવા પણ ભણકારા સંભળાઈ રહ્યા છે કે તેમની આ સત્ય પ્રેમ કથા પરથી એક હોલીવૂડ ફીલ્મ પણ બનવા જઈ રહી છે જેમાં દેવ પટેલ પ્રદ્યુમનની ભુમિકા નીભાવવાના છે.

તેમણે 70ના દાયકામાં તેમની આ સફર શરૂ કરી હતી અને પોતાના પ્રેમ સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત આટલા લાંબા સુખી લગ્નજીવનની ચાવી પણ તેઓ જણાવી રહ્યા છે કે જો તમારે લગ્ન જીવન સુખી રાખવું હોય તો તમારો અહંકરા ઘરની બહાર છોડીને આવો.

તેમના જન્મ વખતે એક જ્યોતિષે ભવિષ્યવાણી કરી હતી કે તેમના લગ્ન અન્યોની જેમ એરેન્જ્ડ નહીં થાય. સામાન્ય રીતે ભારતમાં એરેન્જ્ડ મેરેજ જ થતા હોય છે. તેઓ જણાવે છે કે તેમના માતાપિતાએ તેમને એવું પણ જણાવ્યું હતું કે તે જ્યોતિષ દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી હતી કે તેમની પત્ની ખૂબ દૂરની હશે અને વૃષભ રાષી ધરાવતી હશે, અને તેણી કોઈ જંગલની માલિકણ હશે અને તેણી કોઈક સંગીતકાર હશે જે વાંસણી વગાડતી હશે. હું ખરેખર ભવિષ્યવાણી પર વિશ્વાસ કરું છું અને હવે હું જાણું છું કે આ પૃથ્વી પર બધું જ પહેલેથી જ નક્કી થયેલું છે.

એક મુલાકાતમાં તેઓ પોતાની પત્ની સાથેની પ્રથમે મુલાકાત વિષે જણાવે છે. “મને સ્પષ્ટ યાદ છેઃ તે ડિસેમ્બર 17, 1975નો દિવસ હતો. સુંદર લાંબા ભૂરા વાળ અને વાદળી આંખોવાળી છોકરી મારી સમક્ષ આવી. સાંજનો સમય હતો. તે જ્યારે મારા ચિત્રકામની ઘોડી પાસે આવી ત્યારે જાણે મારામાં કોઈ વજન જ ન હોય તેવો અનુભવ મને થયો. જો કે આ લાગણીનું વર્ણન કરવા મારી પાસે પુરતા શબ્દો નથી.

તેની આંખો એટલી વાદળી અને મોટી ગોળ હતી, કે મને એવું લાગી રહ્યું હતું કે તે મારી સામે જુએ છે કે પછી મારી અંદર જોઈ રહી છે, જાણે કે કોઈ એક્સ-રે મશીન ન હોય ! મને લાગ્યું કે મારે તેની સુંદરતા સાથે ન્યાય કરવો જોઈએ. પણ પ્રથમવાર તો કંઈ જ ન કરી શક્યો. હું નર્વસ હતો, મારા હાથ ધ્રૂજી રહ્યા હતા.

માટે મેં માત્ર આટલું જ કહ્યું “શું તમારા માટે આવતી કાલે પાછા આવવું શક્ય છે?” ત્યાર બાદ તેણી મારી પાસે ત્રણવાર આવી અને મેં તેમના ત્રણ પોર્ટ્રેઇટ બનાવ્યા. મેં દર વખતે તેમની પાસે પોર્ટ્રેઇટ માટે 10 રૂપિયા માંગ્યા અને તેણી મને 20 આપતી. હું કહેતો “ના ! તમારે મને બમણા રૂપિયા ન આપવા જોઈએ કારણ કે તમે ખુબ સુંદર છો અને હું ક્યારેય કોઈ તમારા જેવી સુંદર સ્ત્રી પાસેથી બમણા રૂપિયા નથી લેતો. હું માત્ર ટકલા પુરુષો પાસેથી જ ડબલ રૂપિયા લઉં છું.”

જ્યારે તેમણે પોતાના જ્યોતિષે તેમના જન્મ વખતે જે ભવિષ્યવાણી કરી તે વિષે તે છોકરીની હકીકતો તપાસી તો બધું જ તે પ્રમાણે હતું. તેણી વૃષભ રાશીની હતી, દૂરની હતી અને એક જંગલની માલિક હતી અને સાથે સાથે વાંસળી પણ વગાડતી હતી.

છેવટે તેમણે તેણીને કહ્યું, “આ બધું સ્વર્ગમાં જ નક્કી થું છે.” મેં ભાંગેલી ટુટેલી ઇંગ્લીશમાં કહ્યું. “આપણું મળવાનું લખ્યું જ હતું.” હું શરૂઆતમાં એટલો નર્વસ થઈ ગયો હતો કે શરૂઆતમાં તો તેણી મારા શબ્દોને સમજી જ ન શકી. તેણી મારો હાથ પોતાના હાથમાં લઈ આકાશ તરફ જોઈ રહી હતી, તેણીએ કહ્યું, “સ્વર્ગમાં શું નક્કી થયું છે ?” મેં કહ્યું, “આપણું મળવાનું લખ્યું હતું અને તેથી પણ વધારે ઘણું લખ્યું છે.” “તમને તે વીષે કેવી રીતે ખબર ?” તેણીએ પુછ્યું. “જો તમને મારા પર વિશ્વાસ ન હોય,” મેં કહ્યું, “હું તમને મારી કુંડળી આપું. તમે મારા પત્ની થવાના છો.”

આ મુલાકાતમાં શેર્લોટ પોતે પણ હાજર હતા. તેઓ જણાવે છે કે તેમને ભારત પ્રત્યે પહેલેથી જ આકર્ષણ હતું અને તેઓ 11 વર્ષના હતા ત્યારે તેમણે ભારતની એક બ્લેકએન્ડ વ્હાઇટ ફિલ્મ પણ જોઈ હતી. ત્યાર બાદ તેઓ લંડન ગયા ત્યાં તેમણે શ્રી રવિ શંકર મહારાજ સાથે પણ કામ કર્યું. તેણી ઓરિસ્સા પણ ગયા હતા જે પી કે નું રાજ્ય છે અને ત્યાંનું આદિવાસી નૃત્યુ જોઈ તેણી મંત્રમુગ્ધ થઈ ગયા હતા.

તેઓ પીકે સાથેની પોતાની પ્રથમ મુલાકાત વિષે જણાવે છે, “અમે તે વખતે વીડબલ્યુ બસ (નાનકડી કેરાવાન) સ્વીડનથી લઈને આવ્યા હતા. આખુ જગત ફરતા ફરતા ભારત પહોંચ્યા હતા. અમે અમારી બસ કોનોટ પ્લેસ નજીક પાર્ક કરી હતી જ્યાં પીકે પોતાના પોર્ટ્રેઇટ્સ બનાવતા હતા.

સાંજ પડી ગઈ હતી. મેં આ વાંકડીયાવાળ વાળા નાનકડા છોકરાને ત્યાં પોર્ટ્રેઇટ્સ બનાવતો જોયો. હું તરત જ તેની તરફ ગઈ. મેં તરત જ મારું પોટ્રેઇટ બનાવવાનું કહ્યું. તેની સાથેની મારી આ પ્રથમ મુલાકાત ખુબ જ હુંફાળી રહી.
“તેણે જ્યારે અમારા લગ્ન વિષેની ભવિષ્યવાણી જણાવી ત્યારે પહેલાં તો મેં તેને થોડો શાંત પાડ્યો.

મેં તેને લગ્ન વિષે કશો જ જવાબ ન આપ્યો પણ મેં તેના ગામના ઘરે જવાની ઇચ્છા વ્યક્ત કરી. હું મારા હૃદયને અનુસરી. ત્યાં હું તેના પિતા, ભાઈઓ અને બહેનને મળી. મને તેઓ ગમ્યા અને તેમને હું ગમી. ત્યાં જાણે મને ઘર જેવું લાગ્યું. જો તમે પુનર્જન્મમાં માનતા હોવ, હું તો ખરેખર માનું છું – અને હજુ પણ માનું છું – કે હું ભારતમાં પહેલાં જીવી ચુકી છું.”

ત્યાર બાદ તેઓ 2-3 અઠવાડિયા સાથે રહ્યા અને પછી તેણી જતી રહી. ડોઢ વર્ષ સુધી તેઓ એકબીજાને ન મળ્યા. તેઓ પત્રો દ્વારા એકબીજાના સંપર્કમાં રહેતા હતા પણ છેવટે તેમણે ત્યાં જવાનું નક્કી કરી લીધું. તેમની પાસે જે કંઈ હતું તે બધું તેમણે વેચી દીધું અને એક સાઇકલ ખરીદી.

તેઓ પોતાના સાઇકલ પ્રવાસ વિષે જણાવે છે. “મેં માત્ર સાઇકલ પર જ મુસાફરી નથી કરી. પણ મેં ટ્રકોમાં પણ પ્રવાસ કર્યો છે. મારી પાસે સ્લીપીંગ બેગ હતી અને હું હંમેશા તારાઓની નીચે સુતો. કેટલીકવાર લોકો મને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપતા અને તેના બદલામાં હું તેમને ચિત્રો દોરી આપતો. મેં મારા 80 ડોલર મારા બેલ્ટમાં છુપાવી રાખ્યા હતા અને તેને ક્યારેય અડતો નહોતો. મને આખા રસ્તે શેર્લોટના પત્રો મળતા રહેતાઃ કંદહારમાં, કાબુલમાં, અને ઇન્તંબુલમાં, તેનાથી મને ખુબ જ પ્રેરણા મળતી.

આ દરમિયાન મારા ઘણાબધા હીપ્પી મિત્રો બન્યા, જે લોકો મને ખાવાનું આપતા, માર્ગદર્શન આપતા નતનવું શીખવતા. હું એકલો નહોતો. હું મારા આ આખા સફરમાં એવી કોઈ જ વ્યક્તિને નહોતો મળ્યો જે મને ન ગમ્યો હોય. તે એક અલગ જ સમય હતો, પ્રેમ, શાંતિ અને સ્વતંત્રતાની એક અલગ જ દુનિયા હતી. મારા પ્રવાસ દરમિયાન જો કંઈ અડચણો રહી હોય તો તે માત્ર મારા ખ્યાલો અને મારી શંકાઓ જ હતા.”

ત્યાર બાદ તેમણે ત્યાં યુરોપમાં જ લગ્ન કરી લીધા. આ સદીની પ્રખ્યાત લવસ્ટોરીઝમાં આ લવસ્ટોરીનો પણ સમાવેશ થાય છે.

પોતાના શેર્લોટ સાથેના 40 વર્ષના લગ્નજીવન વિષે તેઓ જણાવૈ છે, “માત્ર એક જ રહસ્ય છે કે કોઈ જ રહસ્ય નથી ! લગ્ન એ એક સંપ છે માત્ર શારીરિક જ નહીં પણ આધ્યાત્મિક. જ્યારે હું ઘરમાં પ્રવેશું છું ત્યારે મારો અહંકાર બહાર મુકી દઉં છું. અહંકાર મગજ સાથે જોડાયેલો છે. હું મારા માનવ મગજને મેડ મંકી કહું છું. પણ જ્યારે તમે તમારો અહંકાર ઘરની બહાર મુકીને આવો છો ત્યારે તમારામાં માત્ર ખુલ્લાપણું જ બચ્યું હોય છે.”

તેમણે પોતાની આ મુસાફરી માટે જે સાઇકલ 60 રૂપિયામાં જુનામાંથી ખરીદી હતી તેને આજે પણ સાંચવી રાખી છે.

પોતાના આ સફર દરમિયાન તેઓ સાત દેશોમાંથી પસાર થયા હતા. લગ્ન બાદ તેમને 2 સંતાનો પણ થયા.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version