ઘર સંભાળવા સીઘી સાદી પત્ની અને શોખ પૂરા કરવા ફેશનેબલ સ્ત્રી.. આવું ડબલ વ્યકિતત્વ શું કામ હશે ..?

*”નિખાલસ થઇને મેં આ મેળવ્યો છે હાથ દોસ્તીનો,*

*સમજતો નહી કે હું આવી ગઇ તારા પંજામાં*

ઓફિસેથી ઘરે આવતા જ તરંગ નવાઇથી જોઇ રહ્યો. તેની પત્ની પૂજા બહુ ઉત્સાહમાં હતી ગેસ્ટ રૂમ સાફ કરતી હતી. તરંગને લાગ્યુ કે કોઇ મહેમાન આવવાના લાગે છે. આમ તો પૂજા મહેમાનથી કંટાળતી, પણ આજે બહુ ઉત્સાહમાં હતી. તરંગે પૂછયું તો જણાવ્યુ કે કાલે સવારે તેની ખાસ સહેલી કામીની આવવાની છે. કામીની નોકરી કરતી હતી તે કંપનીની હેડ ઓફિસ આ શહેરમાં હતી. કામીની ઓફિસના કામ માટે આવવાની હતી, પંદર દિવસ રહેવાની હતી એટલે ગેસ્ટરૂમ સાફ કરાવ્યો.

કામીનીનું નામ સાંભળતા જ તરંગના આખા શરીરમાં ઝણઝણાટી પ્રસરી ગઇ. કામીની ખૂબ જ સુંદર હતી. લાંબી, પાતળી, કમનીય દેહની માલકીન કામીની તરંગને ખૂબ ગમતી. નોકરી કરતી હોવાથી ફેશનેબલ હતી તરંગ તેને કયારેક જ અલપ-ઝલપ મળ્યો હતો. પણ હવે પૂરા પંદર દિવસ તેના ઘરે રોકાવવાની હતી. તરંગે ખુશી માંડમાંડ દબાવી રાખી. આખી રાત તેને નિંદર ન આવી.

image source

સવાર પડતા કામીની આવી પહોંચી … અને જાણે તરંગના ઘરમાં વસંતનું આગમન થઇ ગયું. દસ કલાકની મુસાફરી કરીને આવી હતી છતાં તરોતાજા હતી, હસતીહતી કામીનીને હસતા જોઇને તરંગને તેના હાસ્યને વીજળી સાથે સરખાવવાનું મન થઇ ગયું. રોજ મોડો ઊઠતો તરંગ વહેલો ઉઠીને પૂજા અને કામીની સાથે બેસી ગયો અને લાજ શરમ મૂકીને એકીનજરે કામીની સામે જોઇ રહ્યો સીઘીસાદી પૂજા અને એકદમ અપટુડેટ કામીનીની ગાઢ દોસ્તી તરંગને સમજાતી ન હતી થોડીવાર ત્રણેયે વાતો કરી અને કામીની તેના રૂમમાં ગઇ. પૂજાએ તરંગને કહ્યું કે, પંદર દિવસ કામીનીને તમારી સાથે લઇ જશો ? ઓફિસ મૂકી આવશો ?

image source

તરંગ ના પાડે ? તેના માટે તો ગમતીલું કામ.. તેણે તરત હા પાડતા કહ્યું.. “અરે તું કહે તો સાંજે તેડતો પણ આવીશ” પણ કામીનીએ ના પાડી.

કામીનીનું આગમન પૂજાના ઘરમાં જાણે ઉત્સવ જેવું બની ગયું. કામીની પોતાની સૂઝ પ્રમાણે પૂજાના ઘરમાંફેરફાર કરવા લાગી.પૂજા પણ તેની સાથે જોડાતી. કામીનીના વ્યકિતત્વમાં જ એવું કશુંક હતુ કે સામી વ્યકિત તેની વાત માની જ લે. પૂજા તેની વાત માનતી. કામીનીએ ઘરમાં ઘણો ફેરફાર કર્યો. પણ એક માત્ર પૂજાના વ્યક્તિવ્યની સાદાઇમાં ફેરફાર ન લાવી શકી. પૂજા અને કામીની બન્ને સાથે નીકળે ત્યારે જાણે પૂર્વ-પશ્ર્ચિમનું મિલન હોય તેવું લાગતું. તરંગ બન્નેને સાથે જોતો ત્યારે તેની નજર પૂજા પરથી સરકીને કામીની પર સ્થિર થતી.

જેમ કોઇ બાળક જુનું રમકડું મૂકીને નવા રમકડા તરફ લાલચભરી નજરે જોવે તેમ… તરંગ પણ અચાનક પોતાની જાત પ્રત્યે સભાન બની ગયો. લધરવધર રહેતો તરંગ પણ અટ-ટુ-ડેટ રહેવા લાગ્યો રજાના દિવસે કામીનીએ સવારે નાસ્તો બનાવ્યો તરંગ તેના વખાણ કરતા બોલ્યો, “વાહ… તમારા હાથમાં જાદુ છે. તમે જેને સ્પર્શ કરો તે સુંદર બની જાય છે. અમારા ઘરની રોનક તમારા સ્પર્શથી બદલાઇ ગઇ છે. હવે મને બીક છે કે તમે જાવ ત્યારે પાછું બઘું હતું તેવી હાલતમાં ન આવી જાય.”

“હવે આટલા બધા વખાણ કરવાનું રહેવા દો.. કયાંક હું ફુલાઇને જાડી થઇ જઇશ… હવે કોફી પી લો” કહેતા કામીનીએ તરંગને કોફી આપી. કોફીના દરેક ધૂંટમાં તરંગને કામીનીની સુગંધ આવતી હોય તેમ લાગ્યું. તેની નજર વારંવાર કામીની તરફ સ્થિર થતી હતી કામીની તેની નજર ઓળખી ગઇ હોય તેમ ત્યાંથી ઊભી થઈ ગઇ.

બે દિવસ પછી કામીનીનો જન્મદિવસ હતો. સાંજે ત્રણેયે ડિનર પર જવાનો પ્રોગ્રામ બનાવ્યો કામીનીએ વાદળી રંગની સ્ટાઇલીસ્ટ સાડી પહેરી હતી. તરંગને લાગ્યુ જાણે આસમાની પરી… તરંગની આંખો તેના સૌંદર્યને જોતા થાકતી ન હતી.હોટલમાં ડિનર લેતા પહેલા ડાન્સ ફલોર પર ત્રણેયે ડાન્સ કર્યો. પછી ડિનર પતાવ્યું અને છેલ્લે ડાન્સ ફલોર પર કપલ રાઉન્ડ શરૂ થયો.

તરંગે પહેલા પૂજાને કહ્યુ, પણ પૂજાએ ના પાડતા તેણે કામીનીને કહ્યું. કામીનીએ તો ના પાડી , પણ પૂજાએ પરાણે મોકલી. તરંગ કામીની સાથે ડાન્સ કરતા, તેની કમરમાં હાથ નાખતા જ અજીબ નશાથી ઝૂમી ઊઠયો. કામીનીના વખાણ કરતા બોલ્યો, “કામીની તમે ખૂબ સુંદર છો, મેં આજ સુઘી તમારા જેવી સ્ત્રી જોઇ નથી, તમે પહેલા કેમ ન મળ્યા?? આઇ લવ યુ કામીની… લવ યુ..”

તરંગ જાણે નશામાં બોલતો હતો. કામીની ચૂપચાપ તેનો બકવાસ સાંભળતી રહી. જેવું મ્યુઝીક પૂરૂં થયું તે સાથે જ તરંગનો હાથ છોડીને પૂજા પાસે દોડી ગઇ. અને “ચલો હવે ઘરે જઇએ” કહીને પૂજાનો હાથ પકડીને ચાલવા લાગી તરંગ પાછળ પાછળ ચાલ્યો. આખા રસ્તે કામીની કંઇ બોલી નહી… પૂજાએ પુછયું તો કહી દીઘું કે થાકી ગઇ છું.

ઘરે જઇને પણ કંઇ બોલ્યા વગર તે રૂમમાં ચાલી ગઇ. અને તરંગને નિંદર ન આવી. તે કામીનીના જ વિચાર કરતો રહ્યો. બીજા બે દિવસ એમ જ વીતી ગયા. કામીની પૂજા સાથે નોર્મલ હતી. કંઇ થયું જ ન હોય તેમ વર્તતી, પણ તરંગ સાથે તેણે દૂરી બનાવી લીઘી. પૂજાને શંકા ન જાય એટલે તરંગ સાથે ઓફિસે તો જતી, પણ કંઇ વાત ન કરતી. તરંગ બહુ બેચેન હતો. કામીનીનું વર્તન તેને સમજાતું ન હતું. તેણે પૂજાને ફરિયાદ પણ ન કરી અને તરંગનો જવાબ પણ ન આપ્યો.

…. અને કામીનીને જવાનો દિવસ આવી ગયો આજે તેનો છેલ્લો દિવસ હતો. તરંગે નકકી કર્યુ કે ઓફિસે મૂકવા જતી વખતે કામીની સાથે વાત કરવી જ… કારમાં બેસતા જ તે બોલ્યો, “કામીની તેં મારી વાતનો જવાબ ન આપ્યો. હું ખરેખર તને ચાહું છું, દિલના ઊંડાણથી તને પ્રેમ કરું છું. મારા પ્રેમનો સ્વીકાર કરી લે”

કામીની બે મિનિટ સામે જોઇ રહી , પછી બોલી, “ઓહો… તમે તો ઘણા આગળ વધી ગયા છો, શું ખરેખર મને ચાહો છો ?” “હા… કામીની હું તારા પ્રેમમાં ઘણો આગળ વધી ગયો છું, હવે પાછા ફરવું મુશ્કેલ છે.. હું તને ખૂબ ખૂબ ચાહું છું… તારા માટે મારૂં જીવન પણ આપી દઉ.” તરંગે કામીનીનો હાથપકડી લીઘો.

“પણ પૂજા તમારી પત્ની છે, તમને પ્રેમ કરે છે, તમે તેનો વિચાર કેમ નથી કરતા?” “અરે… છોડને… પૂજાને કયાં વચમાં લાવે છે ? કયાં તું અને કયાં એ ??? ઠીક છે, લગ્ન થયાં છે અને હવે દીકરો પણ છે એટલે જેમ તેમ નિભાવું છું. બાકી સીધી સાદી પૂજા મને નથી ગમતી. મને તો તારા જેવી તેજ, તર્રાર, સ્ફટીકી સૌંદર્ય ધરાવતી સ્ત્રી જ ગમે” તરંગની આંખમાં, તેના અવાજમાં નશો છવાય ગયો.

કામીની બે મીનીટ ચૂપ રહી. પછી બોલી… “સારૂં તરંગ.. તમારી વાત માની લઉ છું. પણ તમારે મારી વાત માનવી પડશે, તમે પૂજાને નહી, મને પસંદ કરો છો , તો પૂજાને છૂટાછેડા આપી દો, હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું.” “છૂટાછેડા? પૂજાને છૂટાછેડા કેવી રીતે આપું ? તું કેવી વાત કરે છે ? મારા દીકરાને અને પત્નીને કેવી રીતે છોડી દઉ?” તરંગ એકદમ થોથવાઇ ગયો કામીની આવી ઓફર કરશે એવું તેણે વિચાર્યુ જ ન હતું

“બસ…. આટલી વાતમાં ગભરાઇ ગયા ? આટલો જ પ્રેમ.? તરંગ આ પ્રેમ નથી, માત્ર વાસના છે, મારી ખાસ સહેલીના પતિ તરીખે હું તમારી સાથે વાત કરતી હતી. તેનો તમે આવો અર્થ લીઘો ? તમે કેમ વિચાર્યુ કે હું પૂજાને અન્યાય કરીશ? હું પૂજાની દોસ્ત છું, તેનું ઘર બરબાદ ન કરું, છૂટાછેડાની વાત તો માત્ર તમારી પરીક્ષા કરવા જ કરી હતી, બાકી પૂજાનું અહિત તો હું સપનામાં પણ ન વિચારું” કામીનીએ ગુસ્સામાં કહ્યું. “માફ કર કામીની… પણ હવે આ વાત મહેરબાની કરીને પૂજાને ન કરતી” તરંગના મન પરથી પ્રેમનો નશો ઉતરી ગયો.

કામીનીએ વચન આપ્યુ કે તે પૂજાને કંઇ નહી કહે, સાથે સાથે પોતાની જાતને પણ વચન આપ્યુ કે હવે બીજીવાર પૂજાના ઘરે રોકાવા નહી આવે. ખબર નહી, પુરુષોને મન સ્ત્રી એક રમકડું શું કામ હશે ? ઘરને સલામત રાખીને બહાર ભટકતા શું કામ હશે ? ઘર સંભાળવા સીઘી સાદી પત્ની અને શોખ પૂરા કરવા ફેશનેબલ સ્ત્રી.. આવું ડબલ વ્યકિતત્વ શું કામ હશે ..???

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ