પ્રેમ નો વરસાદ : એક પ્રણય ત્રિકોણ માં રચાતી વાત !!!

સર્વત્ર બસ પાણી પાણી જ દેખાતુ હતુ. કોઇ માટે પણ ઘરની બહાર નીકળવુ ખુબ જ અઘરુ જ નહી અશક્ય હતુ. પરંતુ આજે તેને જવુ ખુબ જ જરૂરી હતુ. આખરે વચનનો સવાલ હતો. વચન તો નિભાવ્યે જ છુટકો અને તેને પણ ખબર હતી કે નિરાલી પણ તેને મળવા આવશે જ. પોતાની જેમ એ પણ વચનની ખુબ પાકી હતી. તે પોતાની કમિટમેન્ટની ખુબ જ પાકી હતી. આટલા વર્ષોમાં કયારેય તેણે પોતાનુ વચન તોડ્યુ ન હતુ. કોઇ પણ પરિસ્થિતિમાં તે હોય, પણ પોતાની વાત પર ઉભી રહેતી અને તે ધારેલા કામ કરી જ લેતી. ઘણી વાર મુશ્કેલ સંજોગામાં પણ તે પોતાના કામ પુરી કરી લેતી.

અનરાધાર વરસાદ વરસી રહ્યો હતો. સામે નજર પણ ન પડે એવો વરસાદ પુરબહારમાં વરસી રહ્યો હતો. પોતે પુરૂષ હતો છતા આવા ભયાવહ વાતાવરણમાં બહાર નીકળતા તે મનોમન ડરી રહ્યો હતો પણ પોતાની ઇજ્જતનો આજે સવાલ હતો એટલે જવુ પણ ખુબ જરૂરી જ હતુ. સારું મમ્મી પપ્પા આજે બહારગામ ગયા હતા નહિ તો તેને બહાર નીકળવા માટે અનેક બહાના બનાવવા પડત.

તેણે ફટાફટ રેઇનકોટ પહેર્યો અને હેલ્મેંટ પણ પહેરી લીધી અને બહાર નજર કરી. રસ્તાઓ સુમસામ હતા. કોઇ માણસ દૂર દૂર સુધી નજરે દેખાતુ ન હતુ. આમ પણ કોઇ પાગલ જ હોય જે આવા ભયંકર વરસાદમાં બહાર નીકળે.

“આવા વાતાવરણમાં તેણે ક્યાં મળવાનુ વિચાર્યુ?” આવા વિચાર કરતો હતો ત્યાં નીલયને યાદ આવ્યુ કે જ્યારે એક મહિના પહેલા બન્નેએ આ દિવસે મળવાનુ વિચાર્યુ ત્યારે ક્યાં ખબર હતી કે મળવાના દિવસે જ આટલો ભયાનક વરસાદ ત્રાટકી પડશે.

અધુરામાં પુરૂ હોય તેમ તે જ્યાં ધ્યાન શિબિરમાં ગઇ હતી ત્યાં ફોન લઇ જવાની પણ મનાઇ હતી એટલે કોઇપણ જાતનો સંપર્ક શક્ય ન હતો. આજે એક મહિના બાદ ડાયરેક્ટ મળવાનુ હતુ.

પરોઢના ચાર ને પચાસ થઇ ચુકી હતી. તે પાંચ વાગ્યે આવવાની હતી. આવા વાતાવરણમાં તેને રાહ જોવડાવી એ યોગ્ય ન કહેવાય એ વિચારે નિલયે ફટાફટ બસ સ્ટેન્ડ પહોંચવાનુ નક્કી કર્યુ અને ઘરને તાળુ મારી પોતાની બાઇક લઇને નીકળી ગયો.

વરસાદનો પ્રકોપ ખુબ જ વધારે હતો. બધા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. બસ સ્ટેશન જવાના અમૂક રસ્તા તો વરસાદના પાણી ભરાવાના કારણે બંધ જ થઇ ગયા હતા એટલે નિલયને થોડા બસ સ્ટેશન પહોંચતા થોડી વાર લાગી. બાઇક પાર્ક કરી તેણે ચારે બાજુ નજર ફેરવી પણ બસ સ્ટેશન પર કોઇ ન દેખાયુ એટલે દોડતો તે ઇન્ક્વાયરી તરફ ગયો અને બસની પુછપરછ કરી.

નિરાલીની બસ પુરા એક કલાક લેઇટ હતી. બસ સ્ટેન્ડ પણ સુમસાન હતુ. નહિવત જેવા લોકો આટા મારી રહ્યા હતા. ચારે બાજુ વાંછટના પાણી ઉડી રહ્યા હતા. હવે એક કલાક સુધી નિરાલીની રાહ જોવાનુ વિચારી તે બાંકડા પર બેસી ગયો.

નિરાલી તો ફોન લઇને પણ ગઇ ન હતી. હવે ટાઇમ પાસ કરવા માટે કંઇક કરવુ જરૂરી હતુ. તેણે ટાઇમ પાસ કરવા માટે જીન્સના પોકેટમાંથી પોતાનો ફોન બહાર કાઢ્યો. જોયુ તો નેટ ઓફ હતુ એટલે તેણે નેટ ઓન કર્યુ અને જેવુ નેટ ઓન થયુ કે અચાનક મેસેજ આવવાના શરૂ થઇ ગયા.

નિલયે જોયુ તો કેથીના પચાસેક જેટલા મેસેજ આવી ચુક્યા હતા. નિલય કેથીના મેસેજ છે એ જાણી જ ચિંતાથી વ્યગ્ર બની ગયો. તેના માટે હવે આ બધુ હદ્દથી વધી રહ્યુ હતુ. એક બાજુ નિરાલી હતી જેને તે દિલોજાનથી ચાહતો હતો અને બીજી બાજુ કેથી, કે જે તેની ફેસબુક ફ્રેન્ડ હતી. ફેસબુકમાં હાય…… હેલ્લો…… થી શરૂ થયેલી બન્નેની મુલાકાત અને ફ્રેન્ડશીપ હવે મિત્રતાથી આગળ વધી રહી હતી. નિલય જાણતો હતો કે જે થઇ રહ્યુ હતુ એ યોગ્ય ન હતુ પણ ઇચ્છવા છતા તે પોતાની જાતને રોકી શકતો જ ન હતો. કેથીના મેસેજ આવતાની સાથે જ તે કેથી સાથે વાત કરવા વ્યાકુળ બની જતો.

આજે પણ એવુ જ બન્યુ. નિરાલીની રાહ જોવામાં તેણે કેથી સાથે ચેટ સ્ટાર્ટ કરી અને દોઢેક કલાક જેટલો સમય ક્યારે વીતી ગયો અને નિરાલીની બસ પણ આવી ગઇ એ વાતનો નિલયને ખ્યાલ જ ન રહ્યો.

“નીલ, પ્લીઝ રિપ્લાઇ મી, ડુ યુ લાઇક મી ઓર નોટ?” નિલયે નિરાલીને બસમાંથી ઊતરતી જોઇ અને આ બાજુ કેથીનો આ રીતનો મેસેજ આવ્યો.

નિલયે મેસેજ તો વાંચ્યો પણ નિરાલીને જોઇને તેણે ફોન હાથમાં દબાવી દીધો અને નિરાલીને મળવા દોડ્યો.

નીરાલી અને નિલય જેવા બન્ને મળ્યા કે એકબીજાને ભેટી પડ્યા. નિલયે પણ ફોન ખીસ્સામાં મુકી દીધો.

“આઇ રીઅલી મીસ્ડ યુ યાર.” નિલયે તેને વ્હાલથી કહ્યુ. “મી ટુ યાર.” નિલયે અનુભવ્યુ કે નિરાલીના હાવભાવ કાંઇક અલગ હતા પણ નિરાલી થાકેલી હશે એમ વિચારી તેણે એ બાબતે બહુ ધ્યાન આપ્યુ નહી.

નિલયના ફોનની બીપ સતત વાગી રહી હતી. નિલય સમજી ગયો હતો કે કેથીના જ મેસેજ આવી રહ્યા છે પણ અત્યારે નિરાલી સામે હતી તો તેણે મેસેજ વાંચવાનુ ટાળી દીધુ. એકવાર તો તેને ફોન ઓફ કરી દેવાનુ વિચાર્યુ પણ નિરાલીને અજુગતુ મહેસુસ થશે એ વિચારે તેણે ફોન ઓફ કરવાનુ ટાળ્યુ.

મનમાં જયારે ચોર હોય ત્યારે સામેવાળા કંઇ જાણતા ન હોવા છતાંય ખુબ જ ડર લાગે છે. નીલયને આજે એક મહિના બાદ નિરાલી મળી હતી. પરંતુ કેથીના સતત આવતા મેસેજથી તેને ખુબ જ ડર લાગી રહ્યો હતો. કે જલ્દી તે અહીંથી દુર જતો રહે.

નિરાલી અને નિલય બન્ને બસ સ્ટેન્ડ પર જ વાતો કરતા બેસી ગયા. આમ પણ વરસાદને કારણે કોઇ રેસ્ટોરાં તો ખુલી ન હતી આથી બન્ને વાતોમાં મશગુલ બન્ને ત્યાં જ બેસી ગયા. નિરાલી તેને ધ્યાન અને તેનાથી મળેલી માનસિક શાંતિની વાતો કરી રહી હતી પણ સતત મેસેજના બીપને લીધે નિલયનુ મન અશાંત જ થઇ રહ્યુ હતુ. તેના ચહેરા પર અશાતિની રેખાઓ અંકાયેલી સાફ સાફ નજરે દેખાતી હતી.
***********************
“કેથી કે નિરાલી? મારા જીવનમાં સૌથી મહત્વની વ્યક્તિ કોણ છે? હું કેમ કોઇ યોગ્ય નિર્ણય લઇ શકતો નથી.” નિલય એ વિચાર ખાઇ રહ્યો હતો.

“નીલુ આઇ લવ યુ.” બેસ્ટ ફ્રેન્ડ એવી નિરાલીએ જ્યારે તેને પ્રપોઝ કર્યુ હતુ તે દિવસ નિલય માટે કોઇ મોટા તહેવારથી કમ ન હતો. કોલેજના પ્રથમ વર્ષથી જ શાંત, સરળ અને હોશિયાર નિરાલી તેના મનને ભાવી ગઇ હતી. પરંતુ બન્નેના સ્વભાવમાં જમીન આસમાનનો ફર્ક હતો. નિલય વાતોડી,અલ્લડ અને એકદમ બીનદાસ સ્વભાવનો હતો જ્યારે નિરાલી શાંત, સંયમી અને બહુ ઓછુ બોલનારી હતી. બન્નેના આવા વિરૂધ્ધ સ્વભાવને કારણે નિલય તેને પ્રપોઝ કરતા અચકાઇ રહ્યો હતો ત્યારે નિરાલીએ સામેથી તેને પ્રપોઝ કર્યુ તેથી નિલયની ખુશીનો પાર ન હતો.

નિલયે ક્યારેય વિચાર્યુ હતુ કે નિરાલી સામે ચાલીને તેને પ્રપોઝ કરશે. નિલય તો નિરાલીના પ્રપોઝથી સાતમાં આસમાને વિહરી રહ્યો હતો. બન્નેએ કોલેજ દરમિયાન ગોલ્ડન ટાઇમ સ્પેન્ડ કર્યો. નિરાલી અને પોતે તદ્દન વિરૂધ્ધ સ્વભાવના હોવા છતા બન્ને વચ્ચે મનમેળ ખુબ સારો હતો.

નિરાલીને ધ્યાન પ્રત્યે ખુબ રસરૂચિ હતા. દરરોજ નિરાલી દિવસના અમૂક કલાકો તો ધ્યાનમાં વિતાવતી જ, જ્યારે નિલયને આ ધ્યાન અને પ્રાણાયમ પલ્લે જ ન પડતા.

કેથી નિલયની ફેસબુક ફ્રેન્ડ માત્ર હતી. બન્નેએ ક્યારેય ફોન પર વાત કરી ન હતી. નિલય ફ્રી હોય ત્યારે બસ કેથી સાથે ચેટ કરતો. ધીમે ધીમે બન્ને એકબીજાના આદી બની ગયા હતા. ચેટ કરવી એ બન્ને માટે રૂટિન બની ગયુ હતુ. સ્વભાવે સરળ અને શાંત એવી કેથી સાથે ક્યારે સમય પસાર થઇ જતો એ નિલયને ખબર જ ન રહેતી. નિરાલી પોતાની ધ્યાનાવસ્થા અને વર્કશોપમાં બીઝી હોય ત્યારે નિલય કેથી સાથે ચેટમાં મશગુલ રહેતો.

બન્ને વચ્ચે મજાક મસ્તીના સબંધ ગાઢ મિત્ર જેવા બની ગયા હતા. મજાક મજાકમાં નિલયથી કેથીને એક વખત આઇ લવ યુ કહેવાઇ ગયુ એ કેથીએ ગંભીરતાથી લઇ લીધુ. હવે કેથી હાથ ધોઇને નિલયની પાછળ જ પડી ગઇ હતી.

નિરાલી અને નિલય બંન્નેના પરિવાર પણ લગ્ન માટે રાજી થઇ ગયા હતા. હવે બસ તેને જોબનો કોલ લેટર મળી જાય એટલે બસ તેઓની સગાઇ થઇ જવાની હતી. પરંતુ ન જાણે કેમ જોયા વિનાની તેની મિત્ર કેથી તરફ તેનુ મન શા માટે વારંવાર ખેચાઇ રહ્યુ હતુ.

નિરાલીને મળ્યા બાદ અને કેથીના મેસેજ વાંચ્યા બાદ નિલય દ્વિધામાં ફસાઇ ગયો હતો. ક્યારેય ન જોયેલી કેથી કે પછી દરરોજ જેની સાથે સમય વિતાવતો એ નિરાલી, એ બન્નેમાંથી કોણ તેના દિલની નજીક છે અને પોતે કોને દિલથી ચાહે છે, એ બાબતે બહુ મોટુ તોફાન તેના મનમાં ઉઠ્યુ હતુ.

બેચેનીમાં જ તેની આંખમાંથી ઊંઘ ઊડી ગઇ હતી. મોડી રાત થઇ હતી અને કેથીના મેસેજ પણ આવતા હતા પણ આજે નિલય તેની સાથે ચેટના મુડમાં ન હતો એટલે તેણે ફોન સ્વિચ્ડ ઓફ કરી ચાર્જમાં મૂકી દીધો અને બેડ પર આડો પડ્યો.

સવારે આઠ વાગ્યે તેની ઊંઘ ઊડી. ફોન હાથમાં લઇ જેવો ફોન ઓન થયો કે કેથીના સો થી વધુ મેસેજ હતા વૉટ્સ એપ પર. એક પછી એક તેણે મેસેજ વાંચ્યા. બન્ને મળ્યા એ દિવસથી આજ સુધીની બધી યાદોને તેણે શબ્દોમાં વર્ણવી હતી અને પોતાની ભાવનાઓ વ્યક્ત કરવા તે નિલયને મળવા ઇચ્છતી હતી. આ બધુ વાંચી નિલય કાંઇ વિચારે સમજે એ પહેલા જ તેનો ફોન રણકી ઉઠ્યો, જોયુ તો નિરાલીનો ફોન હતો.

નસીબ પણ કેવા ખેલ રચે છે! નહી. નિરાલી પણ નિલયને મળવા માંગતી હતી.

“યાર, એક કલાકમાં મારે વર્કશોપ માટે દિલ્હી નીકળવાનુ છે, એ પહેલા મારે તને મળવુ છે અને મળીને આપણા ભવિષ્ય વિષે થોડી વાત કરવી છે. પ્લીઝ ટાઇમસર આવી પહોંચજે.”

“નિરાલી, મારે…. મારે…. એવુ છે ને કે…” કહેવાનુ હતુ એ નિલય બોલી ન શક્યો.

“મારે તારુ કાંઇ બાંઇ સાંભળવુ નથી, તારે આવવાનુ છે બસ.” કહેતા જ નિરાલીએ ફોન કાપી નાખ્યો.

કેથી આજે પહેલી વખત તેને મળવા આવી રહી હતી અને નિરાલી આજે દિલ્હી જતા તેને છેલ્લી વખત મળવાનુ કહેતી હતી, હવે બે માંથી ક્યાં જવુ? વિચારોના ભ્ંવરમાં ફસાયેલો નિલય માથે હાથ દઇ બેડ પર જ બેસી ગયો. પરાણે તૈયાર થયો અને નિરાલીએ મેસેજ કર્યો હતો એ રેસ્ટોરાં પર તે પહોંચી ગયો. થોડી જ વારમાં નિરાલી આવી.

“નીલુ, સોરી થોડી મોડી આવી.” બેસતા તેણે માંફી માંગતા કહ્યુ અને વેઇટરને કહીને એક ખુરશી એક્સ્ટ્રા મંગાવી.

“નિરાલી, એક વધુ ખુરશી કેમ? કોઇ આવે છે?”

“કાલ્મ ડાઉન યાર. જસ્ટ વેઇટ પ્લીઝ. હમણા બધુ જ તને સમજાઇ જશે.”

ત્રણ કોફીના ઓર્ડર કર્યા નિરાલીએ ત્યાં એક યુવક આવ્યો અને નિરાલીને શેક હેન્ડ કર્યા. નિરાલીએ નિલય અને મનહરની ઓળખ કરાવી. મનહર મોટા મોટા શહેરોમાં ધ્યાનના વર્કશોપ ચલાવતો હતો. નિરાલી અને મનહરની મુલાકાત દિલ્હીમાં થઇ હતી.

“નીલુ, હવે હું જે કહેવા માંગુ છું એ સાંભળી પ્લીઝ ગુસ્સો ન કરજે. શાંત ચિતે અને ધૈર્યથી મારી વાતને સાંભળજે.” નિરાલીએ પ્રસ્તાવના બાંધતા કહ્યુ. “યા પણ મને એ તો કહે કે શા માટે તુ અને મનહર બન્ને?”

“નિલય મે બહુ વિચાર્યુ આપણા બન્નેના ભવિષ્ય વિષે પણ સાચુ કહુ તો મને લાગતુ નથી કે હું આખી જીંદગી તારી સાથે વિતાવી શકુ એમ છું. આપણા બન્નેના સ્વભાવ તદ્દન વિપરીત છે. મારો તારા તરફનો ઝુકાવ એ સાચુ કહુ તો ટીન એજનું એક આકર્ષણ માત્ર હતુ, નથીંગ એલ્સ. મનહરમાં મને એ બધા ગુણ દેખાય છે જે મારા લાઇફ પાર્ટનરમાં હોવા જોઇએ. તેના અને મારા વિચારો અને શોખ બન્ને મળતા આવે છે જ્યારે આપણા બન્ને વચ્ચે દૂર દૂર સુધી ક્યાંય સામ્યતા દેખાતી નથી. આજે બસ મારે એ જ કહેવા માટે તને મળવુ હતુ કે હું હંમેશાને માટે દિલ્હી જઇ રહી છું અને નજીકના જ ભવિષ્યમાં હું અને મનહર લગ્નગ્રંથીથી જોડાઇ જવાના છીએ. હું જાણું છું કે આ જાણી તને સારૂ મહેસુસ નહી થાય પણ જે હકિકત છે એ આ તારી સામે છે અને આ હકિકત તારે સ્વિકારવી જ રહી.”

નિરાલીની વાત ચાલુ હતી ત્યાં જ નિલયનો ફોન રણકી ઉઠ્યો. જોયુ તો કેથી હતી. નિલય સમજી ગયો કે કેથી આવી ચુકી છે. “એક્સક્યુઝ મી નિરાલી, આઇ હેવ ટુ ગો. ઇમરજન્સી કોલ. નાઇસ ટુ મીટ યુ મનહર. બેસ્ટ વીશીશ ટુ બોથ ઓફ યુ.” કહેતો નિલય ત્યાંથી દોડી નીકળ્યો અને સીધો દોડતો કેથીને મળવા જઇ દોડ્યો.

જેવો તે પહોંચ્યો, તે દોડત કેથીને ભેંટી પડ્યો. તેને એ પણ ભાન ન રહ્યુ કે તે બન્ને રેસ્ટોરાંમાં છે. કેથીને સમજી ગઇ હતી કે નિલયનો જવાબ હકારાત્મક છે અને તે પણ કોઇની પણ પરવા કર્યા વિના નિલયને જોશથી ભેટી પડી. કેથીની આંખમાં આસુ હતા. નિલયની આંખમાં પણ, પરંતુ નિલય હજુ એ સમજી શક્યો ન હતો કે આ આંસુ કેથીને આજીવન મેળવ્યા બદલ સરી રહ્યા છે કે નિરાલીને હંમેશાને માટે ખોઇ દેવા બદલ….. ભગવાનની ઇચ્છા સમજી તે બસ કેથીની બાન્હોમાં સમાઇ ગયો.

લેખક : રૂપેશ ગોકાણી

રૂપેશ ગોકાણી લિખિત એક અનોખી પ્રણયકથા એવી “કોફી હાઉસ” નવલકથા વાંચવા માટે અત્યારે જ ખરીદો – https://goo.gl/kaeDSm
www.dealdil.com
Whatsapp Support : 08000057004
Call Support : 08000058004
Email : [email protected]

ટીપ્પણી