પ્રેમ જીવનસંગિનીને – લેખકે સાચું લખ્યું છે જે તે વ્યક્તિની કિંમત ત્યારે જ સમજાય જયારે તે વ્યક્તિ આપણી સાથે ના હોય તમે પણ વાંચો અને સમજો…

“મિશ્વા, જરા ટુવાલ આપતો !….મિશ્વા પછી મારે મોડુ થશે ! કેટલી વાર મિશ્વા ?” ક્લિનિક જવાની ઉતાવળ માં અને રઘવાયો અધીરો બનેલો પૂરવ બાથરૂમ માં નાહી ને મિશ્વા ની રાહ જોઈ રહ્યો હતો. “તમે પણ રોજ રોજ આમ ટુવાલ ભૂલી જાઓ છો, જાતે લઈ ને બેસાય ને ! ને મારે રોટલી બનાવતાં, બનાવતાં વચ્ચે વિરામ લઈ ને તમને ટુવાલ આપવા આવાનું ?”

ને આમ જ થોડી ખાટી-મીઠી નોકઝોક વચ્ચે મિશ્વા અને પૂરવ ની સવાર પડતી. પૂરવ તૈયાર થઈ ને આવે કે તરત એની કોફી અને ટિફિન તૈયાર હોતાં. કોફીનો કપ હજુ પૂરો થાય ના થાય પૂરવની કાર સ્ટાર્ટ થઈ ને વાયુવેગે અદ્રશ્ય થઈ જતી ને પૂરવ ને બાય કહેવા ઊંચે થયેલો મિશ્વા નો હાથ ઊંચો જ રહી જતો.


ક્લિનિક માં કામ માં વ્યસ્ત પૂરવ ના મોબાઇલ માં મિશ્વા ની રિંગ આવતી, ને વ્યસ્ત પૂરવ પાસે મિશ્વા ને જવાબ આપવાનો પણ સમય નહોતો.
સાંજ ઘરે આવતાં જ જરા અસ્તવયસ્ત ઘર જોઈ ને પૂરવ નું નાક નું ટેરવું ચડી ગયું, મિશ્વા આજ કેમ ઘર સાફ નથી ? બધુ જ અસ્તવયસ્ત છે? જરા ગુસ્સા માં પૂરવ પોતાના ઘર ની સાજ સજાવટ માં લાગી જતો.

“તમને સમય જ ક્યાં છે ? બપોરે એટલે જ તો ફોન કર્યો હતો કે બાજુ વાળા આંટી ના ત્યાં એક પ્રસંગ માં જાઉં છું, તો આવતાં જરા મોડુ થશે, પણ તમને મારા ફોન નો જવાબ આપવાનો પણ સમય જ ક્યાં હોય છે! બપોરે વાત થઈ હોત તો જોડે ટિફિન જમ્યા ના જમ્યા એ પણ પૂછી લેત, પણ તમે ….જવા દો, હવે આ તો મારે રોજ નું થયું,” મિશ્વા હાથ માં રહેલો પાણી નો ગ્લાસ ટીપોઇ પર મૂકી ને કામ માં રસોડા માં વ્યસ્ત થઈ ગઈ.


“ને સાંભળો, આજે શાકભાજી લેવા જવાનું છે, તમે લઈ આવો, હું રસોઈ તૈયાર કરી લઉં.” રસોડા માં કામ કરતાં કરતાં પૂરવ ને કહી રહી હતી.
“પહેલા, કહ્યું હોત તો ક્લિનિક થી વળતાં જ લેતો આવત.” પૂરવ ના નાક પર ગુસ્સો ચડી રહ્યો હતો. “ પણ, તમે ફોન જ ક્યાં ઉપાડયો?” મિશ્વાએ પણ પૂરવ ના ગુસ્સા નો પ્રતિકાર કર્યો.

“ચાલ તું સાથે આવ, આપણે બંને સાથે લઈ આવીએ, હું એક્ટિવા બહાર કાઢું.” ને પૂરવ એક્ટિવા સ્ટાર્ટ કરી મિશ્વા માટે હોર્ન પર હોર્ન વગાડવા લાગ્યો. મિશ્વા પણ પૂરવ ના સ્વભાવ ને અનુરૂપ જલ્દી જલ્દી એક્ટિવા માં ગોઠવાઈ કે પૂરવ નું એક્ટિવા સડસડાટ સોસાયટી ને પાર કરી ગયું, હજુ તો પૂરવે સોસાયટી ની બહાર વળાંક લીધો કે તરત જ સામેથી આવતાં એક પુરપાટ બાઈકે પૂરવના એક્ટિવા સાથે ગમખ્વાર અકસ્માત કરી દીધો. જ્યારે ભાન આવ્યું ત્યારે પૂરવ હોસ્પિટલ માં હતો.


“મિશ્વા”? મિશ્વા”? સફાળા જાગેલા પૂરવ ની આંખો ચારેકોર મિશ્વા ને શોધી રહી હતી. પૂરવ ના મમ્મી પપ્પા ને પૂરવ ના સાસુ સસરા બધા ની આંખો આજ ભીની હતી, કોઈનામાં પણ પૂરવ ને હકીકત કહેવાની હિમ્મત નહોતી. “મિશ્વા હવે આ દુનિયા માં નહોતી.” એ વાત પૂરવ માની શકતો નહોતો, એને લાગતું કે બધા જુઠ્ઠું બોલે છે.

“મિ…શ્વા…..” એ ચીસ સાથે એ આકાશ માં ભગવાન સામે બે હાથ જોડી ને રડી રહ્યો હતો, “ભગવાન, કેમ આવું કર્યું?” ભગવાન, ના ભગવાન ના !” ને પૂરવ ની અશ્રુધારા આજ બંધ નહોતી થતી. પૂરવ ની પણ બચવાની શક્યતા નહોતી અને એ આજે 4 દિવસે તમામ ડોક્ટર્સ ની મહામહેનતે બચ્યો હતો, એટલે મિશ્વા ના અગ્નિસંસ્કાર ને અંતિમવિધી માં પણ નહોતો જઈ શક્યો ને મિશ્વા નો ચહેરો અંતિમ વાર પણ જોઈ ના શક્યો, એ વાત નું હ્રદય માં ભારોભાર દુખ હતું, છેલ્લી વાર મિશ્વા ના કપાળ પર ચુંબન કરી મિશ્વા ને “આઇ લવ યૂ, મિશ્વા” એ પણ ના કહી શકાયુ એ વાત નો પૂરવ છાતી માં ભાર લઈ ને ફરી રહ્યો હતો.

મિશ્વા ની બેસણાવિધી માં આવેલા મહેમાનો ના લીધે એ દિવસો ક્યાં ગયા એની પૂરવ ને ખબર ના પડી પણ હવે પૂરવ હવે એકલો અને અટુલો હતો. હવે મિશ્વા વગર ના ઘર માં સૂનકાર ભાસતો. પૂરવ મિશ્વા ને દરેક રૂમ માં “મિશ્વા -મિશ્વા” અશ્રુમિશ્રિત બૂમ સાથે શોધતો, એને એવું લાગતું હમણાં મિશ્વા આ રૂમ માંથી બહાર આવશે. મિશ્વા ની યાદ માં સતત આંસુ સારતા પૂરવ ને નીંદર પણ નહોતી આવતી.


રાત ના 2 વાગે એને એવું લાગતું કે મિશ્વા ગૅલેરી માં આવી છે, ને એ મિશ્વા ને ભેટવા દોડી જતો. મિશ્વા ને ભેટતો ને અભાષી મિશ્વા સાથે રડી રડી ને વાતો કરતો, ને મિશ્વા પૂરવ ને એના માથા પર હાથ ફેરવી ને પોતાના ખોળા માં સુવડાવી દેતી. સવાર પડતી ત્યારે પૂરવ એકલો ગૅલેરી માં હોતો ને ઉઠતાં જ “મિશ્વા મિશ્વા” એવી બૂમ સાથે મિશ્વા ને શોધતો ને પાછો રડી પડતો. ભીની આંખે ગૅલૅરી ની બહાર જોતો.

સુરજ આજ ફરી વાદળ પાછળ સંતાયો, ફરી આજે પક્ષીઓ ચહેકયા, ફરી આજ ફૂલો મહેકયા પણ આજ તું ક્યાં “મિશ્વા” ? ને પૂરવ ભીની આંખો એ આકાશ માં તાકી રહેતો. રસોડા માં જ્યારે એ હવે કોફી બનાવતો ત્યારે રસોડા ના બધા વાસણો ને સ્પર્શી ને મિશ્વા ની યાદ માં શૂન્યમનસ્ક થઈ જતો. “મિશ્વા, હું ક્લિનિક થી આવતાં શાકભાજી લેતો આવ્યો છું, એટલે હવે આપણે શાકભાજી લેવા જવાની જરૂર નથી.” “ મિશ્વા, તું રસોઈ બનાવ, હું શાકભાજી લઈ ને આવું છું.” “મિશ્વા,ચાલ આપણે આજ કાર લઈ ને શાકભાજી લેવા જઈએ.” “મિશ્વા, લે આ હેલ્મેટ પહેરી ને એક્ટિવા માં બેસી જા, હું પણ હેલ્મેટ પહેરી લઉં.”


પૂરવના મન માં એ ગોઝારી ઘટના ને કેવી રીતે નિવારી શક્યો હોત, એ વાતો સતત ઘૂમરાયા કરતી. સવાર ઉઠતાં, બ્રશ કરતાં, નાહતી વખતે ટુવાલ લેતાં સતત મિશ્વા ની યાદ ના લીધે આંખો ના આંસુઓ સુકાતાં નહોતાં. કાર ચલાવતાં ચલાવતાં મિશ્વા બાજુ માં હજુય બેસી છે એવા આભાષ સાથે એ મિશ્વા નો હાથ પકડતો. જેમ દિવસો પસાર થતાં એમ ક્લિનિક માં વ્યસ્ત પૂરવ ભૂલી જતો કે મિશ્વા હવે નથી, એને એવું જ લાગતું કે મિશ્વા ઘરે જ છે ને હમણાં ફોન કરશે, પણ જ્યારે જ્યારે એ ફોન જોતો ત્યારે ત્યારે એને ખ્યાલ આવતો કે મિશ્વા નો કોલ હવે ક્યારેય નથી આવવાનો ને પૂરવ નું હ્રદય દ્રવી ઊઠતું.

એ મિશ્વા ના વ્હાટ્સ એપ માં એનું પ્રોફાઇલ પિક્ચર જોઈ ને ભીની આંખે એના કપાળ પર ચુંબન કરતો ને મિશ્વા ને હજુ ય “આઇ લવ યૂ, મિસ યૂ મિશ્વા” એવા મેસેજ કરતો, પૂરવ ને થતું ક્યાંક મેસેજ ડિલિવર થઈ જાય તો મિશ્વા ને ખ્યાલ આવે હવે એ પોતાની જીવનસંગિની ને કેટલો પ્રેમ કરે છે, કેટલું યાદ કરે છે. ને મોબાઇલ લઈ ને ફરી પાછો એ બાથરૂમ માં જઈ ને આંસુ સારતો. દિવસો વિતતા પણ મિશ્વા ની યાદ માં પૂરવ ના આંસુઓ સુકાતાં જ નહોતાં.

રોજ રાત્રે ગૅલેરી માં મિશ્વા મળવા આવે છે એવો આભાષ સાથે એ મિશ્વા ની રાહ જોતો પૂરવ રડતાં હ્રદયે આકાશ માં તાકી રહ્યો હતો, આજ મિશ્વા કેમ ના આવી ? “મિશ્વા…મિશ્વા…” એવી બૂમ સાથે એક દુસ્વપ્ન માંથી પૂરવ ની આંખ ખૂલી, જોયું તો પથારી માં બાજુ માં જ મિશ્વા પોઢી રહી હતી.


મિશ્વા વગર એની દુનિયા કેવી સૂની પડી જાય એવું દુસ્વપ્ન પૂરવ ની આંખ માં ઝળઝળિયા લાવી ગયું, મિશ્વા ને એ કેટલો પ્રેમ કરે છે એ વાત નો અનુભવ હવે થયો ને એ બાજુ માં પોઢેલી મિશ્વા ના કપાળ પર ચુંબન કરી ને મિશ્વા ને ભેટી ને સૂઈ ગયો.

સવાર પડી ત્યારે આજ પૂરવ અલગ જ હતો, ઉઠતાં જ મિશ્વા ને ભેટી ને આઇ લવ યૂ કહી દીધું. ટુવાલ લઈ ને ના બેસતો પૂરવ આજ યુવલ લઈ ને નાહવાં ગયો, કોફી લઈ ને આવેલી મિશ્વા ને ભેટી ને ફરીથી કપાળ પર ચુંબન કરી ને ફરી આઇ લવ યૂ કહી દીધું. બપોરે પૂરવ નો સામેથી કોલ આવ્યો. સાંજ આવતાં જ મિશ્વા ને ભેટી પડતો ને મિશ્વા પણ પૂરવ ની છાતી પર પોતાનું માથું ઢાળી દેતી. પૂરવ માં અચાનક આવેલા બદલાવ થી મિશ્વા ને નવાઈ લાગતી પણ આ બદલાવ થી મિશ્વા ખૂબ જ ખુશ હતી.

“ મિશ્વા, વચન આપ કે તું એક્ટિવા પર જ્યારે જઈશ ત્યારે હેલ્મેટ પહેરી ને જ જઈશ.” હાથ માં હાથ પકડી ને આજ પૂરવ મિશ્વા પાસે વચન માંગી રહ્યો હતો. “ હા, પૂરવ, હું હમેશા હેલ્મેટ પહેરી ને જ એક્ટિવા ચલાવીશ, તમે પણ વચન આપો કે તમે પણ હેલ્મેટ પહેરી ને ચલાવશો ને કાર ચલાવતી વખતે તમે પણ સીટ બેલ્ટ બાંધશો. તમારા વગર હું એક પળ પણ ના રહી શકું પૂરવ.” ને મિશ્વા પૂરવ ની છાતી પર માથું ઢાળતા ઢાળતા રડી પડી.


“ હા મિશ્વા હું પણ વચન આપું છું ને મિશ્વા હું પણ મિશ્વા તારા વગર એક ક્ષણ પણ જીવી ના શકું. આઇ લવ યૂ સો મચ, મિશ્વા.” પૂરવ પણ ભીની આંખો એ મિશ્વા ના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં લાગણીશીલ બની ગયો. પોતાની જીવનસંગીની ને કેટલો પ્રેમ કરે છે એ પૂરવ ને સમજાઈ ગયું હતું.
“ આઇ લવ યૂ માય હબી” મિશ્વા એ બંધ આંખો એ જ પ્રત્યુત્તર આપી દીધો.

(ભારત માં દર વર્ષે 1.3 લાખ થી વધુ લોકો રોડ ટ્રાફિક એક્સિડેંટ માં મૃત્યુ પામે છે એટલે જ્યારે પણ ડ્રાઇવિંગ કરો તો સલામતી ના તમામ ધોરણો ને અનુસરો, બાઇક ચલાવતાં હેલ્મેટ અવશ્ય પહેરો ને તમારી પાછળ બેસેલી “મિશ્વા” ને પણ અચૂક હેલ્મેટ પહેરાવો, કેમ કે કોઈ સ્વજન ને ગુમાવ્યાં નું દુખ તો એના હ્રદય ની નજીક હોય એને જ ખ્યાલ આવશે.

ને હા…તમારી “ મિશ્વા” જીવંત છે ત્યાં સુધી આજે જ એને જતાવો કે તમે એને કેટલો પ્રેમ કરો છો, રસોડા માં જાઓ, રસોઈ કરતી તમારી મિશ્વા ની આંખો માં આંખો નાખી ને ભેટી ને કપાળ પર ચુંબન કરી ને કહો કે “ આઇ લવ યૂ સો મચ.” શું ખબર કદાચ કાલ તમે એને કહી ના શકો.

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ” (MBBS, M.D.)

દરરોજ આવી અનેક અવનવી વાર્તાઓ વાંચો ફક્ત અમારા પેજ પર..