જલ્સા કરોને જેંતીલાલ

પ્રેમ- ફરી એકવાર – એક બાળકી જે જોઈ રહી છે રાહ પોતાની માતાની પણ પપ્પા કરવાના છે ફરીવાર લગ્ન…

“પપ્પા, મમ્મી ને આજે પણ સાથે લઈ ને ના આવ્યા ?” સાડા 3 વર્ષ ની મોક્ષા ની આંખો માં નિરાશા ડોકું કરી રહી હતી. “બેટા, મમ્મી ને હવે જલ્દી થી સાથે લઈને આવીશ.” વિશેષ ના અવાજ માં હવે ઉત્સાહ નો વ્યાપ હતો.


********************************

નૈયા ના ગાલ પર ની લાલીમા આજે વધારે નીખરી રહી હતી, હ્રદય માં ખુશી ની લહેરખીની દોડાદોડ એ સ્પષ્ટ અનુભવી રહી હતી, કેમ કે મમ્મી પપ્પા ના મોં એ વિશેષ ના ખૂબ જ વખાણ સાંભળ્યા હતા અને આજે વિશેષ નૈયા ને જોવા આવી રહ્યો હતો. નૈયા ના મમ્મી અને પપ્પા બંને ને વિશેષ માટે કઈક વિશેષ જ માન હતું, વિશેષ નૈયા ના પપ્પા ના મિત્ર નો એક નો એક દીકરો હતો અને હમણાં જ એમબીબીએસ નો અભ્યાસક્રમ પૂર્ણ કરી શહેર ની પ્રતિષ્ઠિત હોસ્પિટલ સાથે સંકળાયો હતો.

જેવો વિશેષ ઘર માં પ્રવેશ્યો કે નૈયા ની આંખો માં એક અનેરી ચમક છવાઈ ગઈ. વિશેષ ખૂબ જ સોહામણો હતો, આવતા જ ઘર ના વડીલો ને શાલીનતા થી પગે લાગ્યો, ને ઘર માં જાણે વિશેષ ને બધા જ સારી રીતે ઓળખતા હોય એમ તેમના વર્તન માં સ્પષ્ટ જણાઈ આવતું હતું. મમ્મી એ તો વિશેષ ના પ્રવેશતા જ ઓવારણાં લેતાં લેતાં કહ્યું “ આવો, આવો વિશેષ કુમાર, તમારી જ રાહ જોતાં હતાં.”

આ સાંભળતા જ નૈયા ની ગાલ ની લાલીમા વધારે લાલ થઈ ગઈ અને શરમ ના ભાર થી આંખ ની પાંપણો ઝૂકી ગઈ, જેવી મમ્મી રસોડા માં આવી કે તુરંત જ મમ્મી ના હાથ માં એક ચૂંટલો ખણતાં ખણતાં મોં પર એક આછા સ્મિત સાથે મમ્મી ને કહ્યું “ શું મમ્મી તું પણ ? વિશેષ કુમાર, વિશેષ કુમાર કરે છે ? હજુ અમારું બંને નું નક્કી તો થાય! “બેટા, મને પૂરો વિશ્વાશ છે કે વિશેષ તને પસંદ આવશે જ અને વિશેષ ને પણ તું પસંદ આવીશ.” મમ્મી ને નૈયા ના ગાલ પર હાથ ફેરવતાં ફેરવાતાં આત્મવિશ્વાશપૂર્વક પ્રત્યુત્તર આપ્યો.


“ તમને જિંદગીભર હું સાચવીશ, ગમે તેવા સંજોગો માં પણ મારો પ્રેમ ક્યારેય ઓછો નહીં થાય, તમારી સાથે એકરૂપ બની ને જિંદગીભર હાથ પકડી ને સદાય સાથે રહીશ.” વિશેષ ના આ વાક્યો નૈયા ના મન અને દિલ બંને ને સ્પર્શી ગયાં ને સાથે સાથે વિશેષ અને નૈયા ની સગાઈ થઈ ગઈ.

****************************

“પપ્પા, હવે એ ઘર માં હું ક્યારેય પાછી નથી જવાની, તમે લોકો જાણતાં હોવા છતાં વિશેષ ની આટલી મોટી વાત મારા થી છુપાવી ?” નૈયા નો ચહેરા પર ગુસ્સા ની રેખાઓ તંગ બની રહી હતી. “પણ બેટા સાંભળ તો ખરી……” પપ્પા ને નૈયા ને સમજાવતી એક આજીજી કરી.

મારે કશું સાંભળવું નથી, મારે બસ વિશેષ થી છૂટાછેડા જોઈએ.” ગુસ્સા ને દુખ સંમિશ્રિત આ વાક્ય પૂરું થયું ના થયું નૈયા ને જોરથી પોતાના બેડરૂમ નો દરવાજો બંધ કરી દીધો. નૈયા ના મમ્મી-પપ્પા એ બેડરૂમ ના દરવાજે ઊભાં ઊભાં નૈયા ને સમજાવવા પ્રયત્ન કરી રહ્યા હતાં.

*******************************

સગાઈ બાદ ક્યારેક બાઇક લઈ ને તો ક્યારેક કાર લઈ ને આવતો વિશેષ નૈયા ને પોતાની આંખો એ શહેર બતાવતો, દર મુલાકાત માં મુલાકાત ની યાદગીરી રૂપે રોઝ, ચોકલેટ અને નાની નાની ગિફ્ટ નૈયા ને આપી જતો. હાથ માં હાથ નાખી ને બંને કલાકો પાર્ક માં બેસી રહેતા, ક્યારેક રિવર ફ્રંટ ના ગાર્ડન માં વોકિંગ માટે સાથે જતાં તો ક્યારેક નર્મદા કેનાલ ના કિનારે આવેલી રિવર સાઇડ રેસ્ટોરન્ટ માં કેન્ડલ લાઇટ ડિનર માટે લઈ જતો.

નૈયા ની પોતાના ભાવિ પતિ ને લઈ ને સેવેલી દરેક અપેક્ષાઓ આજે વિશેષ પૂરી કરી રહ્યો હતો. નૈયા વિશેષના પ્રેમરૂપી સાગર માં હિલોળા લઈ રહી હતી. નૈયા ને હવે જલ્દી થી વિશેષ ની જીવનસંગિની બની જવું હતું. બંને ની જોડી પણ બહુ જ સરસ લાગતી હતી. નૈયા ખૂબ જ ખુશ હતી. વિશેષ એ પોતાની જિંદગી નો એક ભાગ છે એ વાત વારે વારે નૈયા ના હ્રદય ના ધબકારાને પ્રવેગ આપી જતી હતી.


સમય પાણી ની માફક વહી ગયો. આખરે નૈયા એ આતુરતા પૂર્વક જોયેલા એ દિવસ નો અંત આવી ગયો અને સગાઈ બાદ થોડા જ અરસા માં નૈયા અને વિશેષ ના ધામધૂમ થી લગ્ન લેવાઈ ગયા. હનીમૂન માટે બંને શિમલા કુલું મનાલી જઈ ને જીવન ની અમુલ્ય પળો નું ભાથું બાંધી આવ્યા. બંને નો એકબીજા પ્રત્યેનો પ્રેમ વધુ પ્રગાઢ થઈ રહ્યો હતો. હનીમૂન થી આવતાં જ નૈયા વિશેષ સાથેના જીવન સહચર્ય માં જાણે ખોવાઈ ગઈ. વિશેષ પોતાના વચન પ્રમાણે નૈયા ની વિશેષ કાળજી લેતો. સવારે ઉઠતાં જ બધા કામો માં નૈયા ને સાથ આપતો.

સાંજે જેવો હોસ્પિટલ થી આવે કે તુરંત જ ડાઇનિંગ ટેબલ પર નૈયા ને પોતાના હાથ થી જમાડતો. નૈયા ને નોવેલ વાંચવાનો ખૂબ શોખ હતો એ વાત વિશેષ જાણતો હતો ને ખાસ ક્રોસવર્ડ ની બૂક ની શોપ માંથી નૈયા માટે દુનિયાભર ની રોમાંટિક નોવેલ ની બૂક લાવી ને રાખતો. રાત પડતાં જ બેડરૂમ માં નૈયા ને પોતાના ખોળાં માં સુવડાવી ને નોવેલ વાંચી સાંભળાવતો ને નૈયા સાંભળતા સાંભળતા વિશેષ નો હાથ હાથ માં લઈ ને ગાઢ નિદ્રા માં સરી પડતી.

વિશેષ એ પોતાના હ્રદય માં રહેલો સંપૂર્ણ પ્રેમ નૈયા પર ઠાલવી દીધો હતો. નૈયા પણ પોતાને ખૂબ નસીબદાર માનતી ને ભગવાન નો અંતઃકરણ પૂર્વક આભાર માનતી. વિશેષ હોસ્પિટલ થી ક્યારેક સમયસર આવી જતો તો ક્યારેક તેને આવવા માં મોડુ થતું, બહાર ગેલેરી માં ઊભા ઊભા નૈયા વિશેષ ની રાહ જોતી.


આજે નૈયા અને વિશેષ ના લગ્ન ની પ્રથમ લગ્નતિથી હતી. નૈયા આજે સાજ શણગાર સાથે વિશેષ ની વિશેષ રાહ જોતી જ હતી કે એના ફોન પર કોઈ નો ફોન આવ્યો. સામેવાળી વ્યક્તિ ની વાત જેમ જેમ આગળ વધતી હતી એમ એમ નૈયા ના ચહેરા પર દુખ અને હદ પાર નો ગુસ્સો પોતાની ભાત પાડી રહ્યો હતો, વાત માન્ય માં જ નહોતી આવતી એટલે વાત ની ખરાઈ કરવા તુરંત જ વિશેષ ને કોલ લગાવ્યો અને પૂછી લીધું. હજુ વિશેષ કઈ પણ સમજાવે એ પહેલા તો એ ફોન હાથ લઈ ને નીચે ફસડાઈ પડી ને ચોંધાર આંસુની ધારા ઓ વહી નીકળી. નૈયા ના મન માં એક જ સવાલ હતો. “મારા જોડે આટલી મોટી છેતરપિંડી ?”

***************************

નૈયા ના બેડરૂમ ના દરવાજે ઉચાટ મને ઉભેલાં નૈયા ના મમ્મી-પપ્પા ની કાકલૂદી ભરી સમજાવટ ના અંતે નૈયા એ દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાં જ નૈયા એના પપ્પા ના રડતાં રડતાં ભેટી પડી. “મમ્મી પપ્પા, તમને ખબર હતી છતાં, તમે મને એકવાર પણ કેમ ના જણાવ્યુ?” નૈયા ના ગુસ્સો ઓગળી ચૂક્યો હતો પણ અશ્રુધારા નો ધોધ હજુ અકબંધ હતો. “પણ બેટા શું થયું ? જરા વિસ્તૃત પૂર્વક જણાવીશ?” ઉચાટ સ્વર સાથે નૈયા ની મમ્મી એ નૈયા ના માથા પર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું.


“મમ્મી, આજે ગામડે થી મારી કાકી સાસુ નો ફોન આવ્યો હતો, એમને જણાવ્યુ કે હવે વિશેષ એની દીકરી ને મળવા ગામડે આવે તો બેટા મારી ડાયાબિટીસ ની દવાઓ મોકલવાનું ભૂલતી નહીં. જ્યારે મેં વિસ્તાર પૂર્વક એમને પૂછ્યું તો એમણે જણાવ્યુ કે છેલ્લા દોઢ વર્ષ થી આમ જ વિશેષ એની દીકરી ને મળવા નિયમિત ગામડે જાય છે. વાત માનવમાં ના આવી એટલે મે વિશેષ ને જ પછી પૂછી લીધું તો વાત સાચી નીકળી. મમ્મી પપ્પા તમે પણ આ વાત જાણતાં જ હશો, છતાં તમે મને કેમ એકવાર પણ ના જણાવ્યું? એક બીજવર સાથે મારા લગ્ન કરાવ્યાં?” નૈયા ના શબ્દો માં રોષ અને ગ્લાનિ નું મિશ્રણ ટપકી રહ્યું હતું.

“હા બેટા અમે બધુ જ જાણતાં હતા, પણ એ પહેલાં તું અમને એકવાત જણાવીશ ? વિશેષ ના પ્રેમ માં કોઈ ખોટ છે? કોઈ વાત ની કમી છે ? શું એ તને કોઈ વાતે દુખ આપે છે? તું અત્યારે વિશેષ સાથે ખુશ નથી? હકીકત તો એ છે કે તને વિશેષ અનહદ પ્રેમ કરે છે, હું સાચું કહું છું કે ખોટું ?” નૈયા ની મમ્મી કોઈ વાત સમજાવવા માટે જાણે નૈયા ને તૈયાર કરી હતી.

“સાચું મમ્મી, તદ્દન સાચું. વિશેષ મને પાંપણો પર બેસાડી ને રાખે છે. વિશેષ ના પ્રેમ માં કોઈ વાત ની ખોટ નથી, પરંતુ એના એક વાર લગ્ન થઈ ગયા છે અને એને એક દીકરી પણ છે એ વાત તો આમ છુપાવીને તો લગ્ન ના થાય ને! વિશેષ એ મારો વિશ્વાશ તોડ્યો છે. કોઈ પણ સંબંધની ઇમારત પ્રેમ અને વિશ્વાસ ના પાયા ટકી શકે.” નૈયા પોતાની વાત ભીના સ્વરે ભારપૂર્વક રજૂ કરી રહી હતી.


“બેટા, વિશેષ એ તારો કોઈ વિશ્વાશ નથી તોડ્યો, વિશેષ નો પ્રેમ અને વિશ્વાશ બંને અકબંધ જ છે.વિશેષ એ કોઈ વાત છૂપાવી નથી અને આ બધુ અમે બધા એ સાથે મળી ને જ નક્કી કર્યું હતું. ભગવાન નો લાખ આભાર કે અમને વિશેષ જેવો ખૂબ જ સમજુ અને તારા માટે ખૂબ જ પ્રેમાળ જમાઈ મળ્યો. વિશેષ એ કોઈ બીજવર નથી પણ તારી સાથે બીજીવાર લગ્ન કર્યા છે.” નૈયા ના પપ્પા હવે નૈયા ને માથા પર હાથ ફેરવી સાંત્વના આપી રહ્યા હતા.

“એટલે ? બીજીવાર લગ્ન ? પપ્પા તમે શું કહો છો ? હજુ આજે જ તો અમારી લગ્ન ની પહેલી લગ્નતિથી છે ” નૈયા ની બંને આંખોની કીકીઓ આશ્ચર્ય સાથે વિસ્તરી રહી હતી.

“ હા, બેટા બીજી વાર લગ્ન, આજ થી દોઢ વર્ષ પહેલાં તારો એક અકસ્માત થયો હતો અને એ અકસ્માત માં ભગવાન ની કૃપા થી તું બચી તો ગઈ તારા મગજ ને બહુ જ ગંભીર ઇજા થઈ હતી, અને એ સમયે તારા માનસપટ પર થી છેલ્લા 3 વર્ષ ની બધી જ યાદો ભૂંસાઈ ગઈ. ડોક્ટર એ કહ્યું કે તું શોર્ટ ટર્મ મેમરી લોસ નો ભોગ બની છે, ને કદાચ એ સમયગાળા ની યાદદાસ્ત સદાય માટે તારા માનસપટ માં આંકી નહીં શકાય. ડોક્ટર એ કહ્યું કે જૂના લગ્ન ના ફોટો કે એવી કોઈપણ જૂની યાદગીરી ની બાબતો એ સમયે તારા મગજ ને વધુ તાણ આપી શકે છે તારી પરિસ્થિતી વધુ વણસી શકે એમ હતી, તું ત્યાં આવી ને અટકી ગઈ જ્યારે તારો કોલેજકાળ પૂરો થતાં જ એક અકસ્માત થયો હતો. તું 3 વર્ષ ભૂતકાળ માં સરી પડી.” નૈયા ના પપ્પા ના સ્વર માં દુખ હતું.

“ બેટા, એ સમયે જો સૌથી વધુ દુખ થયું હોય તો એ વિશેષ હતો, કેમ કે એનો સંપૂર્ણ પ્રેમ તું ભૂલી ગઈ હતી, જાણે તારી જિંદગી માં વિશેષ નામનું કોઈ વ્યક્તિ જ નહોતું.” નૈયા ની મમ્મી એ નૈયા ના પપ્પા ની વાત માં સૂર પૂરાવી વાત આગળ વધારી. નૈયા મૂક મને અને સુકાયેલા આંસું સાથે આખીય વાત સાંભળી રહી હતી.


“ બેટા, ત્યારે કોઈ વધારે રડ્યું હોય તો એ વિશેષ હતો, વિશેષ ડોક્ટર છે એટલે આખીય પરિસ્થિતી સમજી ગયો, અને ભીની આંખો એ એને બસ અમને એટલું જ કહ્યું કે તો શું થયું જો નૈયા મને અને મારા પ્રેમ ને ભૂલી ગઈ તો ? હું પપ્પા નવી યાદો બનાવી લઇશ, ફરીથી એટલો જ પ્રેમ કરીશ અને ફરીથી એના હ્રદય માં મારૂ સ્થાન મજબૂત બનાવી દઇશ, મમ્મી પપ્પા, હું નૈયા સાથે ફરી થી સગાઈ અને ફરી લગ્ન કરીશ.” નૈયા ના પપ્પા હવે મક્કમ મને નૈયા ના મન માં વાત ઉતારી રહી હતી.

“ બેટા, એટલે જ તો વિશેષ જેવા આવે કે વિશેષકુમાર વિશેષકુમાર એવું અમારા મુખ માંથી નીકળી પડતું હતું. બેટા વિશેષ એ ફરી તારા હ્રદય માં સ્થાન જમાવ્યું છે, બધુ જ પહેલાં જેવુ કર્યું, એક નવી શરૂઆત. જો બેટા આ તારા એવી જ રીતે થયેલા જૂના લગ્ન અને એજ શિમલા કુલું મનાલી ના હનીમૂન ના ફોટોગ્રાફ્સ.” નૈયા ની મમ્મી હવે ખુશ હતી.

નૈયા બધુ જ આશ્ચર્ય સાથે જોઈ રહી હતી. “ ને બેટા તું જે વિશેષ ની દીકરી ની વાત કરે એ કોઈ બીજી નહી પણ તમારી જ દીકરી છે, નૈયા અને વિશેષ ની મોક્ષા. તારો અકસ્માત થયો ત્યારે એ 2 વર્ષ ની હતી. જો બેટા એની આંખો, નાક અને હોઠ બધુ જ તારા જેવુ છે. પોતાના દાદા દાદીની છાયા માં ઉછરી રહેલી મોક્ષા ને અમે પણ નિયમિત મળવા ગામડે જઈ આવીએ છીએ. અને એ પણ એના નાના- નાની ને જોઈ ને એક જ સવાલ પૂછે છે કે મારી મમ્મી કરે આવશે? અમે બધા એ વિચાર્યું હતું કે યોગ્ય સમયે તને બધુ જ સાચું કહી દઇશું.” નૈયા ની મમ્મી એ મોક્ષા નો ફોટો નૈયા સમક્ષ ધર્યો કે તુરંત જ નૈયા એ ફોટો હાથ માં લઈ લીધો.


મોક્ષા નો ફોટો જોતાં જ નૈયા ની ભીતર રહેલી એક માં ની મમતા જાગી ગઈ. “મમ્મી, મને કશું જ યાદ નથી આવતું, પણ મોક્ષા ને જોતાં જ એવું લાગે છે કે મારો અને વિશેષ નો જ અંશ છે. મમ્મી- પપ્પા મને જલ્દી થી મોક્ષા જોડે લઈ જાઓ.” હવે નૈયા ના અશ્રુઓ હર્ષાશ્રુ માં પરિવર્તિત થઈ ગયા હતા. “બેટા, અમે વિશેષ ને અહી જ બોલાવી લીધા છે, એ નીચે તારી જ રાહ જોવે છે.” નૈયા ના પપ્પા ના અવાજ માં પણ હર્ષ છલકાઈ રહ્યો હતો.

વિશેષ ને જોતાં જ નૈયા ભેટી પડી. મને માફ કરજો વિશેષ, મારા તમને બોલાયેલા શબ્દો માટે. આઇ લવ યૂ વિશેષ. મને જલ્દી થી મારી દીકરી જોડે લઈ જાઓ.” “આઇ લવ યૂ ટૂ, નૈયા” બોલતાં જ સ્ટાર્ટ થયેલી કાર સીધી વિશેષ ના ગામડે આવી ને અટકી. મોક્ષા તો એની મમ્મી ને જોતાં જ “મમ્મી, મમ્મી કહી ખોળા માં સમાઈ ગઈ. મમ્મી તું આવી ગઈ ?મમ્મી તું કયાં ગઈ હતી ?” “હા, બેટા મમ્મી આવી ગઈ અને હવે મમ્મી એની મોક્ષા ને છોડી ને ક્યાંય નહીં જાય.”


*************************

મોક્ષા એની મમ્મી ના ખોળા માં બેસી ને પોતાના મમ્મી પપ્પા ની પ્રથમ લગ્નતિથિ અને આમ જોવા જઈએ તો 5 મી લગ્નતિથિ ની કેક કાપી રહી હતી.

લેખક : ડૉ. નિલેષ ઠાકોર “નીલ”

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version