પ્રેમ અગન પ્રકરણ – 8 પાગલ યુવતીનો ફોટો જોઈને શિવ આભો બની ગયો હતો કદાચ આ એ જ તો નથી ને…

જે મિત્રોને આગળના પ્રકરણ વાંચવાના બાકી હોય તેઓ પ્રકરણ -1, પ્રકરણ – 2, પ્રકરણ – 3, પ્રકરણ – 4, પ્રકરણ – 5, પ્રકરણ – 6, પ્રકરણ – 7 પર ક્લિક કરે.

પ્રેમ અગન પ્રકરણ – 8

  • “આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
  • રૂપાળું એક નામ, હવે બોલવું નથી.
  • યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
  • કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.
  • પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
  • ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.
  • લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
  • શબ્દો હવે હરામ, હવે બોલવું નથી. “

સૈફ પાલનપુરી સાહેબની આ રચનાની માફક શિવ જોડે પણ પ્રેમમાં પોતે શું મેળવ્યું છે અને શું ગુમાવ્યું છે એની ઉપર એક ગ્રંથ લખવાં જેટલી વાતો હતી.. શિવને શિમલામાં પગ મુકતાં જ તાજગી ની દિવ્ય અનુભૂતિ તો થઈ રહી હતી..પણ એનું કારણ આખરે શું હતું એની ગતાગમ એને નહોતી પડી રહી..બીજાં દિવસે શિવ સ્નાન કરવા બાથરૂમ તરફ જતો હતો ત્યાં અચાનક એને કંઈક એવું જોયું જેનાં લીધે એ અટકી ગયો.

શિવે ત્રિપાઈ ની જોડે આગળ વધી નીચા નમી પોતે જ્યાં ટ્રે મૂકી હતી એ ઊંચકી અને એની નીચે પડેલું ડેઈલી શિમલા નામનું ન્યૂઝપેપર હાથમાં લીધું અને એનાં ફ્રન્ટ પેજ ની નીચેની તરફ રહેલી એક ન્યૂઝ વાંચી. શિવ જે બેચેનીથી એ ન્યૂઝપેપરમાં રહેલી એ ન્યૂઝ ને વાંચી રહ્યો હતો એ જોઈ હમીર પણ માથું લુછવાનું પડતું મૂકી શિવની સમીપ આવીને ઉભો રહી ગયો..એને પણ શિવ વાંચી રહ્યો હતો એ ન્યૂઝ વાંચવાની નિષ્ફળ કોશિશ કરી જોઈ..પણ એને ઝાઝી ગતાગમ ના પડતાં હમીર બોલ્યો. “શિવ ભાઈ..શું થયું..?કેમ આટલાં બધાં વ્યથિત લાગો છો..?

image source

હમીરનાં પુછાયેલાં સવાલનો શિવે ત્યાં સુધી કોઈ જવાબ ના આપ્યો જ્યાં સુધી એ સંપૂર્ણ ન્યૂઝ ના વાંચી રહ્યો..આખરે પોતાને ચકિત કરી મુકનારી એ ન્યૂઝ વાંચ્યા બાદ શિવ ન્યૂઝપેપરને હાથમાં લઈ પલંગ પર બેસી ગયો..હજુ પણ એ ન્યૂઝ ની જોડે છપાયેલાં એક ફોટોગ્રાફ ને શિવ ધારીધારીને જોઈ રહ્યો હતો..લોકલ ન્યૂઝપેપર હોવાંથી ફોટો એટલો બધો ક્લિયર તો નહોતો પણ અંદર કોનો ફોટો હતો એનો અંદાજો લગાવી શકાય એમ હતો. “ભાઈ શું થયું..કંઈ માઠાં સમાચાર છે..?”હમીર ને શિવનું આમ નિરુત્તર થઈને બેસી રહેવું ચિંતિત કરી રહ્યું હતું.

“શ્રી..હમીર,શ્રી..”હમીર ની તરફ એ ન્યૂઝ ની જોડે છપાયેલો ફોટો લંબાવતાં શિવ બોલ્યો. હમીર જાણતો હતો કે ઈશિતા જ પોતાનાં શિવ ભાઈ ની શ્રી છે..શિવ નાં ધડકન,હૃદય,શ્વાસોમાં સામેલ શ્રી એનાં કિસ્મત ની હસ્તરેખાઓમાં નથી એ વાતથી વાકેફ હમીર શિવનાં મોંઢે શ્રી નું નામ સાંભળી રિતસરનો ચમકી ઉઠ્યો..અચાનક શિવ આવું કેમ બોલી રહ્યો હતો એ પેલાં ન્યૂઝપેપરમાં જ હોવું જોઈએ એમ વિચારી હમીરે શિવનાં હાથમાંથી એ ન્યૂઝપેપર લઈ લીધું.

હમીરે આંખો ઝીણી કરીને ન્યૂઝ જોડે છપાયેલો એ ફોટો ધ્યાનથી જોયો..એમાં એક યુવતીને પોલીસે એરેસ્ટ કરી હતી..અને ઉપર ન્યૂઝની હેડલાઈનમાં લખ્યું હતું. “આખરે શિમલા ની સડકો પરથી લોકોનાં પર્સ અને બેગ લઈને ભાગી જતી સનકી છોકરી પોલીસનાં હાથે પકડાઈ..”

image source

હમીરે તો ક્યારેય ઈશિતાને જોઈ નહોતી..પણ એને શિવને જે ફોટોગ્રાફ જોડે વાત કરતો જોયો હતો એની શકલ અને ફોટોમાં પોલીસે ગિરફ્તાર કરેલી યુવતી વચ્ચે ઘણો બધો ફરક દેખાતો હતો..પણ ચહેરે મ્હોરે એ બંને એક જ હોય એવું હમીર ને પણ લાગી રહ્યું હતું..એમ છતાં જે રીતે શિવનાં મોંઢે ક્યારેક પોતાની શ્રી નો જીકર સાંભળ્યો હોવાથી હમીર એટલું તો જાણતો હતો કે શ્રી ક્યારેય આમ ચોરી તો ના જ કરે..સાવ આવી હાલતમાં શ્રી નું અહીં હોવું એ હમીર ને વિચિત્ર લાગી રહ્યું હતું.

“પણ ભાઈ અહીં તો..”ન્યૂઝપેપર ની હેડલાઈન બતાવતાં હમીર શિવને ઉદ્દેશીને બોલ્યો. “ખબર છે ભાઈ..કે ત્યાં લખ્યું છે કે આ યુવતી ની માનસિક હાલત ઠીક નથી..અને એ છાશવારે લોકોનાં પર્સ અને બેગ લઈને ભાગી જાય છે..એ આવું કરી એ પર્સમાંથી થોડાં રૂપિયા નીકાળી પર્સ પાછું ફેંકી દે છે..ઘણી વાર એને પકડવાની લોકોએ કોશિશ કરી છે પણ એ બચકાં ભરીને કે એમની ઉપર હિંસક હુમલો કરીને ભાગી જાય છે..”શિવ હેડલાઈન્સ ની નીચે જે કંઈપણ માહિતી હતી એ વિશે જણાવતાં બોલ્યો.

“ભાઈ એક વાત કહું..પણ ખોટું ના લગાડતાં..”શિવની તરફ જોઈ હમીર બોલ્યો. “હા બોલ..”હમીરને પોતાની વાત રાખવાની અનુમતિ આપતાં શિવ બોલ્યો. “ભાઈ તમે જ કહ્યું હતું કે તમારી શ્રી ઉર્ફે ઈશિતા સુખી પરિવારની છોકરી હતી..એનાં લગ્ન ખૂબ શ્રીમંત વ્યક્તિ જોડે થયાં હોવાની વાત પણ તમે મને કરી હતી..તો પછી ભાઈ એવું કઈ રીતે બને કે આવી માનસિક હાલત અને આવી સ્થિતિમાં તમારી શ્રી હોય..એમાં પણ ગુજરાતથી આટલે દૂર એનું હોવું એ અશક્ય જેવું છે..”હમીર શિવની સામે એક ખુરશી માં બેસતાં બોલ્યો.

image source

હમીર ની વાત સાંભળી શિવ હાંફળો-ફાંફળો પલંગમાંથી બેઠો થયો અને અલમારી જોડે ગયો..અલમારી ખોલી શિવે પોતાનું વોલેટ નીકાળ્યું અને એમાંથી એક નાનો પાસપોર્ટ સાઈઝ નો ફોટો હાથમાં લઈને હમીર ની સામે પલંગમાં બેઠો. ન્યૂઝપેપરમાં મોજુદ એ ફોટો ને પોતાની હાથમાં મોજુદ ફોટોગ્રાફ સાથે સરખાવતાં શિવે હમીરને ઉદ્દેશીને કહ્યું. “જો હમીર,આ છે મારી શ્રી નો ફોટો..તું આ ન્યૂઝપેપરમાં જે યુવતી છે એનો અને આ મારી જોડે રહેલ શ્રીનો ફોટો ધ્યાનથી જો..બંને એક જ છે..”

હમીરે શિવનાં કહ્યાં મુજબ કરી તો જોયું પણ ન્યૂઝપેપરમાં રહેલાં અનક્લિયર ફોટો અને આજથી પાંચ-છ વર્ષ પહેલાં ની શ્રીનાં ફોટો ની સરખામણી શક્ય નહોતી..શિવે હૃદયનાં અંતઃકરણથી શ્રી ને ચાહી હતી..એ તો પડછાયો જોઈ શ્રી ની મોજુદગી નો અંદાજો લગાવી શકે એમ હતો..જો શિવ ને એ ચોર અને પાગલ યુવતી શ્રી હોવાનું લાગી રહ્યું હતું તો એમાં કંઈક તો કારણ જરૂર જ હતું.

એકવાર તો હમીરને લાગ્યું કે ડૉકટરે કહ્યાં મુજબ શિવની માનસિક હાલત ઠીક નહોતી માટે એને અત્યારે પણ બધે શ્રી જ દેખાતી હતી..ન્યૂઝપેપરમાં દેખાતી એ યુવતી નો ચહેરો શ્રી નાં ચહેરા સાથે થોડી-ઘણી સામ્યતા ધરાવતો હોવાનાં લીધે શિવનું નાદુરસ્ત મન નકામી ગણતરીઓ કરી રહ્યું હતું એવું હમીર દ્રઢપને માની રહ્યો હતો.

  • “એનાં હિસાબમાં એની ગણતરીમાં,
  • એની ધારણાઓમાં સદાય ભૂલ હોય છે..
  • એ આશિક છે સાહેબ એની તો,
  • ઈબાદતમાં પણ ખુદાનાં સ્થાને સનમ હોય છે..”

શિવ હવે જે કહી રહ્યો હતો એ સત્ય હતું કે એનો મૃગજળ સમાન એ ભ્રમ હતો જેની હાજરી નાં લીધે રણમાં જીવવાની જીજીવિષા મળતી એની ખાતરી ત્યારે જ થઈ શકે એમ હતી જ્યારે એ યુવતી જ્યાં હતી ત્યાં જવામાં આવે..મતલબ કે શિમલા પોલીસ સ્ટેશન.

“શિવભાઈ જો તમે કહી રહ્યાં છો એવું જ હોય તો આપણે પોલીસ સ્ટેશન જઈને તપાસ કરવી જોઈએ કે ઈશિતા ભાભી ની એવી દશા કેમ થઈ છે..એમને આમ આ હાલતમાં દર દર ભટકવાનું કારણ શું છે એની જાણકારી તો એમને જ્યાં રાખવામાં આવ્યાં હશે એ પોલીસ સ્ટેશન જઈને જ ખબર પડશે..”હમીરે શ્રી ને એનાં સાચા નામથી સંબોધી કેમકે એ જાણતો હતો કે શ્રી ઉપર અને એનાં એ નામ ઉપર ફક્ત શિવનો હક હતો.

image source

“હા હમીર..હું હમણાં સ્નાન કરીને આવું પછી આપણે શીઘ્ર નીકળીએ પોલીસ સ્ટેશન જવાં માટે..”હમીર ની વાત સાંભળી શિવ ફટાફટ ઉભો થયો ન્યૂઝપેપર હમીરનાં હાથમાં પકડાવી સ્નાન કરવાં માટે બાથરૂમ માં પ્રવેશ્યો. શિવનાં જતાં જ હમીરે પણ વ્યવસ્થિત તૈયાર થઈ ગયો..અને શિવે મંગાવેલો ચા-નાસ્તો કરવાં લાગ્યો..હમીર નું મન કહી રહ્યું હતું કે આ એક શિવનો ભ્રમમાત્ર છે..જ્યારે એનું દિલ કહી રહ્યું હતું કે ભગવાન કરે એ એનાં શ્રી ભાભી જ હોય..આવી તો આવી હાલતમાં એમની સાથે કરેલી મુલાકાત માત્ર શિવનાં હૃદયની બંજર પડેલી જમીનને ભીંજવી દેશે.

આ તરફ શિવ ની હાલતનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નહોતું..બસ એટલું જ કહીશ આજે એક મજનુ પાગલ બન્યો હતો એની લૈલાને જોવાં..એક રાંઝા દિવાનો બન્યો હતો એની હિરનો દીદાર કરવાં..ફરહાત ભાન ભૂલી બેઠો હતો પોતાની સિરિન ને બાહોમાં સમાવવાં..એક રોમિયો ફરીવાર ઉતાવળો બન્યો હતો એની જુલિયેટ નાં સઘળાં દુઃખ નું કારણ જાણવાં. મન માં ઉભરાતી લાગણીઓનાં ઘોડાપુર ને મહાપરાણે રોકી શિવ સ્નાન તો કરી રહ્યો હતો..પણ એનાં દિલમાં જે પ્રેમ-અગન લાગી હતી એનાં ફળસ્વરૂપ એની ઉપર પડતું પાણી પણ ભાપ બની ઉડી જઈ રહ્યું હતું.

“તું તૈયાર છે ને..?”બાથરૂમની બહાર નીકળતાં જ શિવ હમીર ને ઉદ્દેશીને બોલ્યો. “હા હું તૈયાર છું..બસ તમે તૈયાર થઈ જાઓ એટલે નીકળીએ..”હમીર પ્રત્યુત્તરમાં બોલ્યો. શિવ અરીસાની સામે ઉભો રહીને પોતાનાં શર્ટ નાં બટન બંધ કરી રહ્યો હતો ત્યાં એને પોતાની જાતને અરીસામાં જોઈ..ડાર્ક બ્લુ શર્ટ,કોટન ગ્રે પેન્ટ,હાથમાં રોલેક્સ વોચ અને ગુકી નાં શૂઝમાં મોજુદ શિવે જ્યારે આ બધી વસ્તુઓ પછી પોતાનું ધ્યાન પોતાનાં ચહેરા પર કેન્દ્રિત કર્યું ત્યારે એ મનોમન પોતાની જાતને એ વાત કહી બેઠો જે એ શ્રી ને ઘણીવાર કહેતો હતો.

  • “આંખ,હોઠ અને હૈયામાં હરખ લાગે છે..
  • એનાં મળવાનાં કોઈ ખબર લાગે છે..
  • આમ ના જોઈશ અરીસાને શિવ..
  • સાંભળ્યું છે પોતાની પણ નજર લાગે છે..”

“ચલ ભાઈ જલ્દી નીકળીએ..”માથાનાં વાળ સરખાં ઓળાવતાં શિવ બોલ્યો. “હાલો ઝટ ત્યારે..”હમીર પણ હોંશથી બોલ્યો..હૃદયનાં ખૂણામાં હમીર ને પણ એ યુવતી ક્યાંક શિવની શ્રી જ હોય એની લાગણી સળવળી રહી હતી જે એનાં અવાજ પરથી સમજી શકાતું હતું.

image source

હોટલનાં રૂમમાંથી નીકળી શિવ અને હમીર ટેક્સી કરી શિમલા પોલીસ સ્ટેશન જવાં માટે નીકળી પડ્યાં.. આ એક એવી સફર હતી જેની મંજીલ નો અંદાજો તો શિવે પોતાની રીતે કાઢી રાખ્યો હતો પણ એ અંદાજો ખોટો પડશે તો એની મંજીલ પહેલાંની જેમ જ અવકાશથી પણ વધુ દૂર બની જવાની હતી.

“સાહેબ,તમે અહીંનાં તો નથી લાગતાં..તો પછી પોલીસ સ્ટેશન..?”ટેક્સી ડ્રાઈવરનાં આ સવાલે શિવનું ધ્યાન ભંગ કર્યું. “અરે એ તો બસ એમજ..થોડું કામ છે..”શિવનાં વતી જવાબ આપતાં હમીર બોલ્યો. “મને એમ કે પેલી ગાંડી તમારું કંઈક લઈને ભાગી ગઈ હશે..તો એ પકડાઈ ગઈ હોવાનું જાણી તમે એ લેવાં જાઓ છો..”ટેક્સી નો ડ્રાઈવર બોલ્યો.

એની વાત સાંભળી હમીરને લાગ્યું કે આની જોડેથી એ પાગલ ચોર યુવતી વિશે થોડી જાણકારી મેળવી શકાશે..એટલે જ હમીરે એને ઉદ્દેશીને પૂછ્યું. “ભાઈ તમે જે ગાંડી ની વાત કરો છો એ અહીંની રહેવાસી છે..?”હમીરે મુદ્દાનો સવાલ પૂછ્યો હતો જેનાં જવાબ પર શિવની સઘળી ધરણાઓનો મદાર હતો.

“ના સાહેબ..એ ગાંડી અહીંની તો નથી..પણ એ ક્યાંથી આવી એની કોઈને ખબર નથી..લગભગ સાત-આઠ મહિના પહેલાં એ શિમલા આવી હતી.. બસ શરુવાતમાં તો એ લોકો જોડે કંઈક ખાવાનું માંગતી રહેતી..લોકો જે કંઈપણ આપે એ ખાઈ લેતી..પણ અમુક દિવસથી એનો દીદાર જોઈને લોકો એને કંઈ આપવાનાં બદલે એને હડધૂત કરી દેતાં..બસ પછી તો ખબર નહીં એને શું થયું અને એ લોકોનાં પર્સ કે બેગ જે હાથમાં આવે એ લઈને નાસી છૂટતી..કોઈ એને પકડવા જતું તો પથ્થર ફેંકી હુમલો કરતી કે પછી બચકાં ભરતી..એ ચોરી તો કરતી પણ પર્સમાંથી થોડાં પૈસા લઈ રસ્તામાં ફેંકી દેતી..એ પૈસામાંથી એ જમવાનું ખરીદીને ખાતી..એનો ચોરી કરવાનો ઉદ્દેશ ફક્ત ભૂખ સંતોષવા હોય એવું લાગે છે..”હમીરનાં સવાલ નો જવાબ આપતાં એ ટેક્સી ડ્રાઈવર બોલ્યો.

image source

આ સાંભળી શિવ અને હમીરની આશાઓ જીવંત રહી ગઈ..એટલામાં પોલીસ સ્ટેશન આવી ગયું..શિવે ટેક્સીનું ભાડું ચુકવ્યું અને પોતાની જીંદગીનાં સૌથી મોટાં આશ્ચર્ય નો સામનો કરવાં પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યો.

  • “રુપ, વૈભવ કે પ્રણયના કોઈ આકર્ષણ વિના,
  • હું સતત ખેંચાઉ છું તારા તરફ કારણ વિના.
  • તારાં દીદાર માટે હું આવી પહોંચ્યો એવી જગાએ..
  • જ્યાં તન અને મન વજનદાર લાગે કોઈ ભારણ વિના..”
  • “મહેફિલની ત્યારે સાચી શરૂઆત થઈ હશે,
  • મારા ગયા પછી જ મારી વાત થઈ હશે.
  • ઢળતા સૂરજને જોઉં છું જોયા કરું છું હું,
  • લાગે છે એના શહેરમાંયે રાત થઈ હશે.
  • આજે હવામાં ભાર છે ફૂલોની મ્હેંકનો,
  • રસ્તાની વચ્ચે એની મુલાકાત થઈ હશે.”

જ્યારે માણસ જેને પોતાનું સઘળું માનતો હોય એને ઘુમાવી બેઠો હોય છે ત્યારે દુનિયાની નજરમાં જે કંઈ સઘળું સુખ હોય એ પોતાની પાસે હોવાં છતાં પણ એને ચેન નથી મળતું..એનું સઘળું સુખ તો એની હારે હાલી ગયું હોય છે જેને એ પોતાની જીંદગી માની બેઠો હોય..પણ જ્યારે વર્ષોથી પાણી ની બુંદ માટે તરસતી ધરા પર સાવ અચાનક મુશળધારે કોઈ વાદળ વરસી પડે ત્યારે જે રાહત એ ઘરા અનુભવે એવી જ રાહત શિવનાં હૈયાંને ન્યૂઝપેપર ની એ ખબરે આપી હતી.

પોતાની પ્રાણપ્યારી શ્રી ને મળવા એને મનભરીને જોવાં..એની આવી હાલત નું કારણ પુછવા શિવ પોલીસ સ્ટેશન જઈ પહોંચ્યો હતો..જ્યાં શ્રી જેવી લાગતી કોઈ યુવતીની પોલીસે ધરપકડ કરી હોવાનાં સમાચાર શિવે શિમલાનાં એક લોકલ સમાચાર પત્રકમાં વાંચ્યાં હતાં. શિવે પોલીસ સ્ટેશનમાં પગ મૂક્યો એ સાથે જ એને ચારેકોર નજર ઘુમાવી શ્રી ક્યાં છે એની તપાસ ચાલુ કરી..શિવ હજુ તો આજુબાજુ જોઈ રહ્યો હતો ત્યાં એક કોન્સ્ટેબલ શિવ અને હમીર ને જોઈને એમની પાસે આવ્યો.

“અરે સાહેબ તમે..અહીં આવવાનું કારણ..?”આ એજ કોન્સ્ટેબલ હતો જે હમીર ની સાથે ગઈકાલ રાતે અથડાયો હતો. શિવ પણ એને જોતાં જ ઓળખી ગયો..એક રીતે આ સારી બાબત જ હતી કે સામે ચાલીને ઓળખનારું કોઈ મળ્યું હતું. “અરે એતો મેં ન્યૂઝપેપર માં વાંચ્યું કે કોઈ યુવતી ની તમે ધરપકડ કરી છે..?”શિવે કહ્યું. “અરે તમે ક્યાંક પેલી પાગલ ચોર યુવતીની તો વાત નથી કરી રહ્યાં ને..?”એ કોન્સ્ટેબલ બોલ્યો.

image source

“હા સાહેબ..એની જ વાત છે..”હમીરે કહ્યું. “સાહેબ કાલે હું એ જ યુવતીનો પીછો કરી રહ્યો હતો..અને મહાપરાણે મેં જ એને પકડી છે..તમે જોવો આ મારો હાથ..એને પકડવામાં મારી શું દશા થઈ ગઈ છે..”એ કોન્સ્ટેબલે પોતાનાં હાથ પર રહેલો પાટો બતાવતાં કહ્યું.

શિવ ને કોન્સ્ટેબલની વાત સાંભળી ગઈકાલ રાતનું એ દ્રશ્ય યાદ આવી ગયું જ્યાં એની શ્રી એની નજરો સામેથી નીકળી હતી..કોન્સ્ટેબલ નાં હાથ પર પણ શિવે નજર કરીને જોયું તો દેખાયું કે એની હાથ પરની ચામડી નીકળી ગઈ છે..શ્રી એ એને બચકું ભરી લીધું હશે એ શિવ સમજી ગયો હતો. “સાહેબ એ યુવતી ક્યાં છે..તમે જણાવી શકશો..?”શિવે વિનંતીનાં સુરમાં કહ્યું.

“સાહેબ હું તો હમણાં જ ડ્યુટી પર આવ્યો છું..પણ એ યુવતી અત્યારે અહીં નથી કેમકે રાતે એને મેં સામેની બેરેકમાં પુરી હતી..અને ત્યાં જ ન્યૂઝપેપર વાળા એ એનો ફોટો લીધો હતો.”એ કોન્સ્ટેબલ દ્વારા જ્યારે શ્રી ત્યાં નથી એવું જણાવવામાં આવ્યું ત્યારે શિવ ને જોરદાર આંચકો લાગ્યો..જાણે કોઈ સપનું છેક આવીને તૂટી ગયું હોય એવો અહેસાસ શિવને થયો.

“મને વધુ ખબર નથી..પણ તમે ઇન્સ્પેકટર સાહેબને જઈને મળો તો એ ચોક્કસ તમને જણાવશે કે એ યુવતી હાલ ક્યાં છે..”કોન્સ્ટેબલ એ કહ્યું. “ક્યાં છે ઇન્સ્પેકટર એ જણાવશો..?”શિવે પૂછ્યું. “ચલો હું તમને એમની કેબીન સુધી લઈ જાઉં..”આટલું કહી એ કોન્સ્ટેબલ એ લોકો જ્યાં ઉભાં હતાં ત્યાંથી જમણી તરફ ચાલી નીકળ્યો.શિવ અને હમીર પણ એને અનુસરતાં ચાલી નીકળ્યાં.

  • “સાહિલ નીકળ્યો આજ છે એની સરિતાનું શોધવા વહેણ..
  • વ્હાલી તારી યાદમાં હું ઝુરતો,ક્યારે થાશે આપણો મેળ..”

“સાહેબ બે લોકો પેલી ચોર યુવતીની પુછપરછ કરતાં અહીં આવ્યાં છે..એમને મોકલું તમારી કેબિનમાં..?”ઇન્સ્પેકટર ની કેબિનનો દરવાજો અડધો ખોલી એ કોન્સ્ટેબલે સવાલ કર્યો. “હા મોકલ એમને..”ઇન્સ્પેકટર એ હકારમાં જવાબ આપતાં કહ્યું. ઇન્સ્પેકટરની સહમતી મળતાં કોન્સ્ટેબલે કેબિનનું બારણું પુનઃ બંધ કર્યું અને શિવ ની ભણી જોઈને બોલ્યો. “જાઓ..શેખ સાહેબ તમને અંદર બોલાવે છે..” શિવે એ કોન્સ્ટેબલનો આભાર માન્યો અને કેબિનનો દરવાજો ખોલી ઇન્સ્પેકટર શેખ જોડે અંદર આવવાની અનુમતિ માંગતા બોલ્યો.

“સર..અંદર આવી શકું..” “યસ પ્લીઝ..”સામેથી શેખનો રુવાબદાર અવાજ શિવનાં કાને પડ્યો. અંદર આવવાની રજા મળતાં જ શિવ અને હમીર અંદર પ્રવેશ્યાં..શેખે એમને ઈશારાથી પોતાની સામે પડેલી ખુરશીમાં બેસવા કહ્યું..શિવ અને હમીરે જેવું ખુરશીમાં સ્થાન લીધું એ સાથે જ શેખે એમને ઉદ્દેશીને પૂછ્યું. “બોલો..શું જાણવું હતું એ પાગલ ચોર યુવતી વિશે..?” “સાહેબ એ અત્યારે ક્યાં છે..?”બેતાબી સાથે શિવે સીધો સવાલ કર્યો. “જ્યાં એને હોવું જોઈએ..પણ હું તમને આ સવાલનો જવાબ આપું એની કોઈ કારણ..?”શેખે સામો સવાલ કર્યો.

શેખ નાં સવાલનો શું જવાબ આપવો એ શિવ ને કે હમીર ને એ ઘડી તો નહોતું સમજાઈ રહ્યું..પણ શિવે થોડું વિચારીને કહ્યું. “સાહેબ હું ગુજરાતથી બિલોન્ગ કરું છું..અને એ યુવતી મારી કોલેજ ફ્રેન્ડ છે..” “તમે એ બાબતે sure છો કે આવી માનસિક હાલતમાં ફરતી એ યુવતી તમારી કોલેજ ફ્રેન્ડ છે..?”શિવની વાત પર સંશય મુકતાં શેખ બોલ્યો. આ સવાલ પર શિવ તો સાબિતી આપવાં ઉતાવળો હતો પણ હમીરનાં મનમાં ક્યાંક શિવ ખોટો હશે તો..?ક્યાંક એ યુવતી શ્રી નહીં હોય તો..?.આ સવાલો ના ઈચ્છવા છતાં ઉભરાઈ આવ્યાં.

image source

શિવે પોતાનું વોલેટ બહાર કાઢી એમાંથી બે ફોટો નીકાળી ઇન્સ્પેકટર શેખ ને જોવાં આપ્યાં.. જેમાંથી એક ફોટોમાં શ્રી એટલે કે ઈશિતા એકલી હતી..અને બીજામાં શિવ,સાગર,નિધિ ની સાથેનો શ્રી નો ગ્રૂપ ફોટો હતો. શેખે બારીકાઈથી બંને ફોટો ને જોયાં.. ત્યારબાદ પોતાનાં ટેબલ પર પડેલી ફાઈલ ને ખોલી એમાં રહેલાં એ ચોર યુવતીનાં ફોટો સાથે સરખામણી કરવાં લાગ્યો. “તમારું નામ જણાવશો..?”શેખે ફોટો જોતાં જોતાં શિવને સવાલ કર્યો.

“મારુ નામ શિવ પટેલ છે..”શિવે કહ્યું. “Mr. શિવ અમે જે યુવતી ની ધરપકડ કરી છે એનો અને તમે આપેલાં ફોટોગ્રાફમાં જે યુવતી મોજુદ છે એનો ચહેરો મળતો તો આવે છે..”શેખે કહ્યું. શેખ ની વાત સાંભળી શિવ નું હૃદય ધબકારો ચુકી ગયો..કેમકે હજુ સુધી એ સંપૂર્ણ આશ્વસ્થ નહોતો કે એ યુવતી જ પોતાની શ્રી છે.આએનું કારણ હતું ન્યૂઝપેપરમાં સામેલ ધૂંધળા ફોટો..શિવ મહાપરાણે પોતાની તમામ લાગણીઓને વશ કરી બોલ્યો.

“સાહેબ હું ફાઈલમાં મોજુદ શ્રી નાં ફોટો જોઈ શકું છું..?” “Sure..”શેખે ફાઈલ શિવ તરફ લંબાવતાં કહ્યું. શિવે એ ફાઈલ ધ્રુજતાં હાથે પોતાનાં હાથમાં એ રીતે લીધી જાણે કોઈ બાપ એનાં નવજાત શિશુ ને પ્રથમ વખત તેડી રહ્યો હોય..આજે શિવનાં હૃદયમાં રહેલી મૃત આશાઓ પુનઃ જાગૃત થઈ હતી..આજે એનો પણ પુનઃ જન્મ થયો હતો અને શેખે આપેલી ફાઈલ એ ફક્ત ફાઈલ નહીં પણ નવજાત લાગણીઓ નો સમન્વય હતો.

શિવે ફાઈલ પોતાનાં ખોળામાં મૂકી અને એમાં રહેલાં ફોટો ને નીરખીને જોયાં..જેલની બેરેકમાં બંધ શ્રી નો ઉતરી ગયેલો બેનૂર ચહેરો..જે શ્રી પોતાનાં પહેરવેશ માટે ચુઝી હતી એનાં મેલાં-ઘેલાં કપડાં..જેની ખુલ્લી લહેરાતી ઝુલ્ફો પવન ને પણ સ્પર્શીને ખુશ્બુદાર બનાવતી એની લઘરવઘર ઝુલ્ફો..મોટી-મોટી મયકશ આંખો આજે ઊંડે ઉતરી ગઈ હતી.

image source

શિવે આંખો બંધ કરી અને એ ફોટો પર પોતાની ખુલ્લી હથેળી ને મૂકી..આ સાથે જ શિવે અત્યાર સુધી રોકેલાં લાગણીનાં બંધ ને ખુલ્લો મૂકી દીધો… એની આંખોમાંથી અચાનક લાગણીઓનું ઘોડાપુર ઉમટી પડ્યું.. હમીરે પણ પોતાની ગરદન લંબાવી ફાઈલમાં મોજુદ એ યુવતીનાં ફોટો જોયાં.. હમીર ની આંખો પણ એ ફોટો જોતાં જ ખુશીથી ઉભરાઈ આવી કેમકે હવે તો હમીરનાં મનમાં પણ જે ડર હતો કે ક્યાંક એ યુવતી શ્રી નહીં હોય તો..? એ નીકળી ગયો હતો.

શિવે હમીર તરફ આંખો ખોલી જોયું અને પછી જોરજોરથી રડતાં રડતાં હમીર ને ભેટી પડ્યો. “હમીર..શ્રી..મારી શ્રી અહીં છે..” “હા ભાઈ..તમારી શ્રી અહીં જ છે..આખરે તમારી વર્ષોની દુવા ફળી ગઈ..તમે વર્ષો બાદ શ્રી ને મળી શકશો..”હમીરે પણ શિવ ની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું. પોતાનાં મોટાભાઈ સમાન શિવની જીંદગીમાં આવેલાં આ સુખદ પ્રસંગ નો પોતે સાક્ષી બનશે એની ખુશી હમીર ને પણ લાગણીશીલ બનાવી રહી હતી..છતાં એ પોતાનાં બધાં ઇમોશન ને કંટ્રોલ કરી શિવને અત્યારે જેની જરૂર હતી એ કરી રહ્યો હતો..એને સાથ,એને સહકાર આપી રહ્યો હતો.

ઇન્સ્પેકટર શેખ પણ સમજી ચુક્યાં હતાં કે શિવે ભલે એ યુવતીને પોતાની કોલેજ ફ્રેન્ડ કહી પણ હકીકતમાં એ શિવનો પ્રેમ હતો.એનું સર્વસ્વ હતું.શેખે પણ ભૂતકાળમાં એક હિંદુ યુવતીને બેપનાહ પ્રેમ કર્યો હતો પણ ધર્મ આડે આવ્યો અને એમને અલગ થવું પડ્યું હતું. પોતાનાં પરિવારની ખુશી માટે શેખે અને એ હિંદુ યુવતીએ પોતાનાં ધર્મ નાં પાત્ર જોડે બીજે લગ્ન તો કર્યાં હતાં પણ મનમારીને..એ બંને હજુપણ એકબીજાને એટલો જ પ્રેમ કરતાં જેટલો પહેલાં.આજે પણ શેખ પોતાનાં જન્મદિવસ એ પોતાની પ્રેમિકા ને મળતો ત્યારે એની અંદર જે લાગણીઓ ઉમટી આવતી એ હાલ શિવની જે લાગણીઓ હતી અને મળતી આવતી હતી..એક રીતે શેખ અને શિવ સમદુખિયા હતાં.

શેખ પણ પોતાની ઉપર વીતેલી કહાનીને ઘડીભરમાં યાદ કરી પોતાની ખુરશીમાંથી ઉભો થયો અને પાણીનો એક ગ્લાસ શિવની તરફ લંબાવીને હમદર્દીથી બોલ્યો. “ભાઈ પહેલાં પાણી પી લે..” શિવે શેખનાં હાથમાંથી પાણીનો ગ્લાસ લીધો અને ડૂસકાં લેતાં લેતાં બે ઘૂંટ પીને ગ્લાસ ટેબલ પર રાખ્યો.. શેખે શિવનાં ખભે હેતથી હાથ ફેરવીને કીધું. “ભાઈ હું સમજી ગયો કે એ યુવતી તારું બધું જ હતું..તારી દરેક ખુશીઓની ચાવી હતી..તું ચિંતા ના કર હું તને એ યુવતી સુધી લઈ જઈશ..”

image source

શેખ ની વાત સાંભળી શિવે ખિસ્સામાંથી હાથરૂમાલ નીકળ્યો અને પોતાનો આંસુઓથી ખરડાયેલો ચહેરો સાફ કર્યો..શિવે ત્રણ-ચાર ઊંડા શ્વાસ ભર્યા અને શેખની તરફ જોઈને કહ્યું. “ઓફિસર..તમે મને જલ્દીથી મારી શ્રી જોડે લઈ જાઓ..હું હવે તો એનાંથી એક ક્ષણ પણ અલગ રહી નહીં શકું..એની આવી હાલત કેમ થઈ છે એ જાણવું છે..એનાં દરેક આંસુ ને મારાં હાથ વડે લૂછી એને દિલાસો આપવો છે મારે..એને મળવું છે મારે..એને ગળે લગાવીને રડવું છે મારે..”

“તો ચલો મારી સાથે..હું તમને આજે લઈ જઈશ તમારી શ્રી ની જોડે..જીંદગી માં આ એક સારું કામ કરી શકું એ માટે જ ખુદા એ મને સહી સલામત રાખ્યો છે..અને આ સારાં કર્મોની દુવાઓથી જ હું આજેપણ મારી રંજીતા ને મળી શકું છું.”શેખે કહ્યું. શેખની વાતો પરથી શિવ સમજી ચુક્યો હતો કે એ પણ પોતાની માફક હલાતનો માર્યો છે..એ પોતે પણ કોઈ હિર થી અલગ પડેલો રાંઝા અને કોઈ લૈલા માટે તડપતો મજનુ છે. શેખની પાછળ-પાછળ શિવ અને હમીર એની કેબિનમાંથી બહાર આવ્યાં..શિવને હતું કે શ્રી અહીં પોલીસ સ્ટેશનમાં જ હશે પણ જ્યારે શેખ પોલીસ સ્ટેશનની બહાર આવીને પોતાની જીપ તરફ આગળ વધ્યો ત્યારે શિવને આશ્ચર્ય થયું.

“સાહેબ આપણે ક્યાં જઈએ છીએ..?”શિવે ચાલતાં ચાલતાં નવાઈ સાથે શેખને પૂછ્યું. “સીટી હોસ્પિટલ શિમલા..”જીપમાં બેસતાં જ શેખ બોલ્યો. “હોસ્પિટલમાં.. પણ કેમ..?”શેખ ની બાજુની સીટ પર ગોઠવાતાં શિવ બોલ્યો.

image source

“કેમકે એ યુવતીનું ત્યાં મેડિકલ ચેકઅપ ચાલે છે..જો ડોકટર દ્વારા એને પાગલ ઘોષિત કરવામાં આવશે તો એને પોલીસ સ્ટેશન માં લાવવાની જગ્યાએ મેન્ટલ હોસ્પિટલમાં લઈ જવામાં આવશે..જ્યાં એની ટ્રીટમેન્ટ થશે..એનો ગુનો મોટો છે નહીં એટલે એને પછી તો પોલીસ સ્ટેશનમાં લાવવાનો સવાલ જ નથી..”જીપનાં એક્સીલેટર પર પગ મુકતાં શેખ બોલ્યો. શેખ ની વાત સાંભળી શિવે ભાવવિહીન ચહેરે હમીર તરફ જોયું અને પુનઃ પોતાની નજર શિમલા ની સડકો ઉપર સ્થિર કરી જેની ઉપર થઈને શેખ જીપને હંકારી રહ્યો હતો.

  • “તું મને નહીં મળે તો હું પાગલ થઈ જઈશ..
  • આવું કહ્યું હતું તે મને ગળે લગાવીને એક દિવસ..
  • એ વખતે તો આ વાત લાગી હતી મજાક
  • ધાર્યું નહોતું,મળીશ તું મને બની પાગલ એક દિવસ..”

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ