પ્રેમ અગન પ્રકરણ – 7 આખરે શિવ આવી ગયો એ જગ્યાએ જ્યાં તે શ્રી સાથે હનીમૂન પર આવવાનો હતો…

જે મિત્રોને આગળના પ્રકરણ વાંચવાના બાકી હોય તેઓ પ્રકરણ -1, પ્રકરણ – 2, પ્રકરણ – 3, પ્રકરણ – 4, પ્રકરણ – 5, પ્રકરણ – 6 પર ક્લિક કરે.

પ્રેમ અગન પ્રકરણ – 7

  • “મજબૂત રાખું મનને… મારુ હૈયું રહે નય હાથમાં…
  • જે દી એ હતી સગડું હતું… મારું સુ:ખ એની સાથમાં…
  • મજબુર થઈ મારે જીવવું રહ્યું…
  • અને મારા નેણે નીંદના આવતી….
  • પાદર ઘુમાવે અલ્યા પદમણી,
  • મને યાદ તારી એ આવતી, મને યાદ તારી આવતી..”

શિવ અને શ્રી ની પ્રેમકહાની નો જે રીતે અણધાર્યો અંત આવ્યો હતો એમાં શિવ શારીરિક અને માનસિક બંને રીતે ઘવાયો હતો..પોતાનાં જીવથી પણ પ્યારી પોતાની શ્રીનાં લગ્ન બીજે થઈ ગયાં બાદ શિવ સંપૂર્ણ રીતે ભાંગી ચુક્યો હતો..કોલેજનું લાસ્ટ સેમિસ્ટર પણ એ સાથે પૂર્ણ થઈ ગયું..શિવ જોડે એન્જીનીયરીંગની ડિગ્રીનું સર્ટિફિકેટ તો હતું પણ એની જોડે એ હોંસલો નહોતો જેનાં થકી એ આ સર્ટિફિકેટનો ઉપયોગ કરી નોકરી મેળવી શકે.

image source

શિવ આખો દિવસ પોતાનાં રૂમમાં જ ભરાઈ રહેતો..મન થાય તો જમતો અને મન થાય તો જ કોઈની સાથે વાતો કરતો..શિવ જોડે જે કંઈપણ બન્યું એની ઉપરથી શીખ લઈને સાગર અને નિધિ એ પોતપોતાનાં ઘરે એમનાં પ્રેમ-સંબંધ ની વાત રાખી દીધી..બંને ની એક જ જાતિ હોવાથી બીજી કોઈ પ્રોબ્લેમ તો ના આવી..પણ નિધિનાં ઘરેથી સાગર જો વિદેશ જાય તો એ લોકો એ બંનેનાં લગ્ન માટે તૈયાર થઈ જશે એવી શરત મૂકી..આ કારણથી જ સાગરે IELTS ચાલુ કરી દીધી.

સાગર અને નિધિ ઘણી વખત શિવને મળીને એનાં દિલનો ભાર હળવો કરવાં એનાં ઘરે આવતાં.. એમની લાખ કોશિશો બાદ પણ શિવ ને શ્રી નાં લગ્નનાં માનસિક આઘાતમાંથી બહાર નિકાળવામાં અસફળ થયાં.પોતાનાં દીકરાની આ સ્થિતિ કુસુમબેનથી જોવાતી નહોતી..છાને ખૂણે એ પણ શિવની હાલત પર રડી લેતાં.

પોતાનો જુવાનજોધ દીકરો આમ કમાવાની ઉંમર માં પોતાનું સઘળું ખોઈ બેઠો હોય એમ જે પ્રકારે વ્યથિત થઈને રૂમમાં ભરાઈ રહેતો એ શિવનાં પિતા હસમુખભાઈ થી સહન નહોતું થઈ રહ્યું..અને હવે શિવને આ બધામાંથી બહાર નીકાળવા એમને નાછૂટકે એક એવી વસ્તુ કરી જેનો વિચાર એ સ્વપ્નેય નહોતાં કરી શકતાં. એક દિવસ ગુસ્સે થઈ એ શિવનાં રૂમમાં પ્રવેશ્યાં અને શિવ પર તાડુકીને બોલ્યાં. “ભાઈ હવે તારાં પગનું ફ્રેક્ચર નીકળી ગયું છે.. અને તારું એન્જીનીયરીંગનું સર્ટિ પણ આવી ચૂક્યું છે..તો આગળ હવે આમ જ અમારાં માથે બોજ બની પડ્યું રહેવાનું છે કે પછી કંઈક કામ-ધંધે પણ લાગવું છે..”

image source

પોતાનાં પિતાજીનો આવો આકરો સ્વભાવ જોયાં પછી પણ શિવ જાણે કોઈ પ્રતિભાવ આપવાનાં મૂડમાં જ નહોતો..એ તો બસ માથું નીચું કરી ચુપચાપ પલંગમાં બેસી રહ્યો. “મતલબ કે તું આખી જીંદગી બાપનાં પૈસે જ લીલાલહેર કરવાં માંગો છો..મને બધી ખબર છે કે તારી સાથે શું થયું હતું..તું કોઈ છોકરી જોડે તારી પ્રેમલીલાઓ ફરમાવતો અને એનાં ભાઈએ તારી ઉપર આ હુમલો કર્યો..એ છોકરી તો તને મૂકી બીજે પરણી પણ ગઈ અને તું આમ છોડીઓની માફક ઘરની માંહે ભરાણો છો..”હસમુખભાઈ ઊંચા અવાજે આવેશમાં આવી બોલ્યાં. હસમુખભાઈનો આવો ગુસ્સાભર્યો અવાજ સાંભળી કુસુમબેન દોડતાં શિવનાં રૂમમાં પ્રવેશ્યાં અને બોલ્યાં. “શું થયું શિવનાં બાપુ..?કેમ શિવને આમ વઢો છો..?”

“તું હવે મૂંગી મરજે..જો એક હરફ મારાં અને તારાં આ દીકરા વચ્ચે ઉચ્ચાર્યો છે તો તારી ખેર નથી..”વેધક નજરે કુસુમબેન ભણી જોતાં હસમુખભાઈ એ કહ્યું. એમનો આવો આકરો સ્વભાવ જોઈ કુસુમબેન ચૂપ થઈ ગયાં.. હસમુખભાઈ એ શિવનાં રૂમમાં રહેલી તિજોરી ખોલી અને એમાંથી શિવનાં ત્રણ-ચાર જોડી કપડાં એક બેગમાં ભર્યાં અને પછી શિવનો હાથ બાવડેથી પકડી એને ખેંચીને ઘરનાં ઉંબરે લાવ્યાં.. શિવ ને ઘરની બહાર ધક્કો મારી હસમુખભાઈ એ શિવને એની બેગ આપતાં કહ્યું. “હવે તું આ ઘરે પગ મુકતો નહીં જ્યાં સુધી તું પગભર ના થઈ જાય..”

હસમુખભાઈનું આવું વલણ જોઈ શિવ હકીકતની દુનિયામાં પાછો આવ્યો..પોતાનાં પિતાજી આ શું કહી રહ્યાં હતાં એ થોડો સમય તો શિવને સમજાયું પણ નહીં..પણ એમને જેવી કપડાં ભરેલી બેગ પોતાનાં હાથમાં મૂકી એ સાથે જ શિવ આંચકા સાથે વર્તમાનમાં આવ્યો. “પણ પિતાજી હું ક્યાં જઈશ.. મારે ક્યાં જવાનું..?” “અરે..શિવ નાં બાપુ શું આમ આકરા થાવ છો..ક્યાં જશે આ..?”કુસુમબેન પણ પોતાનાં દીકરાનો પક્ષ લેતાં બોલ્યો. “તું બંધ થા..”કુસુમબેન પર ગુસ્સે થતાં હસમુખભાઈ બોલ્યાં. “લે આ પૈસા..અને હાલતીનો થા અહીંથી..”શિવનાં ખિસ્સામાં પોતાનાં ખિસ્સામાંથી જે કંઈપણ રકમ હતી એ મૂકી શિવને ધક્કો મારી હસમુખભાઈ એ કહ્યું. “મમ્મી,તું સમજાવ ને પપ્પા ને..હું ક્યાં જઈશ..”કુસુમબેન ની તરફ જોઈને શિવ કરગરતાં બોલ્યો.

image source

કુસુમબેને શિવ ની વાત સાંભળી પુનઃ હસમુખભાઈ ને સમજાવવાનો પ્રયત્ન કરી તો જોયો..પણ હસમુખભાઈ પોતાની વાત પર મક્કમ હતાં અડગ હતાં.. શિવ સ્વાભિમાની છોકરો હતો..અને હવે પોતાનાં પિતાની નજરો સામે જ્યાં સુધી પોતે એક યોગ્ય સ્થાન નહીં મેળવી લે ત્યાં સુધી એ ઘરે પાછો નહીં આવે એવું મક્કમ મને વિચારીને શિવે બેગ ખભે કરી અને પોતાનાં માતા-પિતા નાં આશીર્વાદ લઈને ત્યાંથી ચાલી નીકળ્યો.

શિવ નાં જતાં જ કુસુમબેન પોક મૂકીને રડતાં-રડતાં ઘરની અંદર ચાલ્યાં ગયાં..અને ઘરની બહાર ઉભાં-ઉભાં હસમુખભાઈ મનોમન પોતાનો પુત્ર જીંદગીમાં ધારી સફળતા મેળવે તથા માતાજી એની રક્ષા કરે એવી પ્રાર્થના કરવાં લાગ્યાં.શિવ પોતાનાં જીગરનો પણ ટુકડો હતો પણ આમ કર્યાં વિના હસમુખભાઈને બીજો માર્ગ ના સૂઝયો એટલે મને-કમને એમને દિલ ઉપર પથ્થર મૂકી શિવની સાથે આવો વ્યવહાર કરવો પડ્યો.

પહેલાં શ્રી અને હવે પોતાનાં પરિવારનું પોતાનાંથી આમ અલગ થઈ જવું શિવ ને અંદર સુધી ભાંગી મુકવા કાફી હતું..શિવ ઘરેથી નીકળી જુનાગઢ એસટી સ્ટેન્ડમાં આવી સુન-મુન બેસી રહ્યો..પહેલાં તો ત્યાંથી નીકળી ક્યાં જવું એ શિવ ને સૂઝ્યું નહીં..દિશાશુન્ય થઈને દોઢેક કલાક સુધી તો શિવ ત્યાં બેસી રહ્યો..આંખનાં આંસુ પણ હવે તો સુકાઈ ચુક્યાં હતાં.

image source

આખરે શિવ ઉભો થયો અને પાણીની પરબે જઈને પોતાનો આંસુથી ખરડાયેલો ચહેરો ધોયો..આંખો બંધ કરીને પોતાનો અંતરાત્મા નો અવાજ સાંભળવાની કોશિશ કરી..અંતરાત્મા નો અવાજ તો શિવને ના સંભળાયો પણ અમદાવાદ જતી બસનું એનાઉન્સમેન્ટ એનાં કાને પડ્યું..આ એનાઉન્સમેન્ટ જાણે પોતાને પરમકૃપાળુ પરમાત્માનો કોઈ ગર્ભિત ઈશારો હોય એમ માની શિવ જઈને અમદાવાદ જતી બસમાં બેસી ગયો.

અહીંથી શરૂ થઈ શિવ ની mr.શિવ પટેલ બનવાની શરૂવાત.. ટ્રેઇની તરીકે જ્યાં એક મહિનો ટ્રેઈનિંગ લીધી હતી એ કંપનીમાં ફ્રેશર તરીકે ની જોબ..જોડે કામ કરતાં એક મિત્ર જોડે રૂમ ઉપર રહેવું અને પછી જોબ માં દિલ લગાવીને કામ કરવાનાં લીધે મળેલી ઊંચી પોસ્ટ અને પછી તો જોબ મુકતાં ની સાથે જય ની સહાયતાથી શરૂ કરેલી શ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની.

પોતાની મહેનત અને લગનથી શિવે પોતાની સ્થાપેલી શ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને અમદાવાદનાં આઈટી ક્ષેત્રમાં વેંત ઉંચેરા મુકામ પર સ્થાપિત કરી.શિવે બે વર્ષની અંદર તો પોતાનો ફ્લેટ અને ગાડી પણ ખરીદી લીધી..અને શિવે એજ ગાડી ખરીદી જે હસમુખભાઈનાં શેઠ જોડે હતી..ઓડી..ચાર ચાર બંગડીવાળી આ કાર પોતાનાં દીકરા જોડે પણ હોય એવું હસમુખભાઈ નું સપનું હતું જે શિવે સાકાર કરી દીધું.

image source

શિવ જૂનાગઢ મૂક્યાંનાં ત્રણ વર્ષે જ્યારે પોતાનાં ઘરે પહોંચ્યો ત્યારે એની જોડે બધું હતું..નામ,દોલત,કાર.શિવ જાણતો હતો કે એનાં પિતાજીએ પોતે સફળ વ્યક્તિ બને એ જ વિચારથી દિલ ઉપર પથ્થર રાખી હસમુખભાઈ એ શિવને ઘરેથી કાઢી મુક્યો હતો..શિવ જ્યારે એક સક્સેસફુલ બિઝનેસમેન થઈને ઘરે આવ્યો ત્યારે પ્રથમ વખત હસમુખભાઈ એની સામે રડી પડ્યાં.. શિવે પણ બધું જૂનું ભુલાવી પોતાનાં પિતાજીને ગળે લગાવી લીધાં.

“આજે હું બધાં ને કહી શકીશ કે આ છે મારો દીકરો શિવ,જે અમદાવાદનો સફળ બિઝનેસમેન અને હું છું એનો બાપ..”શિવને ગળે લગાવી જ્યારે હસમુખભાઈ ગર્વથી જ્યારે આમ બોલ્યાં ત્યારે તો શિવ અને કુસુમબેન પણ ખુશીથી રડી પડ્યાં.. એક પરિવાર ફરીથી એક થયો હતો..બધાં ખુશ હતાં પણ શિવ હજુપણ શ્રી વગર પોતાનાં પરિવારને અધુરો સમજતો હતો.

શિવે પોતાનાં માતા-પિતા ને પોતાની સાથે અમદાવાદ આવી જવાં ઘણું કહ્યું..પણ હસમુખભાઈ એ પોતે જ્યાં સુધી હાથ-પગ ચાલશે ત્યાં સુધી જૂનાગઢ નહીં મૂકે એમ કહી શિવની વાતને નકારી દીધી..મમ્મી પપ્પા તો જોડે ના આવ્યાં પણ માતા-પિતા નાં અવસાન પછી પોતાનાં મહોલ્લામાં નાનાં-મોટાં ઘરકામ કરી ગુજરાન કરતાં હમીર ને શિવ પોતાની સાથે લઈ ગયો.

પોતાની વીતેલી જીંદગી ની યાદોને વાગોળતાં વાગોળતાં શિવ જ્યારે પુનઃ વર્તમાનમાં પાછો આવ્યો ત્યારે દિલ્હી થી ઉપડેલી ફ્લાઈટ શિમલા આવી પહોંચી હતી. સમુદ્ર ની સપાટીથી 2300 મીટર ઊંચાઈએ સાત પહાડીઓ નાં એકત્રીકરણથી બનેલું આ શહેર પોતાનાં પ્રાકૃતિક સૌંદર્યથી વર્ષે-દહાડે લાખો સહેલાણીઓને પોતાની તરફ આકર્ષતું રહ્યું છે.

image source

વર્ષો સુધી પોતાની આ જ નૈસર્ગિક સુંદરતા ને લીધે બ્રિટિશ સરકાર દ્વારા શિમલા ને પોતાની ગ્રીષ્મકાલીન રાજધાની જાહેર કરવામાં આવી હતી.બ્રિટિશરો નાં વર્ષો સુધીનાં વસવાટ ને લીધે શિમલામાં મોટી સંખ્યામાં કલાત્મક ચર્ચ બન્યાં હતાં..વર્ષનાં અમુક સમય દરમિયાન થતી હિમવર્ષા નો લૂફ્ત ઉઠાવવા મોટી સંખ્યામાં ભારતીયો ત્યાં આવી પહોંચતાં..સહેલાણીઓ અને પર્યટકો નાં ઘસારાને લીધે શિમલામાં હોટલ બિઝનેસ મોટાં પાયે વિકસેલો છે.

એરપોર્ટ ની બહાર પગ મુકતાં જ શિવ અને હમીર ને જય દ્વારા એમનાં માટે બુક કરવામાં આવેલી શિમલાની સૌથી મોટી હોટલ એવી ઓબેરોય હોટલથી પીક કરવાં માટે કાર આવી પહોંચી..કલાકની સફર બાદ શિવ જ્યારે મુખ્ય શહેરથી થોડે દુર ઊંચાઈ પર આવેલી અને ચોતરફ વનરાજીથી ઘેરાયેલી હોટલ ઓબેરોય પર પહોંચ્યો ત્યારે શિવ મંત્રમુગ્ધ થઈ ગયો.

કામનાં લીધે શિવ ઘણી વાર વિદેશ તો ગયો હતો પણ ક્યારે કોઈ પર્યટન સ્થળની મુલાકાત એને નહોતી લીધી..એ પોતાની શ્રી જ્યાં ખરીદી કરવાનું સપનું જોતી હતી એવાં લોસ એન્જલસ અને ઈસ્તુંબલ નાં મોલ માં જઈને પણ શોપિંગ કરી આવ્યો હતો પણ આજે એ પ્રથમ વખત કામનાં લીધે નહીં પણ ફક્ત ફરવાનાં ઉદ્દેશથી અમદાવાદની બહાર નીકળ્યો હતો.

ઓબેરોય હોટલની ફરતે ની કુદરતી સુંદરતા જોઈને શિવનું મન ઝૂમી ઉઠ્યું..હમીર તો પોતે જાણે સ્વર્ગમાં આવી પહોંચ્યો હોય એવી દિવ્ય અનુભૂતિ કરી રહ્યો હતો.પોતાને ફાળવેલાં રૂમમાં પહોંચી શિવે સૌપ્રથમ તો જયને કોલ કરી પોતે હોટલ રૂમ સુધી આવી ગયો છે એની જાણકારી આપી દીધી..સાથે-સાથે શિવે જયનો આવી સુંદર હોટલ બુક કરાવવા માટે આભાર પણ માની લીધો.

image source

“શિવ ભાઈ..અહીં તો વગર એસીએ પણ ઠંડુ ઠંડુ લાગે છે..”રૂમની બારી ખોલતાં જ હમીર બોલ્યો. “હા ભાઈ હવે હિમાલયની ગોદમાં આવી પહોંચ્યા એટલે ઠંડક તો રહેવાની જ..હું જમવાનું ઓર્ડર કરીને ફ્રેશ થઈ આવું..તું ત્યાં સુધી બેગમાંથી બધો સામાન અલમારીમાં મૂકી દે..”હમીરને આટલું કહી શિવે હોટલ સર્વિસ પર કોલ કરી જમવાનું મંગાવી લીધું. જમવાનું પૂર્ણ થયું ત્યાં જ લાંબી મુસાફરીથી થાકેલો શિવ આરામ કરવાં પલંગમાં આડો પડ્યો..થાકનાં અને ઠંડકનાં લીધે શિવને નીંદર આવી ગઈ..હમીર પણ પડતાં ની સાથે જ સુઈ ગયો.

શિવ ને સપનાંમાં પણ પોતાની મનની માનેલી શ્રી જોડે જોયેલાં એ બધાં સપના યાદ આવવાં લાગ્યાં.. જેમાંથી એક સપનું હતું કે લગ્ન પછી એ બંને હનીમુન માટે શિમલા આવશે..આજ મીઠી યાદોને મનમાં ભરીને શિવ ચહેરા પર સ્મિત સાથે સુઈ ગયો.શિવને ખબર હતી કે પોતાને શ્રીનાં દર્શન પણ ક્યારેય થવાનાં નથી છતાં શિવ ક્યારેક કુદરત જોડે કંઈક માંગતો જેનો કુદરત પણ એવો જવાબ આપતી જે સાંભળી શિવ નિરુત્તર થઈ જતો.

  • ”એના પર કવિતા લખુ એવા મારી પાસે છંદ નથી ,
  • એનુ ચિત્ર દોરી શકુ એવા મારી પાસે રંગ નથી ,
  • કુદરતને કહ્યુ ફરી બનાવ આવી સુંદરતા ,
  • કુદરતે કહ્યુ મજબુર છુ આવા સુંદર બીજા અંગ નથી….. “
  • “કોઈ ” સાથે છે ..
  • પણ ” પાસે કેમ નથી ?
  • કોઈ ” યાદો માં છે ..
  • પણ ” વાતો માં કેમ નથી ?
  • કોઈ હૈયે ” દસ્તક આપે છે
  • પણ હૈયા માં ” કેમ નથી ?
  • એ અજનબી ” ક્યાંક તો છે
  • પણ આંખો સામે ” કેમ નથી ?”

શિવે જ્યારે આંખ ખોલી ત્યારે સાંજનાં છ વાગી ગયાં હતાં.. શિમલામાં પોતાનાં આગમન નો પ્રથમ દિવસ તો અડધો મુસાફરી અને બાકીનો સુવામાં નીકળી ગયો..હવે બાકીનો સમય જે વધ્યો હતો એ વેડફવાની શિવને કોઈ ઈચ્છા નહોતી એટલે એને હમીરને ફટાફટ તૈયાર થવાનું કહ્યું અને નીકળી પડ્યો શિમલા ની સુંદર સાંજને માણવા.

સૂરજ આથમી ચુક્યો હતો અને પહાડીઓ તરફથી આવતો શીતળ પવન સમગ્ર શિમલા ને ઠંડુંગાર બનાવી રહ્યો હતો..કોણ જાણે અહીં પગ મૂક્યાં પછી શિવને શ્વાસ ભરવામાં જે વર્ષોથી વજન પડતું હતું એ ગાયબ થઈ ચૂક્યું હતું..આ શિમલા ની હવાનો જાદુ હતો કે બીજું કંઈ એ શિવને ખબર તો નહોતી..પણ આ જાદુઈ અસરને એ મનભરી માણવા માંગતો હતો.

image source

“શિવ ભાઈ ક્યાં જઈશું..?”શિમલાનાં મુખ્ય બજારમાં પગ મુકતાં ની સાથે જ હમીરે શિવની તરફ જોઈને પૂછ્યું. “જ્યાં પગ લઈ જાય..”શિવ હસીને હમીર ની વાતનો પ્રત્યુત્તર આપતાં બોલ્યો. શિવે શિમલામાં પોતે ક્યાં ફરશે એ વર્ષોથી નક્કી કરી રાખ્યું હતું..કેમકે શ્રીની જોડે ખુલ્લી આંખે જોયેલાં સ્વપ્ન પછી તો શિમલા નાં દરેક પ્રખ્યાત સ્થળ શિવને કંઠસ્થ હતાં..આ ઉપરાંત શિવને વર્ષોથી પોતાનું એક અંગત સપનું હતું જેનાં વિશેનો ઉલ્લેખ શિવ શ્રી આગળ પણ કરી ચુક્યો હતો..જે હતું જાખુ મંદિર જોડે આવેલાં વ્યુ પોઈન્ટ ઉપરથી ડૂબતા સૂરજને મનભરીને દેખવો.

આજે તો પોતાની ડૂબતા સૂરજને જોવાની ઈચ્છા પુરી ના થઈ શકી અને રાત થવાં આવી હોવાથી બીજે જઈ શકાય એમ નહોતું એટલે શિવ હમીરની સાથે શહેરની મધ્યમાં આવેલી રિઝ નામની જગ્યાએ આવી પહોંચ્યો.આ સ્થળથી શિમલા ની ફરતે આવેલી બધી પહાડી જોઈ શકાતી હતી.અહીં વસ્તુકલાનાં અદભુત નમુના સમાન ન્યુ ગોથીક જોવાં લાયક છે. એ સિવાય ત્યાં આવેલી ક્રાઇસ્ટચર્ચ અને ન્યુ ટ્યુડર પુસ્તકાલય ભવન પણ જોવાલાયક સ્થળમાં સામેલ છે..અહીં બે-ત્રણ કલાક જેટલો સમય પસાર કર્યાં બાદ શિવ અને હમીર જઈને એક રેસ્ટોરેન્ટમાં બેઠાં.

“હમીર..જમવાની જોડે કંઈક લઈશ..?”શિવે જમવાનું ઓર્ડર કર્યાં બાદ હમીરને ઉદ્દેશીને કહ્યું..શિવનો ઈશારો હાર્ડ ડ્રીંક તરફ હતો. “છાશ હોય તો મજો પડી જાય..”હમીરે કહ્યું..હમીર ની વાત સાંભળી શિવ ખળખળાટ હસી પડ્યો..હમીર ની તરફ જોતાં એ બોલ્યો. “વાહ મારાં કાઠિયાવાડી કિંગ..અહીં આવીને પણ તને છાશ સુઝે છે..ભાઈ છાશ ની નહીં હું શરાબની વાત કરું છું..” “ભાઈ કદી પીધો નથી દારૂ..તો હા કઈ રીતે કહું..”શિવની વાત સાંભળી માથું ખંજવાળતા હમીર બોલ્યો. “ભાઈ અહીં પીવાનો કોઈ વાંધો નથી..ક્યારેક ક્યારેક હું પણ એકાદ-બે પેગ મારી લઉં છું..”શિવે કહ્યું.

“તો પછી મંગાવો..”હમીર બોલ્યો. વેઈટર જમવાની પ્લેટ લઈને આવ્યો એટલે શિવે એને બે લાર્જ પેક વહીસ્કી લઈને આવવાનું કહ્યું..હમીર તો આંખો બંધ કરીને એક જ ઘૂંટમાં આખો પેગ પૂરો કરી ગયો..જે રીતે હમીર નાક ને હાથ વડે બંધ કરી વહીસ્કી પીતો હતો એ જોઈ શિવને હસવું તો આવી રહ્યું હતું પણ રેસ્ટોરેન્ટમાં બેસેલાં બીજાં લોકો એમની તરફ જે રીતે જોઈ રહ્યાં હતાં એ જોઈ શરમ પણ આવી રહી હતી. “શિવ ભાઈ એક બીજો..”પહેલો પેગ પૂરો કર્યા બાદ હમીર વિનવણી કરતાં બોલ્યો.

“વેઈટર,2 more peck of whisky..”હમીર ની વાત સાંભળી શિવે વહીસ્કી નો બીજો ઓર્ડર આપી દીધો. આખરે જમવાનું અને પીવાનું પૂર્ણ કરી શિવ અને હમીર રેસ્ટોરેન્ટની બહાર નીકળ્યા..હજુ તો શિવ હાથ નાં ઈશારા વડે કોઈ ટેક્સી રોકે એ પહેલાં તો એક પોલીસ કર્મચારી આવીને હમીર ની સાથે જોરથી ભટકાયો..હમીર ને વહીસ્કી નો નશો ચડ્યો હોવાથી આમપણ એનાં પગ ઠરતાં નહોતાં.. પોલીસ વાળા ની આ ટકકરથી હમીર ગોથું ખાઈને જમીન પર પડ્યો. “Sorry સાહેબ..હું એક ચોર નો પીછો કરી રહ્યો હતો તો..”હમીર ને ઉભો કરતાં એ પોલીસ કોન્સ્ટેબલ બોલ્યો.

“Its ok..”શિવે હમીર ને ટેકો આપ્યો અને કોન્સ્ટેબલ તરફ જોઈને કહ્યું. શિવની તરફ જોઈ એ કોન્સ્ટેબલ પુનઃ દોડીને એ દિશામાં ભાગ્યો જે તરફ એ જઈ રહ્યો હતો..સ્ટ્રીટ લાઈટ નાં આછા પ્રકાશમાં શિવે એ કોન્સ્ટેબલ જેની પાછળ દોડી રહ્યો એ ચોરની તરફ નજર ફેંકી.વાતાવરણમાં આવેલું થોડું ઘુમમ્સ અને પ્રકાશનાં અભાવનાં લીધે શિવને વધુ કંઈ તો ના દેખાયું પણ એને ધૂંધળુ તો ધૂંધળુ જોયું કે એક વ્યક્તિ હાથમાં પર્સ લઈને દોડી રહ્યું હતું..શિવ એ વ્યક્તિ ને વ્યવસ્થિત જોવે એ પહેલાં તો રોડ નાં વળાંક ઉપર એ વ્યક્તિ ભાગી નીકળી.

image source

શિવે હમીર ની તરફ નજર ઘુમાવી કહ્યું. “ભાઈ હમીરિયા..વાગ્યું તો નથી ને..?” “ના..હો..ખાલી થોડું છોલાણું છે..”પોતાનાં જમણાં હાથની કોણી નો ભાગ શિવને બતાવતાં કહ્યું. શિવે જોયું તો હમીરને થોડું લોહી નીકળ્યું હતું..પણ વધુ ચિંતાની વાત નહોતી એટલે શિવે પોતાનો હાથ રૂમાલ કાઢી હમીરનાં કોણી પર જ્યાં વાગ્યું હતું ત્યાં બાંધી દીધો..પોતે તો ખરાં દિલથી શિવની સેવા કરતો હતો પણ જે રીતે શિવ હમીર ની કાળજી રાખતો હતો એનાં લીધે હમીરનાં હૃદયમાં શિવ માટે માન બમણું વધી ગયું હતું.આજે પણ હમીર નાં હાથ પરનો ઘા જોઈ જે રીતે શિવ નો ચહેરો ઉદાસ થઈ ઉઠ્યો હતો એ જોઈ હમીરની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી.

ત્યારબાદ શિવ ટેક્સી કરી હમીરની સાથે ઓબેરોય હોટલ જઈ પહોંચ્યો..વહીસ્કી નો નશો અને શિમલાની ફુલગુલાબી તન અને મનને તરબોળ કરી મુકતી ઠંડકનાં લીધે હમીર તો રૂમમાં પહોંચતાં ની સાથે જ પલંગમાં લાંબો થઈને પડ્યો એ સાથે જ ઘસઘસાટ સુઈ ગયો..શિવે હમીર નાં બૂટ નીકળ્યાં અને એને સરખો સુવડાવ્યો.જે રીતે હમીર શિવને પોતાનું સર્વસ્વ માનતો હતો એ રીતે શિવ માટે હમીર નાના ભાઈથી અધિક હતો જેનાં માટે પોતાનો જીવ આપવો પડે તો પણ શિવ આપતાં ખચકાય એમ નહોતો.

શિવે હાથ પગ ધોઈ ઘડિયાળ તરફ નજર કરી તો હજુ સાડા દસ થતાં હતાં..આટલી જલ્દી પોતાને નીંદર નહીં આવે એમ માની શિવ પોતાનાં રૂમમાં રહેલા ટેલિવિઝન સેટ ને ઓન કરીને બેઠો..એ વખતે ટીવી પર શિવનાં ફેવરિટ શો એવાં કપિલ શર્મા શો નો રિપીટ ટેલિકાસ્ટ આવતો હતો..શિવે અગિયાર વાગ્યાં સુધી હાસ્ય નાં સુપરડોઝ એવાં આ શો ની મજા લીધી અને પછી શિવે મ્યુઝિક ચેનલ બદલી.

પૉપ અને રિમિક્સ નાં જમાનાનાં લાઉડ મ્યુઝિકથી શિવને નફરત હતી..આથી જ શિવ જે ચેનલ ઉપર અત્યારનાં ગીતો આવી રહ્યાં હતાં એને વારંવાર બદલે જતો હતો..દસેક મ્યુઝિક ચેનલ બદલ્યા પછી પણ શિવને પોતાની પસંદગીનું કોઈ ગીત કાને ના પડ્યું..આખરે શિવ મનોમન ટેલિવિઝન બંધ કરી સુવાનું વિચારતો હતો ત્યાં 9XM જલવા નામની મ્યુઝિક ચેનલ પર ચાલતાં એક ગીતે શિવનો સુવાનો વિચાર હાલપુરતો પડતો મુકવા એને મજબુર કરી મુક્યો.

જેનાં થકી ગીતકારો ને પણ ફિલ્મનાં પોસ્ટરમાં સ્થાન અને સારી એવી રકમ મળવા લાગી એવાં શબ્દોનાં ફનકાર સાહિર લુધિયાણવી સાહેબની ખુબસુરત રચના ને ફિલ્મ ગુમરાહનાં એક ગીતને સ્વર્ગસ્થ મહેન્દ્ર કપુરનાં અવાજમાં સાંભળતાની સાથે શિવે પોતાની આંખો બંધ કરી એ ગીત ની દરેક લાઈન ગીત ની સાથે-સાથે લાગણી સાથે ગુનગુનાવી.

  • चलो इक बार फिर से
  • अजनबी बन जाएं हम दोनों..
  • न मैं तुमसे कोई उम्मीद रखूँ दिलनवाज़ी की..
  • न तुम मेरी तरफ़ देखो गलत अंदाज़ नज़रों से..
  • न मेरे दिल की धड़कन लड़खड़ाये मेरी बातों में..
  • न ज़ाहिर हो तुम्हारी कश्मकश का राज़ नज़रों से..
  • चलो इक बार फिर से
  • अजनबी बन जाएं हम दोनों..
  • तुम्हें भी कोई उलझन रोकती है पेशकदमी से..
  • मुझे भी लोग कहते हैं कि ये जलवे पराए हैं..
  • मेरे हमराह भी रुसवाइयां हैं मेरे माझी की..
  • तुम्हारे साथ भी गुज़री हुई रातों के साये हैं..
  • चलो इक बार फिर से
  • अजनबी बन जाएं हम दोनों..
  • तार्रुफ़ रोग हो जाये तो उसको भूलना बेहतर..
  • ताल्लुक बोझ बन जाये तो उसको तोड़ना अच्छा..
  • वो अफ़साना जिसे अंजाम तक लाना ना हो मुमकिन..
  • उसे इक खूबसूरत मोड़ देकर छोड़ना अच्छा
  • चलो इक बार फिर से
  • अजनबी बन जाएं हम दोनों..”

શિવ જેમ-જેમ ગીત સાંભળતો ગયો એમ-એમ દિલનાં સંદૂકમાં વર્ષોથી સંઘરેલી થોડી યાદો અશ્રુ બની આંખોથી વહેવા લાગી.. શિવે ઊંડો શ્વાસ ભર્યો અને ટેલિવિઝન બંધ કર્યું અને મનોમન બોલ્યો. “જો મારી મોહબ્બત ને પણ એક ખુબસુરત વળાંક મળ્યો હોત તો આજે આ હૃદયમાં પડેલાં રિક્ત સ્થાનમાં મારી શ્રી ની જગ્યા બીજાં કોઈને આપવાની કોશિશ કરી શક્યો હોત..” શિવને એક વિચાર સ્ફુરતાં પોતાનો મોબાઈલ ફોન હાથમાં લીધો અને google notes માં જઈને કંઈક લખવાનું શરૂ કર્યું..આ એવું લખાણ હતું જે શિવ ઘણીવાર ટાઈપ કરતો જરૂર હતો..પણ એ જેને મોકલવાનું હતું..એ જેને ઉદ્દેશીને લખાયું હતું એનો નંબર પણ શિવનાં કોન્ટેકટ લિસ્ટમાં જ નહોતું.

મારાં ઘણાં વાંચક મિત્રો જોડે પણ એવું બનતું હશે કે એ કોઈ મેસેજ ટાઈપ કરતાં હશે પણ એને સેન્ડ નહીં કરી શકતાં હોય..આવું જેની સાથે થયું હશે એમને ખબર હશે કે આવાં લખીને ના મોકલવામાં આવતાં મેસેજમાં લાગણીઓનો અફાટ સમુદ્ર સમાયેલો હોય છે. શિવે મોબાઈલ માં પોતાની શ્રી ને ઉદ્દેશીને મનની લાગણીઓનાં શબ્દોરૂપી મણકા ને માળામાં પરોવીને લખવાનું શરૂ કર્યું..આવી જ કુલ 348 ગૂગલ નોટ પહેલેથી જ શિવનાં મોબાઈલમાં મોજુદ હતી.. નાનાં નાનાં પ્રસંગોમાં,કોઈ ખુશીનાં સમયમાં,દુઃખનાં સમયમાં કે જ્યારે કંઈપણ સૂઝતું ના હોય ત્યારે શિવ પોતાની પ્રિય એવી શ્રી એટલે કે ઈશિતા ને આ રીતે જ ઉદ્દેશીને મેસેજ લખતો.

 

image source

આવો જ મેસેજ ટાઈપ કરતાં શિવે લખ્યું. “શ્રી,હું આજે એ સ્થળે છું જ્યાં આપણે હનીમુન નું સ્વપ્ન જોયું હતું..જ્યાં તું અને હું એકબીજાને સંપૂર્ણ બનાવવાની ઈચ્છા ધરાવતાં હતાં.. જ્યાં વ્યુ પોઈન્ટ પર જઈને ડૂબતા સૂરજને જોવાનું મારું ડ્રિમ છે એવું કહ્યું ત્યારે તું પ્રેમથી બોલી હતી..’શિવ તું ડૂબતા સૂરજને જોજે..અને હું મારાં ખીલતાં શિવને..”

“યાદ છે તને કે તે કહ્યું હતું કે શિવ તું મને એકવાર પોતાની બાહોમાં ઉપાડીને શિમલામાં ફરજે.. લોકો ભલે પાગલ કહેતાં પણ હું સૌથી વધુ ખુશ હોય એ દિવસે..તારાં દરેક શ્વાસનો દિવ્ય અહેસાસ અહીં શિમલમાં જ કરવાની ખેવના હતી..આથી જ અહીં પગ મુકતાં ની સાથે અહીંથી હવામાં હું આજે પણ તને મહેસુસ કરી શકું છું..” “ચલ by.. સાચવજે.. ફ્રી પડીશ ત્યારે મેસેજ કરીશ..”

જાણે શ્રી ને સાચેમાં મેસેજ કરતો હોય એમ મેસેજ લખી શિવ શાંતિથી સુઈ ગયો..સવારે શિવ જ્યારે ઉઠ્યો ત્યારે હમીર સ્નાન કરવાં બાથરૂમમાં પ્રવેશી ચુક્યો હતો..હવે હમીર અડધા કલાક સુધી નહીં નીકળે એમ વિચારી શિવે હોટલ સર્વિસને કોલ કરી ચા-નાસ્તો ઓર્ડર કરી દીધો..પંદર મિનિટમાં તો ચા-નાસ્તો લઈને વેઈટર શિવનાં રૂમમાં આવવાં આવી પહોંચ્યો..જતાં જતાં એને વિનમ્રતાથી પૂછ્યું.

“સાહેબ..ન્યૂઝપેપર આપું..?” “હા..”શિવે કહ્યું. “હિન્દી કે ઈંગ્લીશ..?”એ વેઈટરે કહ્યું. “હિન્દી..”પોતાની માતૃભાષા અને રાષ્ટ્રભાષા ને પ્રેમ કરતો હોવાથી શિવે હિન્દી ન્યૂઝપેપર માંગ્યું. શિવનાં આમ કહેતાં જ એ વેઈટર શિવનાં હાથમાં જય હિંદ ન્યૂઝપેપર આપીને નીકળી ગયો..જોડે-જોડે એ લોકલ ન્યૂઝપેપર ડેઈલી શિમલા ની પણ એક નકલ આપતો ગયો.શિવે ચા ની ચુસકી સાથે ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કર્યું..લોકલ ન્યૂઝપેપર ચા ની ટ્રે નીચે મુક્યું હતું..કેમકે શિવને લોકલ ન્યૂઝથી કોઈ નિસ્બત નહોતી. “શિવ ભાઈ જાઓ તમે નહાવા..મેં નાહી લીધું..”બાથરૂમમાંથી બહાર નીકળતાં જ હમીર ટુવાલ વડે માથું લૂછતાં બોલ્યો.

“તું આવી ગયો ખરો..મને એમ કે સુઈ ગયો હોઈશ..”આટલું બોલી શિવ ન્યૂઝપેપર ચા ની ટ્રે પડી હતી એ ત્રિપાઈ પર મુક્યું અને બાથરૂમ તરફ અગ્રેસર થયો. હજુ તો શિવ માંડ ત્રણેક ડગલાં આગળ વધ્યો હશે ત્યાં અનાયાસે જ એનાં પગ અટકી ગયાં.. કુદરતનાં કોઈ ગેબી સંકેતે શિવને ત્યાં રોકી લીધો.પોતાની નજરે કંઈક તો પડ્યું હતું જેનાં લીધે એ આગળ વધતો અટકી ગયો..પણ શું..?

  • “હું બહું ઉદાસ થઇને આવ્યો છું તારા શહેર માંથી,
  • આંખોમાં ભીનાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.
  • જે જગ્યાઓ હતી તારા અને મારા મધુર મિલનની,
  • હૈયામાં ખારાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.
  • કોરી ખાય છે ગલીઓ ને હસી રહયાં છે ઉપવનો,
  • દુઃખોનું આકાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.
  • કરજો દુવા એટલી જ કે પ્રભું મળે નહી રસ્તામાં,
  • દિલમાં ભડાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.
  • શ્રધ્ધા પર શ્રધ્ધા રાખી એનું તો આ પરિણામ છે.
  • પ્રેમની હું લાશ લઇને આવ્યો છું તારા શહેર માંથી.”

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ