પ્રેમ અગન પ્રકરણ – 5 અને અચાનક લાગી શું શિવથી કોઈ ભૂલ થઇ હતી પછી…

જે મિત્રોને આગળના પ્રકરણ વાંચવાના બાકી હોય તેઓ પ્રકરણ -1, પ્રકરણ – 2, પ્રકરણ – 3, પ્રકરણ – 4 પર ક્લિક કરે.

પ્રેમ અગન પ્રકરણ – 5

“તારી જુદાઈનો અવસર જ્યારથી મને સાંપડ્યો છે.. તારાં વગર જીવું છું એ જોઈ ખુદ નો ખભો થાબડયો છે.”

હયાત હોટલમાં યોજયેલાં CNBC નાં બિઝનેસ એવોર્ડ ફંક્શનમાં શિવ ચક્કર ખાઈને ફર્શ પડ્યો..શિવનાં નીચે પડતાં ની સાથે એનો મિત્ર કમ બિઝનેસ પાર્ટનર જય દોડીને શિવ ની તરફ ગયો. “શિવ..શું થયું તને..?”શિવ નું માથું પોતાનાં ખોળામાં મૂકી ચિંતિત સ્વરે જયે પૂછ્યું.

જય નાં સવાલનાં જવાબમાં શિવ ફક્ત કણસતો રહ્યો..આ જોઈ જયે શિવને ઉઠાવીને કાર સુધી લઈ જવામાં પોતાની મદદ કરવાની ગુહાર લગાવી..જય ની મદદ માટે ની અરજ સાંભળી ત્રણ-ચાર લોકો એની પાસે પહોંચી ગયાં..એમની મદદ વડે જયે શિવ ને પોતાની કારની પાછલી સીટ માં સુવડાવ્યો અને પોતાની કાર ને ફટાફટ અખબાર નગર સર્કલ જોડે આવેલી માનસી હોસ્પિટલ તરફ ભગાવી મુકી.

image source

દસેક મિનિટમાં તો જય ફટાફટ માનસી હોસ્પિટલનાં પાર્કિંગમાં જઈ પહોંચ્યો..ત્યાં પહોંચી એને પાર્કિંગમાં મોજુદ સિક્યુરિટીવાળા ને અવાજ આપી જલ્દીથી કોઈ કંપાઉન્ડર ને સ્ટ્રેચર લઈને આવવાં કહ્યું..બે-ત્રણ મિનિટમાં તો બે લોકો સ્ટ્રેચર લઈને ત્યાં આવી પહોંચ્યા..આ સમય દરમિયાન જય સતત શિવ નાં હાથની હથેળી પર પોતાની હથેળી ઘસી રહ્યો હતો.શિવ ભાનમાં તો હતો પણ કંઈપણ બોલતો નહોતો એ જોઈ જય તો ગભરાઈ ગયો હતો.

શિવ ને તાત્કાલિક ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવ્યો..જ્યાં ડોકટર પુનિત બારોટ એની ટ્રીટમેન્ટ કરવાં તાબડતોડ જઈ પહોંચ્યા..શિવની ટ્રીટમેન્ટ ચાલુ હતી એ દરમિયાન જયે હમીર ને ફોન કરી ફટાફટ ત્યાં આવવાં જણાવી દીધું હતું..અને પોતે પણ ઈમરજન્સી રૂમ બહાર આંખો બંધ કરી શિવ ને કોઈ મોટી સમસ્યા ના હોય એની દુવા કરી રહ્યો હતો.

કલાકમાં તો હમીર હોસ્પિટલમાં આવી પહોંચ્યો..એ જે રીતે હાંફી રહ્યો હતો એ ઉપરથી સમજવું સરળ હતું કે એ કેટલી ઉતાવળથી ત્યાં આવ્યો છે..ઈમરજન્સી રૂમની બહાર બેસેલાં જય ની જોડે પહોંચી રડમસ સ્વરે હમીર બોલ્યો. “જય ભાઈ,શું થયું શિવભાઈ ને..સવારથી જ એમને સારું નહોતું..મેં કહ્યું કે ઓફિસે ના જાઓ અને ઘરે આરામ કરો…પણ માન્યા જ નહીં..”

image source

“શિવ ને શું થયું છે એ તો ડોકટર રિપોર્ટ આપશે એમાં જ ખબર પડશે.. પણ આજે શિવ અચાનક ચાલુ ફંક્શન દરમિયાન ચક્કર ખાઈને ઢળી પડ્યો..એને અર્ધ બેહોશ હાલતમાં લઈને હું અહીં આવ્યો..”જયે હમીરને જણાવ્યું. હમીર જાણતો હતો કે જય પણ શિવ ને મિત્રની જેમ નહીં પણ એક સગા ભાઈની જેમ જ સમજે છે..આથી જય પણ પોતાની જેમજ શિવની તબિયતને લઈને પરેશાન હોય એ લાજમી હતું. પંદર મિનિટ બાદ ડોકટર પુનિત બારોટ હાથમાં એક ફાઈલ લઈને ઈમરજન્સી રૂમમાંથી બહાર નીકળ્યા અને જય તથા હમીર જ્યાં બેઠાં હતાં એ તરફ આગળ વધ્યાં.

“શિવને શું થયું છે ડોકટર..?”ડોકટર ને જોતાં જ ઉતાવળાં ડગલે એમની જોડે પહોંચી વ્યગ્ર અવાજમાં જયે પૂછ્યું. “સારું છે તમારાં દોસ્ત ને હાલ તો..પણ હવે એ ધ્યાન નહીં રાખે તો સ્થિતિ વણસી શકે છે..”ડૉકટરે ગંભીર મુખમુદ્રા સાથે કહ્યું. “ડોક્ટર, મહેરબાની કરી તમે સાફ-સાફ જણાવશો કે શિવ ને આખરે થયું છે શું..? “શિવ જે બીમારીથી પીડાય છે એનું નામ છે..Diagnostic and Statistical manual of mental disorder”ડોકટર પુનીતે કહ્યું. “શું હોય છે આ બીમારીમાં..?”જયે પૂછ્યું.

“આ બીમારી આજ-કાલ white collar જોબ કરતાં અને એમાં પણ કલાકો સુધી કોમ્પ્યુટર પર કામ કરતાં લોકોમાં સામાન્ય છે.આ એક એવી મેન્ટલ કન્ડિશન છે જ્યાં વ્યક્તિ પોતાની શારીરિક અને માનસિક ક્ષમતા કરતાં વધુ કામ કરે છે..આવાં લોકોને તમે વર્કોહોલિક પર્સન ગણી શકો છો..કામનો વધુ પડતો બોજ અને તણાવ નાં લીધે આ લોકો સતત ડિપ્રેશન અને અનિંદ્રા નો ભોગ બને છે..

image source

શિવ ને પહેલાં પણ માથામાં ભારે ઇજા થયેલી હોવાથી એને આ બીમારીની અસર વધુ પહોંચી છે..આ બીમારીમાં શિવ હજુ શરુવાતનાં સ્ટેજમાં છે..પણ જો હવે થોડાં દિવસ સુધી શિવ આરામ નહીં કરે તો એની મગજમાં લોહી પહોંચાડતી નસો અને ચેતાતંત્ર પર ખરાબ અસર થઈ શકે છે..”શિવને આખરે શું થયું હતું એને સવિસ્તર માહિતી આપતાં ડોકટર બોલ્યાં.

“હું એને કહી કહીને થાક્યો કે હવે ઘણું કમાઈ લીધું અને બિઝનેસ પણ પાટે ચડી ગયો માટે હવે નકામું ટેનશન માથે લઈને ના ફર..પણ માને એ બીજાં..”જય ગુસ્સામાં આવી બોલ્યો..એનાં આ ગુસ્સામાં પણ શિવ માટેનો એનો પ્રેમ સમજી શકાતો હતો. “જોવો એ તો હવે દરેક વ્યક્તિ એક વખત કામમાં પોતાની જાતને ડૂબાવી ચુક્યો હોય એને ખુદની ફિકર પણ નથી રહેતી..”ડૉકટરે કહ્યું. “ડોકટર હવે શિવ ની તબિયત ખરાબ ના થાય એ માટે શું ધ્યાન રાખવું પડશે..?”જયે પૂછ્યું.

“અત્યારે તો મેં ઘેનની દવા આપી દીધી છે એટલે એ સવાર સુધી શાંતિથી સૂતો રહેશે..પણ હવે આગામી એક અઠવાડિયા સુધી શિવ કોઈપણ જાતનો મેન્ટલી સ્ટ્રેસ લે કે કામ કરે એ વાત એનાં માટે જોખમી બની જશે..માટે એ થોડાં દિવસ કામથી દૂર રહે એમાં જ ભલાઈ છે..અને એ માટે એ કોઈ કુદરતી સ્થળે હવાફેર કરવાં જાય એ જ આ પ્રોબ્લેમ ની સાચી સારવાર છે..”ડૉકટરે જય નાં સવાલનાં જવાબમાં કહ્યું.

image source

“આપનો ખુબ ખુબ આભાર..શિવ ને અહીંથી ક્યારે ઘરે લઈ જઈ શકીએ..?”જયે સવાલ કર્યો. “કાલે સવારે..તમે શિવ ને અહીંથી લઈ જઈ શકો છો..પણ મેં કહ્યું એ બાબતનું ધ્યાન રાખજો..”આટલું કહી ડોકટર ત્યાંથી નીકળી ગયાં. “જય ભાઈ..તમ તમારે ઘરે જવું હોય તો જઈ શકો છો..હું રાતભર શિવભાઈ ની જોડે હાજર રહીશ..”હમીરે ડોકટર નાં જતાં જ જય ને ઉદ્દેશીને કહ્યું.

“સારું પણ એ પહેલાં હું તારાં માટે કંઈક જમવાનું ઓર્ડર કરી દઉં..”આટલું કહી જયે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરી દીધું..જેની ડિલિવરી થતાં જ જય હોસ્પિટલમાંથી ઘરે જવાં રવાના થઈ ગયો..હવે હમીર ત્યાં હાજર હતો એટલે શિવની થોડી પણ ચિંતા કરવાની જરૂર નહોતી.

*********
સવારે જ્યારે જય હોસ્પિટલમાં આવ્યો ત્યારે શિવ ને ભાન આવી ચૂક્યું હતું..હમીર શિવની બાજુમાં જ બેઠો હતો..શિવ એડમિટ હતો એ રૂમમાં પ્રવેશતાં જ જય બોલ્યો. “એ ભાઈ..હવે કેમ છે તને..?” “અરે ચકાચક..બસ આતો અશક્તિનાં લીધે ચક્કર આવી ગયાં હશે..”શિવે હસીને જય નાં સવાલનો વળતો જવાબ આપતાં કહ્યું..જે સાંભળી જય સમજી ગયો કે હજુ હમીરે શિવ ને શું થયું છે એની વાત નથી કરી.

image source

“શિવ જો યાર એક વાત કહેવાની છે..તને જે કંઈપણ થયું એ અશક્તિ નાં લીધે નહોતું થયું પણ..”આટલું બોલી જય અટકી ગયો. “શું પણ..મને શું થયું છે એ જણાવીશ..”ચિંતિત થઈને શિવે પૂછ્યું. “ભાઈ તું શાંતિ રાખ..હું તને કહું કે તારાં મેડિકલ રિપોર્ટમાં શું આવ્યું છે..”આટલું કહી જયે શિવને જે મેન્ટલી પ્રોબ્લેમ હતી એ વિશે વિગતવાર વાત કરી.

જય ની વાત સાંભળી શિવને જ્ઞાત થયું કે ઘણાં મહિનાઓથી એને કામ ઉપરથી રજા જ નહોતી લીધી..સવાર થી લઈને મોડી રાત સુધી બસ કામ ને કામ જ એ કરતો રહ્યો હતો..અમુક વાર તો એવું બનતું કે પોતે સતત ત્રણ-ચાર દિવસ માંડ ૨-૩ કલાક જ સૂતો હતો..જમવાનાં સમયનાં પણ ઠેકાણાં નહોતાં..છેલ્લાં ચાર મહિનાથી પોતાને સતત માથાનો દુખાવો રહેતો હતો..આ બધું પોતાનાં વર્કોહોલિક હોવાનાં લીધે થયું હતું એ જાણીને શિવને વધુ આશ્ચર્ય તો ના થયું પણ હવે પોતાને શું સાવચેતી રાખવાની હતી એ જાણવાં એને જય ની તરફ જોઈને પૂછ્યું.

“તો ડૉકટરે આની સારવાર માટે કોઈ દવા કે બીજું કંઈપણ કહ્યું..?” “ડૉકટરે દવા નું તો નથી કહ્યું પણ એમને હિદાયત આપી છે કે થોડાં દિવસ તું કામ પરથી દૂર રહીશ.”જય બોલ્યો. “અરે પણ હું ઓફિસે ના આવું તો હું ઘરે બેઠો વધુ બીમાર પડી જઈશ..”શિવ રઘવાઈને બોલ્યો. “મને ખબર છે કે તું તારું કામ અને ઓફિસ ને મૂકી નહીં શકે માટે મેં નક્કી કર્યું છે કે તું એક ટુર ઉપર જઈશ..એ પણ દસ દિવસથી.ત્યાં નો વર્ક,નો લેપટોપ..”શિવ ની જોડે પલંગ પર બેસતાં જય બોલ્યો.

“અરે પણ દસ દિવસ..આટલાં બધાં દિવસ તો મેળ ના પડે..હું આટલાં દિવસ બહાર જઈશ તો ઓફિસનું કામ.. “સવાલસુચક નજરે જય ભણી જોઈ શિવ બોલ્યો. “બધું થઈ જશે..પણ આ મારી સલાહ ગણ કે પછી ઓર્ડર સમજ..તું દસ દિવસ મીની વેકેશન ઉપર ફરવાં માટે જાય છે..સ્થળ તું નક્કી કર. હું આજે જ પ્લેન અને હોટલની ટીકીટ બુક કરાવી દઉં..”જય શિવ નાં હાથ પર પોતાનો હાથ મૂકી બોલ્યો.

હવે જય પોતાની કોઈ દલીલ નહીં સાંભળે એ શિવને ખબર પડી ગઈ હતી..અને પોતે પણ હવે થોડો સમય બધું પડતું મૂકી ક્યાંક ફ્રેશ થવાં ઈચ્છતો હતો એટલે એને પણ જય નાં આગ્રહ નો વિરોધ ના કર્યો..પણ હવે એ વિચારવાનું હતું કે એ જવાં ક્યાં ઈચ્છતો હતો.. થોડું વિચાર્યા બાદ શિવ બોલ્યો. “જય,હું શિમલા જઈશ..” “સરસ..હું આજે જ બે ટીકીટ બુક કરાવી દઉં..”શિવની વાત સાંભળી જય બોલ્યો. “બે ટીકીટ..?બીજું કોણ આવે છે જોડે..?”વિસ્મય સાથે શિવે કહ્યું. “હવે તારી તબિયત સારી નથી..તો હું કોઈ રિસ્ક લેવાં નથી ઈચ્છતો..આ હમીર પણ તારી જોડે જ આવશે..”જય હમીર તરફ જોઈને બોલ્યો.

image source

પોતે પ્રથમ વખત વિમાનમાં બેસશે એ જાણીને તો હમીર મનોમન ખુશ થઈ ગયો..હમીર નાં ચહેરા પર આવેલું સ્મિત જોઈને શિવ સમજી ગયો કે હમીર પણ એની સાથે શિમલા જવાં ઈચ્છુક છે..અને આમ પણ હમીર જોડે હશે તો પોતાને થોડી કંપની રહેશે એમ વિચારી શિવે પણ જય ની વાત સ્વીકારી લીધી.

ત્યારબાદ ડોકટર ની રજા લઈને જય શિવને ઘરે લઈ ગયો..શિવને થોડો સમય ઘરે જ આરામ કરવાનું કહી જય સીધો પોતાનાં એક ઓળખીતા મિત્રની ટુર પેકેજ ની ઓફિસે જઈને શિવ અને હમીર માટે દસ દિવસનાં શિમલાનાં પેકેજની ટીકીટ બુક કરાવતો આવ્યો.. જે મુજબ ત્રણ દિવસ પછી રાતે દસ વાગે અમદાવાદ થી વાયા દિલ્હી થઈને શિમલા જતી ફ્લાઈટમાં એમને જવાનું હતું.

હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાંનાં ત્રણ દિવસ બાદ શિવ અને હમીર ને પોતાની કારમાં સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ સુધી જય મૂકવાં ગયો. “સારું ભાઈ..તું સાચવજે..અને અહીંની ચિંતા મૂકી દે..”જતાં-જતાં શિવને ગળે લગાવીને જય બોલ્યો..એનાં શબ્દો પરથી પોતાનાં તરફની લાગણી શિવ સમજી રહ્યો હતો.એને પણ જય નો આભાર માનતાં કહ્યું. “ભાઈ તું છે તો મને શેની ચિંતા..ચલ ત્યારે હું નીકળું..” “જય ભાઈ..એ તો હું છું ને શિવભાઈ ની જોડે એટલે કોઈ ફિકર નહીં..”હમીર બોલ્યો.

image source

જરૂરી પ્રોસેસ પૂર્ણ કરી શિવ અને હમીર શિમલા જતી ફ્લાઈટમાં ગોઠવાઈ ગયાં.શિવ ની સીટ બારીની જોડે હતી અને હમીર ની શિવની બાજુમાં.. ફ્લાઈટ એટેન્ડસ ની જરૂરી સૂચનાઓ નું પાલન થયાં બાદ પ્લેનનું એન્જીન સ્ટાર્ટ થયું અને શિમલા જતી ફ્લાઈટે ઉડાન ભરી. જેવી ફ્લાઈટ અમદાવાદથી શિમલા જવાં ટેક ઓફ થઈ એ સાથે જ બારી ની બહાર અમદાવાદ શહેરને જોતાં શિવ નાં વિચારો ની ફ્લાઈટ પણ પોતાનાં ભૂતકાળમાં જઈ પહોંચી..જ્યાં એની જીંદગીનો સૌથી વધુ સુંદર અને સૌથી વધુ દુઃખદાયક સમય એની રાહ જોઈ રહ્યો હતો.!!

“વિરહની આગમાં સળગી રહ્યો હું દિવસને રાત.., વર્ષોથી સળગી રહ્યો તો પણ જમા ના થતી રાખ..” “જાગું છું આખી રાત બસ એટલે જ કેમ કે સુઈ, ગયા પછી તારા સપનાઓ સુવા નથી દેતા.”

પોતાની નાદુરસ્ત તબિયત નાં લીધે કામથી થોડાં દિવસ ફુરસત લઈને મીની વેકેશન ઉપર જવાં શિવ અમદાવાદ થી શિમલા જતી ફ્લાઈટમાં બેસી રવાના થઈ ચૂક્યો હતો..હમીર પણ શિવ ની સાથે જ મોજુદ હતો..ફ્લાઈટ જેવી ટેક-ઓફ થઈ એ સાથે જ શિવ પુનઃ પોતાનાં એ ભૂતકાળમાં જઈ પહોંચ્યો જેનાં કારણે એ અત્યારે જે હતો એ બની શક્યો.

ડાન્સ કોમ્પીટેશન બાદ નિધિ અને સાગરની માફક શિવ અને ઈશિતા ની જોડી બની ગઈ હતી..શિવ માટે ઈશિતા એનું સર્વસ્વ બની ચુકી હતી.ઈશિતા ને શોધવી હોય તો હવે શિવ ને શોધવો પડતો અને શિવને શોધવો હોય તો ઈશિતા ને શોધવી પડે..ક્લાસમાં પણ શિવ લેક્ચરર ભણાવે એમાં ઓછું અને ઈશિતા ને જોવામાં વધુ ધ્યાન આપતો હતો.

image source

હવે તો એ બંને ઘણી વાર કોલેજ બંક કરીને રખડવા નીકળી પડતાં.. એ જ સમયમાં ઈશિતા ને ઘરેથી મોબાઈલ ફોન પણ લઈ આપવામાં આવ્યો..આમ થતાં તો શિવ અને ઈશિતા ઘરે પહોંચ્યા બાદ પણ જ્યાં સુધી રોજનાં 100 મેસેજ ના પતે ત્યાં સુધી નાની-મોટી બધી વાતો એકબીજાં સાથે કરતાં રહેતાં.

દુનિયાની પરવાહ કર્યાં વિના શિવ અને ઈશિતા ઘણી વખત ઉપરકોટ જતાં તો કોઈ વાર ગિરનાર ની પણ થોડી ઘણી ચડાઈ કરવાં જઈ પહોંચતાં.. ગિરનાર પર્વતની ખુલ્લી આબોહવામાં બેસી હાથમાં હાથ નાંખી શિવ અને ઈશિતા પોતાનાં સોનેરી ભવિષ્યનાં સપનાં જોતાં રહેતાં.ઈશિતા ને ઉગતો સૂરજ ગમતો હતો તો શિવ ને ડૂબતો.. આથી જ એ બંને ક્યારેક-ક્યારેક તો આખો દિવસ બસ એમજ બેસી રહેતાં.

આવાં જ એક દિવસ શિવ અને ઈશિતા ગિરનાર ની તળેટીમાં બેઠાં-બેઠાં હાથમાં હાથ નાંખીને બેઠાં હતાં..ઈશિતા એ પોતાનું માથું શિવનાં ખભે મુક્યું હતું. “એ શિવ તું મને કેમ આટલો બધો પ્રેમ કરે છે..?” “કેમ આવું પૂછ્યું..?”ઈશિતા ની વાત સાંભળી શિવે નવાઈ પામી પૂછ્યું. “બસ મન થઈ ગયું..તું બોલ ને તું મને કેમ આટલો પ્રેમ કરે..?”ઈશિતા જીદ કરતાં બોલી.

હવે રાજહઠ,બાળહઠ અને સ્ત્રીહઠ આગળ તો દરેકે ઝુકવું જ પડે..અને શિવ પણ ઝૂકી ગયો..થોડું વિચારી એ ઈશિતા નાં સવાલનો જવાબ આપતાં બોલ્યો. “બોલ! તને કઈ જગ્યાએ રહેવું છે રાજીખુશીથી, મેં મારા બે શ્વાસની વચ્ચે તારી જગ્યા રાખી છે..”

image source

“ઈશિતા હું તરસ છું તો તું મીઠાં જળનું ઝરણું છો મારાં માટે..હું બુંદ-બુંદ માટે તરસતી ધરા તો તું વરસાદ છો..હું તને જોઉં તો એવું લાગે છે કે આપણો જન્મો-જન્મ નો સંબંધ છે..તું મારાં દરેક અધૂરાં સવાલ નો જવાબ છો..ટૂંક માં કહું તો તું મારો શ્વાસ છો,વિશ્વાસ છે..તું છો તો જીંદગી છે..બાકી આ જીંદગી જીવવાનું કોઈ કારણ જ નથી..”

“બોલ હવે વધુ કંઈ કહું કે આટલું ચાલશે..”ઈશિતા નો સુંદર ચહેરો જોઈ શિવ પ્રેમથી બોલ્યો. “ના આટલું બસ છે..”શિવનાં હાથ ને ચુમતા ઈશિતા બોલી. “હજુ બીજી કોઈ ફરમાઈશ હોય તો બોલો..તમારો આ ગુલામ તમારી સેવામાં હાજીર છે..”શિવ બોલ્યો. “હા એક ફરમાઈશ છે હજુ..”શિવ ની વાત સાંભળી ખુશ થતાં ઈશિતા બોલી. “હા તો ફરમાવો..”પોતાનું માથું ઈશિતા ની સામે ઝુકાવી શિવ બોલ્યો. “શિવ તું મને કોઈ ખાસ નામ આપ ને..”ઈશિતા શિવ નો શાંત અને શાલીન ચહેરો જોતાં બોલી. “અરે આટલું સરસ નામ તો છે..ઈશિતા..”ઈશિતા બોલતી વખતે અવાજ થોડો ઊંચો કરી શિવ બોલ્યો.

“ઈશિતા સારું જ છે..પણ કોઈ એવું ખાસ નામ જણાવ..જેનાં થી તું જ મને સંબોધે..એ નામ ફક્ત મારાં શિવ માટે રિઝર્વ હોય..”હેતથી શિવની તરફ જોતાં ઈશિતા બોલી. “અરે આ કામ મારું નહીં.. તું જ બોલ ને તને હું કયાં નામથી બોલાવું તો તને ગમશે..?”શિવે થોડુંક વિચારીને કહ્યું. શિવની વાત સાંભળી થોડું મનોમંથન કરી ઈશિતા બોલી. “તારું નામ શિવ છે..મતલબ કે મહાદેવ..હવે જો નામનો અર્થ આવો નીકળે તો એને માન આપી બોલાવવું પડે..અને માનથી બોલાવવા સારામાં સારો શબ્દ છે શ્રી..જો શિવ ની સાથે શ્રી હશે તો શિવ નું માન સચવાશે..અને શ્રી નું સપનું પૂરું થશે..”

“શ્રી..”ઈશિતા ની વાત સાંભળી શિવ એનો ચહેરો જોઈને બોલ્યો. “શિવ ની શ્રી..”શરમથી ચહેરો ઝુકાવી ઈશિતા બોલી. આજુબાજુ ફેલાયેલી હરિયાળી,કુદરતી વાતાવરણમાંથી આવતો શીતળ પવન,શ્રી નો શરમથી ઝુકેલો ચહેરો અને શિવનાં હાથમાં મોજુદ એનાં હાથમાં આવેલી ધ્રુજારી..આ બધી વસ્તુઓનો સમન્વય શિવ ને કંઈક કરવાની પ્રેરણા આપી રહ્યો હતો..શિવે પોતાનાં જમણાં હાથનાં સ્પર્શ વડે હળવેકથી શ્રી નો ચહેરો ઊંચો કર્યો..શ્રીએ એક ક્ષણ શિવની તરફ જોયું અને પુનઃ પોતાની છલકતાં જામ સમાન આંખોની જોડ ને નીચે ઢાળી દીધી.

ઊંચે ઉઠાવેલી આંખો નું આમ નીચે ઢળવું શિવને આમંત્રિત કરી રહ્યું હતું પોતાની જીંદગીનું પ્રથમ ચુંબન કરવાં માટે. શ્રીનાં હળવી લિપસ્ટિકથી સજેલા ગુલાબની પાંખડીથી પણ મુલાયમ હોઠ અત્યારે આવનારાં સમયનાં એંધાણ પામી ધ્રુજવા લાગ્યાં હતાં.

image source

હવે શિવે એ અદભુત ક્ષણનો સાક્ષાત્કાર કરવાનું મન બનાવી લીધું..શિવે હળવેકથી પોતાનો જમણો હાથ ઈશિતા નાં માથા ની પાછળનાં ભાગમાં રાખ્યો અને પોતાનાં અધરોનો ધીરેથી શ્રીનાં અધરો ને સ્પર્શ કરાવી દીધો..શ્રી નું સમગ્ર શરીર એક મીઠી સિરહન થી કાંપી ઉઠ્યું..શિવે અડધી મિનિટ તો પુનઃ પોતાનાં અધર ને શ્રી નાં અધરથી સહેજ છેટા કર્યાં.. આમ થતાં શ્રી એ બંધ થઈ ગયેલી પોતાની આંખો ખોલી શિવની તરફ એક નજર કરી..આ નજર જાણે શિવને કહી રહી હતી કે એ શિવ તું કેમ અટકી ગયો..?

શિવે એક ઊંડો શ્વાસ ભર્યો અને પુનઃ પોતાનાં અધરો ને શ્રી નાં અધરો સાથે લગાવી દીધાં.. શ્રી એ પણ શિવ ને આ ચુંબનમાં સાથ આપવાનું શરૂ કર્યું..તલાલા ની મીઠી કેસર કેરીથી પણ મીઠાં શ્રી નાં અધરોનું રસપાન શિવ જેમ-જેમ કરતો ગયો એમ એની તરસ ઘટવાનાં બદલે વધી ગઈ.શ્રી પણ શિવ ને મનમુકીને આ દૈવી ક્ષણ નો આનંદ આપી રહી હતી.

“મને ફૂલો ની જેમ ના સવાલ કર મને ખુશ્બુની જેટલું તું વ્હાલ કર..!!”

આખરે જીંદગી નાં પ્રથમ સુંવાળા સ્પર્શ નો,પ્રથમ ચુંબન નો દિવ્ય અહેસાસ મન ભરીને અનુભવ્યાં બાદ શિવ અને શ્રી અલગ થયાં.. હજુ પણ જે કંઈપણ થઈ ગયું હતું એ વિશે વિચારી બંને મનોમન હરખાતાં હતાં. શિવે વ્હાલથી પોતાની ગરદન ઘુમાવી શ્રીનાં લાલાશ પડતાં ચહેરા ને જોયો..શરમથી ઝુકેલી નજર અને હૈયાનાં હરખને કાબુમાં રાખવાની નાકામ કોશિશ સ્વરૂપે શ્રીનાં ગાલમાં પડતાં ખંજન..જાણે બ્રહ્માસ્ત્રનું કામ કરી ગયાં અને શિવનાં વીંધાયેલાં હૃદયને પુનઃ વીંધી નાંખ્યું.આ જ સમયે શ્રી એ પણ લજ્જાથી શિવ તરફ જોયું.અને ખબર નહીં એને શું થઈ ગયું કે એ શિવને વળગીને રડવા લાગી.

શ્રી આમ કેમ રડી રહી હતી એ તો શિવ એ ઘડીએ ના સમજી શક્યો પણ અનાયાસે જ એનાં હાથ શ્રી ની ફરતે વીંટળાઈ ગયાં.. શિવનાં શરીરની આ હૂંફ જાણે શ્રી ને કહી રહી હતી કે વ્હાલી તારે કોઈ વાત ની ચિંતા કરવાની ત્યાં સુધી જરૂર નથી..જ્યાં સુધી તારી પડખે તારો શિવ મોજુદ છે. “એ પાગલ,શું થયું..કેમ આમ રડે છે..?”શ્રી ની પીઠ પર હેતથી હાથ ફેરવતાં શિવે પૂછ્યું.

શિવનાં સવાલનાં જવાબમાં શ્રી એ કોઈ ઉત્તર આપવાનાં બદલે ડૂસકાં ભરવાનું ચાલુ રાખ્યું..આખરે શ્રીને આમ અચાનક શું થઈ ગયું હતું એ વિશે શિવને કંઈપણ સમજાતું નહોતું.. એને શ્રી નો ચહેરો પોતાનાં હાથમાં લીધો..અને એનાં આંસુ લૂછતાં કહ્યું. “એ..કેમ યાર..શું થયું..?..મારી કોઈ ભૂલ હોય તો sorry યાર…તને ના ગમ્યું મેં તને kiss કરી એ..?”

“ના શિવ તે કંઈ ખોટું નથી કર્યું..તે તો ઉપરથી મને આજે પ્રેમની અનુભૂતિ કરાવી છે..એનો મતલબ સમજાવ્યો છે..”હીબકાં લેતાં લેતાં શ્રી બોલી. “તો પછી કોઈ બીજી પ્રોબ્લેમ છે..તું મને જણાવીશ તો તારું મન હળવું થશે અને શાયદ હું એનો કોઈ ઉપાય શોધી શકું..”શિવે પ્રેમથી કહ્યું. “શિવ,હું તને બહુ જ પ્રેમ કરું છું..તારાં વગર નહીં જીવી શકું..”શ્રી એ શાંત થતાં કહ્યું.

“તો કોને કહ્યું મારાં વગર તારે જીવવાનું છે..હવે શ્રી વગર શિવ ની કલ્પના પણ શક્ય નથી..”શિવે શ્રી નાં કપાળ ને ચુમતા કહ્યું. “શિવ તને ખબર ના હોય તો જણાવી દઉં કે આપણી કાસ્ટ અલગ છે..મારાં ઘરનાં લોકો મને બીજી જ્ઞાતિમાં લગ્ન કરવાની પરમિશન નહીં જ આપે..”શ્રી એ કહ્યું.

image source

“અરે યાર..હવે એ બધું વિચારીને અત્યારથી દુઃખી કેમ થાય છે..હાલ તો આપણાં વર્તમાન ને જીવી લે..જો આગળ એકબીજાનો સાથ હશે તો દુનિયા સામે લડી લઈશું..”શ્રી એ જે કહ્યું હતું એને શિવને વિચારતો તો કરી મુક્યો હતો..પણ હાલ તો શ્રીનું મન હળવું થાય એ પ્રથમ વાત હતી શિવ માટે. શિવ નાં આમ કહેતાં જ શ્રી નો ચહેરો ખીલી ઉઠ્યો અને એ શિવ ને ગળે લગાવીને બોલી.

“I love you shiv..” “I love you too ડોબી..”શિવે હસીને કહ્યું. હવે શ્રી ઘણીખરી હદે રાહત અનુભવી રહી હતી..એટલે શિવે મજાકનાં મૂડમાં કહ્યું. “એ વ્હાલી..જો તને હું ના મળું તો..?” “એ એવું કેમ બોલે છે..?”શિવનો સવાલ સાંભળી ગુસ્સે થતાં શ્રી બોલી. “અરે બસ એમ જ પૂછ્યું..બોલ ને..”શિવે હસીને પોતાની વાત કરી. થોડું વિચાર્યા બાદ શ્રી શિવ નો હાથ પોતાનાં હાથમાં લઈને બોલી.

“તું મને ના મળે તો..હું મરી તો નહીં જાઉં.. કેમકે તું અલગ થયાં પછી પણ મારાં માટે દુવાઓ કરીશ જે મને મરવા નહીં જ દે..પણ તું મને ના મળ્યો તો તારી આ પાગલ સાચેમાં પાગલ થઈ જશે..” આટલું બોલતાં તો શ્રીનો અવાજ લાગણીસભર બની ગયો હતો..એની આંખો ની કિનારીએ આંસુ આવીને બેઠાં હતાં..હવે એ આંસુ છલકીને બહાર ના આવે એ હેતુથી વાતાવરણ હળવું કરવાનાં ઉદ્દેશથી શિવ હસીને બોલ્યો. “અત્યારે જો તું આવી સિરિયસ પાગલ છે..તો પછી તો તને સાંકળોથી બાંધીને રાખવી પડશે..”

શિવની આ વાત સાંભળી શ્રી હસી પડી અને શિવ પર નકલી ગુસ્સો કરી એની છાતીમાં ધીરેથી મુક્કા મારવાં લાગી..શિવે ધીરેથી પોતાનો હાથ શ્રીનાં ખભે મૂકી એને પોતાની બાહોમાં સમાવી લીધી..આ મિલન હતું એવાં બે કિનારા નું જે ક્યારે મળશે એ તો વિધાતા ને જ ખબર હતી.

બસ આવી જ કેટલીય સાંજ શિવ અને શ્રી એ જોડે પસાર કરી..બંને માં ઘણી વિભિન્નતા હતી..જેમકે શિવ ને આદુવાળી ચા પસંદ હતી તો શ્રી ને રેસ્ટોરેન્ટની કોલ્ડ કોફી..શ્રી ને લેકમેનું આઈલાઈનર પસંદ હતું તો શિવ ને એની કાજળ ભરેલી આંખો..શિવ ને ગઝલો ગમતી તો શ્રી ને હિપ-હોપ મ્યુઝિક,શિવ જ્યાં લારીઓ ઉપર નાસ્તો કરવાનું પસંદ કરતો તો શ્રીને પાણીપુરી સિવાય બધું મોંઘી રેસ્ટોરેન્ટમાં કરવું પસંદ હતું.

શ્રી એ ઘણીવાર શિવ ને જણાવ્યું કે એને લોસ એન્જલસ અને ઈસ્તુંબલ નાં વિશાળ મોલમાં શોપિંગ કરવાનું સપનું છે…તો શિવ નું સપનું હતું કે એ શિમલાની પહાડી પર આવેલાં વ્યુ પોઈન્ટ પર બેસી ડૂબતા સૂરજને જોવે..આટઆટલી વિચારોની અને શોખ ની ભિન્નતા હોવાં છતાં શ્રી અને શિવ એક હતાં…એકબીજાની સાથે હતાં.

“હાથવગી લાગતી મંજીલ ક્યારે તો એમ છટકી જાય છે.. જેમ હૈયા કેરી નાવડી મઝધારે વમળમાં ભટકી જાય છે..”

કોલેજ નાં સાતમાં સેમિસ્ટર સુધી શ્રી અને શિવનો પ્રેમ આમ જ અકબંધ રહ્યો..પણ જ્યારે લાસ્ટ સેમિસ્ટર શરૂ થયું અને શિવ એક મહિનાની ટ્રેઈનિંગ માટે અમદાવાદ આવ્યો એ સાથે જ એમની પુનમનાં ચાંદ જેવી ચમકદાર પ્રેમકહાની ને ગ્રહણ લાગવાની શરૂવાત થઈ ચૂકી હતી.

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ