પ્રેમ અગન પ્રકરણ -2 અનેક ઉતાર ચઢાવ વાળી આ નવલકથા તમને અનુભૂતિ કરાવશે અનોખા વિશ્વની…

જે મિત્રોને પ્રકરણ -1 વાંચવાનો બાકી હોય તેઓ પ્રકરણ -1 પર ક્લિક કરે.

પ્રકરણ -2

એક તરફ શિવ તો ઈશિતા નાં પ્રેમમાં પ્રથમ નજરે જ પાગલ બન્યો હતો..તો બીજી તરફ શિવ નો નવોસવો બનેલો મિત્ર સાગર એને ઈશિતાથી દુર રહેવાની સલાહ આપી રહ્યો હતો..આ બધાં ની વચ્ચે બસમાં શિવની જોડે ખાલી પડેલી સીટ જોઈ ઈશિતા શિવ જ્યાં બેઠો હતો એ તરફ આગળ વધી.

શિવે તો એ વિચારી નજર જ ફેરવી લીધી કે પોતાનાં દિલ ને એક જ નજરમાં લૂંટનાર યુવતી પોતાની બાજુમાં આવીને બેસશે..ઈશિતા શિવ જોડે ખાલી પડેલી સીટમાં બેસવા છેક નજીક પહોંચી ત્યાં એને વટાવીને એક ચાલીસેક વર્ષનાં ભાઈ આવીને શિવની બાજુમાં ગોઠવાઈ ગયાં..એ વ્યક્તિનાં ત્યાં બેસતાં જ ઈશિતા પાછી પોતાની સહેલીઓ જોડે જઈ ને ઉભી રહી..ઈશિતા ને જેટલું સીટ ના મળવાનું દુઃખ નહોતું એથી વધુ દુઃખ તો શિવ ને એનાં પોતાનાં બાજુમાં ના બેસવાનું હતું.

હાલ શિવ જે મનોસ્થિતિ નો સામનો કરી રહ્યો હતો એવી જ લાગણી ક્યારેક ને ક્યારેક બસમાં અપડાઉન કરતાં દરેક યુવક-યુવતીને થઈ હશે..શિવ એ ગુસ્સામાં પોતાની બંને હથેળીઓ ભીંચી દીધી..બાજુમાં બેસેલાં વ્યક્તિ તરફ ગુસ્સાભરી નજર નાંખી અને પછી ઈયરફોન કાનમાં ભરાવી ગીતો સાંભળવાં લાગ્યો..હવે બનવાજોગ સંજોગ એ પણ થયો કે શિવનાં મોબાઈલમાં ત્યારે જે ગીત વાગ્યું એ હતું.

“છન સે જો તૂટે કોઈ સપના.. જગ સુના-સુના લાગે..”

image source

આ ગીત સાંભળી શિવ તો ભારે હૃદય સાથે આંખ મીંચી સીટ ની ઉપર માથું ઢાળી દે છે..પણ બારી તરફ ની સીટ પર બેસેલો સાગર પોતાનાં મજનુ દોસ્ત ની હાલત જોઈ મનોમન હસી રહ્યો હતો. પોતાનું સ્ટેન્ડ આવતાં ઈશિતા નીચે ઉતરી ગઈ..સાગરે આ સમયે શિવ ને થાબડયો એટલે શિવે આંખો ખોલી એની તરફ જોઈ ઈશારાથી જ પૂછ્યું. “શું છે..?

જવાબમાં સાગરે બારી ની બહાર ઈશારો કરી જણાવ્યું કે ઈશિતા જાય છે..શિવે પોતાની ગરદન બારી જોડે લાવી અને પોતાનાથી દૂર જતી ઈશિતા ની પીઠ ને જોતો રહ્યો..આજે શિવ આમ પણ સુવાનો નહોતો પણ હવે એ તડપશે એવી એક ઘટના એ વખતે બની.બધાં પેસેન્જર ઉતરી જતાં બસ જેવી પુનઃ સ્ટાર્ટ થઈ એ સમયે બસથી થોડે દુર પહોંચેલી ઈશિતાએ વળીને પાછું જોયું..અને જેમ અર્જુને મત્સ્યવેધ કરતી વખતે માછલીની આંખનું નિશાન લીધું હતું એમજ ઈશિતા ની નજર સીધી શિવ ઉપર પડી.. શિવ પોતાને જ જોઈ રહ્યો હતો એ જોઈ ઈશિતા એ એક સુંદર પણ પ્રાણઘાતક સ્મિત સાથે નજર ઘુમાવી લીધી.

ઈશિતા ની આંખોમાંથી નીકળેલું તીર અને એની કાતીલ મુસ્કાનનો વાર સહન કરવાની શક્તિ હજુ શિવનામાં આવી નહોતી.જ્યાં સુધી શક્ય બન્યું ત્યાં સુધી શિવ ઈશિતા ને જોતો જ રહ્યો અને પછી ઊંડો શ્વાસ લઈ બધું હારી ગયો હોય એમ સીટ પર ફસડાઈ પડ્યો..એનાં ચહેરા પર એક વિચિત્ર હાસ્ય હતું…જે ફક્ત એને જ સમજાય જેને ક્યારેક કોઈને પ્રેમ કર્યો હોય.

“જોઈ મુજ ગરીબને એને ધનવાન આજ કરી દીધો.. એની ઉઠતી એ આંખલડીએ મેં કસુંબો પીધો..”

પોતાનું સ્ટેન્ડ આવી જતાં શિવ બસમાંથી ઉતરી ગયો..સાગર નું ઘર આગળ હતું એટલે એ પછીનાં સ્ટેન્ડ એ ઉતરવાનો હતો..કોલેજનો પ્રથમ દિવસ ચાર વર્ષ સુધી એટેન્ડસ ફૂલ રાખવાં માટેનું કારણ શિવને આપી ગયો હતો.હવે તો જેટલાં દિવસ ઈશિતા આવશે એટલાં દિવસ તો શિવ કોલેજમાં આવશે એ નક્કી થઈ ગયું હતું અને જે આઠે આઠ સેમિસ્ટર સુધી અકબંધ રહેવાનું હતું.

**************
બીજાં દિવસે શિવે ઘરેથી નીકળતાં પહેલાં સાગરને ટેક્સ્ટ મેસેજ કરી દીધો હતો..બસમાં બેસતાં જ સાગરે શિવને મેસેજ કરી દીધો હતો કે બસ આવી ગઈ છે અને પોતે બસમાં બેસી ગયો છે..હવે આ બસ આગામી સમયમાં એમની રાજવી સવારી બનવાની હતી એ નક્કી હતું..સાગર પણ પોતાનાં સ્ટેન્ડ પર બસ આવીને ઉભી રહી એટલે એમાં ગોઠવાઈ ગયો.

શિવ બસમાં બેઠો ત્યારનો ભગવાનને એક જ પ્રાર્થના કરી રહ્યો હતો કે ઈશિતા પણ કાલે જે જગ્યાએથી બસમાં ચડી હતી ત્યાંથી બસમાં ચડે..અને ઉપરવાળો પણ ક્યારેક સાચાં પ્રેમીની વ્હારે આવી હતો હોય છે..શિવ ની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી અને ઈશિતા ગઈકાલે જ્યાંથી બસમાં બેસી હતી ત્યાંથી જ બસમાં બેસી.

આજે પણ ગઈકાલ જેવો જ ઘાટ હતો..સાગર બારીની સીટ લઈને બેઠો હતો અને શિવ વચ્ચે..જ્યારે શિવની જોડે એક સીટ ખાલી હતી..આજે પણ ભીડ માં ઈશિતા ને જોતાં જ શિવને એક આશા પેદા થઈ કે ઈશિતા એની જોડે આવીને બેસશે.ઈશિતા ની જગ્યાએ કોઈ બેસે નહીં એટલે શિવે પોતાની કોલેજ બેગને ખાલી સીટમાં રાખી દીધી.

image source

એક છોકરો આવીને સીટમાં બેસવા જતો હતો તો શિવે કહી દીધું કે અહીં કોઈકની જગ્યા રાખી છે એટલે એ પાછળની સીટમાં જઈને બેસી ગયો..ઈશિતા એ બસમાં ચડી આમ-તેમ નજર ઘુમાવી તો એને શિવની બાજુ એક ખાલી સીટ નજરે પડી..કાલે પણ આવું જ થયું હતું અને પોતાનાં પહેલાં કોઈ ત્યાં બેસી ગયું હતું એ યાદ આવતાં જ ઈશિતા ઝડપથી બેસવા માટે આગળ વધી.

“કોઈ આવવાનું છે અહીં..?”શિવ ની જોડે પહોંચી ઈશિતા એ સીટ માં પડેલી બેગ જોઈને પૂછ્યું..ઈશિતા ની અને શિવની વાતચીત નાં આ પહેલાં શબ્દો હતાં જેનો જવાબ શિવ એમ કહી આપવાં ઈચ્છતો હતો કે અહીં આવવાની છે ને મારાં દિલ ની ચોર..જેનાં લીધે મારી રાત ની નીંદર પણ ગાયબ થઈ ગઈ છે..પણ એ ચૂપ રહ્યો.

“ના..ના કોઈ નથી આવતું..”શિવે આટલું બોલી પોતાની બેગ ઉઠાવી પોતાનાં ખોળામાં રાખી દીધી એટલે ઈશિતા ત્યાં બેસી ગઈ.ઈશિતા એ ત્યાં બેસતાં જ શિવની તરફ જોયું અને હસીને thanks કહ્યું.આ દરમિયાન ઈશિતા ની નજર બારીમાંથી બહાર જોઈ રહેલાં સાગર પર પડી..એ સાગર ને જોતાં જ ઓળખી ગઈ કે આ તો એનો ક્લાસમેટ સાગર છે પણ હવે સામે ચાલીને કોઈ છોકરી બોલાવે એ વાતમાં માલ નથી..અને એમાં પણ જો ઈશિતા જેવી ખુબસુરત છોકરી હોય તો સામેથી એ બોલાવે એ તો અશક્ય જ હતું.

હવે પ્રથમ ઈમ્પ્રેશન તો સારી જમાવવી જ રહી..એટલે શિવ પોતાનાં શરીરનો કોઈ ભાગ ઈશિતા ને સ્પર્શે નહીં એની લગાતાર કોશિશ કરી રહ્યો હતો..પણ એક તો આ ગવર્મેન્ટ બસની બ્રેક મારી મારી આગળ વધવાની કુટેવ અને બસમાં મોજુદ ભીડ..વારંવાર ઈશિતા નાં શરીરનો સ્પર્શ એને કરવાં મજબુર કરી મુકતી. શિવ ઈશિતા જોડે વાત કરવાં માંગતો હતો પણ શબ્દો ની ગોઠવણ કરવાની સૂઝ હલપુરતી તો એને નહોતી પડી રહી.

જે યુવતી પોતાની બાજુમાં આવીને બેસે એની ગતરાતે શિવ કલ્પના જ કરી રહ્યો હતો એ જ્યારે એની બાજુમાં હતી ત્યારે એની બોલતી જ બંધ થઈ ગઈ હતી..મરીઝ સાહેબનો એક શેર ખાસ આવાં પ્રસંગ માટે જ લખાયો હતો.

“શું એને ખબર, કોની નજર પ્યાસી રહી ગઇ ? જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે.”

બસ આમ ને આમ કોલેજ પણ આવી ગઈ અને ઈશિતા બસમાંથી ઉતરી પણ ગઈ..શિવ પણ સાગરની સાથે બસમાંથી હેઠે ઉતરી કોલેજ તરફ અગ્રેસર થયો.રસ્તામાં શિવ ની ખેંચવાનાં મૂડથી સાગર બોલ્યો. “ભાઈ આજે તો તારી લોટરી લાગી ગઈ..મિસ જૂનાગઢ તારી જોડે બેઠી..” શિવને સાગરની આ વાત ગમી તો હતી પણ જુઠ્ઠો ગુસ્સો કરતાં એ બોલ્યો. “ભાઈ હવે એતો બસમાં બીજે જગ્યા નહોતી એટલે બેસી..એમાં લોટરી ની શું વાત કરે છે..”

“હા ભાઈ, તું તારે મનની લાગણીઓને છુપાવવાની કોશિશ કરે જા..પણ તારો આ હસતો ચહેરો અને ખુશીથી લાલ થઈ ગયેલાં ગાલ જોઈ એટલું તો ખબર પડે કે ભાઈનાં મગજમાં અત્યારે કેવી લાગણીઓ ઉભરાઈ રહી છે..”સાગર આમ કહી શિવ ને બરાબરનો ચીડવી રહ્યો હતો.

આમ ને આમ વાતો કરતાં કરતાં પ્રથમ લેક્ચર શરૂ થવાનો સમય થઈ ગયો એટલે બધાં સ્ટુડન્ટ્સ ક્લાસમાં જઈને ગોઠવાયાં.આજે તો ઈશિતા એ પણ શિવ પોતાનાં ક્લાસમાં જ ભણે છે એ વાત નોંધી હતી.શિવ હવે આખો દિવસ નજર છુપાવી ઈશિતા ને જોયે જ જતો અને વચ્ચે-વચ્ચે ઈશિતા ની નજર એની ઉપર પડી જતી ત્યારે એ શરમ અને ડરથી ચહેરો ફેરવી લેતો.

image source

કેન્ટીનમાં પણ આજે શિવ અને સાગર જ્યારે નાસ્તો કરી રહ્યાં હતાં ત્યારે ઈશિતા પણ એની સહેલીઓ જોડે ત્યાં હતી..હવે તો ઈશિતા પણ ક્યારેક ક્યારેક શિવ તરફ જોઈ લેતી.સાગર ને ખબર હતી કે ઈશિતા તરફનો સાગરનાં આ પ્રેમનો પરપોટો થોડાં દિવસોમાં જ ફુગ્ગો ફૂટે એમ ફૂટી જવાનો હતો..કેમકે સ્કૂલ સમયમાં દસેક છોકરાંઓ ઈશિતા ને પ્રપોઝ કરી ચુક્યાં હતાં જેમાંથી ચાર ને તો ઈશિતા નાં હાથનો લાફો પણ ખાવો પડ્યો હતો.

એ સિવાય બે છોકરાંઓ ઈશિતાને હેરાન કરતાં હતાં તો એમને ઈશિતા નાં ભાઈ અને ભાઈનાં મિત્રોનાં હાથનો સારો એવો મેથીપાક પણ મળ્યો હતો..આ વાત જાણતો હોવાથી જ સાગર શિવ ને ઈશિતાથી દુર રહેવાની સલાહ આપી રહ્યો હતો..પણ આ પ્રેમ એવી વિચિત્ર માયા છે જે થઈ જાય ત્યારે માણસ કોઈનું ના સાંભળે.

કોલેજ છૂટ્યા બાદ શિવ અને સાગર જઈને બસ સ્ટેન્ડ પર ઉભાં રહ્યાં એ જ સમયે બસ ત્યાં આવી ગઈ..સાગર બસમાં બેસવા જતો હતો પણ ઈશિતા હજુ આવી ન હોવાથી શિવે એને જતાં રોક્યો..સાગરે પહેલાં તો રોકાઈ જવાની આનાકાની કરી પણ આખરે એ શિવની જીદ સામે ઝૂકી ગયો..બીજી બસ છેક અડધો કલાક પછી આવતી હતી..છતાં હવે કોઈક ગમતાં વ્યક્તિનાં સાથ માટે આ અડધો કલાક રાહ જોવી તો સામાન્ય જ વાત હતી.

વીસેક મિનિટ બાદ ઈશિતા પોતાની બે સહેલીઓ સાથે ત્યાં આવી પહોંચી..ઈશિતા નાં આગમન સાથે શિવ નો ચહેરો એ રીતે ખીલી ઉઠ્યો જાણે વસંતમાં ચમન ખીલે.પોતાની સહેલીઓ સાથે વાતો કરતાં કરતાં ઈશિતા શિવ ની તરફ ક્યારેક ક્યારેક જોઈ લેતી..એને પણ શિવ પોતાનાં તરફ આકર્ષિત છે એની થોડી ઘણી ગંધ તો આવી ગઈ હતી.

બસ આવતાં ની સાથે જ શિવ અને સાગર ફટાફટ બસમાં ચડી ગયાં..પણ આ વખતે સાગર અને શિવ બંને અલગ અલગ બે ની સીટ ઉપર બેઠાં.. ઈશિતા ની બંને સહેલીઓ પોતપોતાની રીતે જગ્યા ગોતી બેસી ગઈ પણ ઈશિતા ને બે જ સીટ ખાલી દેખાઈ એક શિવ જોડે અને એક સાગર જોડે..સાગર જોડે બેસીશ તો નકામી સ્કૂલ ટાઈમ ની વાતો વાગોળશે એમ વિચારી ઈશિતા શિવ જોડે જઈને બેસી ગઈ.

આ વખતે તો શિવે મન બનાવી જ લીધું હતું કે એ કોઈપણ રીતે ઈશિતા જોડે વાત કરીને જ રહેશે..એમાં વળી સાગરે એક ચીઝ પફ ની શરત લગાવી હતી કે એ ઈશિતા જોડે વાત કરશે તો પોતે કેન્ટીનમાં એને ચીઝ પફ ખવડાવશે..હવે એક તો મનની ઈચ્છા અને વધારામાં મિત્ર એ ચડાવેલો પારો.. આજે આ બંને મળીને શિવને ઈશિતા જોડે વાત કરવાની પ્રેરણા આપી રહ્યાં હતાં. જેવી બસ ઉપડી એ સાથે જ શિવે પોતાની જાત ને હિંમત આપી અને ઈશિતા ની તરફ જોઈને કહ્યું.

“તું મારાં ક્લાસમાં છે ને..?” જવાબમાં ઈશિતા રુક્ષ સ્વરે બોલી. “ના તું મારાં ક્લાસમાં છે..” ઈશિતા નો આ જવાબ સાંભળી શિવ તો ક્ષોભિલો પડી ગયો.શિવ નો ઉતરી ગયેલો ચહેરો જોઈને ઈશિતા પોતાનાં મોં પર હાથ રાખીને હસવા લાગી..ઈશિતા નું આમ હસવું જોઈ શિવ પ્રશ્નસુચક નજરે એની તરફ જોઈ રહ્યો. “અરે sorry.. just kidding.. હું મજાક કરતી હતી..હા હું પણ તારી જ ક્લાસમાં છું..”

ઈશિતા ની વાત સાંભળી શિવ નાં ચહેરા પર પણ સ્મિત પથરાઈ ગયું અને એ થોડી હળવાશ અનુભવતાં બોલ્યો. “મારું નામ શિવ છે..અને તારું..?” “મારુ નામ ઈશિતા છે..હવે તું મારી હાઈટ અને વેઈટ નું ના પૂછતો..કેમકે એ તને નહીં કહું..”ઈશિતા તો શિવ એનો જૂનો મિત્ર હોય એમ બોલી રહી રહી. બસ આમ ને આમ અલકમલકની વાતો કરતાં કરતાં ઈશિતા નું ઉતરવાનું સ્ટેન્ડ આવી ગયું..ઈશિતા શિવ ને bye બોલી બસમાંથી જેવી ઉતરી એ સાથે જ શિવની આગળની સીટ માં બેસેલો સાગર ગરદન ઘુમાવી શિવ તરફ જોઈને હસતાં-હસતાં બોલ્યો.

“વાહ ભાઈ..કાલે મારાં વીસ રૂપિયાનું નુકશાન પાકું કર્યું..” “અરે હું ખવડાવી દઈશ ચીઝ પફ તને..પણ ઈશિતા એવી છોકરી નથી જેવી તું કહેતો હતો..”શિવ હજુ તો ઈશિતાનાં વિચારમાં ડૂબેલો હોય એમ બોલ્યો. “હા હવે તને સારી લાગી એટલે ઘણું છે..રાજા ને ગમે એ રાણી..”આટલું બોલી સાગર પાછો પોતાની સીટમાં વ્યવસ્થિત ગોઠવાઈ ગયો.

image source

પોતાનું સ્ટેન્ડ આવ્યું એટલે શિવ બસમાંથી નીચે ઉતરી ગયો..આજનો દિવસ શિવની જીંદગીનો સૌથી ખાસ દિવસ હતો..શિવને પ્રથમ વખત કોઈ છોકરી ગમી હતી અને એની સાથે વાત કરવાની સુવર્ણ તક આજે પ્રાપ્ત થતાં એતો હવામાં જ ઉડતો હોય એવું અનુભવી રહ્યો હતો.

શિવ અને ઈશિતાની પ્રેમ-કહાનીનાં પ્રથમ પ્રકરણ સમાન મિત્રતા નું પહેલું પેજ આજે સુંદર અક્ષરો વડે લખાઈ ચૂક્યું હતું..આગળ જતાં આ મિત્રતા કઈ રીતે આગળ વધશે અને ક્યાં સુધી આગળ વધશે એની એ સમયે શિવને તો ખબર નહોતી જ.રાતે જમીને શિવ ટીવી જોયાં બાદ સુવા માટે પથારીમાં પડ્યો ત્યારે એને ઊંઘ જ નહોતી આવી રહી.આંખો બંધ કરતાં એને ઈશિતા નો ચાંદ જેવો નયનરમ્ય ચહેરો નજરે ચડતો..ક્યારેક ઈશિતા હસતી, ક્યારેક આંખો ઝુકાવતી તો ક્યારેક એનાં ચહેરા પર આવતી લટ ને કાનની પાછળ સેટ કરતી.આજની રાત હવે નીંદર જોડે શિવ ને દુશ્મની હોય એવું લાગી રહ્યું હતું..આમ પણ કહેવાયું છે ને.

“ઉન નૈંનો મેં નીંદ કહાઁ જીન નૈંનો મેં ખ્વાબ બસે હો..” એ પ્રેમ ની ઈમારત ઊંચી અને મજબૂત હોય જેનાં પાયામાં મિત્રતા હોય..અને આવી જ નિર્દોષ મિત્રતા શિવ અને ઈશિતા વચ્ચે બંધાઈ ચુકી હતી.. ઘરથી કોલેજ અને કોલેજ થી ઘર ની એસટી બસ ની સફરમાં ઈશિતા જોડે થયેલી મુલાકાત અને વાતોનાં લીધે શિવ માટે હવે આ સફર ઈશિતા જેવી હમસફર નાં લીધે હસીન બની ચુકી હતી.

હવે તો શિવ રોજ ઈશિતા ની જગ્યા પોતાની જોડે રાખતો અને ઈશિતા પણ એની બાજુમાં આવીને બેસી જતી.. કોલેજમાં પણ શિવ અને ઈશિતા એકબીજા જોડે વાતચીત કરી લેતાં હતાં.શિવ અને ઈશિતા ની દોસ્તીને એક મહિનો વીતી ચુક્યો હતો..અને આ સમય દરમિયાન સાગર પણ શિવ અને ઈશિતા ની મિત્રતા નો સહભાગી બની ગયો હતો.

image source

સાગર અત્યાર સુધી ઈશિતા ને ઘમંડી સમજતો હતો પણ ધીરે-ધીરે એનો ઈશિતા પ્રત્યેનો આ અભિપ્રાય બદલાઈ ચુક્યો હતો..આમ પણ કોઈ વ્યક્તિ જોડે સમય પસાર કર્યાં વિના અને વધુ જાણ્યાં વગર તમે કોઈ અભિપ્રાય તમારી રીતે બનાવી લો તો એમાં તમારાં ખોટાં પડવાનાં ચાન્સ વધી જતાં હોય છે..અને જેમ-જેમ શિવ નાં કારણે સાગર ઈશિતા જોડે વાતો કરતો થયો તો એને સમજાયું કે ઈશિતા નું સ્કૂલ માં જે વર્તન હતું એનું કારણ હતું એનાં ઘરનું બંધિયાર વાતાવરણ અને એનો મોટો ભાઈ સહદેવ..એ કારણે જ ઈશિતા સ્કૂલમાં કોઈ છોકરાં જોડે વધુ બોલતી નહીં.

પણ હવે એનો ભાઈ સહદેવ દુબઈ ચાલ્યો ગયો હતો અને બીજી વાત કે એ સ્કૂલ હતી અને આ કોલેજ..આ બે કારણોથી હવે ઈશિતા થોડી ફ્રી થઈને છોકરાંઓ જોડે વાત કરતી.એમાં પણ શિવ તો ઈશિતા ને ખૂબ જ માસુમ લાગ્યો હતો એટલે શિવ જોડે એની મિત્રતા વધુ જામી હતી. શિવ, સાગર, ઈશિતા ની સાથે એમનાં ટોળામાં બીજાં બે લોકોની પણ એન્ટ્રી થઈ હતી..જેમાંથી એક હતી ઈશિતા ની ખાસ સહેલી નિધિ અને બીજો હતો નિધિ નો બોય ફ્રેન્ડ દેવ..દેવ એમની જ કોલેજમાં સેકન્ડ યર મિકેનિકલમાં અભ્યાસ કરતો હતો.

દેવ આમ તો લોફર ટાઈપનો યુવક હતો..બાપાનાં પૈસે KTM લઈને ફરવું,મોંઘા કપડાં પહેરવાં અને સિગરેટ ફૂંકવી..બધી જ પૈસાદાર નબીરા ની આદતો હતી આ દેવ માં..પણ આજકાલ ની યુવતીઓને ક્યાં સીધાં છોકરાઓ ગમે છે..એમનાં મન તો આમ લોફરની જેમ ફરતાં છોકરાંઓ ડેશીંગ કહેવાય.

દેવ ઘણીવાર નિધિ ની હાજરીમાં ઈશિતા જોડે ફ્લર્ટ કરતો..ત્યારે શિવ ને ઘણો ગુસ્સો આવતો..પણ ઈશિતા દેવ ની વાતને મજાકમાં લઈ રહી હોવાથી શિવ પોતાનાં ગુસ્સાને કાબુમાં રાખતો હતો..અને નિધિનો સ્વભાવ પણ સારો હોવાથી એનાં લીધે શિવ દેવ ની મસ્તી ને સહન કરી લેતો..આમ પણ દેવ એમનાં જોડે અઠવાડિયે માંડ એકાદ વખત આવીને બેસતો એટલે નકામો બખારો કરવાનું કોઈ કારણ જ નહોતું.

આમ ને આમ મિડ ટર્મ પણ પુરી થઈ ગઈ..દરેક ને સારું પરિણામ આવ્યું હતું એટલે એ બધાં એ મુવી જોવાં જવાનો પ્લાન બનાવ્યો..આ મુજબ એ લોકો જયશ્રી થિયેટરમાં રોમાન્ટિક કોમેડી મુવી મુઝસે ફ્રેન્ડશીપ કરોગે જોવાં માટે ગયાં..દેવ ને કોઈ અંગત કામ હોવાથી એને જોડે આવવાની ના પાડી..દેવ નાં ના આવવાની ખુશી સૌથી વધુ પોતાને છે એવું શિવ ને લાગતું હતું..પણ શિવ કરતાં દેવનાં એમની જોડે આવવાની ના કહેતાં સાગર સૌથી વધુ ખુશ હતો.

વાત જાણે એમ હતી કે સાગર ને ધીરે-ધીરે નિધિ પસંદ આવવાં લાગી હતી..પણ નિધિ પહેલેથી જ દેવ જોડે કમિટેડ હતી એ જાણ્યાં બાદ સાગરે પોતાની સઘળી લાગણીઓને હૃદયનાં એક ખૂણામાં બંધ કરી દીધી હતી. થિયેટર માં શિવ અને સાગર છેડે બેઠાં..જ્યારે બંને છોકરીઓ વચ્ચે..ઈશિતા શિવની જોડે બેસી જ્યારે નિધિ સાગર ની જોડે..હળવી રોમાન્ટિક મુવી જોયાં બાદ એ ચારેય લોકો જ્યારે થિયેટરની બહાર નીકળ્યાં ત્યારે દેવ પોતાની બાઈક લઈને ત્યાં આવી પહોંચ્યો હતો.

“અરે દેવ તું..તારું કામ પતિ ગયું એમ ને..?”દેવ ને જોતાં જ નિધિ ખુશ થઈને બોલી. “હા મારી સ્વીટહાર્ટ..તારાં માટે જ આવ્યો છું..ચાલ મારી સાથે..”બાઈક ની પાછલી સીટ ઉપર બેસવાનો ઈશારો કરતાં દેવ બોલ્યો. દેવ ની વાત સાંભળી નિધિ બીજાં કોઈને કંઈપણ કહ્યાં વગર જઈને દેવ ની પાછળ બેસી ગઈ..અને દેવે આંચકા સાથે એ રીતે બાઈક શરૂ કરી કે નિધિ ને ના છૂટકે એની સાથે ચીપકીને બેસવું પડ્યું..એમનાં જતાં જ શિવે ઈશિતાને ઉદ્દેશીને કહ્યું.

“ઈશિતા,આ દેવ એક નંબરનો બદમાશ છોકરો છે..તું નિધિ ને સમજાવ કે આની જોડે રિલેશન ના રાખે…” “અરે મને ખબર છે આની..મેં સો વાર નિધિ ને કહ્યું છે આ વિશે પણ એ માને તો ને..”ઈશિતા બોલી. “સારું ચલો હવે આપણે થોડો નાસ્તો કરીને ઘરે જવાં નીકળીએ..”સાગર થી નિધિ ની વાત સહન ના થતાં એ બોલ્યો. “સારું ચલો..”શિવે પણ સાગરની વાત સાથે સહમત થતાં કહ્યું. ત્યારબાદ એ લોકો ગયાં પાણીપુરી ખાવાં માટે..પાણીપુરી ખાઈ લીધાં બાદ ઈશિતા બોલી.

image source

“હું તો એવો ઘરવાળો શોધીશ જે મને દર રવિવારે પાણીપુરી ખાવા લઈ જાય..અને મને ભાવતી પાણીપુરી પોતાનાં હાથથી ખવડાવે..” શિવ મનોમન ઈશિતાની વાત સાંભળી બોલ્યો. “અરે તું કહે તો તને રોજ પાણીપુરી ખવડાવીશ.. બસ તું ખાલી લગ્ન માટે હા પાડી દે..” “શિવ તે કંઈ કહ્યું..?”જાણે શિવ કંઈક મનોમન બબડતો હતો એ અનુભવતાં ઈશિતા એ પૂછ્યું.

“અરે ના ના..હું તો એમ કહેતો હતો કે તને એવો પતિ જરૂર મળશે..અને નહીં મળે તો એની ચોક્કસ ખાતરી છે મને કે તું એને તારી જરૂરિયાત મુજબ બનાવી જ દઈશ..”શિવ હસીને બોલ્યો. “શિવ હું તને મારી નાંખીશ..”શિવની મજાક પર ખોટો ગુસ્સો કરતાં ઈશિતા બોલી..અને પછી શિવને ગમ્મતમાં મારવાં લાગી.

શિવ અને ઈશિતા વચ્ચેની આ મીઠી મસ્તી જોઈને સાગર મનોમન એમની જગ્યાએ પોતાને અને નિધિ ને કલ્પી રહ્યો હતો..આમ પણ તમારું કોઈ પ્રિય વ્યક્તિ તમારી સામે કોઈ બીજાનું થતું દેખાય ત્યારે એની તરફ તમે વધુ ને વધુ આકર્ષણ અનુભવો..શિવ તો ઈશિતા ની સાથે મિત્રતામાં ખુશ હતો.પણ પોતે તો શિવ નો મિત્ર હતો એટલે નિધિ એની સાથે ક્યારેક બોલતી એ વિચારી સાગર અકળામણ અનુભવી રહ્યો હતો.

ત્યારબાદ શિવ,સાગર અને ઈશિતા પોતપોતાનાં ઘરે ચાલ્યાં ગયાં..હવે એક વિક વેકેશન હોવાથી બધાં પોતપોતાની રીતે ક્યાંક ફરવા જવાનાં હતાં.

***********

એક અઠવાડિયા પછી કોલેજ શરૂ થઈ ગઈ..શિવ,સાગર અને ઈશિતા તો રોજની માફક એક જ બસમાં બેસી કોલેજ પહોંચી ગયાં પણ એમને નિધિ ક્યાંય નજરે નહોતી પડી. “અરે ઈશિતા તારી ફ્રેન્ડ ક્યાં છે..?”સાગરે ઈશિતા ને નિધિ નાં ના દેખાવાનાં લીધે સવાલ કર્યો. “ખબર નથી મને એ ક્યાં છે..હું તો એક વિક જામનગર હતી તો મને તો એ મળી જ નથી..”ઈશિતા સાગરનાં સવાલનો જવાબ આપતાં બોલી. “ગઈ હશે ક્યાંક એનાં બોયફ્રેન્ડ જોડે..”શિવ બોલ્યો.

image source

“હા શિવ,એવું હોઈ શકે છે..વાંધો નહીં હું એને ઘરે જતાં મળતી આવીશ..”ઈશિતા બોલી. એ દિવસ તો સાગરે જેમ-તેમ કરી પસાર કરી જ લીધો..ભલે નિધિ બીજાં કોઈને પ્રેમ કરતી હતી પણ પોતે તો ફક્ત એને પ્રેમ કરતો હતો..નિધિ ને એ ક્લાસમાં આખો દિવસ જોઈ શકતો એટલું જ સાગર માટે મહત્વનું હતું..પણ નિધિ ની ગેરહાજરી એને બેચેન કરી રહી હતી. બીજાં દિવસે ઈશિતા જેવી બસમાં ચડી એ સાથે જ ગુસ્સામાં અને વ્યગ્ર ચહેરે શિવ ની જોડે જઈને બેસી..બેસતાં જ એ આવેશમાં આવી બોલી. “આ બધાં છોકરાઓ એક જેવાં જ હોય છે..ફક્ત છોકરીઓ જોડે સેક્સ જ જોઈએ..બીજું કંઈ નહીં..”

“અરે શું થયું ઈશિતા..તું કેમ આટલાં ગુસ્સામાં છો..?અને તું કોની વાત કરી રહી છો..?”શિવે આમ ઈશિતા ને પ્રથમ વખત આટલાં ગુસ્સામાં જોઈ ચિંતિત મુખમુદ્રા સાથે પૂછ્યું..બારી તરફ બેસેલો સાગર પણ ઈશિતા કેમ આવું કહી રહી હતી એ જાણવાં ઉત્સુક હતો. “હું કાલે નિધિનાં ઘરે ગઈ હતી..ત્યાં નિધિ મને મળી..મને જોતાં જ નિધિ મને વળગીને રડવા લાગી..એનાં હીબકાં અને ડૂસકાં સાંભળી મેં એને શાંત કરાવતાં પૂછ્યું.

“એ નિધુ શું થયું કેમ આમ રડે છે..” જવાબમાં નિધિ એ રડતાં રડતાં ત્રુટક ત્રુટક શબ્દે કહ્યું. “દેવ અને મારું બ્રેકઅપ થઈ ગયું..દેવ હવે મારી સાથે કોઈ સંબંધ રાખવાં જ નથી માંગતો..” નિધિ ની વાત સાંભળી સાચું કહું તો મને ખુબ આનંદ થયો કે એ હરામી જોડેથી નિધિનો છેડો ફાટ્યો એ એકરીતે સારી જ વાત હતી..પણ આવું તો હું નિધિ ને કહી શકું એમ નહોતી..એટલે મેં દેવ દ્વારા નિધિ જોડેનાં રિલેશનનો અંત કેમ કરવામાં આવ્યો એનું કારણ જાણવાં નિધિ ને પૂછ્યું. “એ યાર કેમ પણ દેવે તારી જોડે બ્રેકઅપ કરી લીધો..?તારો કોઈ વાંક હતો..?” ત્યારબાદ નિધિ એ એનાં અને દેવ વચ્ચેનાં સંબંધ નો એન્ડ કેમ આવી ગયો એનો વૃતાંત શબ્દશઃ કહી સંભળાવ્યો.

“થિયેટર થી નીકળી દેવ નિધિને બાઈક પર બેસાડી પોતાનાં એક મિત્ર નાં ફ્લેટ ઉપર લઈ ગયો..ત્યાં લઈ જઈ થોડી ઘણી રોમાન્ટિક વાતો બાદ દેવે અચાનક નિધિ ને કિસ કરી લીધી..અહીં સુધી તો વાત નોર્મલ હતી એટલે નિધિ એ કોઈ વાંધો ના ઉઠાવ્યો..પણ થોડીવાર પછી દેવ નિધીને પોતાની સાથે ફિઝિકલ રિલેશન બાંધવા દબાણ કરવાં લાગ્યો..નિધિ ને આ બધું યોગ્ય ના લાગ્યું એટલે એને દેવ નો વિરોધ કર્યો..દેવે જબરજસ્તી કરવાનો પ્રયત્ન કર્યો તો નિધિ ને એને ગુસ્સામાં આવી ગાલ ઉપર તમાચો જડી દીધો..”

image source

“નિધિ પોતાનાં તાબે ના થઈ એ વાતથી ઉશ્કેરાઈ દેવે એને જલીલ કરી રૂમની બહાર કાઢી મૂકી..દેવે એને જણાવી દીધું કે હવે એને નિધિ જોડે બ્રેકઅપ કરી લીધું છે અને આજ પછી નિધિ ક્યારેય પોતાને મળવાની કોશિશ પણ ના કરે.” “બસ એ દિવસથી નિધિ પોતાનાં રૂમમાં એકલી એકલી રડતી રહે છે..મેં મહાપરાણે એને કોલેજ આવવાં સમજાવ્યું તો છે..ખબર નહીં એ આવશે કે નહીં..”

ઈશિતા ની વાત સાંભળી શિવ બોલ્યો. “આમપણ દેવ જેવાં હલકી કક્ષાનાં છોકરાં જોડે અપેક્ષા પણ શું રાખી શકાય..” “દેવ ને સબક તો શીખવાડવો જ પડશે..”દાંત કચકચાવીને સાગર મનોમન બોલ્યો. આ દરમિયાન કોલેજ આવી ગઈ હતી..એટલે શિવ,સાગર અને ઈશિતા બસમાંથી હેઠે ઉતર્યા અને કોલેજ તરફ પ્રયાણ કર્યું..કોલેજ નાં એન્ટ્રન્સ જોડે જ નિધિ ઈશિતા ની રાહ જોઈને ઉભી હતી..નિધિ ને જોતાં જ શિવ અને ઈશિતા નાં ચહેરા પર સ્મિત ફરકી ગયું..અને સાગરની ખુશીની તો કોઈ સીમા જ નહોતી.

“નિધિ,બહુ સારું કર્યું તું કોલેજ આવી એ..મેં શિવ અને સાગર ને પણ તારી જોડે જે થયું એ વિશે જણાવ્યું..એ બંને નું માનવું છે કે જે થયું એ સારું થયું..અને આમપણ દેવ તારાં લાયક નહોતો..”નિધિ ને ગળે લગાવી ઈશિતા બોલી. “હા યાર..તમે સાચું જ કહો છો એ મારાં લાયક નહોતો..”નિધિ એ પણ મન મક્કમ કરી કહ્યું. “સારું તો ચલો કેન્ટીનમાં.. મારાં તરફથી બધાં ને માઝા પીવડાવું..”વાતાવરણ હળવું કરવાનાં ઉદ્દેશથી શિવ બોલ્યો. શિવની વાત સાંભળી એ ચારેય સાથે જ કેન્ટીન તરફ આગળ વધી રહ્યાં હતાં..એ લોકો કેન્ટીન પહોંચવા જ આવ્યાં હતાં ત્યાં એમની આગળ દેવે જોરદાર બ્રેક લગાવી પોતાનું બાઈક ઉભી કરી દીધું.

**********

ભૂતકાળની ગલીઓમાં ખોવાયેલો શિવ વડોદરામાં પોતાનાં ક્લાયન્ટનનાં એડ્રેસ પર પહોંચતાં જ પાછો વર્તમાનમાં આવી ગયો..બપોરે ક્લાયન્ટ જોડે જ લંચ લીધાં બાદ શિવે ત્રણેક કલાક ચાલેલી લાંબી મિટિંગ બાદ પોતાનાં ક્લાયન્ટ ને કન્વેન્શ કરવામાં સફળતા મેળવી જ લીધી..આ બાબતમાં શિવ નો રેકોર્ડ 100% હતો.

image source

ઓફિસ નાં ક્લાયન્ટ ને તો સરળતાથી કન્વેનશ કરી શકતો શિવ જ્યારે વડોદરાથી પાછો અમદાવાદ જવાં નીકળ્યો ત્યારે જ્યારે એને સૌથી વધુ જરૂર હતી ત્યારે પોતે કોઈને કન્વેન્શ નહોતો કરી શક્યો એ વાત વિચારી અકળામણ અનુભવી રહ્યો હતો.

  • मुबारक हो सबको समा ये सुहाना
  • मैं खुश हूँ मेरे आसूओंपे ना जाना
  • मैं तो दीवाना, दीवाना, दीवाना
  • हजारों तरह के ये होते हैं आँसू
  • अगर दिल में ग़म हो तो रोते हैं आँसू
  • खुशी में भी आँखे भीगोते हैं आँसू
  • इन्हे जान सकता नहीं ये ज़माना

કારનાં મ્યુઝિક પ્લેયરમાં વાગી રહેલાં મિલન ફિલ્મનાં આ સદાબહાર ગીત ને સાંભળતાં સાંભળતાં શિવનું મગજ ફરી પાછું ભૂતકાળની એ તંગ ગલીઓમાં ફરવા લાગ્યું જ્યાં એનું મન થોડાં કલાકો પહેલાં પણ હતું.

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ