જલ્સા કરોને જેંતીલાલ

પ્રેમ અગન પ્રકરણ – 11 શું આ અંત છે આ કહાનીનો કે એક નવી શરૂઆત? બાકીના બધા ભાગ એકસાથે વાંચો…

જે મિત્રોને આગળના પ્રકરણ વાંચવાના બાકી હોય તેઓ પ્રકરણ -1, પ્રકરણ – 2, પ્રકરણ – 3, પ્રકરણ – 4, પ્રકરણ – 5, પ્રકરણ – 6, પ્રકરણ – 7, પ્રકરણ – 8, પ્રકરણ – 9, પ્રકરણ -10 પર ક્લિક કરે.

પ્રેમ અગન પ્રકરણ – 11

સમય ક્યારેક એવાં સંજોગોની શૈયા તૈયાર કરે છે જે ભીષ્મની જેમ ઈચ્છા મૃત્યુનું વરદાન ધરાવતાં હોય તો પણ તમારી માટે બાણશૈયા બની જતી હોય છે..તમે કોઈ ઘટાટોપ વૃક્ષ ભલેને હોય અમુક વાર સમયનું ચક્રવાત તમને જડમૂળથી ઉખેડી નાખતું હોય છે.. કુદરત પણ ઘણીવાર કાતિલ બને છે અને તમારાં સપનાઓની હત્યા કરી નાંખે છે..

શિવ પોતાની શ્રીને પામી તો ચુક્યો હતો પણ હજુ શ્રીને એનો ભૂતકાળ યાદ નહોતો એ વાતનો શિવને ખેદ જરૂર હતો.. પોતાની સહાનુભૂતિ અને લાગણીનાં લીધે શ્રી એની તરફ આકર્ષાય અને એનાં પ્રેમમાં પડી.. શ્રીની સહમતીથી બંનેના લગ્ન પણ થઈ ગયાં.. સુહાગરાતની લિજ્જત માણ્યાં બાદ શ્રીની જ્યારે આંખ ખુલી ત્યારે એને અચાનક બધું યાદ આવી ચૂક્યું હતું.. આ વાતની જાણકારી જેવી હમીરે શિવને આપી એ સાથે જ શિવ પોતાની શ્રીને મળવા ઓફિસેથી નીકળ્યો..

image source

શ્રી શિવનાં આવવાની રાહ જોઈને બેઠી હતી ત્યાં એને સમાચાર મળ્યાં કે શિવનો ગંભીર અકસ્માત થયો છે અને એને ક્રિટિકલ અવસ્થામાં સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો..એક તરફ હમીર શ્રીને લઈને હોસ્પિટલ જવા નીકળે છે તો બીજી તરફ શ્રીનાં પરિવારનાં સભ્યો પણ શિવનાં અકસ્માતના સમાચાર જાણી અમદાવાદ આવવા નીકળી પડ્યાં હતાં..

શ્રી જેવી હોસ્પિટલમાં પહોંચી એ સાથે જ બાવરી બની પોતાનાં શિવને જોવાં માટે દોડી પડી..હમીર પણ શ્રીની પાછળ પાછળ ત્યાં જઈ પહોંચ્યો જ્યાં શિવની ઉપર ટ્રીટમેન્ટ ચાલી રહી હતી.. શ્રી અને હમીરને જોતાં જ ઓપરેશન થિયેટરની બહાર બેન્ચ પર બેસેલો જય ઉભો થઈ એમની જોડે આવીને ઉભો રહ્યો અને ગંભીર ચહેરે શ્રીની તરફ જોઈને બોલ્યો..

“ભાભી,હોસ્પિટલનાં સૌથી સારામાં સારા ડૉક્ટર હાલ શિવની ટ્રીટમેન્ટ કરી રહ્યા છે.. શિવનું લોહી ઘણું વહી ગયું છે અને માથામાં ગંભીર ઈજા પહોંચી છે..” જયની વાત સાંભળી શ્રી ધીરેથી શિવ..શિવ..બોલતી બોલતી જય જ્યાં બેઠો હતો એ બેન્ચ ઉપર બેસી ગઈ.. શ્રીની આંખોમાંથી બેસતાંની સાથે જ અશ્રુધારા વહેવા લાગી.. શ્રીને હિંમત આપવાની હમીર અને જયે ઘણી કોશિશ કરી જેનાં ફળસ્વરૂપ શ્રી થોડી શાંત જરૂર થઈ હતી.. છતાં એનાં હીબકાં અને ડૂસકાંનો અવાજ રહી રહીને આવી રહ્યો હતો..

હમીર તો હોસ્પિટલમાં આવ્યો ત્યારથી જ મનોમન ભગવાનને યાદ કરતાં શિવની જિંદગીની દુવા માંગી રહ્યો હતો..એનાં માટે તો શિવ જ એનો પરિવાર હતો.. જે પરિવારમાં શ્રીનાં આગમન પછી તો હમીર ખુબ જ ખુશ હતો.. જય માટે પણ શિવ એનો દોસ્ત, બિઝનેસ પાર્ટનર, એનો યાર, એનો ભાઈ હતો.. જય માટે પણ શિવને આ હાલતમાં જોવો ખૂબ મુશ્કેલ હતું..

હમીર, શ્રી અને જય ત્રણેય ઓપરેશન થિયેટરની બહાર બેઠાં-બેઠાં ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફની દોડાદોડ જોઈ રહ્યાં હતાં..ડૉક્ટરનો ગંભીર ચહેરો જોઈ એ સમજી શકતાં હતાં કે શિવની જિંદગી પર સાચેમાં મોટું જોખમ હતું..એનો આ અકસ્માત કેટલો ગંભીર હતો એનો ખ્યાલ એ વાત પરથી લગાવી શકાય એમ હતો કે આઠ જેટલી લોહીની બોટલો ઉપરાઉપરી શિવને ચડાવવામાં આવી હતી.

image source

આખરે ચાર કલાક જેટલાં મોટાં ઓપરેશન પછી મુખ્ય ડૉક્ટર અશોક ભટ્ટ બહાર આવ્યાં ત્યારે એમનાં ચહેરા પર ચમક હતી..એમને બહાર આવતાં જોઈ જય ઉભો થઈને એમની જોડે આવીને ઉભો રહ્યો.. જયની જોડે શ્રી અને હમીર પણ ડૉક્ટર જોડે આવીને ઉભાં રહી ગયાં.. “સાહેબ શિવને કેવું છે..?” જયે બધાં વતી ડૉક્ટર અશોક ભટ્ટને સવાલ કર્યો..

ડૉક્ટર અશોક શું કહેશે એની ઉપર એ બધાંની સઘળી આશાઓનો મદાર હતો.. અને એમાં પણ શ્રી માટે તો ખાસ..કેમ કે એનાં માટે તો શિવ એની દુનિયા હતો.. શિવને કંઈપણ થઈ જાય તો શ્રીની તો પુરી દુનિયા ઉજળી જવાનો પુરેપુરો ભય હતો.. હજુ તો માંડ એ બિચારીને ખુશીઓનાં દિવસો જોવાનો અવસર સાંપડ્યો હતો અને આજે શિવનાં આ અકસ્માતે તો શ્રીને માનસિક અને શારીરિક એમ બંને રીતે ભાંગી મૂકી હતી..

“શિવની ઉપર સર્જરી તો પુરી થઈ ગઈ છે અને હવે એની હાર્ટબીટ પણ રેગ્યુલર બની ચાલી રહી છે.એ મોતનાં મુખમાંથી બચી ગયો એનું કારણ કોઈ દૈવી શક્તિ જ લાગે છે.બાકી માથાં ઉપર આટલી સિરિયસ ઈંજરી પછી કોઈનું જીવિત બચવું લગભગ અશક્ય છે..” આજે ડૉક્ટર અશોક ભટ્ટ એ ડૉક્ટર નહીં પણ ભગવાન સમાન લાગી રહ્યા હતા..એમનાં આમ બોલતાં જ શ્રી, હમીર અને જય ત્રણેયની આંખોમાંથી ખુશીનાં આંસુ છલકાઈ ગયાં.. શ્રીને તો શિવની જિંદગીરૂપે પોતાની જિંદગી મળી ગઈ હોવાનું એનાં ચહેરાનાં ભાવ પરથી સમજવું સરળ હતું.. “તો સાહેબ, શિવને અમે ક્યારે મળી શકીશું..?”જયે ડૉક્ટરને ઉદ્દેશીને પૂછ્યું..

“તમને એ જણાવી દઉં કે શિવ ભલે ક્રિટિકલ કન્ડિશનમાંથી બહાર આવી ગયો હોય.. પણ માથાં પર થયેલી ઈજાનાં લીધે એ કોમામાં છે પણ એકાદ-બે દિવસમાં એ ભાનમાં આવી જશે એવી શક્યતા છે.”ડૉક્ટરે જયનાં સવાલનો જવાબ આપતાં કહ્યું.. “Ok ડૉક્ટર સાહેબ..thanks..”ડૉક્ટર સાથે હાથ મિલાવી જય બોલ્યો.. “ભાભી આ તમારો પ્રેમ અને તમારાં જ પ્રેમની શક્તિ હતી જે મારાં દોસ્તને મોતનાં મુખમાંથી પાછી લાવવામાં સફળ થઈ..”ડૉક્ટરના જતાં જ જયે શ્રીની તરફ જોઈને કહ્યું..

image source

“મારી એકલીની નહીં..પણ તમારી અને હમીરભાઈની પણ દુવાની અસર છે..મને ખબર છે કે તમે બંને પણ શિવને કેટલો પ્રેમ કરો છો..”લાગણી મિશ્રિત અવાજમાં શ્રી બોલી. “ભાભી,હું થોડો નાસ્તો અને જ્યુસ લેતો આવું.. તમે થોડો નાસ્તો કરી લો અને હવે ચિંતા ના કરશો હવે ભાઈને સારું થઈ જશે..”હમીરે શ્રીની તરફ જોઈને કહ્યું..

શ્રી એ પહેલાં તો કંઈપણ લેવાની આનાકાની કરી પણ આખરે એ જયની સમજાવટથી નાસ્તો કરવાં માની ગઈ..નાસ્તો કરી લીધાં બાદ એ ત્રણેય એમજ ઓપરેશન થિયેટરની બહાર સાંજનાં છ વાગ્યાં સુધી બેસી રહ્યાં.. આખરે ઓપરેશન થિયેટરમાંથી શિવને સ્પેશિયલ રૂમમાં ખસેડવામાં આવ્યો ત્યારે શ્રી,હમીર અને જય ત્રણમાંથી કોઈ બે વ્યક્તિ શિવની જોડે રોકાઈ શકે છે એવી અનુમતિ ડૉક્ટર દ્વારા આપવામાં આવી.

જેવાં શ્રી,હમીર અને જય શિવને રાખવામાં આવ્યો હતો એ સ્પેશિયલ રૂમમાં આવ્યાં એ સાથે જ શિવને જોતાં જ એમનું હ્ર્દય ઉભરાઈ ગયું..શિવનાં શરીર પર અન્ય જગ્યાએ તો ઈજા સામાન્ય જ હતી પણ એનાં માથાં પર મોટાં પાટા બાંધવામાં આવ્યાં હતાં.. અલગ-અલગ દવાઓની બોટલ પણ નળીઓ દ્વારા શિવનાં હાથની નસ જોડે જોડાયેલી હતી..

ઘણી માથાકૂટ બાદ એ નક્કી થયું કે જય આજની રાત ઘરે જશે અને શ્રીની સાથે હમીર રાતે હોસ્પિટલમાં જ રોકાઈ જશે..સવારે જય હોસ્પિટલ આવી જશે એટલે એ બંને ફ્રેશ થવા ઘરે જઈ શકશે એવી વાત એમની વચ્ચે થઈ એટલે જય ઘરે જવા નીકળ્યો.. હજુ તો જય માંડ પાર્કિંગમાં પહોંચ્યો હતો ત્યાં શ્રીનો પરિવાર ત્યાં હોસ્પિટલમાં આવી પહોંચ્યો.. પૂછપરછ કરતાં કરતાં એ બધાં શિવને જ્યાં રખાયો હતો એ રૂમમાં જઈ પહોંચ્યા..પોતાની ઓળખ આપવા છતાં એમને અંદર જવાની નર્સ દ્વારા મનાઈ કરવામાં આવી..કેમ કે રુલ્સ બધાં માટે સરખો હોય એવું સાલ હોસ્પિટલનાં સ્ટાફનું માનવું હતું.

image source

નર્સ દ્વારા શ્રીનાં પરિવારને તો અંદર જવાં દેવામાં ના આવ્યો પણ શ્રીને એનાં પરિવારનાં સભ્યો મળવાં આવ્યા છે એની જાણ કરી દેવામાં આવી. પોતાનો આખો પરિવાર પોતાને મળવાં આવ્યો એ જાણી શ્રીને એ વાતનું આશ્ચર્ય થયું કે એ લોકો અહીં સુધી કઈ રીતે પહોંચ્યા..?

શ્રી મનમાં થતાં સવાલોનાં જવાબ મેળવવા હમીરને થોડો સમય શિવનું ધ્યાન રાખવાનું કહી એ બહાર આવી.. પોતાનાં પરિવારની નબળી માનસિકતાનાં લીધે જ પોતાને બધું ભોગવવું પડ્યું હતું એટલે શ્રી એમને ઘણી નફરત કરતી હતી.. પણ બધાંને જોતાં જ એની નફરત મીણની માફક ઓગળી ગઈ અને એ પોતાનાં મમ્મીને ભેટીને રડવા લાગી..સહદેવ અને ગજેન્દ્રસિંહ પણ જૂનું બધું ભૂલી પોતાની લાડલી શ્રીને જોઈ હેતથી એનાં માથે હાથ ફેરવવા લાગ્યાં.. હોસ્પિટલ હોવાથી શ્રી પોતાની લાગણીને રોકવાની કોશિશ જરૂર કરી રહી હતી પણ એમાં સફળતા એને નહોતી મળી રહી.

“બેટા, કેમ છે શિવને..?”શ્રીનાં માથે હાથ મૂકી ગજેન્દ્રસિંહ બોલ્યાં. પહેલાં તો શ્રીને પોતાનાં પિતાજી જે રીતે નરમાશથી અને પ્રેમથી શિવનું નામ બોલ્યાં એ સાંભળી આશ્ચર્ય જરૂર થયું.. છતાં શ્રી શાંતિથી બોલી. “સારું છે શિવને..હવે ખતરાથી બહાર છે.. પણ હજુ એ કોમામાં છે..બે દિવસમાં એ ભાનમાં આવી જશે એવું ડૉક્ટરનું કહેવું છે..” “માં માતાજી કરે શિવને જલ્દી સારું થઈ જાય..”શિવની મમ્મીએ એનાં માથે હાથ ફેરવી કહ્યું. “પણ તમે અહીં કેવી રીતે..?”શ્રીએ એનાં પિતાજી તરફ જોઈને સવાલ કર્યો.

જવાબમાં ગજેન્દ્રસિંહએ શ્રીને પોતે અહીં કઈ રીતે પહોંચ્યા એની માહિતી આપી દીધી.. શ્રીએ પણ પોતે મુંબઈ થી શિમલા કઈ રીતે પહોંચી અને કેવાં સંજોગોમાં શિવને એ મળી એની માહિતી આપી..શિવ દ્વારા જે રીતે પોતાની સંભાળ રાખવામાં આવી એનાં લીધે જ એ માનસિક બીમારીમાંથી બહાર આવી એવું શ્રીએ જણાવ્યું..પોતાની મરજીથી જ શિવે એની સાથે લગ્ન કર્યાં એની વાત પણ શ્રીએ પોતાનાં પરિવારને કરી.

શ્રીની વાત સાંભળી ગજેન્દ્રસિંહ અને સહદેવનાં ચહેરા પર પસ્તાવો સાફ-સાફ ઝળકી ઉઠ્યો..પોતે જ પોતાની દીકરીની જીંદગી બરબાદ કરવાનું દુઃખ એમનો ચહેરો જોઈ સમજી શકાતું હતું.. એમને હાથ જોડી એમનાં દ્વારા શિવ જેવાં સંસ્કારી છોકરાં જોડે પોતે કરેલાં વ્યવહારની માફી માંગી. શ્રીએ પણ બધું જૂનું ભુલાવી એમને દિલથી માફ કરી દીધાં,હવે પોતાનો પરિવાર પણ પોતાની પડખે હોવાથી શ્રીને ઘણી શાંતિ અને રાહત પ્રાપ્ત થઈ રહી હતી. શ્રીએ હમીરને પોતાનાં પિતાજી અને સહદેવને લઈને ફ્લેટ ઉપર જવાનું કહ્યું અને પોતાની મમ્મી સાથે એ હોસ્પિટલમાં રોકાઈ ગઈ.

બે દિવસ સુધી ડૉકટરોની મહેનત,બધાંની પ્રાર્થના અને શ્રીનો પ્રેમ રંગ લાવ્યો અને શિવને ભાન આવી ગયું..શિવને ભાન આવતાં જ ડૉક્ટર અશોકભાઈ એનાં ચેકઅપ માટે ગયાં.. અડધો કલાકના ચેકઅપ બાદ ડૉકટર જ્યારે બહાર નીકળ્યાં ત્યારે જય,હમીર,શ્રી અને શ્રીનો આખો પરિવાર ત્યાં જ મોજુદ હતો. જોડે જોડે હસમુખભાઈ અને કુસુમબેન પણ પોતાનાં દીકરાનાં અકસ્માતની ખબર મળતાં ત્યાં આવી પહોંચ્યાં હતાં.. એમાં કુસુમબેન તો લો બ્લડપ્રેશરનાં લીધે બેહોશ થઈ ગયાં એટલે એમને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની નોબત આવી.

image source

“ડૉક્ટર, અમે શિવને ક્યારે મળી શકીશ..?”ડોક્ટરનાં બહાર નીકળતાં જ શ્રીએ ઉત્સાહમાં આવી સવાલ કર્યો. “તમે ઈચ્છો તો હમણાં જ શિવને જઈને મળી શકો છો..પણ.” આટલું કહી અશોકભાઈ અટકી ગયાં. “શું પણ..?” શ્રીએ ચમકીને સવાલ કર્યો.

“શિવ ભાનમાં તો આવી ગયો છે પણ એનાં માથામાં થયેલી ભારે ઈજાનાં લીધે એનાં મગજનાં નાજુક ભાગ પર અસર થઈ છે..જેનાં કારણે શિવ પોતાની યાદશક્તિ ખોઈ બેઠો છે..અને નાના બાળકની જેમ વર્તન કરવાં લાગ્યો છે.. sorry પણ આ જ સત્ય છે..” આટલું બોલી ડૉક્ટર અશોક ચહેરો નીચો કરી પોતાની કેબીન તરફ ચાલી નીકળ્યાં.

ડૉક્ટરની આ વાત તો વીજળીની માફક ત્યાં હાજર દરેક ઉપર તૂટી પડી.. શ્રી તો રડતાં રડતાં પોતાનાં પિતાને ભેટી પડી.. હમીર પણ રડતો રડતો જયને વળગી પડ્યો.જયની હાલત પણ એવી જ હતી પણ એ મનને મક્કમ કરી પોતાની લાગણીઓને કન્ટ્રોલ કરી રહ્યો હતો. સારું થયું કે હસમુખભાઈ એ સમયે કુસુમબેનની જોડે જનરલ રૂમમાં હતાં.

પોતાની દીકરીની ભગવાન કેટલી બધી પરીક્ષા લઈ રહ્યો હતો એ જોઈ ગજેન્દ્રસિંહ જેવો કડક સ્વભાવનો માણસ રડમસ થઈ ગયો. શ્રીને સાંત્વનાં આપતાં એ બોલ્યાં. “બેટા.. તું હિંમત ના હાર.. ભગવાન બધું સારું કરી દેશે..” “પણ પિતાજી, મારી જોડે જ આ બધું કેમ..?”રડતાં રડતાં શ્રીએ ગજેન્દ્રસિંહને સવાલ કર્યો. “બેટા, ભગવાન એને જ દુઃખ આપે જેને એને સહન કરવાની હિંમત આપી હોય..”ગજેન્દ્રસિંહ શ્રીને ધરપત આપતાં બોલ્યાં.

જય ડૉક્ટર અશોક ભટ્ટને મળીને શિવની આ હાલત ક્યારે ઠીક થશે એ જાણી લાવ્યો..જયને જાણવાં મળ્યું કે શિવની આ હાલત આખી જીંદગી રહી શકે છે.. સિવાય કે કોઈ ચમત્કાર ના થાય.. જયે જ્યારે આ વિશે શ્રી અને એનાં પરિવારને જણાવ્યું તો શ્રીનાં મમ્મી એ શ્રીને ઉદ્દેશીને કહ્યું. “બેટા, માન્યું કે તે શિવની જોડે ઘરસંસાર માંડી દીધો હતો..પણ ડૉક્ટરનાં કહ્યાં મુજબ જો શિવની માનસિક હાલત આવી જ રહેશે તો તું શું કરીશ.. એનાં કરતાં તું શિવને કોઈ મેન્ટલ હોસ્પિટલમાં મૂકી અમારી સાથે જૂનાગઢ આવી જા..”

image source

પોતાની મમ્મીની વાત સાંભળી શ્રી ગુસ્સામાં બોલી. “શું કહ્યું મમ્મી,હું શિવને મૂકીને જૂનાગઢ આવી જાઉં..અરે તું એવું કઈ રીતે વિચારી પણ શકે કે હવે હું શિવને મૂકીને ક્યાંય જઈશ.. અત્યારે શિવને મારી સૌથી વધુ જરૂર છે..શિવે મને ત્યારે ગળે લગાવી હતી જ્યારે મારી જોડે કોઈ નહોતું..હું અત્યારે તમારી સામે આમ સહી-સલામત ઉભી છું એનું કારણ શિવ છે..”

“હવે હું શિવનો હાથ અને એનો સાથ ક્યારેય નહીં મુકું.. ભલે ને શિવ સ્વસ્થ નહીં થાય ત્યાં સુધી હું એની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખીશ.. એને કોઈ વાતનું ઓછું નહીં આવવા દઉં..ભલે ને મારે એ માટે મારી જીંદગીનાં અંતિમ શ્વાસ સુધી રાહ જોવી પડે.. હું પણ એક ક્ષત્રિયાણી છું..કરેલાં ઉપકાર માટે માથું પણ કપાવવું પડે તો પાછી ના હટું.”

“હા દીકરા, તું સત્ય કહી રહી છે..તને ગમે એ કર..અમારાં આશીર્વાદ તારી સાથે છે..”શ્રીનાં મક્કમ ઈરાદા સામે ઝૂકી જતાં ગજેન્દ્રસિંહ બોલ્યાં. આ દરમિયાન હસમુખભાઈ અને કુસુમબેન પણ ત્યાં આવી પહોંચ્યા હતાં.. શ્રીનો નિર્ણય સાંભળી એમની આંખોમાં સુખ અને દુઃખ બંનેનાં મિશ્રિત આંસુ સરી પડ્યાં.. શ્રીને આશીર્વાદ આપી એનો સમસ્ત પરિવાર આ સાથે જ જૂનાગઢ જવા રવાના થઈ ગયો.. એમનાં જતાં જ શ્રી શિવને રખાયો હતો એ રૂમમાં આવી.

શ્રીએ જોયું તો શિવ પલંગમાં ટૂંટિયું વાળીને બેઠો હતો..શ્રીનાં અંદર પ્રવેશવાની આહટ સાંભળી શિવે નજર ઊંચી કરી શ્રીની તરફ ડરતાં ડરતાં જોયું.. “શિવ,તને કેમ છે હવે..?”શિવની જોડે આવી શ્રી બોલી. “કોણ શિવ..મારું નામ તો પેશન્ટ છે..”પાગલની જેમ વર્તન કરતાં શિવ બોલ્યો.ડૉક્ટરના મોંઢે એને પેશન્ટ કહેવાયો હોવાની વાત એને પકડી રાખી હતી. શિવને આવી હાલતમાં જોઈ શ્રીની લાગણીઓ અશ્રુ બની આંખોનાં કિનારે આવીને બેસી ગઈ..પણ એ બધી ભાવનાઓ પર કાબુ મેળવીને બોલી. “સારું બસ તું પેશન્ટ છે અને હું ડૉક્ટર..”

image source

“તો તું મને ઇન્જેક્શન આપીશ..?એવું ના કરતી..મને દુઃખે છે..”મોઢું ચડાવી શિવ બોલ્યો. “નહીં આપું ઇન્જેક્શન.. બસ ખુશ હવે..?”ચહેરા પર મહાપરાણે સ્મિત લાવી શ્રી બોલી. “બહુ ખુશ..બહુ ખુશ..”તાળીઓ પાડતાં શિવ બોલ્યો. “ચાલ મારી સાથે..આપણાં ઘરે..”શિવનો હાથ પકડી શ્રી બોલી. “આપણું ઘર..પણ હું ત્યાં આવીને શું કરીશ..તું મને રમકડાં અને ચોકલેટ આપીશ..?”શિવે પૂછ્યું. “હા બહુ બધાં રમકડાં.. અને બહુ બધી ચોકલેટ..”ચહેરો બીજી તરફ ફેરવી એક ડૂસકું લેતાં શ્રી બોલી.

“તું તો બહુ સારી છે..ચાલ હું આવું તારી સાથે..” પલંગમાંથી હેઠાં ઉતરતાં શિવ બોલ્યો. “ચાલ..”શિવની તરફ હાથ લંબાવીને શ્રી બોલી. શિવે શ્રીનો હાથ પકડી લીધો એની સાથે ચાલવા લાગ્યો..થોડાં આગળ વધ્યા ત્યાં કઈંક યાદ આવતાં શિવ બોલ્યો. “હું તને શું કહું..ડૉક્ટર.. કે પછી દોસ્ત..?” શિવનાં આ માસુમ સવાલ પર શ્રીએ અત્યાર સુધી રોકેલો લાગણીનો બાંધ તૂટી ગયો અને એ શિવને વળગીને રોતાં-રોતાં બોલી. “દોસ્ત…”

આજે શ્રીએ સાબિત કરી દીધું હતું કે પ્રેમ-અગન એક એવી આગ છે જે સળગાવતી નથી પણ ભસ્મીભૂત કરી મૂકે છે.. પણ એની રાખ પણ પવિત્ર હોય છે..જેમ પોતાનો શિવે સ્વીકાર કર્યો હતો એવીજ પરિસ્થિતિમાં પોતે પણ શિવને અપનાવી શ્રીએ નિઃસ્વાર્થ પ્રેમનું ઉદાહરણ સમાજની સામે રાખી દીધું. પ્રેમ-અગનની આગમાં ધૂપસળીની માફક સળગી દુનિયા મહેકાવવાનું કામ શ્રી કરી ગઈ.. પ્રેમ કરનારાં માટે પ્રેમ જ ભગવાન છે એ આજે સત્ય સાબિત થઈ ગયું હતું..!!!

**********

image source

THIS IS NOT THE END.. BUT IT IS BEGINNING OF SPREAD THE LOVE..

તો આ સાથે હું આ નોવેલને અહીં પૂર્ણ જાહેર કરું છું.. આપ સૌનો જે પ્રેમ આ નોવેલને મળ્યો એ બદલ સૌનો આભાર..હું જે કંઈપણ લખી રહ્યો છું એ આપ સર્વે વાંચકોનાં પ્રેમનું પરિણામ છે..હજુ પણ હું સતત વધુ ને વધુ સારું લખતો રહીશ એનું વચન આપું છું.

આ નવલકથાનો સુખદ અંત હું લખી શકું એમ હતો પણ પ્રેમ શબ્દનો અર્થ સમજાવવા મને આ અંત યોગ્ય લાગ્યો..જો તમને સુખદ અંત ગમતો હોય તો તમે એ રીતનો અંત કલ્પી શકો કે શિવને ભાન આવ્યું અને એ સંપૂર્ણ સ્વસ્થ હતો.. બાકી તમે સર્વ વાંચકો મારાં માટે ભગવાન છો જેમનાં ચરણે હું આ લખાણ દ્વારા ભેટ અર્પણ કરું છું.. બદલામાં તમારાં પ્રેમ અને પ્રતિસાદનો પ્રસાદ મળે એવી આશા.

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version