પ્રેમ અગન પ્રકરણ – 10 ઓહ થવાનું હતું અનોખું મીલન, જૂની દરેક વાતો યાદ આવી હતી શ્રીને પણ આમ અચાનક…

જે મિત્રોને આગળના પ્રકરણ વાંચવાના બાકી હોય તેઓ પ્રકરણ -1, પ્રકરણ – 2, પ્રકરણ – 3, પ્રકરણ – 4, પ્રકરણ – 5, પ્રકરણ – 6, પ્રકરણ – 7, પ્રકરણ – 8, પ્રકરણ – 9 પર ક્લિક કરે.

પ્રેમ અગન પ્રકરણ – 10

 • “આમ તો છું એક પરપોટો સમયના હાથમાં
 • તો ય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
 • પત્ર લખવાનો તને, સાથે અદબ પણ રાખવી
 • યાને મસ્તક પેશ કરવાનું સજાવી થાળમાં
 • તારા સરનામા ઉપર શાહી ઢળી ગઈ આખરે
 • માત્ર તારું નામ છે હોઠે કથાના અંતમાં
 • મારી સામે હાથ ફેલાવી ઊભી છે જિંદગી
 • હું ઊભો છું મૃત સ્વપ્નોની સમીપ આઘાતમાં
 • ડાળીએથી એક ફૂલ ખરવાની ઘટના પણ, રમેશ
 • મૃત્યુના અહેસાસને પ્રસરાવી દે છે શ્વાસમાં..”

રમેશ પારેખની આ સુંદર કવિતા મુજબ શિવની શ્રી જોડેની મુલાકાત અણધારી ભલે હતી પણ એની પાછળ વર્ષોની પ્રાર્થનાઓ નો પણ સિંહ ફાળો હતો..ભલે શ્રી પોતાને ઓળખી નહોતી રહી પણ શિવનાં માટે તો એનું મળવું મહત્વનું હતું..ભલે દુવાની અસર માં થોડી અસર ઓછી થઈ અને શ્રી એવી હાલતમાં શિવને મળી હતી જેની કલ્પના પણ એ કરી શકે એમ નહોતો..આમ છતાં શિવે દિલથી શ્રી ને ગળે લગાવી હતી.

ઇન્સ્પેકટર શેખે શિવને જ્યારે શ્રીની માનસિક હાલતનાં રિપોર્ટ કઢાવી એને પોલીસ સ્ટેશનમાં જમા કરાવી શ્રી ને મેન્ટલ હોસ્પિટલમાં એડમિટ કરાવવાનું કહ્યું ત્યારે શિવે હૃદયનાં ઊંડાણથી એક નિર્ણય લીધો અને એ શેખને કહી સંભળાવ્યો. “ઓફિસર,હું ઈચ્છું છું કે શ્રી મેન્ટલ હોસ્પિટલમાં નહીં પણ મારી સાથે આવે..હું એની કાળજી રાખીશ..હું એની દરેક નાની મોટી બાબતની જવાબદારી રાખીશ..”

image source

“શિવ,તું જાણે છે કે શ્રી ની માનસિક હાલત બદ થી બદતર થઈ ગઈ છે..અને તે કહ્યું કે તું અમદાવાદ મોટી આઈટી કંપનીનો માલિક છે તો તું આખો દિવસ તારું બધું કામ પડતું મૂકી શ્રી ને કઈ રીતે સાચવીશ..”શેખે શિવનો નિર્ણય સાંભળી ને કહ્યું..આ દરમિયાન હમીર પણ એમની જોડે આવીને ઉભો રહી ગયો હતો.

“શેખ ભાઈ..મારાં માટે શ્રી જ મારી દુનિયા હતી,છે અને રહેશે..મારી જોડે એટલી દોલત છે કે હું આખી જીંદગી કંઈ નહીં કરું તો પણ ચેનથી જીવી શકીશ…હું તમને પ્રોમિસ કરું છું કે હું શ્રી ને એક મિનિટ પણ એકલી નહીં મુકું..પણ શ્રી મારી સાથે જ રહેશે..હવે એને મારાંથી અલગ કરીશ તો જીવી નહીં શકું..”શેખ નાં બંને હાથ ફરતે પોતાનાં હાથ રાખી પોતાનું કપાળ એનાં હાથ મૂકી લાગણીશીલ સ્વરે શિવ બોલ્યો.

શિવ નો શ્રી તરફનો આ પ્રેમ જોઈ શેખ નું હૈયું પણ ઉભરાઈ આવ્યું અને એને શિવને ગળે લગાવીને કહ્યું. “ધન્ય છે ભાઈ તારાં શ્રી તરફનાં પ્રેમને..તું લઈ જા શ્રીને તારી જોડે..મારી દુવા છે કે એ જલ્દી હતી એવી થઈ જશે..” ત્યારબાદ શ્રી ને લઈને શિવ શિમલા સીટી હોસ્પિટલમાં પહોંચ્યો..ડોકટર જોસેફ તો શ્રી ને પાછી આવેલી જોઈ ખુશખુશાલ થઈ ગયાં.. એમને બે દિવસથી એ ચિંતા સતાવી રહી હતી કે એક પોલીસ નાં ચોપડે ચડેલ અપરાધીનું આમ પોતાનાં અંડરથી ભાગી જવું અકળાવી રહ્યું હતું.

ડોકટર જોસેફે તાત્કાલિક શ્રી નાં જરૂરી રિપોર્ટ કઢાવવાની તૈયારી કરી દીધી..શિવ જ્યાં સુધી શ્રી ની મેન્ટલ કંડીશન ને લગતાં રિપોર્ટ નાં તૈયાર થયાં ત્યાં સુધી એની પડખે ઉભો રહ્યો.. શિવ જે રીતે પોતાનો હાથ પકડીને એની નજીક હતો એ જોઈ શ્રી ને પણ સારું લાગી રહ્યું હતું. શ્રી શિવને દોસ્ત કહીને બોલાવતી..જે તમારાં દોષ અને દુઃખોનો અંત કરે એને દોસ્ત કહેવાય..અત્યારે શિવ શ્રી ને એ હાલતમાં પણ સ્વીકારવા તૈયાર હતો જ્યાં એનું પોતાનું કોઈ હોત તો પણ મોં ફેરવી લેત.આખરે શિવે શ્રી નાં બધાં મેડિકલ રિપોર્ટ કઢાવી લીધાં અને જતાં-જતાં ડોકટર જોસેફ ને મળવાં ગયો.

“ડોકટર,તમે આ રિપોર્ટ પરથી શ્રી ની સાથે શું થયું છે એ જણાવી શકશો..?” “આ યુવતીની આ મેન્ટલ કન્ડિશન કોઈ માથાં પરનાં માર કે પછી ઈજા નાં લીધે તો નથી જ થઈ..કેમકે એનાં ખોપરી નાં એક્સરે પરથી એટલી તો ખબર પડે છે કે એને માથામાં કોઈ ઈજા નથી થઈ..પણ એનાં મગજનાં ફોટો જણાવે છે કે આ યુવતી લાંબો સમય મેન્ટલી સિક રહી હશે..ડિપ્રેશન નો સતત શિકાર બનતી હોવાનાં લીધે એની મગજની અમુક નસો ફૂલી ગઈ છે તો અમુક સુકાઈ ગઈ છે..”ડોકટર જોસેફે કહ્યું.

image source

“તો સાહેબ હવે રિકવરી નાં કોઈ ચાન્સ..?”શિવ નાં આ સવાલમાં એક ઉમ્મીદ હતી એક આશા નું કિરણ હતું. “હા, ચાન્સ તો છે અને એ પણ ઘણાં વધુ..આ યુવતીનો જો એની જૂની યાદો જોડે ફરીને મેળાપ કરાવી દેવામાં આવે તો એવું બની શકે એની રિકવરી ઝડપી થઈ શકે છે.પણ જોડે એ વાતનું ધ્યાન રાખજે કે આને ગુસ્સો ના આવે નહીં તો એ આક્રમક બની જશે..”શિવનાં સવાલનાં જવાબમાં ડૉકટરે કહ્યું.

“Thanks..”ડોકટર જોસેફનો આભાર માની શિવ હોસ્પિટલમાંથી નીકળી સીધો પોલીસ સ્ટેશન આવ્યો .ઇન્સ્પેકટર શેખ ને શ્રી નાં મેડિકલ રિપોર્ટ સુપ્રત કરી શ્રી ને પોતાની સાથે લઈ જવાની સહમતી માંગી શિવ ત્યાંથી હોટલ ઓબેરોય જવાં રવાના થઈ ગયો. શિવે હોટલમાં જઈને હમીર માટે એક બીજો રૂમ બુક કરાવી દીધો..અને પોતે શ્રી ની જોડે જ રોકાશે એવું નક્કી કર્યું..શ્રી હજુ પણ પોતાની જોડે શું થઈ રહ્યું છે એ સમજવામાં અસમર્થ હતી..પણ શિવ ની હાજરી એને હૂંફ આપી રહી હતી..રાહત આપી રહી હતી.શ્રીનાં શરીરમાંથી હજુ પણ બદબુ આવી રહી હતી. “શ્રી..તું સ્નાન કરતી આવ..પછી હું તને બીજાં કપડાં આપું પહેરવા માટે..”રૂમમાં પ્રવેશતાં જ શિવે શ્રી ની તરફ જોઈને કહ્યું.

“ના હું નહીં જાઉં..મને બીક લાગે છે..તું અંદર આવ મારી જોડે..”માનસિક સંતુલન ઘુમાવી બેસેલી શ્રી નાનું બાળક બોલતું હોય એમ બોલી. પોતે શ્રી સુધીનાં ત્રણ વર્ષથી વધુ લાંબા પ્રેમ સંબંધ માં એનાં જોડે ચુંબન થી વધુ આગળ નહોતો વધ્યો..પણ આજે એ શ્રીની જોડે બાથરૂમમાં જવું પડશે એ વિચારી શિવ દ્વિધામાં મુકાઈ ગયો હતો..શિવને આમ વિચારમાં પડેલો જોઈ શ્રી એનો હાથ ખેંચી બોલી. “ચાલ ને અંદર..તું મારો દોસ્ત છે ને..તો તું નહીં આવે મારી જોડે..”

હવે જો પોતે શ્રી ને સાજી-સારી કરવી હોય તો એની દરેક વાત માનવી જ રહી..શિવે પોતાની જાતને હવે મને-કમને કરવી પડતી દરેક એ વસ્તુ માટે તૈયાર કરી લીધી જેની વિનંતી શ્રી હવે કરવાની હતી. “સારું ચાલ..હું આવું તારી જોડે..”શિવે આખરે શ્રી ની સાથે બાથરૂમમાં જવાનું મન બનાવી લીધું. અંદર જતાં જ શિવે શાવર ચાલુ કર્યું અને શ્રી ને શાવરની નીચે ઉભી રાખી..શાવરની ઠંડી બુંદો નો સ્પર્શ થતાં જ શ્રી રોમાંચિત થઈ ઉઠી..એનાં શરીર પરનાં કપડાં પણ હવે પાણીથી ભીનાં થઈને એનાં શરીરને ચોંટી ગયાં હતાં..જો શ્રી ની માનસિક સ્થિતિ સારી હોત તો શિવ માટે આ પળ હતી મનભરીને માણવાની.

શ્રી નાં કપડાં ભીનાં થઈ ગયાં હતાં..પણ એ હજુ મજા લઈને સ્નાન કરી રહી હતી..શ્રી ની આ મસ્તી ની શિવ એની બાજુમાં ઉભો ઉભો જોઈ રહ્યો હતો..શિવે હવે પોતાની જાતને મક્કમ બનાવી અને શ્રી નાં શરીર પરનાં કપડાંનું આવરણ અલગ કર્યું.. અત્યારે એ જેને પ્રેમ કરતો હતો એ યુવતી એની સામે નગ્ન ઉભી હતી છતાં શિવ માટે આ સ્થિતિ નો સામનો કરવો ભારે હતો..શિવે શ્રી ને શાંતિથી ઉભું રહેવાં કહી એનાં શરીર પર સાબુ લગાવી એને વ્યવસ્થિત સ્નાન કરાવ્યું..એનાં માથામાં શેમ્પુ નાંખી એની ગંદી થયેલી ઝુલ્ફો ને પણ સારી રીતે ધોઈ.

image source

શ્રી નાં શરીર ને ટુવાલ વડે સાફ કરીને શિવે એનાં શરીર ફરતે ટુવાલ વીંટાળ્યો અને એને બાથરૂમમાંથી બહાર લઈને આવ્યો..શિવે પોતાનું એક નાઈટ પેન્ટ અને ટીશર્ટ શ્રી ને પહેરવાં આપ્યાં.. હવે શ્રી પહેલાંની માફક ખીલી ઉઠી હતી.. શ્રી ને પણ ઘણાં સમય બાદ વ્યવસ્થિત સ્નાન કરવાંનાં લીધે સારું લાગી રહ્યું હતું..એને શિવ કોણ હતો એ તો ખબર હાલપુરતી તો નહોતી પણ એનાં માટે શિવ એનો દોસ્ત હતો..એ દોસ્ત જે એની દરેક વાત હસતાં મોંઢે સ્વીકારી લેતો.

રાતનાં એક વાગી ગયાં હતાં એટલે શિવે શ્રી ને પલંગમાં સુવડાવી દીધી અને પોતે જઈને સોફામાં સુઈ ગયો.. મહિનાઓથી રસ્તા અને ફૂટપાથ ઉપર સૂતી શ્રી ને આલીશાન હોટલનાં કિંગ સાઈઝ બેડ ઉપર નીંદર નહોતી આવી રહી.. એને અજુગતું લાગી રહ્યું હતું આવાં મુલાયમ પથારી પર સુવાનું. “દોસ્ત..તું ત્યાં કેમ સુઈ ગયો છે..મારી જોડે સુઈ જા..”શિવની તરફ જોઈ પોતાની કાલી-ઘેલી ભાષામાં શ્રી બોલી.

છેલ્લાં અડધાં કલાકમાં શિવે શ્રી ને નગનાવસ્થામાં જોઈ હતી અને હવે એની સાથે સુવા માટે પણ મજબૂરીમાં શિવને જવું પડ્યું..હવે જો પોતાની પ્રિયતમા ને સ્વસ્થ કરવાનું બીડું ઝડપ્યું જ હતું તો હવે શ્રી નું કહ્યું બધું કરવાનું મન બનાવી શિવ જઈને શ્રી ની જોડે સુઈ ગયો..શ્રી શિવને લપાઈને શાંતિથી સુઈ ગઈ અને શિવ એનો ચહેરો જોતો જોતો કલાક સુધી જાગતો રહ્યો..આખરે એને પણ ઊંઘ આવી ગઈ અને એ સાથે જ શ્રી અને શિવની મુલાકાત ની સાક્ષી બનેલાં દિવસનો અંત થયો.

 • “ના એ જાણે મને અને ના ખુદને જાણવાનું એને ભાન..
 • દોસ્ત બનાવી એ મને કહે તું મારી વાતો બધી માન..”

******

બીજાં દિવસે સવારે શ્રી ને ચા-નાસ્તો કરાવી શિવ શ્રી ની સાથે એક કપડાં ની દુકાને ગયો અને શ્રી ને ગમે એવાં કપડાં ખરીદી આપ્યાં.. શ્રી ને વર્ષો બાદ કોઈ પોતાનું મળી ગયું હોવાની લાગણી મહેસુસ થઈ રહી હતી..એનાં દિલનાં ખૂણે એક પ્રેમની જ્યોત ઝળહળી રહી હતી..શિવ કોઈ પોતાનો અંગત હોય એવું એને હવે લાગવા લાગ્યું હતું.

બાકીનાં છ દિવસ જ્યાં સુધી શિવ શિમલા માં રહ્યો ત્યાં સુધી શ્રી ની સાથે ને સાથે જ શિવ દરેક સેકંડ રહ્યો..એને લઈને જુદી-જુદી જગ્યાએ ફરવા લઈ જવી..એને ભાવતું ખવડાવવું..એની દરેક નાની-મોટી જીદ પુરી કરવી એ જ શિવનું કામ બની ગયું હોય એમ એ શ્રી થી એક સેકંડ પર અળગો નહોતો થતો..ગાંડી-ઘેલી શ્રી નાં જોડે પણ શિવ એ રીતે વર્તી રહ્યો હતો જાણે એ પોતાની પહેલાંનાં જેવી જ શ્રી હોય.હમીર પણ શિવને શ્રી ની સાથે ખુશ જોઈને ખુશ હતો.

આમ ને આમ એ લોકોનું શિમલા માં રોકાણ પૂર્ણ થઈ ગયું..હવે અમદાવાદ પાછાં જવાનો વખત આવી ગયો હતો પણ હવે જો ફ્લાઈટમાં જવું હોય તો એનાં માટે શ્રી નું આઈડી જોઈએ જે શિવની જોડે નહોતું..એટલે એને ફ્લાઈટમાં અમદાવાદ જવાનાં બદલે ટ્રેઈન દ્વારા અમદાવાદ જવાનું નક્કી કર્યું..હમીરે પણ શિવની જોડે જ પોતે ટ્રેઈનમાં જશે એવું જણાવી દીધું.

image source

આખરે એક દિવસની લાંબી મુસાફરી બાદ શિવ પોતાની શ્રી ને લઈને અમદાવાદ આવી પહોંચ્યો હતો..જય ને કોલ કરી શિવે શ્રી કેવાં સંજોગોમાં મળી એ જણાવી રાખ્યું હોવાથી એમને એરપોર્ટથી પીકઅપ કરવાં જય પોતાની કાર લઈને આવી પહોંચ્યો હતો..શ્રી ને જોતાં જ જય સમજી ગયો કે પોતાનો ભાઈ શિવ કેમ શ્રી ને બેપનાહ પ્રેમ કરતો હતો.. આટલાં દિવસ શિવનાં સાનિધ્યમાં પસાર કર્યાં બાદ શ્રી માં ઘણો ખરો ફરક આવી ગયો હતો.

હવે શ્રી પોતાનું નાનું મોટું કામ જાતે કરી લેતી હતી..એને વારંવાર શિવને મદદ માટે પોકારવો નહોતો પડતો..હા એ વાત અલગ હતી કે એને પોતાનો ભૂતકાળ યાદ નહોતો..શિવ એનો ખાલી દોસ્ત નહીં પણ બધું જ હતો એ યાદ નહોતું. શિવે જય ને કહી દીધું કે હવે જ્યાં સુધી શ્રી સાજી-સારી નહીં થાય ત્યાં સુધી પોતે ઓફિસ નહીં આવે..કામ હશે તો ઘરેથી લેપટોપ પર જ ઓનલાઈન કરી દેશે..શ્રી નું મહત્વ શિવ માટે કેટલું હતું એ જાણતો હોવા જયે પણ શિવની વાત સ્વીકારી લીધી.

ડોકટર જોસેફનાં કહ્યાં મુજબ હવે શ્રી ને એનો ભૂતકાળ અને ભૂતકાળ સાથે જોડાયેલાં પ્રસંગો ની યાદ અપાવવાની હતી..આ માટે શિવે પોતાનાં ઘરમાં જ એક અલગ વ્યવસ્થા કરી રાખી..એને નિધિ અને સાગર જોડે શ્રી નાં અને એમનાં બધાં નાં જેટલાં ગ્રૂપ ફોટો હતાં એ બધાં મંગાવી એને ફોટોફ્રેમ કરી આખા ઘરમાં સજાવી દીધાં જેથી એને જોઈને શ્રી ને કંઈક જૂની યાદો યાદ આવી જાય.

શિવ રોજ શ્રી ને પોતાની સાથે રાખી કેનેડામાં રહેતાં સાગર અને નિધિને વીડિયો કોલ કરતો..નિધિ અને સાગર પણ શ્રી ને આવી તો આવી હાલતમાં પણ શિવની સાથે જોઈને ખૂબ ખુશ હતાં..વીડિયો કોલ દરમિયાન એ બંને પણ શ્રી ને બધી જૂની વાતો યાદ કરાવવાની કોશિશ કરતાં રહેતાં. બે મહિનાની કોશિશ બાદ શ્રી હવે ઘણે ખરે અંશે એક વિકસિત મગજનાં વ્યક્તિની જેમ વર્તવા લાગી હતી..હમીર ની સાથે એ ઘણીવાર રસોડામાં પણ મદદ કરાવવાં જઈ પહોંચતી..હવે એને શિવની જરૂર નહોતી પડતી છતાં શિવ એની જોડે જ હાજર રહેતો.

જેમ-જેમ સમય વીતતો ગયો એમ શ્રી ને ભલે પોતાનો ભૂતકાળ યાદ નહોતો પણ હવે પોતાનાં વર્તમાન માં પોતાની જોડે મોજુદ એનો દોસ્ત,એનો શિવ એને મનોમન પસંદ આવવાં લાગ્યો હતો..પોતાને નગનાવસ્થામાં જોનારો શિવ હવે જ્યારે એની સામે આવતો ત્યારે શ્રી શરમાઈ જતી.શિવને પણ હવે શ્રી કોઈ નકામું પગલું નહીં ભરે એ વિશ્વાસ આવતાં એ થોડો સમય ઓફિસે જવાં લાગ્યો હતો.

એ બંને હવે પતી-પત્ની ની માફક જ રહેતાં..એક રૂમમાં જ જોડે સૂતાં અને એકબીજાની વગર એક મિનિટ પણ નહોતાં ચલાવતાં.હા એ વસ્તુ અલગ હતી કે શિવે હજુ સુધી શ્રી ની સાથે શારીરિક સંબંધ નહોતો બાંધ્યો..શ્રી જોડે જીવવાની શિવની બધી ઈચ્છાઓ પૂરી થતી જણાતી હતી..શિવ પણ જાણી ચુક્યો હતો કે શ્રી એની તરફ આકર્ષાય રહી હતી અને પ્રેમ કરવાં લાગી હતી.હવે તો શિવ દર રવિવારે શ્રી ની મનપસંદ પાણીપુરી ખાવાંની મજા એની સાથે લેતો હતો.વર્ષો સુધી શ્રી ની તસ્વીર જોડે પાણીપુરી ખાનારાં શિવ માટે સાક્ષાત શ્રી જોડે આ લ્હાવો સાંપડવો એક અવર્ણનીય અહેસાસ હતો.

શિમલાથી શ્રી ને અમદાવાદ લઈને આવ્યાં ને છ મહિના વીતી ચુક્યાં હતાં.શિવ શ્રી ની સાથે ખૂબ ખુશ હતો જ્યારે શ્રી પણ હવે શિવ ની સાથે સંપૂર્ણ સ્વસ્થ અને ખુશ જણાતી હતી..શિવે શ્રી નું આધારકાર્ડ કઢાવી શ્રીની મરજી અને સહમતીથી એની સાથે સાદાઈથી લગ્ન પણ કરી લીધાં..શિવનાં પરિવારમાંથી એનાં મમ્મી-પપ્પા ની સાથે જય અને હમીર હાજર હતાં.માતા-પિતાનો આશીર્વાદ મેળવી શિવે શ્રી સાથે પ્રભુતાનાં પગલાં પાડ્યાં.આખરે શ્રી શિવની પત્ની બની ગઈ હતી..અને હવે શિવ કાયદાકીય રીતે શ્રી ની સાથે રહી શકે એમ હતો.શિવ અને શ્રી ને આશીર્વાદ આપી હસમુખભાઈ અને કુસુમબેન જૂનાગઢ જવાં રવાના થઈ ગયાં.

આખરે શિવે જે સપનું જોયું હતું એ પૂરું થઈ ચૂક્યું હતું..લગ્નની રાતે એ શ્રી ને પરિતૃપ્ત કરી પોતે પણ તૃપ્ત થઈ ગયો હતો..વર્ષોની તરસ,વર્ષોની તડપ આજે શાંત થઈ ગઈ હતી..શ્રી પણ બધું ભૂલી શિવની અંદર સમાઈ ગઈ હતી. મોડે સુધી એકબીજાને સંપૂર્ણ કરવાની હોડમાં લાગ્યાં હોવાનાં લીધે શિવ જ્યારે જાગ્યો ત્યારે શ્રી આરામ ફરમાવી રહી હતી..ભર ઊંઘમાં મૂકી શિવ નાહી-ધોઈને તૈયાર થઈ એક નાનકડું ઓફિસનું કામ પૂરું કરવાં માટે શ્રીનાં કપાળ ને ચૂમી એને કીધાં વગર જ ચૂપચાપ નીકળી ગયો.

સવારે શ્રી ની આંખ ખુલી ત્યારે એનું માથું ભારે ભારે થઈ ગયું..એ પોતે ક્યાં હતી એ શ્રીને સમજાઈ નહોતું રહ્યું..મગજ પર જોર આપી શ્રી વિચારવા લાગી કે એ અહીં કેમ હતી.પોતે જ્યાં મોજુદ હતી એ રૂમમાં શ્રીએ આમતેમ નજર ઘુમાવી અને પછી કંઈક યાદ આવતાં એ જોરજોરથી ચિલ્લાવા લાગી. “શિવ..ક્યાં છે તું..શિવ..”

 • “મોત ને મેં માત આપી,દર્દ કેરી કદી ના વાત રાખી..
 • હૈયું તને મેં આપી દીધું જાન પણ તુજ હાથ રાખી..
 • જેવી હતી મેં ચાહી,એની કુદરતે પણ લાજ રાખી..
 • શ્રી ને આજ પામી લીધી શિવે ઉધાર શ્વાસ રાખી..”

શ્રી જે શિવની જીંદગી નું અભિન્ન અંગ હતી પણ કલ્પનાની દુનિયામાં,સપનાની દુનિયામાં..પણ શિમલા નાં પ્રવાસમાં સંજોગો એ શ્રી નો ભેટો શિવ જોડે કરાવી દીધો.. શ્રી ની માનસિક હાલત ખૂબ જ ખરાબ હોવાં છતાં શિવે હસતાં મોંઢે એનો સ્વીકાર કર્યો..શ્રી ની દરેક નાની-મોટી જરૂરિયાત નું ધ્યાન રાખી શિવે શ્રી ની માનસિક સ્થિતિ સુધારવાનું મુશ્કેલ કામ પૂરું પાડ્યું.શ્રી ની સહમતી થી એનાં અને શિવનાં લગ્ન થયાં.. આખરે શિવ અને શ્રી એ એકબીજાને પરિતૃપ્ત કરવાનું અસીમ સુખ પ્રાપ્ત કરી જ લીધું જેની તડપ એ બંને ને જાણે વર્ષો નહીં પણ સદીઓથી હતી.

સુહાગરાત ની મીઠી યાદો ને મનમાં ભરી જ્યારે સવારે શ્રી ની આંખ ખુલી ત્યારે એને પોતાની જાતને એકલી રૂમમાં જોઈ અને કંઈક યાદ આવી જતાં મોટેથી શિવ ને અવાજ આપવાં લાગી. “શિવ,ક્યાં છે તું..શિવ..” શ્રી નો અવાજ સાંભળી હમીર પોતાનું બધું કામ પડતું મૂકીને શિવ નાં બેડરૂમનાં બારણે ઉભો રહ્યો અને શ્રી ની તરફ જોઈને બોલ્યો. “ભાભી,ભાઈ તો ઓફિસે ગયાં છે..હમણાં આવતાં જ હશે..” “હમીર ભાઈ..એમને કહો કે મને બધું યાદ આવી ગયું.. મારું નામ ઈશિતા છે અને શિવ જોડે જ હું કોલેજ કરતી હતી..અમે બંને એકબીજાને પ્રેમ કરતાં હતાં અને એને જ મારું નામ શ્રી રાખવાનું કહ્યું હતું..”

“શું કહ્યું..તમને બધું યાદ આવી ગયું..તો તો જલ્દીથી હું શિવ ભાઈને કોલ કરીને આ ખુશખબર જણાવું..”હમીર રાજીનાં રેડ થતાં બોલ્યો. શ્રી એ પોતાની ગરદન હકારમાં ધુણાવી હમીરને આ બાબતની જાણ શિવને કરવાની અનુમતિ આપી દીધી..હમીરે શ્રી ની અનુમતિ મળતાં જ શિવને કોલ કર્યો..શિવ તો આ વાત સાંભળી ને વિશ્વાસ નહોતો કરી શકતો.. શિવ તો હમીર ની સાથે વાત થતાં જ જય ને ભેટી પડ્યો અને એને હમીર જોડે જે વાત થઈ એ વિશે જણાવ્યું.

“અરે યાર આતો બહુ સરસ ખબર છે..કાલે તારાં જેની જોડે લગ્ન થયાં એ જ આજે પ્રેમિકા સ્વરૂપે મળી જશે..શિવલા તું જા ઘરે અને આ પળ ને જીવી લે..”જય ખુશ થઈને બોલ્યો. “હા ભાઈ..લગ્ન પછી મને જે છોકરી મળી હતી એ મારી એનાં તરફની સહાનુભૂતિ નાં લીધે મળી હતી..પણ શ્રી ને બધું યાદ આવી ગયું એનો મતલબ હવે એને મારો એની તરફનો પ્રેમ યાદ આવી જશે..એને કોલેજની એ મીઠી યાદો યાદ આવી જશે..”શિવ હરખાતાં બોલ્યો.

image source

જયને જરૂરી સૂચન આપી શિવ પોતાની કાર લઈને નીકળી પડ્યો પોતાની ઈશિતા ને મળવા..પોતાની શ્રી ને મળવાં.. લોકોની પ્રેમિકા એની પત્ની બને..પણ અહીં તો શ્રી ને ભૂતકાળ સ્મરણ આવતાં એ પત્નીમાંથી પ્રેમિકા પણ બની જવાની હતી. એકતરફ શિવ શ્રી ને મળવા ઓફિસેથી નીકળ્યો તો બીજી તરફ પોતાનાં સુહાગરાતનાં મીઠાં દર્દને સંકોરી શ્રી સ્નાન કરવાં બાથરૂમમાં પ્રવેશી..સ્નાન કરતી વખતે શ્રી ની આંખો સામે એનો સમગ્ર ભૂતકાળ સ્ફુરી ઉઠ્યો.એનું શિવની સાથે બેસી બસમાં કોલેજ જવું,નિધિ નાં લીધે સાગર અને દેવ નો ઝઘડો,સાગર નું નિધિ ને પ્રપોઝ કરવું,ડાન્સ કોમ્પીટેશનમાં શિવ ની જોડે ડાન્સ,છેલ્લે શિવનું પ્રપોઝ કરવું.

શિવની પ્રપોઝલ સ્વીકાર્યા બાદ પોતાનું શિવમય થઈ જવું..શિવની સાથે હાથમાં હાથ નાંખીને ફરવું,શિવનો પ્રથમ પ્રેમાળ સ્પર્શ,શિવે આપેલું પ્રથમ ચુંબન..આ બધી મીઠી યાદો ને આંખો બંધ કરી પાણી ની ઠંડી બુંદો સાથે માણતી શ્રી બાથરૂમમાંથી ભીનાં શરીરે ટુવાલ વીંટી બહાર નીકળી. સામે દીવાલ પર લટકાવેલાં શિવ નાં ફોટો ને જોતાં એની અંદર ની સ્ત્રી સહજ શરમ ચહેરા પર છલકાઈ ગઈ..શ્રી એ પોતાનાં કપડાં પહેર્યાં અને શણગાર માટે વોડરોબ ની સામે બેઠી..આજે શ્રી ને પોતાની જાત પૂર્ણ થઈ ગઈ હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો..ભૂતકાળની મીઠી યાદોને વાગોળતાં શ્રી ને પોતાનો કડવો ભૂતકાળ પણ યાદ આવી ગયો.

પોતાનાં ભાઈ સહદેવનાં લીધે શિવ સાથે નાં પ્રેમ સંબંધ નો અકાળે અંત આવી જવો અને એની મરજી વિરૂદ્ધ એનાં વડોદરા નાં બિઝનેસમેન બીરેન સાથે લગ્ન થવાં.. બીરેન નાં ઘરનાં લોકોની નબળી માનસિકતા નાં લીધે શ્રી ને રોજ સહન કરવો પડતો ત્રાસ અને નોકરી પણ ના જવાં દેવામાં આવવું..બે વરસ સુધી આ બધું ટોર્ચર સહન કર્યાં બાદ શિવનું પોતાનાં પિયર ગયાં બાદ પાછું ફરવાનો ઇન્કાર કરી દેવો..પહેલાં તો શ્રી નાં પરિવાર દ્વારા એને પોતાનાં સાસરી જવાનું દબાણ પણ જ્યારે શ્રી એ પોતાની ઉપર થતાં અત્યાચાર ની નિશાની રૂપે શારીરિક ચોટ બતાવવી ત્યારે એમનું હૃદય પણ હચમચી જવું.

એક વર્ષની લાંબી કોર્ટ મેટર પછી શ્રી નાં ડાયવોર્સ તો થઈ ગયાં હતાં..પણ એ પોતે માનસિક રીતે ભાંગી ચુકી હતી..આજ કારણથી એ ડિપ્રેશનનો શિકાર બની ગઈ..ડોકટરની સલાહથી એની સારવાર શરૂ કરવામાં આવી..શ્રી આખો દિવસ પોતાનાં રૂમમાં એકલી જ ભરાઈ રહેતી,કોઈ જોડે ના બોલતી ના ચાલતી.શ્રી ને જાણવાં તો મળ્યું કે શિવ હવે જૂનાગઢ મૂકીને અમદાવાદ સ્થિર થઈ ગયો છે પણ એની હિંમત ના થઈ શિવ જોડે વાત કરવાની.

દવાઓ લેવાં છતાં શ્રી ની હાલત વધુ ખરાબ થઈ રહી હતી..અને છેલ્લે તો એ અર્ધપાગલ જેવી બની ગઈ..શ્રી ની આવી દશા જોઈ એનો મોટાભાઈ સહદેવ અને એનાં માતા-પિતા પણ પોતાની જાતને કોશતાં હતાં કે એમને શ્રી ને શિવથી અલગ કરી એનાં લીધે જ શ્રી ની જીંદગી દોજખ બની ગઈ હતી.

સવા વર્ષ પહેલાં શ્રી ની હાલત વધુ બગડતાં એને મુંબઈ લઈ જવામાં આવતી હતી ત્યારે એ પોતાનાં પરિવારથી મુંબઈ રેલવે સ્ટેશન પરથી વિખૂટી પડી ગઈ..મુંબઈથી એ સમયે એક ટ્રેઈન શિમલા જઈ રહી હતી..શિમલા શબ્દ સાંભળતાં જ શ્રી ને પોતાનો શિવ યાદ આવી ગયો અને એ કંઈપણ વિચાર્યા વગર એ ટ્રેઈનમાં બેસી ગઈ..આ રીતે પોતે શિમલા આવી ગઈ અને જે હાલતમાં એને ત્યાં દિવસો પસાર કર્યાં એ બધું શ્રી ને યાદ આવી ગયું હતું.

image source

જેટલું દુઃખ સહન કરવાનું હતું એ કરી લીધાં બાદ કુદરતે શ્રી ને એનો શિવ પાછો આપ્યો હતો..અને આજે એ પત્ની તરીકે શિવની થઈ ચૂકી હતી.. શિવનાં આવવાની રાહ જોતાં શ્રી બેસી હતી કે ક્યારે શિવ આવે અને એનું કપાળ હેતથી ચૂમી એને ગળે લગાવી લે.

હમીરનાં શિવને કોલ કર્યાં ને દોઢેક કલાક વીતી ગયો હતો પણ શિવ ના આવ્યો એટલે શ્રી ને થોડી ચિંતા જરૂર થઈ..કેમકે ગમે તેવો ટ્રાફિક કેમ ના હોય શિવની ઓફિસથી ઘરે પહોંચતા અડધો કલાક જ લાગે..શ્રી એ શિવને કોલ પણ કરી જોયો પણ એનો ફોન સતત સ્વીચ ઓફ આવી રહ્યો હતો.શિવનો ફોન બંધ આવતાં શ્રી એ જય ને કોલ લગાવી જોયો એ જાણવાં કે શિવ ઓફિસમાં છે કે નીકળી ગયો.પણ જય દ્વારા પણ એનો કોલ રિસીવ કરવામાં ના આવ્યો એટલે શ્રી ને કંઈક ખોટું થયાનો ભણકારો થયો.

એની છઠ્ઠી ઇન્દ્રિય એને સતત કહી રહી હતી કે શ્રી તારો શિવ કોઈ મુસીબતમાં છે..એની માથે કાળ નો પડછાયો મંડરાઈ રહ્યો છે..અને આખરે શ્રી ને જે ભીતિ હતી એની સાબિતી આપતો કોલ જયે એને કર્યો.જયનો કોલ આવતાં જ શ્રી એ ચિંતિત સ્વરે કહ્યું. “અરે જય ભાઈ.. તમને મેં કેટલાં કોલ કર્યાં પણ તમે ઉપાડતાં જ નહોતાં..અને શિવ નો ફોન પણ સ્વીચઓફ આવે છે…” “ભાભી..શિવ…”આટલું બોલી જય રડવા લાગ્યો. “શું થયું છે..શિવને?..કેમ બોલતાં નથી?..બોલો ને..એ ક્યાં છે..?”એક પછી એક સવાલો વ્યગ્રતા સાથે શ્રી એ પૂછી લીધાં.

“ભાભી આપણાં શિવ નું એક્સિડન્ટ થયું છે અને એને ક્રિટિકલ કંડીશનમાં સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે..”જય નાં અવાજમાં દુનિયાભર નો ભાર વર્તાઈ રહ્યો હતો. જય ની વાત સાંભળી શ્રીનું શરીર તો સાવ ઠંડુ જ પડી ગયું..એનું મગજ કામ આપતું બંધ થઈ ગયું..એ અર્ધબેહોશ થઈને જ્યાં બેઠી હતી ત્યાં જ ઢળી પડી..શ્રી નાં નીચે પડવાનો અવાજ સાંભળી હમીર દોડીને એની રૂમમાં આવ્યો..હમીરે જોયું કે શ્રી જમીન પર પડી હતી અને એનાં જોડે પડેલાં ફોનમાં જય ભાઈ નો કોલ ચાલુ હતો. આ દ્રશ્ય જોઈને હમીરનાં હૈયે પણ ફાડ પડી..કંઈક તો અજુગતું થયું હોવાનાં એંધાણ પામી હમીરે શ્રી ની જોડે પડેલો ફોન ઊંચકી ને કહ્યું.

image source

“જય ભાઈ બોલો શું થયું છે..?” “હમીર,તું છે..?”જય બોલ્યો. “હા..હું વાત કરું..તમે ભાભી જોડે એવી તે શું વાત કરી કે એ બેહોશ થઈને ઢળી પડ્યાં..?”શ્રી ની તરફ જોતાં હમીર ચિંતિત સ્વરે બોલ્યો. “હમીર,ઓફિસેથી ઘરે આવતાં શિવની કારને એક ટ્રકે ટક્કર મારી અને એમાં શિવનાં માથાં પર ગંભીર ઈજા થઈ છે..શિવ ને ક્રિટિકલ હાલતમાં સાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે..ડૉક્ટરનું કહેવું છે આગામી ચોવીસ કલાક શિવની જીંદગી માટે સૌથી જરૂરી ચોવીસ કલાક છે..”જય બોલ્યો. જય ની વાત સાંભળી હમીરને પણ આઘાત લાગ્યો..હમીરનો અવાજ પણ ઢીલો થઈ ગયો અને એને જય ને પૂછ્યું.

“જય ભાઈ,હું ભાભી ને લઈને હોસ્પિટલ આવી જાઉં..?” “હા,તું શ્રી ભાભીને લઈને હોસ્પિટલ આવી જા..પણ તું ભાભી ને સાચવીને લાવજે..રખેને એમને કંઈ ના થઈ જાય..”જયે આટલું બોલી કોલ ડિસ્કનેક્ટ કરી દીધો. આ પરિસ્થિતિ ઘણી વિકટ તો હતી પણ એનો સામનો કર્યાં સિવાય બીજો કોઈ રસ્તો ના વધતાં હમીરે હિંમત એકઠી કરી અને પોતાની જાતને સ્વસ્થ કરી.હમીરે શ્રીનાં ચહેરા પર પાણીનો છંટકાવ કરી એને ભાનમાં લાવી..ભાનમાં આવતાં જ શ્રી જોરજોરથી “શિવ..શિવ..”કરીને રડવા લાગી.

“ભાભી તમે હિંમત રાખો..શિવ ભાઈને કંઈ નહીં થાય..મને શ્રદ્ધા છે મારાં કાળિયા ઠાકર પર..એ બધું ઠીક કરી દેશે..બસ તમે થોડી હામ રાખો.. “શ્રી ને સમજાવતાં હમીર બોલ્યો. પોતાની આંખનાં આંસુ ને ડ્રેસ નાં દુપટ્ટા થી લૂછતાં શ્રી હમીરને ઉદ્દેશીને બોલી. “હમીર,ક્યાં છે મારો શિવ..મને લઈ જા એની જોડે..” “હા ભાભી ચલો મારી સાથે…”હમીરે શ્રી ને ટેકો આપી ઉભી કરતાં કહ્યું.

શ્રી ને લઈ હમીર નીકળી પડ્યો સાલ હોસ્પિટલ તરફ..જ્યાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતાં શિવની ICU માં ડોકટરોની ટીમ ટ્રીટમેન્ટ કરી રહી હતી.. પોતાને બધું યાદ આવી ચૂક્યું છે એ શિવને ગળે મળીને પોતે જણાવશે એવું વિચારતી શ્રી માટે તો હવે શિવ ને ગળે મળવાં મળે તો પણ ઘણું હતું એવી નોબત આવી ચૂકી હતી..ગાડી ની ગતિ સાથે શ્રી નાં મગજમાં ચાલતાં નકારાત્મક વિચારો ની ગતિ પણ વધી રહી હતી..જો શિવને કંઈ થઈ ગયું તો એવું વિચારી શ્રી ની આંખો વારંવાર છલકાઈ આવતી.

અહીં અમદાવાદ માં શિવ ક્રિટિકલ કન્ડિશનમાં હોસ્પિટલમાં એડમિટ હતો ત્યાં જૂનાગઢમાં બેસેલાં શ્રી નાં પિતાજી ગજેન્દ્ર સિંહ એ ન્યૂઝ ચેનલ પર શિવનાં અકસ્માતનાં સમાચાર સાંભળ્યાં..શિવ એક મોટો બિઝનેસમેન બની ગયો હોવાથી રજેરજની માહિતી રાખતાં રિપોર્ટર દ્વારા ન્યૂઝમાં શિવનાં અકસ્માત ની સાથે ગઈકાલે જ શ્રી નામની યુવતી જોડે શિવનાં લગ્ન થયાં હોવાની જાણકારી શ્રી નાં પિતાજીને મળી.

શિવની સાથે લગ્ન કરનારી શ્રી બીજું કોઈ નહીં પણ પોતાની જ દીકરી હોવાનું ગજેન્દ્રસિંહને લાગ્યું..કેમકે સહદેવનાં મોંઢે આ નામ થી શિવ એમની ઈશિતા ને બોલાવતો એ ગજેન્દ્રસિંહ એ સાંભળ્યું હતું. હવે સત્ય શું હતું એ જાણવાં પોતાને અમદાવાદ જવું જ પડશે એમ વિચારી શ્રી ની મમ્મી ની સાથે ગજેન્દ્રસિંહ તસત્કાલિક અમદાવાદ જવાં માટે તૈયાર થઈ ગયાં.. સહદેવ ને પણ એમને આ વિશે જાણ કરી તો એ પણ એમની સાથે જવાં તૈયાર થઈ ગયો.આખરે શ્રી ને મળવાં એનો પરિવાર પણ જૂનાગઢથી અમદાવાદ જવાં નીકળી પડ્યો.

 • “ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
 • કે સારા હોય છે એની દશા સારી નથી હોતી.
 • ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
 • તરો ત્યારે જ સાગરની હવા સારી નથી..”

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ