પ્રેમ અગન પ્રકરણ -1 – પોતાની મહેનતે સફળતાનાં શિખરે બેઠેલ એ યુવાન કેમ એક તસ્વીર પાસે આમ ભાવુક થઇ ગયો હશે…

પ્રસ્તાવના

અધૂરી મુલાકાત અને હતી એક પાગલની ભવ્ય સફળતા પછી એક નવી રોમાન્ટિક નોવેલ આપ સૌ માટે લઈને આવ્યો છું.વાંચકોનો પ્રેમ અને પ્રતિસાદ માટે સતત કંઈક સારું લખવાની પ્રેરણા આપતો રહ્યો છે..અને એથી જ સતત કંઈક નવાં જ વિષયો પર લખતો રહ્યો છું અને ભવિષ્યમાં પણ લખતો રહીશ.

સ્ટોરી નું ટાઈટલ જોઈ તમે સમજી ગયાં હશો કે આ એક રોમાન્ટિક લવસ્ટોરી હશે.પ્રેમ માં મળવું અને અલગ પડવું એ એક સિક્કાની બે બાજુ જેવી વાત છે..જો અલગ જ ના થઈએ તો મિલનનું મહત્વ જ ના સમજાય.તમે આ નોવેલનાં દરેક પ્રકરણ ની સાથે નિઃસ્વાર્થ પ્રેમ,ત્યાગ,નફરત,દોસ્તી..વગેરે લાગણીઓ પણ અનુભવી શકશો.

તો તૈયાર થઈ જાઓ વિરહની વેદના અને પ્રેમ ની ચરમસીમા સુધી લઈ જતી હૃદયનાં અંતઃકરણથી રચાયેલી નવલકથા પ્રેમઅગન ની સુંદર સફર માટે. મારાં સર્વે વાંચકો નો આભાર જેમનાં કારણે હું આ નોવેલ રચી રહ્યો છું..આપનું રેટિંગ મારાં માટે અમૂલ્ય છે એટલે સમજી વિચારીને રેટિંગ આપવાં વિનંતી.

-જતીન.આર.પટેલ (શિવાય)

પ્રકરણ:-1

શિવ પટેલ અત્યારે પુરપાટ વેગે પોતાની કાર અમદાવાદ નાં સરદાર પટેલ રિંગરોડ પર હંકારી સેટેલાઇટ સ્થિત પોતાનાં ફ્લેટ તરફ જઈ રહ્યો હતો..એની આંખો અત્યારે ઉજાગરા નાં લીધે લાલ દેખાઈ રહી હતી.દરેક વ્યક્તિ અલગ અલગ પ્રકારનાં નશાનો આદી હોય છે એજ રીતે શિવ ને પણ એક વસ્તુનો નશો હતો..એ નશા ને એનું ઝુનૂન પણ તમે ગણી શકો..આ નશો હતો સફળતા નો અને કામ નો.

image source

આજથી પાંચ વર્ષ પહેલાં શિવ જ્યારે જૂનાગઢ થી અમદાવાદ આવ્યો હતો ત્યારે એની જોડે ખિસ્સામાં બે હજાર ત્રણસો ને છોત્તેર રૂપિયા,ચાર જોડી કપડાં અને આંખોમાં સપના સિવાય બીજું કંઈ નહોતું..આ સિવાય એનાં હૃદયમાં હતી એક આગ અને એ આગની તપીસ અને પોતાનો ધ્યેય પૂરો કરવાની પ્રેરણા આપી રહી હતી.

પહેલાં તો શિવ કોલેજ નાં લાસ્ટ યર માં જ્યાં પ્રોજેકટ માટે ગયો હતો એજ આઈ.ટી કંપનીમાં આઠ હજાર પગારમાં નોકરી લાગ્યો.. જ્યાં એની કામની ધગશ અને સોફ્ટવેર લેંગ્વેજ ની સમજનાં લીધે છ મહિના બાદ એનો પગાર બમણો થઈ ગયો..અને કેમ ના થાય,વિદેશ સ્થિત કંપની માટે શિવ જ્યાં કામ કરતો એ કંપની જે કંઈપણ આઉટસૉરસિંગ નું કામ કરતી એ બધું જ શિવ હેન્ડલ કરતો હતો..કંપની એમાંથી મહિને વીસેક લાખ રૂપિયા કમાઈ લેતી એટલે શિવને પંદર-વિસ પગાર આપવો તો લાજમી હતો.

પોતાની કંપની તરફથી શિવને એક લેપટોપ આપવામાં આવ્યું હતું..જેનો ઉપયોગ કરી એ પોતે જ્યાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતો એ રૂમ ઉપર જઈને ફ્રીલાન્સર તરીકે થોડું ઘણું પર્સનલ વર્ક પણ કરતો..જેમાંથી શિવ પગાર જેટલું બીજું કમાઈ લેતો.આમ ને આમ દોઢેક વર્ષ ક્યાં વીતી ગયું એની ખબર જ ના રહી. પણ કહેવાયું છે ને.. “તમને અપાતો પગાર એ તમારાં સપનાને ના પૂરાં કરવા દેવાની લાંચ-રૂશ્વત છે..”

image source

શિવ ઊંચા આસમાને ઉડનારું પંખી હતો..એને તો આકાશ આંબવું હતું એટલે નજીકમાં એને એક નિર્ણય કર્યો કે એ પોતે નોકરી મૂકીને પોતાની સ્ટાર્ટઅપ કંપની શરૂ કરશે..આ કંપની કેનેડા,ઓસ્ટ્રેલિયા અને અમેરિકા ની આઇટી કંપનીઓ જોડે ટાઈઅપ કરી એમનું કામ અહીં ઈન્ડિયામાં રહીને કરશે..પણ હાલમાં દરેક કામ શરૂ કરવા માટે જરૂર પડે છે મૂડીની..શિવ જોડે બે લાખ રૂપિયા જેટલી બચત તો હતી પણ કોઈ કંપની ની ઓફિસ શરૂ કરવાં આ રકમ કાફી નહોતી..કેમકે હાલ તો ઓફિસનું ફર્નિચર પણ બે લાખ થી વધુમાં પડે.

આ તકલીફમાં સુદામા રૂપી શિવ ની સહાયતા કરવાં તૈયાર થયો એની સાથે કંપનીમાં જ કામ કરતો એનો મિત્ર જય દેસાઈ..જય ત્યાં એકાઉન્ટર ની જોબ કરતો હતો પણ ખાલી કરવા ખાતર..જય નાં પિતાજી ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ કરતાં જેમાંથી મહિને બે-અઢી લાખ કમાઈ લેતાં હતાં.. ગર્ભ શ્રીમંત પરિવારમાંથી આવતો જય રૂપિયા કઈ રીતે પેદા થાય એની અહમીયત સમજે એ માટે એનાં પિતા હરીભાઈ એ એને નોકરી કરવા મુક્યો હતો.

image source

નોકરી મૂક્યાં બાદ શિવ જ્યારે પોતાની સ્ટાર્ટઅપ કંપની ઉભી કરવાં માટે દોડધામ કરી રહ્યો હતો ત્યારે જય ને આ વિશે જાણ થઈ કે પૈસા ની તકલીફનાં લીધે શિવ ને આગળ વધવામાં તકલીફ પડી રહી છે.શિવ ની કાબેલિયત ઉપર જઈને થોડો પણ શક નહોતો એટલે એ શિવ ને લઈને પોતાનાં પિતાજી પાસે ગયો અને એમને જણાવ્યું કે શિવ નવી કંપની ચાલુ કરવાં માંગે છે અને એ માટે એને દસેક લાખ રૂપિયાની જરૂર છે. હરીભાઈ એ શિવ ની તરફ જોયું..એની આંખોમાં રહેલું ઝનૂન હરીભાઈ ની અનુભવી આંખો એ પારખી તો લીધું હતું પણ હજુએ એ શિવની પરીક્ષા કરવાં માંગતા હતાં અને એ માટે એમને શિવને અમુક પ્રશ્નો કરવાનું વિચાર્યું.

શિવ ને પોતાની પાસે બેસવાનું કહી હરીભાઈ એ પૂછ્યું. “દીકરા, હું તને દસ લાખ ની જગ્યાએ પંદર લાખ પણ આપી શકું છું..પણ જો તારો બિઝનેસ પડી ભાંગ્યો અને તને નુકશાન આવ્યું તો તો કઈરીતે મારાં પૈસા પાછાં આપીશ..?” જવાબમાં શિવ જે બોલ્યો એ સાંભળી હરીભાઈ એ તાત્કાલિક શિવ ને દસ લાખ રૂપિયાનો ચેક આપવાં મજબુર થઈ જવું પડ્યું.હરીભાઈનાં પુછાયેલાં સવાલનો મક્કમ મનોબળ સાથે જવાબ આપતાં શિવે કહ્યું.

“પહેલી વાત કે કોઈ કામ શરૂ કર્યાં પહેલાં એની નિષ્ફળતા નો વિચાર કરું તો મારે એ કાર્ય કરવું જ ના જોઈએ..અને કાકા તમે પૂછ્યું જ છે તો કહી દઉં કે તમારી મૂડી તો હું તમને તમે કહેશો એ વ્યાજથી બમણાં સાથે છ મહિનાની અંદર ચૂકવી દઈશ..કેમકે મને મારાં ઉપર ભરોસો છે અને મારાં મતે ઈશ્વર ઉપર ભરોસો ના હોય તો ચાલે પણ પોતાની જાત ઉપર તો ભરોસો હોવો જ જોઈએ..”

image source

હરીભાઈ ની નાણાકીય મદદ,જય નો સાથ અને પોતાની બુદ્ધિ તથા મહેનત નાં દમ પર શિવે પંદર દિવસમાં તો પોતાની આઈટી કંપની શ્રી ઈન્ફોટેક શરૂ કરી દીધી..ફ્રેશર હોય એવાં દસેક લોકોને પોતાનાં સ્ટાફમાં રાખી શિવે પોતાની કંપનીના શ્રી ગણેશ કરી દીધાં..ફ્રેશર સ્ટાફ ને રાખવાં પાછળ શિવની ગણતરી હતી કે એમને પગાર ઓછો આપવો પડે અને સાથે-સાથે એ લોકો સમય પર પોતાનાં કહ્યાં મુજબ કામ પણ કરી આપે.

મહેનત,નસીબ,ભગવાનમાં શ્રદ્ધા અને વડીલોનાં આશીર્વાદ આ ચાર વસ્તુઓ ની જરૂર પડે છે કોઈપણ કાર્યની સફળતા માટે..અને શિવ જોડે આ બધું હતું પછી એની સફળતાની ગાડી ને કોઈ કઈ રીતે રોકી શકે.શિવની કંપનીને પ્રથમ મહિને જ સાડા નવ લાખ નું કામ મળ્યું..બધો ખર્ચો કાઢતાં શિવની કંપની શ્રી ઈન્ફોટેક નો પ્રથમ મહિનાનો ચોખ્ખો નફો થયો છ લાખ અને ત્રીસ હજાર રૂપિયા.

જેમ કોઈ જંગલી પશુનાં મોંઢે લોહી લાગી જાય અને એ વધુ હિંસક બને એમ શિવનાં મોંઢે હવે સફળતાનો અને રૂપિયાનો સ્વાદ લાગી ગયો હતો..હવે અટકે એ બીજાં..ચાર મહિનામાં તો શિવે હરીભાઈ દ્વારા આપવામાં આવેલી રકમ એમને પુનઃ ચૂકવી દીધી..હરીભાઈ પણ આ છોકરાંની લગન અને કામ પ્રત્યેની ધગશ પર આફરીન પોકારી ગયાં.

image source

પ્રથમ પ્રયાસમાં જ મળેલી અપાર સફળતા પછી તો શિવે પાછું વળીને જોયું જ નહીં..ત્રણ વર્ષની અંદર તો શિવે શરૂ કરેલી શ્રી ઈન્ફોટેકનું માસિક ટર્નઓવર કરોડો ને આંબવા લાગ્યું..શિવે આ ત્રણ વર્ષ દરમિયાન જમવાનું કે સુવાનું મગજમાં લાવ્યાં વગર ફક્ત કામ અને કામ જ કર્યે રાખ્યું હતું..ટૂંકમાં એને પોતાની જાતને વર્કોહોલિક બનાવી દીધી હતી..ગત વર્ષે રાષ્ટ્રપતિ દ્વારા શિવ ની કંપની ને બેસ્ટ ગ્રોસિંગ આઈટી કંપનીનો એવોર્ડ પર એનાયત કરવામાં આવ્યો હતો.

સિંધુભવન રોડ પર નવાં બનેલાં સફલ કોમ્પ્લેક્સમાં શિવે એક જ ફ્લોર પર પોતાની નવ ઓફિસો ખરીદીને પોતાની કંપનીનો વ્યાપ ઘણેખરે અંશે બમણો કરી દીધો હતો..શરૂવાત માં જ્યારે શિવ ને મદદની જરૂર હતી એ સમયે એની વ્હારે આવનાર જય દેસાઈને શિવે પોતાની કંપનીમાં 25% પાર્ટનર બનાવી દીધો હતો.શિવ જ્યાં કંપનીમાં કામ ઉપર ફોકસ કરતો તો ત્યાં જય ઉપર બાકીની બધી જવાબદારીઓ હતી.

ઓછાં સમયમાં જો આવી સફળતા મળે તો કોઈપણ એને જીરવી ના શકે..પણ શિવ નોખી જ માટીનો બનેલો હતો..શિવ ની ગણના ટોપ બિઝનેસમેનમાં થતી હોવાં છતાં પોતાનાંથી નીચી પાયરીનાં લોકોને પણ એ માન અને સમ્માન આપતો હતો.બધું કામ પતાવી પોતાની ઓફિસમાંથી રાતે એક વાગે શિવ ઘરે જવા માટે પોતાની ઓડી કાર લઈને નીકળ્યો.

image source

આજે રવિવાર હતો અને રવિવાર શિવ ની જીંદગી માટે એક મહત્વનો દિવસ હતો..લગભગ દોઢ વાગે શિવ ફ્લેટ ઉપર પહોંચ્યો.સેટેલાઈટમાં આવેલો શિવનાં 4 BHK ફ્લેટની કિંમત બે કરોડથી પણ વધુ હતી..ઉપરથી એનું ઇન્ટિરિયલ પણ ખુબજ મનમોહક હતું. પોતાનાં જોડે રહેલી ચાવી વડે ફ્લેટ ખોલી શિવ અંદર આવ્યો.. શિવનાં અંદર પ્રવેશતાં જ એનાં ઘરે કામ કરતો નોકર હમીર જાગી ગયો..નોકર હોવાં છતાં શિવ હમીર ને નાના ભાઈ ની જેમ જ રાખતો હતો..અને સામે પક્ષે માં-બાપ વગરનો હમીર શિવ ની પૂરાં દિલથી સેવા કરતો અને શિવની નાની-મોટી જરૂરિયાત નો ખ્યાલ રાખતો હતો.

શિવે એને સો વાર કહ્યું હતું કે પોતાને આવવામાં મોડું થઈ જાય માટે જમવાનું ડાઈનીંગ ટેબલ પર રાખી હમીર સુઈ જશે તો ચાલશે..પણ હમીર તો શિવ જ્યારે પણ ઘરે આવે એવો જ ગમે તેવી ઊંઘમાં ના હોય જાગી જ જતો..શિવ પોતાને જમવાનું છે એમ કહે તો એ હાથ પગ ધોઈને ફ્રેશ થાય ત્યાં સુધી હમીર જમવાનું ગરમ કરી ને પીરસી દેતો.અમુક વાર તો રાતે બે વાગે હમીરે ગરમ રોટલીઓ બનાવીને શિવને ખવડાવી હોય એવું પણ બન્યું હતું. એમાં પણ આજે તો રવિવાર હતો..એટલે શિવ ચોક્કસ જમવાનો હોય એ વાત શિવ જોડે રહ્યાં નાં વર્ષો બાદ હમીર સારી પેઠે જાણી ગયો હતો.આજે હમીરે દર રવિવારની જેમ જ શિવ માટે પાણીપુરી બનાવી હતી..રવિવારનું આ ફિક્સ મેનુ હતું.

image source

“શિવભાઈ,તમે હાથ પગ ધોઈ કપડાં ચેન્જ કરો ત્યાં સુધી હું જમવાનું ડિશ માં કાઢી દઉં..”શિવ ફ્લેટ નો દરવાજો અંદરથી બંધ કરતો હતો ત્યાં હમીર મેઈન હોલની લાઈટ ચાલુ કરતાં બોલ્યાં. “હમીર,તું હજુ જાગે છે..કેટલી વાર કહ્યું તને કે મારી વાટ નહીં જોવાની..”હમીર ને પોતાની બેગ આપતાં શિવ બોલ્યો. “મોટાભાઈ તમે ઘરે ના આવો ત્યાં સુધી ઊંઘ આવે ખરી..?”હમીર પણ વર્ષોથી પોતે જે બોલતો એ ડાયલોગ રિપીટ કરતાં બોલ્યો.

“તું છે ને મારી માં જેવો છે..એ પણ આવું જ કરતી..હું ભૂખ્યો હોઉં તો એ પણ ભૂખી રહેતી અને હું ક્યારેક બીમાર પડી જાઉં તો મારાથી વધુ દુઃખ એને થતું..”શિવ આટલું બોલી બાથરૂમમાં પ્રવેશ્યો. થોડીવારમાં શિવ ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરી ડાઈનીંગ ટેબલ પર આવીને બેઠો.આ દરમિયાન હમીરે પાણીપુરી નો મસાલો બનાવી રાખ્યો હતો અને પુદીનાનું પાણી અને મીઠી ચટણી પણ બાઉલમાં કાઢી રાખ્યું હતું. “હમીર હવે તું જઈને સુઈ જા..હું મારી રીતે જમી લઈશ..”હમીર તરફ જોતાં શિવ બોલ્યો. “સારું ભાઈ..તમે જમ્યાં બાદ બધાં વાસણ અહીં જ મૂકી રાખજો..હું સવારે બધું સરખું કરી દઈશ..”આટલું બોલી હમીર પોતાનાં રૂમ તરફ સુવા માટે આગળ વધ્યો.

હમીરનાં જતાં જ શિવ ધીરેથી ઉભો થયો અને પોતાનાં બેડરૂમનો દરવાજો ખોલી અંદર ગયો..રૂમની લાઈટ કરી શિવે પોતાની અલમારી ખોલી અને એનાં ડ્રોવર ની અંદર રાખેલી એક ફોટોફ્રેમ કરેલી તસ્વીર ને હાથમાં લીધી..તસ્વીર હાથમાં લીધાં બાદ શિવે અલમારી બંધ કરી અને પછી રૂમમાંથી નીકળી પાછો હોલ માં આવ્યો.

image source

પોતાનાં જોડે રહેલી તસ્વીર ને શિવે પહેલાં તો ધ્યાનથી નિહાળી..શિવ પલક ઝપકાવ્યા વિના એ તસ્વીર ને બસ જોતો જ રહ્યો..શિવ ની બંને આંખોમાં ધીરે-ધીરે આંસુ ઉભરાઈ આવ્યાં અને તસ્વીર દેખાતી ઝાંખી થઈ ગઈ ત્યાં સુધી એની નજર તસ્વીર તરફથી ના હટી.

શિવે પછી એ તસ્વીરને પોતાની સામેની ખુરશીમાં મુકી.. એ તસ્વીરમાં એક યુવતી હતી..લગભગ એકવીસ-બાવીસ વર્ષની એ યુવતીની મોટી-મોટી આંખો જાણે છલકતો જામ હતો..એનાં હોઠ કોઈ કટાર ની માફક ધારદાર હતાં.. ચહેરાની લાલિમા તો જાણે પુનમનાં ચાંદની આબેહુબ પ્રતિકૃતિ માની લો.વધારામાં રેશમી ઝુલ્ફો અને એમાં પણ જમણાં ગાલ ઉપર આવેલી એક લટ..તસ્વીર જોતાં જ એવું થતું કે શાયદ એ કોઈ જન્નતની હૂર હશે. શિવે ત્યારબાદ પોતાની આંખો લૂછી અને એક પકોડી ઉઠાવી..એમાં એને મસાલો ભર્યો અને પછી અંદર પુદીનાનું પાણી નાંખ્યું..પછી શિવે પાણીપુરી ને એ તસ્વીર ની પાસે લઈ જઈને કહ્યું.

“શ્રી,જો તારી ફેવરિટ પુદીનાનાં પાણી વાળી પકોડી..” “અરે એવું ના હોય..યાર ઓફિસે કામ હતું એટલે મોડું થઈ ગયું..બસ નેક્સ્ટ ટાઈમ નહીં થાય મોડું..પ્લીઝ ખાઈ લે.” “સારું આ હું ખાઈ લઉં.. પણ તારે મીઠી ચટણી વાળી તો ખાવી જ પડશે.” “લે એક પાણી વગરની..ખાલી મસલાવાળી..”

image source

આમ ને આમ શિવ એ તસ્વીર જોડે અડધો કલાક સુધી વાતો કરતો રહ્યો..શિવ માટે એ તસ્વીર કોઈ તસ્વીર નહીં પણ જીવિત વ્યક્તિ હોય એવો હેત એની વણીમાંથી વરસી રહ્યો હતો. આખરે શિવે તસ્વીર ને જમાડતાં જમાડતાં પોતાનું જમવાનું પૂર્ણ કરી લીધું અને પછી હાથ ધોઈ..એંઠા વાસણો ત્યાં જ ડાઈનીંગ ટેબલ પર મૂકી ખુરશીમાં રાખેલી તસ્વીર ઉઠાવી પોતાનાં બેડરૂમમાં ચાલ્યો ગયો.શિવ ની આ બધી હરકત હમીર પોતાનાં રૂમનાં દરવાજાની તિરાડમાંથી જોઈ રહ્યો હતો.

શિવનાં પોતાનાં બેડરૂમમાં જતાં જ હમીર આંખમાં આવેલાં આંસુ ને આંગળી વડે લૂછતાં મનોમન બોલ્યો. “હે ભગવાન મારી બધી ખુશીઓ લઈ લે..પણ મારાં ભાઈની જીંદગીમાં જે ખાલી જગ્યા પડી છે એને ભરનારું કોઈ મોકલી દે.” શિવ જે પણ બહાર હોલમાં કરીને આવ્યો હતો અને જોનારા બીજાં લોકો શિવને પાગલ જ સમજે..પણ જે લોકો પ્રેમને સમજતાં હોય એમનાં માટે શિવ પાગલ નહોતો..પણ આશિક હતો,દિવાનો હતો,કોઈ લૈલા નો મજનુ,કોઈ હિર નો રાંઝા તો સિરિન માટે તડપતો ફરહાત હતો.

image source

પોતાનાં હૈયે જે પ્રેમ અગન લાગી હતી અને ઠારવા માટે શિવ પોતાની પ્રિયતમા એવી એ યુવતીની તસ્વીર ને પોતાની બાહોમાં લઈને જ સુઈ ગયો.. કોઈકને આપેલું વચન આ રીતે પૂરું કરવાની ખુશી એનાં ચહેરા પર ઊંઘતી વખતે પણ ઝળકી રહી હતી..!!

“છે નથી પાસે છતાં,તુજ ને સદા ઝંખ્યા કરું..

જ્યાં હો ત્યાં ખુશ રહે એવું ઈશથી માંગ્યા કરું..”

સવારે શિવ ની જેવી આંખ ખુલી એ સાથે જ એને પ્રથમ કામ પોતાની જોડે રહેલી એ તસ્વીર ને પુનઃ પોતાની મૂળ જગ્યાએ રાખવાનું કર્યું.શિવ શાયદ એ યુવતીને બધાથી છુપાવીને રાખવાં માંગતો હતો એવું એનાં વર્તન ઉપરથી સમજવું સરળ હતું. હમીરે બનાવેલો નાસ્તો કર્યાં બાદ શિવ નવ વાગે પોતાનાં એક ક્લાયન્ટ ને મળવાં માટે વડોદરા જવાં માટે નીકળી પડ્યો.

image source

અમદાવાદથી વડોદરા સુધીની શિવની આ સફરમાં એનાં સાથીરૂપે હતી ગુલામ અલી સાહેબની હૃદયની આરપાર નીકળતી મ્યુઝિક પ્લેયરમાં વાગતી કર્ણપ્રિય ગઝલો.આ ગઝલો ભલે દર્દની હતી,ભલે વિરહની હતી,ભલે જુદાઇની હતી પણ આમાં કંઈક તો જાદુ હતો જે શિવ ની માફક હજારો લોકોનાં મનને શાતા આપવાનું કાર્ય કરતી હતી..એમાં પણ અત્યારે તો શિવ ની સૌથી વધુ પસંદગી ની ગઝલ વાગી રહી હતી.હસરત મોહની સાહેબની આ ગઝલ જાણે શિવને એનાં ભૂતકાળમાં લઈ જવાં મજબુર કરી રહી હતી.

  • “चुपके चुपके रात दिन आँसू बहाना याद है
  • हम को अब तक आशिकी का वो ज़माना याद है
  • तुझ से मिलते ही वो कुछ बेबाक हो जाना मेरा
  • और तेरा दांतों में वो उंगली दबाना याद है
  • चुपके चुपके रात दिन…
  • चोरी-चोरी हम से तुम आ कर मिले थे जिस जगह
  • मुद्दतें गुजरीं पर अब तक वो ठिकाना याद है
  • चुपके चुपके रात दिन…
  • खैंच लेना वो मेरा परदे का कोना दफ्फातन
  • और दुपट्टे से तेरा वो मुंह छुपाना याद है
  • चुपके चुपके रात दिन…”

દુપટ્ટા નાં ઉલ્લેખ સાથે જ શિવ ભૂતકાળમાં નવ વર્ષ પાછો ચાલ્યો ગયો..જાણે આ કોઈ ગઝલ નહીં પણ એક ટાઈમ મશીન હતી.એ શિવની કોલેજનો પ્રથમ દિવસ હતો..બાર સાયન્સ માં શિવને 84% ગુણાંક પ્રાપ્ત થયાં હતાં.નવી આવેલી ગુજરાત સરકારની એજ્યુકેશન પોલિસી મુજબ એન્જીનીયરીંગ માં પ્રાઈવેટ કોલેજની અંદર પણ ફ્રી-સીટ ક્વોટા રાખવામાં આવતો,જેને TFWS ક્વોટા કહેવાતો..એ મુજબ શિવને જૂનાગઢમાં જ મેંદાપરા રોડ પર નવી બનેલી નોબલ એન્જીનીયરીંગ કોલેજમાં કોમ્યુટર એન્જીનીયરીંગ ફેકલ્ટીની અંદર ફ્રી-સીટમાં એડમિશન મળી ગયું હતું.

image source

શિવ નું મકાન ઝાંઝરડા રોડ પર આવેલાં જલારામ મંદિર જોડે આવેલું હતું..શિવનો પરિવાર મધ્યમવર્ગીય પરિવાર હતો..શિવનાં પિતા હસમુખ ભાઈ એક પ્રાઈવેટ કંપનીમાં કારકુન હતાં અને શિવની માતા કુસુમ બેન ગૃહિણી. શિવ પોતાનાં પરિવારનો એકલોતો વારસદાર હતો..મતલબ કે એને કોઈ ભાઈ બહેન નહોતાં. શિવ નાં પિતાજી હસમુખ ભાઈનો સ્વભાવ વધુ પડતો કડક હતો એટલે શિવ હંમેશા એમનાંથી ડરતો રહેતો..શિવ ને પરાણે બે-ત્રણ મિત્રો હતાં અને એમની જોડે પણ શિવને ખપ પૂરતો જ સંબંધ હતો.

હવે વાત કરીએ શિવ નાં કોલેજ નાં પ્રથમ દિવસની..શિવ જોડે પોતાની માલિકીનું વાહન તો હતું નહીં એટલે એસટી બસમાં જ કોલેજ જવું પડે..કોલેજ શરૂ થવાનાં કલાક પહેલાં જ શિવ ઘરેથી નીકળી જાંજેડા ચોકડીથી બસમાં ચડ્યો..બસમાં અમુક સીટો ખાલી હતી એટલે શિવને બેસવાની જગ્યા તો મળી ગઈ..પોતાનાં 2700 ક્લાસિક મોબાઈલમાં ઈયરફોન ભરાવી શિવ ગીતો સાંભળી રહ્યો હતો..એનાં મનમાં એની કોલેજને લઈને ઘણાં બધાં વિચારો રમી રહ્યાં હતાં.

જાંજેડા ચોકડીથી નીકળી બસ જ્યારે આલ્ફા સ્કૂલથી આગળ ખોડિયાર મંદિર આગળ બસ સ્ટેન્ડ જોડે રોકાઈ ત્યારે પંદર જેટલાં વિધાર્થીઓ એકસાથે બસમાં પ્રવેશ્યાં.આ વિધાર્થીઓમાં પાંચેક છોકરીઓ પણ સામેલ હતી..શિવે બસ ઉભી રહેતાં અંદર આવેલાં ટોળાં તરફ એક નજર ફેંકી અને પાછો આંખો બંધ કરીને મોબાઈલમાં વાગી રહેલાં ગીતો સાંભળવામાં લાગી ગયો.

image source

જેવી બસ ત્યાંથી ઉપડી એ સાથે જ બસમાં ચડેલાં વિધાર્થીઓનાં ટોળાં નાં લીધે બસની અંદર કોલાહલ જરૂર થઈ ગયો હતો..પણ શિવ તો એ તરફ ધ્યાન આપવાંનાં બદલે પોતાની ધુનમાં જ આંખો બંધ કરી ગીતો સાંભળી રહ્યો હતો.બસ થોડી આગળ વધી ત્યાં શિવને એવું લાગ્યું કે એનાં ચહેરા પર કોઈ કપડું આવીને પડ્યું છે..શિવે આંખો ખોલી જોયું તો કાળા રંગનો એક દુપટ્ટો એનાં ચહેરાને ઢાંકી રહ્યો હતો.

દુપટ્ટામાંથી શિવે આ દુપટ્ટો જેનો હતો એ યુવતીને નિહાળી..પોતાની જોડે જ ઉભી રહી પોતાની સામે ઉભેલી સખી સાથે વાતો કરેલી એ યુવતી ની જાણ બહાર એનો દુપટ્ટો બારીમાંથી આવતાં પવનને લીધે શિવનાં ચહેરાને ઢાંકી રહ્યો હતો..શિવે દુપટ્ટો દૂર કરી એ યુવતીનો ચહેરો જોયો..અને ચહેરો જોતાં ની સાથે જ શિવ એક એવી દુનિયામાં ખોવાઈ ગયો જ્યાંથી એનું પાછું આવવું શક્ય નહોતું.

image source

“તને જોવું એટલે ફક્ત તું જ HDR માં દેખાય છે.. કેમકે પછી તો આજુબાજુ બધું blur થઈ જાય છે.” આવું જ કંઈક શિવની સાથે થયું જ્યારે એને એ યુવતીને જોઈ..ચાંદ થી પણ વધુ સુંદર ચહેરો,હોઠ ની ઉપર તલ,અણિયારું નાક,પાણીદાર આંખો અને સ્મિત કરતાં જમણાં ગાલ પર પડતાં ખંજન..જે જોઈ જાય આ ખંજન એની તો પછી રક્ષા કરે હનુમાન કષ્ટભંજન.

ના નામ અને ના ઓળખાણ..છતાં શિવ એ અજાણી યુવતીનાં પ્રેમમાં પડી ગયો..હવે તો શિવને એ યુવતીનો અવાજ સાંભળવો હતો એટલે એને કાનમાંથી ઈયરફોન નીકાળી એને બેગમાં રાખી દીધાં.. કોઈ છોકરી સારી લાગતાં એને ઈમ્પ્રેસ કરતાં જે બધાં યુવકો કરે એવું શિવથી પણ આપમેળે થઈ ગયું..જેમકે હાથ વડે માથાનાં વાળ સેટ કરવાં અને પોતાનાં હાથની હથેળીને ચહેરાની નજીક રાખી મોં વાટે શ્વાસ લેવો.

શિવ પોતાને એક ધ્યાને જોઈ રહ્યો છે એ વાતથી બિલકુલ બેખબર એ યુવતી તો બસ પોતાની સહેલી જોડે વાતો કરવામાં મશગુલ હતી..શિવને તો કાને પડતાં એ યુવતીનાં ત્રુટક ત્રુટક શબ્દો પણ કર્ણપ્રિય સંગીતથી વધુ સુમધર લાગી રહ્યાં હતાં.

નોબલ એન્જીનીયરીંગ કોલેજનું સ્ટેન્ડ આવી જતાં બસ ઉભી રહી..અન્ય વિદ્યાર્થી મિત્રોની સાથે એ યુવતી પણ બસમાંથી હેઠે ઉતરી..શિવ પણ એની પાછળ-પાછળ બસમાંથી ઉતરી નીચે આવ્યો.આ યુવતી પોતાની કોલેજની જ સ્ટુડન્ટ હતી એ શિવને એનાં અહીં ઉતરવાનાં લીધે સમજાઈ ચૂક્યું હતું..અને આ વસ્તુ શિવનાં એકતરફી પ્રેમની પ્રથમ જીત હતી.આમ પણ ઓમ શાંતિ ઓમ મૂવીમાં શાહરુખ ખાને કહ્યું તો છે.

image source

“કહતે હૈ કિસી ચીઝ કો તુમ પુરી શીદ્દત સે ચાહો તો પુરી કાયનાત તુમ્હેં ઉસસે મિલાનેકી ફિરાક મેં લગ જાતી હૈં..” પોતાની પસંદગી ની ફિલ્મોમાંથી એક ફિલ્મનો આ પ્રસિદ્ધ ડાયલોગ શિવને એ યુવતીનાં પોતાની કોલેજની જ સ્ટુડન્ટ હોવાની વાત જાણ્યાં બાદ ડાયલોગ નહીં પણ વિધાતા નું કોઈ બ્રહ્મવાક્ય લાગ્યું.

પુછપરછ કરતો કરતો શિવ પોતાનાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગનાં પ્રથમ વર્ષનાં ક્લાસમાં પહોંચી ગયો..એ યુવતી રસ્તામાં એનાં ઓળખીતા મિત્રો જોડે કેન્ટીન જોડે રોકાઈ ગઈ હતી..પણ શિવને કોલેજનાં પ્રથમ દિવસે ક્લાસમાં જવાની પણ ઉતાવળ હતી એટલે એ યુવતી કયા ક્લાસમાં જાય છે એની રાહ જોયાં વગર શિવ પોતાનાં રૂમમાં જઈ પહોંચ્યો.

ગ્રીન એન્ડ રેડ ચેક્સ શર્ટ અને બ્લુ જીન્સમાં શિવ પણ સુંદર અને સોહામણો દેખાઈ રહ્યો હતો.સ્કૂલમાં જે વહેલાં આવે એ પહેલી હરોળમાં બેસે અને કોલેજમાં જે પહેલાં આવે એ છેલ્લી હરોળમાં બેસતાં હોય છે.. અને એટલે જ શિવ ને ના છૂટકે બીજી બેન્ચ ઉપર બેસવું પડ્યું કેમકે એ આવ્યો ત્યારે ઓલરેડી પાછળની બધી બેન્ચ ફૂલ હતી.

image source

શિવે એ પણ નિહાળ્યું કે ક્લાસમાં છોકરીઓની સંખ્યા પણ લગભગ છોકરાઓ જેટલી જ હતી..કોમ્પ્યુટર અને EC એન્જીનીયરીંગ ભણવાનો આ ફાયદો પણ ખરો..બાકી મિકેનિકલ અને ઓટો મોબાઈલ વાળાં નો કલાસ તો બજરંગદળ ની વાર્ષિક સભા જ લાગે. શિવ નાં ક્લાસમાં આવ્યાં નાં બે મિનિટ બાદ એક બીજો છોકરો પણ શિવની બાજુમાં આવીને બેઠો..એ છોકરાં એ સ્મિત સાથે શિવની તરફ જોયું સામે પક્ષે શિવે પણ એની તરફ જોઈ મંદ મુસ્કાન વેરી.એ છોકરાંએ પોતાનો પરિચય સાગર તરીકે આપ્યો..સામે પક્ષે શિવે પણ સાગર ને પોતાનો ટૂંકમાં પરિચય આપી દીધો..હવે આ શિવ-સાગર ની દોસ્તી કોલેજનાં આગામી ચાર વર્ષો સુધી કાયમ રહેવાની હતી.

કોલેજ નું પ્રથમ લેક્ચર શરૂ થવાની રિંગ વાગતાં ની સાથે જ બહાર લોબીમાં ઉભેલાં બધાં સ્ટુડન્ટ દોડીને પોતપોતાનાં ક્લાસરૂમમાં આવી ગયાં.. સાગર જોડે વાત કરતાં કરતાં શિવની નજર અનાયાસે જ ક્લાસરૂમમાં પ્રવેશેલી એ યુવતી પર પડી જેને બસમાં જોતાં જ શિવને એની સાથે પ્રેમ થઈ ગયો હતો.

શિવ અર્ધખુલ્લાં મોંઢે એ યુવતીને જોતો જ રહ્યો જ્યાં સુધી સાગરે એને ખભેથી હલાવી એનું ધ્યાન ભંગ ના કર્યું. “ભાઈ તું તો બહુ જબરો..અત્યાર થી જ પોતાનાં માટે છોકરી ગોતવા લાગ્યો..”સાગરે શિવની ખેંચતાં કહ્યું. “અરે ભાઈ એવું કંઈ નથી..એતો બસ હું એ જોતો હતો કે એ યુવતી એજ છે જે મારી સાથે બસમાં હતી..”શિવે શબ્દો ને ગોઠવતાં કહ્યું. “આટલી જ વાત છે ને..બીજું કંઈ હોય તો બોલજે..કેમકે હું એ છોકરીને ઓળખું છું..” સાગર એ બ્લેક ડ્રેસવાળી યુવતી તરફ જોઈને બોલ્યો.

શિવ એ યુવતી વિશે વધુ માહિતી મેળવવા જતો હતો પણ એટલામાં લેક્ચરર ક્લાસમાં આવી ગયાં એટલે શિવે પોતાની વાત અધૂરી જ મૂકી દીધી..બે લેક્ચર પછી જ્યારે રીસેસ પડી ત્યારે શિવ અને સાગર સાથે જ કેન્ટીનમાં ગયાં અને સમોસા નો નાસ્તો કર્યાં બાદ ત્યાં જ બેઠાં.. આ જ સમયે શિવની નજર એની સામેનાં ટેબલ પર બેસેલી એ યુવતી પર પડી ને પ્રથમ નજરમાં જ શિવ ને ઘેલો બનાવી ગઈ હતી.

image source

“એ સાગર તું એ છોકરીને ઓળખે છે એવું કહેતો હતો..તો મને જણાવ ને એ કોણ છે..?”હવે એ યુવતી આખરે કોણ હતી એ જાણવાની તાલાવેલી માં શિવે સાગર ને મનમાં ઘુમરાતો સવાલ કરી જ લીધો. “મતલબ કે અમારી સ્કૂલનાં બધાં છોકરાંઓની જેમ તું પણ ઈશિતા નો દિવાનો બની ગયો છે..?”શિવ ની તરફ જોઈને હસતાં હસતાં સાગર બોલ્યો. સાગર નાં સવાલનાં પ્રત્યુત્તર માં શિવ નજરો ઝુકાવી ગયો..જેનો અર્થ હા હતો એ સમજાતાં સાગરે આગળ બોલવાનું શરૂ કર્યું.

“એ છોકરીનું નામ છે ઈશિતા ઠાકુર..ઈશિતા મારી સાથે જ ધોરણ આઠ પછી ભણી છે..એ વધુ પડતી બોલકી અને ઓવરસ્માર્ટ છે..જો ભાઈ તું મને સીધો સાદો માણસ લાગે છે તો એક મફતમાં સલાહ આપું કે તું ઈશિતા વિશે વિચારવાનું ભૂલી જ જા..” “પણ કેમ..એ આમ તો બહુ સારી લાગે છે…”સાગર ની વાત સાંભળી શિવ બોલ્યો. “ભાઈ ચમકતું બધું સોનુ ના હોય..આતો મારે તને કહેવું જરૂરી હતું એટલે કહી દીધું..બાકી આગળ તારી મરજી..”સાગર રુક્ષ સ્વરે બોલ્યો.

એટલામાં નવું લેક્ચર શરૂ થવાનો સમય થઈ ગયો હતો એટલે કેન્ટીનમાં નાસ્તો કરવાં આવેલાં બધાં સ્ટુડન્ટ પોતાનાં કલાસ તરફ જવાં નીકળી પડ્યાં.. ઈશિતા નું ગ્રૂપ પણ શિવની આગળ જ જઈ રહ્યું હતું..શિવે એક વસ્તુ નોટિસ એ પણ કરી કે પોતાની જેમ ઘણાં છોકરાઓનું ધ્યાન ઈશિતા તરફ હતું. આમ પણ ફૂલ જ્યારે સુંદર હોય ત્યારે બાગનાં બધાં ભમરાં એનો રસ ચુસવા આવી પહોંચે છે..તો પછી ઈશિતા તો ફુલથી પણ વધુ મનમોહક હતી..તો બધાંનાં આકર્ષણનું કારણ બને એમાં નવાઈ જ નહોતી.

image source

રીસેસ પછીનાં બે લેક્ચર પણ શિવે ક્યારેક બોર્ડ તરફ તો ક્યારેક ઈશિતા તરફ જોઈને પસાર કર્યાં.. સાગર શિવને આમ કરતો જોઈ રહ્યો હતો પણ હવે જ્યારે શિવે એની સલાહ નહીં માનવાનું મન બનાવી જ લીધું હતું તો એને રોકવાનો કોઈ અર્થ નહોતો એમ વિચારી સાગર ચૂપ જ રહ્યો..સાગર મનોમન વિચારતો હતો કે માણસ માર્યો ના વરે પણ હાર્યો જરૂર વરે..અને ઈશિતા ને પોતે ઓળખતો હતો ત્યાં સુધી એનો સાચો પરચો શિવ ને મળશે એટલે એ ફરીવાર એનું નામ પણ નહીં દે એ વાત નક્કી હતી.

આખરે કોલેજનો પ્રથમ દિવસ હોવાથી ચાર લેક્ચર પછી જ કોલેજ પૂર્ણ જાહેર કરવામાં આવી..બધાં એ પોતપોતાનાં મિત્રો બનાવી લીધાં હતાં..શિવ ને પણ સાગર રૂપે સારો દોસ્તાર મળી ગયો હતો..હવે શિવ સાગરની સાથે જ બસ સ્ટેન્ડ પર આવીને ઉભો રહ્યો..શિવે જોયું કે ઈશિતા પણ ત્યાં જ ઉભી હતી..પાંચ મિનિટમાં બસ આવી ગઈ એટલે ધક્કામુકી કરીને શિવ બસમાં ચડી ગયો.

બસમાં ચડતાં જ શિવે ત્રણની સીટ પર પોતાનું આધિપત્ય જમાવી દીધું..સાગર આવીને શિવને ખસેડી સીધો બારીએ જતો રહ્યો.જ્યારે ઈશિતા બસમાં ચડી ત્યારે બાકીની સીટો ફૂલ થઈ ગઈ હતી..બસમાં હવે એક જ સીટ ખાલી હતી અને એ હતી શિવની જોડે.ઈશિતા ની નજર બસમાં ચડતાં ની સાથે જ શિવની જોડે ખાલી પડેલી સીટ પર પડી..આજ વખતે એક ક્ષણ માટે ઈશિતા ની નજર શિવ ની નજરો સાથે ટકરાઈ.

image source

શિવ તો સવારથી લઈને અત્યાર સુધીમાં ઈશિતા ને હજારો વખત જોઈ ચુક્યો હતો..પણ ઈશિતા ની નજર શાયદ પ્રથમ વખત જ શિવ પર પડી હતી.. ઈશિતા સાથે નજર પડતાં જ શિવ નું હૃદય કામ કરતું જાણે બંધ જ થઈ ગયું..હજુ તો આ ઓછું હોય એમ ઈશિતા ચહેરા પર કાતીલ મુસ્કાન સાથે શિવ તરફ આગળ વધી..!!

“જોઈ તને મેં જ્યારથી,ભુલ્યો હું ભાન ત્યારથી..

હથિયાર ની જરૂર શું?, તું માર મને તારાં પ્યારથી..”

ક્રમશઃ

લેખક : જતીન.આર.પટેલ (શિવાય)

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ