બાપાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે બસ એટલું જ કહેવું છે

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજ ભારતમાં હોય ત્યારે દિવાળીનો ઉત્સવ ગોંડલ ખાતે જ ઉજવે. સ્વામીબાપા શરદપૂનમ પહેલા આવી જાય અને લાભપાંચમ કરીને ગોંડલથી વિદાય લે. સ્વામીબાપા લગભગ 20 થી 25 દિવસ અને ક્યારેક આખો મહિનો નાનકડા એવા ગોંડલમાં રોકાતા અને અદભૂત લાભ આપતા. હું મારી જાતને અત્યંત ભાગ્યશાળી સમજુ છું કારણકે સ્વામીબાપા જેટલા દિવસ ગોંડલમાં રોકાય એટલા દિવસ સ્ટેજ સંચાલનની અને એનાઉન્સર તરીકેની સેવાનો લાભ મને મળતો.

બાપાના ગોંડલ ખાતેના રોકાણ દરમ્યાન અમે જાત જાતના સાંસ્કૃતિક કાર્યક્રમો કરતા હતા. એકવખત દેશની પ્રવર્તમાન પરિસ્થિતિનું વર્ણન કરતુ એક સુંદર નાટક તૈયાર કર્યું હતું. નાટકનું લેખન મિત્ર જય વસાવડા અને મેં અમે બંનેએ સાથે કરેલું. સ્વાભાવિક છે કે લેખક તરીકે બહુ ઈચ્છા હોય કે બાપા આરંભથી છેક અંત સુધી અમારું નાટક જોવે. દિવાળીના દિવસો હોય, દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો ગોંડલ આવ્યા હોય, મહાનુભાવો પણ બહુ મોટી સંખ્યામાં બાપાના દર્શન માટે આવતા હોય એમાં આખું નાટક જોવાનો સમય બાપા કેવી રીતે કાઢી શકે ?

પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજનું ધ્યાન રાખનારા એના સેવકસંતોએ સૂચના આપેલી કે તમે સાંજે સમયસર જ તમારો કાર્યક્રમ શરુ કરી દેજો બાપાને અનુકૂળતા થશે એટલે વચ્ચે તમારા કાર્યક્રમમાં આવી જશે. જે દિવસે નાટક રજુ કરવાનું હતું તે દિવસે સવારે સ્વામીજી નાસ્તો કરતા હતા. મારે સ્વામીબાપાની સમક્ષ એક નાનું પ્રવચન કરવાનું હતું. પ્રવચન પૂરું થયું પછી સ્વામીબાપાએ પ્રસાદ આપવા આગળ બોલાવ્યો. મેં મોકો જોઈને હળવા અવાજે બાપાને કહ્યું, “બાપા, અમે આજે સાંજની સભામાં એક સંવાદ રજુ કરવાના છીએ પણ સેવક સંતો કહે છે કે આપ સભામાં મોડા પધારશો” હજુ આગળ કંઈ બોલું એ પહેલા જ બાપાએ કહ્યું, “એ ભલેને કે હું તમારો કાર્યક્રમ શરુ થાય એ પહેલા આવી જઈશ. તમે કેટલા વાગે કાર્યક્રમ શરુ કરવાના છો ?” મેં બાપાને કાર્યક્રમનો સમય કહ્યો એટલે મારો હાથ પકડીને કહે ‘અમે, આ સમય પહેલા પહોંચી જાશું”

સાંજે સભા શરુ થઇ અને બધાના આશ્વર્ય વચ્ચે પ્રમુખસ્વામી મહારાજ પોતાના બીજા કામોને એક બાજુ હડસેલીને અમારા કાર્યક્રમમાં સમય પહેલા આવી ગયા. સ્વામીબાપાને જોઈને હું તો રાજીનો રેડ. ઉત્સાહમાં ને ઉત્સાહમાં મારાથી એક મોટી ભૂલ થઇ ગઈ. નાટકમાં વચ્ચે વચ્ચે મારે લાઈવ કૉમેન્ટરી આપવાની હતી. સ્વામીબાપાને સામે જોઈને કોમેન્ટરી થોડી વધારે અપાઈ ગઈ અને એના કારણે કાર્યક્રમ લંબાયો. કાર્યક્રમ લંબાવાને કારણે સ્વામીબાપાના આશીર્વાદ જ કાપવા પડ્યા. એમને દવા લેવાનો સમય હતો એટલે પછી એમના આશીર્વાદ રહી ગયા અને કાર્યક્રમ પૂરો કરીને બાપા એમના ઉતારે જાવા માટે નીકળી ગયા.

કાર્યક્રમ પછી કેટલાક વડીલ હરિભક્તો અને સંતો મને ખિજાયા. હરિભક્તોએ તો ત્યાં સુધી કહ્યું કે અમે દૂર દૂરથી નાટક જોવા માટે અહિયાં નથી આવતા બાપાના આશીર્વાદ સાંભળવા આવીએ છીએ અને તમારા નાટકને લીધે બાપાના આશિર્વાદનો લાભ ના મળ્યો. મારી ભૂલ હતી. આંખોમાં આંસુ પણ આવી ગયા પણ હવે બીજું તો શું થઇ શકે ?

બીજે દિવસે સવારે પ્રમુખસ્વામી મહારાજ પૂજા કરવા માટે આવ્યા ત્યારે સમય મળતા જ બાપા પાસે પહોંચી ગયો અને ગઇકાલની ઘટના વિષે બાપાની માફી માંગી. હરિભક્તો જે બોલ્યા હતા એ પણ સ્વામીને કહ્યું. બાપાએ કહ્યું , “તમે બધાએ સાથે મળીને બહુ સરસ સંવાદ રજુ કર્યો હતો. હું રજી છું અને હરિભક્તોની કે સંતોની નારાજગીની તું ચિંતા ના કર.”

સાંજની સભામાં સ્વામીબાપા પધાર્યા. આશીર્વાદ આપતી વખતે એમણે ગઈકાલે ભજવાયેલા સંવાદના જાહેરમાં વખાણ કર્યા અમને બધાને અભિનંદન આપ્યા અને સંતો હરિભક્તોને પણ કહ્યું કે અમે તો રોજ આશિર્વાદ આપીએ છીએ. આ છોકરાઓની સેવા ભક્તિને પણ વધાવવી.

આટલા મોટા સંત પણ અમારા જેવા યુવાનોનું કેવું ધ્યાન રાખે ! પ.પૂ.પ્રમુખસ્વામીની વિદાયને આજે એક વર્ષ પૂરું થયું. બાપાની પ્રથમ પુણ્યતિથિ નિમિતે બસ એટલું જ કહેવું છે કે ” હૈયાના હેત ના ભૂલાય સ્વામી તારા હૈયાના હેત ના ભૂલાય…..”

લેખક : શૈલેષ સગપરીયા

 

ટીપ્પણી