પ્રથમ પ્રેમ – લગ્ન પછી પણ પોતાના પેહલા પ્રેમીની યાદમાં એક પત્ની અને તેની સાથે છે એક સમજદાર પતિ…

નિલય સાથે આસ્થાના લગ્નને છ મહિના થયા પણ ખબર નહિ કેમ આજે ફરીથી વહેલી સવારે એ જ વ્યક્તિ, એ જ વિચાર, એ જ ઈચ્છાઓ આસ્થાના અજાગ્રત મનમાં સળવળી અને કસમયે જ ઊઠી ગઈ, ફરીથી એ જ બેચેની, એ જ વ્યાકુળતા અને શ્વાસ રૂંધાયને જીવ નીકળી જાય એવી વેદના. આજે ફરીથી આસ્થાના જીવને શાંતિ નથી. આ પીડા ખબર નહિ ક્યારે પોતાનો પીછો છોડશે એવો વિચાર આસ્થાને આવ્યો પણ પછી થયું, “ શું આ પીડા વગર મારું જીવવું પણ શક્ય છે? કોઈને દુ:ખી કરી હું કેમ સુખી થઈ શકું એ વિચારે ફરી ગળામાં ડૂમો ભરાઈ આવ્યો કદાચ આ જ મારી સજા છે એમ સમજી આસ્થા પોતાના નિયમિત જીવનમાં સામાન્ય થવા પ્રયત્ન કરવા લાગી.

આજે ફરીથી નિલય આસ્થાને આવી સ્થિતિમાં જુએ છે. નાસ્તો બનાવતી આસ્થાના પરોઠા આજે દાઝી જાય છે, વિચારમાં જ મગ્ન આસ્થા નિલયને પ્લેટમાં ચા અને કપમાં પરોઠા પીરસી રહી છે. નિલય આસ્થાના આવા વર્તનનો આદિ થઈ ગયો હતો એટલે કંઈ જ બોલ્યા વિના આસ્થાની ભૂલ સુધારી નાસ્તો કરી ઓફિસ ચાલ્યો જાય છે. ઘરે આસ્થા પોતાની જાતને જાણે ખેંચી ખેંચીને ઘરનાં કામમાં ધકેલે છે અને ઓફિસે નિલય આસ્થાની ચિંતામાં કામમાં મન નથી પરોવી શકતો.

સાંજે નિલય પાછો આવે છે આસ્થા સાથે જમે છે પણ હજી આસ્થાની વિહવળ આંખો ઘણું બધું કહી જાય રહી હોય એવું તેને લાગ્યું. જમ્યા પછી આસ્થા તેના કામ કરે છે અને નિલય મનોમન જાણે આજે આ વાતની ચર્ચા કરવાનું નક્કી કરે છે.

પરવારીને આસ્થા રૂમમાં આવે છે અને નિલય તેના બંને હાથ પકડી આસ્થાને બેસાડે છે તેના બન્ને હાથ પોતાના હાથમાં લઇને શાંતિથી વાત શરુ કરે છે, “ આસ્થા….શું વાત છે? જ્યારથી તું પરણીને આવી છો મેં ક્યારેય તારાં ચહેરા પર એ નિખાલસ હાસ્ય નથી જોયું કે નથી ક્યારેય તને ઉત્સાહથી છલકાતી જોઈ. મારા કે મારા ઘર પ્રત્યે કયારેય તારા મનમાં કોઇ જ ઉમંગ નથી આવતો, શરુઆતમાં મને થતું કે હશે…!! પિયરની યાદો ખૂબ લાગણી સભર હશે અને તું એ બધાને ભૂલી નથી શકતી અને એ લોકોથી દુર થવાનું દુ:ખ, નવું ઘર, નવું વાતાવરણ અને નવા લોકો સાથે હળવા મળવામાં તને તકલીફ પડે છે પણ મારી એ માન્યતા ત્યારે દૂર થઈ ગઈ જ્યારે બે-ત્રણ વખત તારા પપ્પાને ત્યાં પણ મેં તને ખુશ ન જોઈ અને જ્યારે પણ હું તને ત્યાં જવાનું કહું છું તું બહાના કરીને ટાળી દે છે.

તું કેટલીવાર કસમયે ઉંઘમાથી ઊઠી જાય છે, કામમાં તારું ધ્યાન નથી હોતું, બારીમાંથી બહાર જોતી વેળાએ તારી તરસી આંખો ખબર નહિં શું શોધતી હોય છે, દોઢ વરસમાં તે મને પતિ તરીકે આદર જરુર આપ્યો પણ મને કયારેય દિલથી નથી સ્વીકાર્યો કે ક્યારેય નથી મને પ્રેમનો અહેસાસ આપ્યો. મને એની ફરિયાદ પણ નથી. કારણ કે પ્રેમ ક્યારેય પરાણે ન કરી શકાય. મમ્મી પપ્પાના કાર એક્સીડંટમાં મૃત્યુ પછી દીદી સાથે રહી મોટો થયો. આથી અભ્યાસ સિવાયની દુનિયામાં કદી ડોક્યું જ નથી કર્યું. કાબીલ બન્યો અને દીદીએ તને જોવા જવાનું કહ્યું. કોઈ સ્ત્રીને કદી ઉંચી આંખ કરીને નથી જોઈ પણ તને જોઇ અને પહેલી નજરે જોતો જ રહી ગયો. કદાચ મને તારી સાથે પ્રેમ થઈ ગયો હતો. પહેલી નજરનો પ્રેમ!! તો કોઈ વ્યક્તિ કેવી રીતે પોતાના પ્રેમને આમ તરફડતો જોઈ શકે. મને ચિંતા છે તો ફક્ત તારી. આસ્થા… પ્લીઝ હું બધુ જ સમજુ છું એકાઉંટંટ જરુર છુ પણ પૈસાની સાથે માણસની લાગણીના હિસાબમાં પણ એટલો જ પાક્કો છું.

તારા પિયરથી તારું દૂર ભાગવું, તારી શાળાના દિવસો યાદ આવતા તારા ચહેરા પર આવતી ચમક, વારે વારે પોતાની જાતને એક અલગ જ દુનિયામાં લઈ જવું, અને કોઈ એક ચોક્કસ નામ સાંભળતા ગુલાબની જેમ ખીલી જતો તારો ચહેરો… આ બધું જ તારાં નિષ્ફળ પ્રેમની ચાડી ખાય છે. જો હું ખોટો ન હોવ તો તારી મનોદશાનું કારણ કદાચ તારો પ્રેમ હશે અને એ પણ તારો પ્રથમ પ્રેમ કે જેને તુ પામી ન શકી અને વ્યક્તિ ઈચ્છવા છતા પોતાના પ્રથમ પ્રેમને ભૂલાવી કે છૂપાવી નથી શકતો. પરણ્યાની પ્રથમ રાતે જ્યારે હું આવ્યો અને તું સૂઈ ગઈ હતી ત્યારે જ હું સમજી ગયો હતો કે તું જરુર કોઇ પ્રેમ ભગ્ન વ્યક્તિ છો. છતા મનને મનાવી હું રાહ જોતો હતો કે તું તારા મનની વાત તારી જાતે મને કહે પણ હું તેમાં નિષ્ફળ ગયો તેનો મને અફસોસ છે.

આસ્થા હું તને આ હાલતમાં નથી જોઈ શકતો. પ્લીઝ તારા મનમાં જે પણ છે મને કહી દે. આંખ આડે બાંધેલા બંધને તોડી સંગ્રહેલા વેદનાનાં ઝરણાંને વહી જવા દે. તારી એ દરેક વાત સાંભળી કે જાણીને તું મારા મનમાંથી ઊતરી નહિ જાય પણ તારાં હ્રદયનો બોજ જરુર ઊતરી જશે. તારાં પતિ તરીકે નહિં પણ તારો એક સારો મિત્ર સમજી મને તારું દર્દ જણાવી દે. હું તને હળવી કરવા માગુ છું. આસ્થા! આના સિવાય મારો કોઈ જ આશય નથી. હું તને આમ દુ:ખી નથી જોઈ શકતો.

આસ્થા મૂર્તિમંત બનીને નિલયની વાતો સાંભળી રહી જાણે આંખ ઝબકવાનું ભૂલી ગઈ હોય પણ વેદનાની સરવાણી વહેવા લાગી. નિલય એકીટશે આંસુ વહાવતી આસ્થાને જોઈ રહ્યો. આમ જ બંનેની રાત વીતી ગઈ બીજે દિવસે નિલય પોતાની રીતે તૈયાર થઈ ઓફિસ જવા નીકળી ગયો. આસ્થા પણ જેમ તેમ સામાન્ય થઈ.

સાંજે નિલય ઓફિસથી ઘરે આવ્યો. આસ્થાની સોજેલી આંખો જોઈ એનાથી જમાયું નહિ તે રૂમમાં ચાલ્યો ગયો. નિલયને પોતાના સ્ટડી ટેબલ પર એક કવર મળ્યું અંદર થોડા પાના હતા ખોલીને વાંચવાની શરુઆત કરી આસ્થાએ લખ્યા હતા.

નિલય!! ગઈ કાલની તમારી વાતો સાંભળી એવું લાગ્યું જાણે કોઈએ વર્ષોથી લાગેલા ઘા પર મલમ લગાડ્યું હોય એવો અહેસાસ થયો. તમારું અનુમાન તદન સાચુ છે. હું એક પ્રેમમાં નિષ્ફળ ગયેલી વ્યક્તિ છું પણ તેની જવાબદાર પણ કદાચ હું જ છું. મારા ઘરની રુચિ અને વિચારો જાણતી હોવા છતા હું આ પ્રેમ નામના વમળ તરફ આગળ વધી અને લાખ કોશિશ કરવા છતા તેમા વધુ ને વધુ ડુબતી ગઇ. વિચાર કર્યો તો સમજીને જીવનમાં આગળ વધવુ ચે પણ પ્રેમ વિચારીને તો નથી થતો ને ! બસ… થઈ જાય છે લાખ વખત દૂર ભાગવા છતાં આપણા મન, હ્રદય અને જીવન પર હાવી થઈ જાય છે. આવો પ્રેમ મને પણ થયો અને પહેલી વાર થયો. મારા આ પ્રથમ પ્રેમનું નામ ‘ભાર્ગવ’ છે.

આમ તો ભાર્ગવ મારો સ્કુલ ટાઇમનો મિત્ર હતો પણ ક્યારે મિત્ર મારો પ્રેમ બની ગયો તેની મને ખબર જ ન પડી. હું અને ભાર્ગવ પહેલેથી જ એક સ્કુલમાં સાથે જ અભ્યાસ કરતાં હતા જ્યાં સુધી અભ્યાસમાં ચડસા ચડસીનો ખ્યાલ ન હતો ત્યાં સુધી તેની તરફ મરું ધ્યાન જ ન ઘેરાયું પણ ચોથા ધોરણમાં આવતા આવતા વર્ગમાં નંબર મેળવવાની હોડમાં હું તેની સાથે ઊતરી. તે હંમેશા મારાથી એક નંબર આગળ રહેતો. હું વર્ગમાં મોનીટર હતી તેથી થોડો તો મારો વટ વર્ગમાં તેનાથી વધારે જ…ચોથા, પાંચમા વર્ગમાં તેનો જ પ્રથમ ક્રમ આવ્યો અને હું બીજા ક્રમે. એનાં જેટલો જ અભ્યાસ, મહેનત અને એના જેટલી જ સમજ છતા કેમ પાછળ રહી જાવ છું આ વિચાર સાથે મહેનત કરતાં છઠ્ઠા ધોરણમાં મારે સોનાનો સુરજ ઊગ્યો અને હું પ્રથમ આવી. બસ ત્યારથી એ મને અને હું એને વર્ગમાં મિત્રની જેમ અને ન હોય ત્યારે દુશ્મનની જેમ સમજવા લાગ્યા.

ભાર્ગવ આમ તો દેખાવે સામાન્ય છોકરો તમારી જેમ જ મિતભાષી, માસુમ અને ચેતનથી છલકતો. અભ્યાસ સિવાયની બાબતોથી તો સો જોજન દૂર. ન કોઈ મિત્ર, ન કોઈ શોખ અદલ પકાઉ છોકરો. વર્ગમાં મિત્રતા હોવાથી એકબીજા સાથે અભ્યાસની વાતો થતી, નાસ્તો થતો, નોટોની આપ લે થતી, બંને પક્ષે ધીમે ધીમે દુશ્મની ઓછી થવા લાગી. એક શાળાએ ન આવે તો બીજાનો દિવસ પૂરો ન થતો અને બીજા દિવસે ન આવવાનાં કારણથી ઝઘડા પણ થતા અને છેલ્લે માની પણ જવાતું કારણ કે વાત કર્યા વગર તો કંઈક ખૂટવા લાગતુ. વર્ગમાં મોનિટર તરીકે મે ધીમે ધીમે શાળામાં પ્રતિયોગી તરીકે, શિક્ષણમાં, સંગીતમાં, ડાન્સમાં, ચિત્રમાં અને બોલવાની આવડત ધરાવતા ભાર્ગવની છૂપી પ્રતિભાઓ સમય સાથે જાણી અને એ મારો ખાસ મિત્ર બની ગયો.

આઠમા ધોરણથી અમારી શાળામાં છોકરા અને છોકરીનાં વર્ગો અલગ થયા પણ છતાં અમે શાળાનાં પ્રવેશ અને છૂટ્યાના સમયે અમે અમૂક વાતો કરતા. દસમાં ધોરણમાં આવતા આવતા રોજની વાતોનો નિત્યક્રમ ઉમરનાં એક ચોક્કસ પડાવથી પ્રભાવિત થવા લાગ્યો. ધીમે ધીમે એકમેકની નજર એક થતા હ્રદય તેની સામાન્ય ગતિ ભૂલી જતુ અને જાણે એક સિતારની જેમ તેના તાર ઝણઝણી ઉઠતા. વસંતના વાયરાની સાથે સોળે કળાએ ખીલતા એ અહેસાસથી છલકતા મારા હ્રદયની આસપાસ ભાર્ગવ એક ભ્રમરની જેમ ભમવા લાગ્યો. ભણવાની સાથે કંઈક ભ્રમણાઓ થવા લાગી. એકબીજાને મળ્યા વગર, જોયા વગર તલસાટ વધી જતો, મન તડપવા લાગતુ. આટલી લાગણી હોવા છતા અમે બધા સામે મિત્રો હોવાનો જ દાવો કરતા. દસમાની ફાઈનલ પરીક્ષા નજીક આવી સાથે એકબીજાથી અળગા પડી જવાનો ડર પણ વધવા લાગ્યો પણ છતાં એ બધુ અવગણીને અભ્યાસમાં ધ્યાન આપી ખૂબ સારી ટકાવારી સાથે પાસ થયા. સાથે જ અગલ થઈ અમારી શાળા, અમારા સપના અને અમારા હ્રદયનો એક થઈ ગયેલો તાર.

અગિયાર અને બારમાં ધોરણનો અભ્યાસ પતાવી કોલેજ શરુ થઈ તેનું પણ એક વર્ષ થઈ ગયું પણ હું ભાર્ગવને એક દિવસ પણ ભૂલી ન શકી. મારી આંખોમાં, હ્રદયમાં, વાતોમાં, આનંદમાં દરેક જગ્યાએ ભાર્ગવ વણાઈ ગયો હતો. ઊઠતા, બેસતા, હરતા-ફરતા, જમતા કે પછી રાત્રે સૂતા સૂતા સપનામાં મારા મનમાં માત્ર ભાર્ગવ જ રમતો. અમારા બંન્નેના ઘરનો રસ્તો પણ એક જ હતો, ટ્યૂશન પણ એક જ હતું, પણ ક્યારેય તેને જોવા છતા પણ તેની સાથે વાત કરવાની હિંમત ન ચાલી. કારણ કે હવે ઘર પરિવારના કાયદાઓ, બંધનો અને સૌથી ઊપર સમાજની ચાંપતી નજર એ બધાથી બચીને પ્રેમને હ્રદયનાં એક નાનકડાં ખૂણામાં ધબકવા દેતીતી. મનમાં ઉછળતી ભાવનાઓને ઘરમાં કોઈને કહી શકાય એમ ન હતુ. આથી હું મારી દરેક લાગણી ડાયરીમાં ઊતારવા લાગી. ભાર્ગવનાં વિચાર, તેના ખ્યાલો અને એના પ્રત્યે સળવળતી લાગણીના લયબ્ધ્ધ મોજાઓ શબ્દ બની ડાયરીનાં પાનામાં સરકવા લાગ્યા.

એક દિવસ સાંજે હું બહાર ફરવા નીકળી સામેથી ભાર્ગવ દેખાયો તે દિવસ શું થયું ખબર નહિ મન રોક્યું ન રોકાયું, સ્વજનોનું ભાન ભૂલી ને મેં ભાર્ગવને રોક્યો. અભ્યાસની વાતો કરવાના બહાને મારે તેને મન ભરીને જોવો હતો, ખૂબ વાતો કરી ખબર પડી ફાર્મસીમા છે એ મુલાકાતે બંને હ્રદયની ખાલી પડેલી જમીનમાં જાણે સ્નેહની વર્ષાના અમીછાંટણા કર્યા અને મોટી ઊથલ પાથલ મચી ગઈ. દબાયેલી લાગણીઓ સળવળીને જાણે ફરીથી બેઠી થવા લાગી અને એ જ ભાવનાઓ મનમાં આકાર લેવા લાગી. સાંજે મારા બહાર જવાના સમયે જ ભાર્ગવ ત્યાંથી પસાર થવા લાગ્યો. બંન્નેની એક થતી આંખો કંઈક છૂપા સંદેશા એક મનથી બીજાં મન સુધી પહોંચાડવા લાગી. પહેલેથી જ સાથે ભણતા હોવાથી એકબીજાની પસંદ-નાપસંદ, ગમા-અણગમા અને નબળાઈથી વાકેફ હતા. અમે બંને કોઈ દિવસ કોઈને પોતાના મનની અમુક વાતો ખૂલીને ન કરી શકતા.

એક દિવસ મારા ઘરે ફોન રણક્યો, બપોરનો સમય હતો મેં ફોન રીસીવ કર્યો. ભાર્ગવનો હતો કહ્યું આજે સાંજે ગાર્ડનમાં મળવા આવીશ? થોડું કામ છે. હું જાણે આ જ ક્ષણની રાહ જોતી હતી તેને કમીટમેન્ટ આપ્યું. જાણે મને આભાસ થયો કે આ મુલાકાત ખૂબ જ યાદગાર હશે. આ મુલાકાત મારું જીવન બદલી જશે એ વિચારે ખુશ હતી. ભાર્ગવનો ફેવરીટ કલરનો ડ્રેસ પહેરી હું ઘરેથી નીકળી પણ તે દિવસે મને ગાર્ડનનો રસ્તો પણ લાંબો લાગતો હતો. બેચેન અને થોડોક બેબાકળો ભાર્ગવ મારી રાહ જોઈ રહ્યો હતો હું ગઈ, મળી અમે થોડી વાતો પણ કરી અમે બંને અમારા અવ્યક્ત પ્રેમને વ્યક્ત કરવાની રાહ જોઈ રહ્યાં હતા.

છેવટે ભાર્ગવે શરુઆત કરી, “ આસ્થા ઘણાં સમયથી આપણે જુદાં પડી ગયા હતા પણ ખબર નહિ હુ તને એક દિવસ પણ ભૂલી ન શક્યો, અત્યાર સુધી હું સમજતો હતો કે આ લાગણી ક્યાંક એકતરફી તો નહી હોય ને ! પણ તે દિવસે તારી સાથે વાત કરી લાગ્યું કે તું પણ એટલી જ એકલી છો મારા વગર. પ્લીઝ ! આસ્થા મને તારા જીવનમાં એક મોકો આપીશ?“ જ્યારથી પ્રેમ શબ્દનો અર્થ સમજીતી થઈ ત્યારથી જે ક્ષણની રાહ જોઈતી એ જ આ ક્ષણ હતી મને થયુ કે પોતાની સાથે જ શ્વાસની જેમ વીંટળાયેલા એ અહેસાસને વ્યક્ત કરી દઉં, ભાર્ગવને ગળે લગાડી લઊ અને મારા પ્રથમ પ્રેમનો એકરાર કરી લઊ‍!! સમય અહીં જ થંભી જાય અને જીંદગી અહીં જ રોકાઈ જાય આ દિવસથી સુંદર કોઈ દિવસ નહિ હોય અને આ ક્ષણથી કિંમતી કોઈ સમય નહિ હોય… પણ હું કંઈ કહુ એ પહેલા મારા ફોનની રીંગ વાગી જોયું તો ઘરેથી હતો.

ન ઈચ્છવા છતા મેં ફોન રીસીવ કર્યો ઘરેથી હતો જાણવા મળ્યું કે પપ્પા ને હાર્ટ એટેક આવ્યો છે, હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હું જવાબ આપુ એ પહેલા જ આવા સમાચાર મળ્યા!! ભાર્ગવ મારી સ્થિતિ સમજી ગયો તેણે મને હોસ્પિટલ જવાની સલાહ આપી.

હું મારા પપ્પાને ખૂબ ચાહુ છું એ વાત તમે પણ જાણો છો ચાર બહેનો હોવા છતા હું પપ્પાની ખૂબ લાડકી હતી. સમાજ અને કુટુંબની પરવા કર્યા વગર પપ્પાએ મને ખૂબ આઝાદી આપી અભ્યાસ કરાવ્યો હતો. ત્રણેય બહેનો સાસરે સુખી હતી હવે પપ્પાને ફક્ત મારી ચિંતા હતી.

હોસ્પિટલમાં પપ્પાએ મારા માથે હાથ મૂકી કહ્યું, “ બેટા કુટુંબ વિરુધ્ધ જઈને મે તને અભ્યાસ કરાવ્યો છે. તું મારુ માન છો, ગર્વ છો! તારા બાપને કુટુંબમાં, સમાજમાં નીચે જોવું પડે તેવું કોઈ કામ ન કરીશ બેટા!” આંખમાં આંસુ સાથે હું નજર ઊંચકી પપ્પા સામે માંડ જોઈ શકી. પપ્પાના હાથમાં મારી ડાયરી હતી એક પળવાર હું કંઇ જ બોલી ન શકી.

પપ્પાની એવી હાલત મારાથી ન જોવાઈ તેમની ચિંતા હળવી કરવા મેં તેમને આશ્વાસન આપ્યું અને કહ્યું, “પપ્પા તમે મારા માટે જે કંઈ પણ કર્યું તે હું ક્યારેય ભૂલી નથી પણ હા થોડીક ભટકી જરુર ગઈતી…આ ડાયરીમાં લખેલા શબ્દો આજે અહીં જ ભૂલી જાવ છુ કારણ કે તમારી જીંદગીથી વધારે મારા પ્રેમની કિંમત ન હોય શકે? અને મે પપ્પાને તેમની મરજી પ્રમાણે જ જીવન આગળ વધારવાનું વચન આપ્યું.

પપ્પાને નિરાંત થઈ અને તેઓ જલ્દી સાજા થઈ ગયા પણ શું થયું, કેવી રીતે થયુ એ જાણવા મને જોવા અને મળવા રોજ ભાર્ગવ મારા ઘર પાસેથી પસાર થતો હું અધખુલ્લી બારીમાંથી તેના વ્યાકુળ ચહેરાને દરરોજ જોતી રહી પણ એનો સામનો કરવાની હિંમત ભેગી ન કરી શકી. ફરીથી આ દુનિયા, સમાજ અને આબરુંના નામે બે હ્રદયની બલિ ચડી ગઈ. ઘર, કુટુંબનો વિચાર કર્યા વગર હું ભાર્ગવ સાથે ભાગી શકી હોત પણ એ કદાચ મને કે ભાર્ગવને મંજૂર ન હોત. કદાચ ક્યારેય કોઈ બાપ પોતાની દિકરીનો વિશ્વાસ ન કરી શકત.

કોલેજનાં અંતિમ વર્ષ દરમિયાન પપ્પાએ તમને મારા જીવનસાથી તરીકે પસંદ કર્યા અને એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર હું તમારી સાથે પરણી સાત ફેરા ફરી ગઈ. હજી પણ હું જ્યારે પપ્પાને ત્યાં જાવ છું ત્યારે પણ ઘણી વાર સાંજના એ જ સમયે ભાર્ગવ ત્યાંથી પસાર થાય છે એના મનનો વલોપાત હું એના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકુ છું. એના હ્રદયને આટલું ઘાયલ છોડી મને કેવી રીતે શાંતિ મળે. નિલય, લગ્ન પછી પણ હું ભાર્ગવને ભૂલી નથી શકતી. અધુરા ઓરતાની આગ મને દિવસ રાત બાળે છે, કાશ હું ભાર્ગવને મળીને બધુ જણાવી શકી હોત. આ સમાજ ક્યારે બે પ્રેમી હૈયાને આઝાદીનું આકાશ આપશે? આ રૂઢિ, રિવાજ અને પરંપરાની બેડીઓ ક્યાં સુધી ધબકતા હ્રદયોને જકડી રાખશે?

નિલય, ભાર્ગવ મારો પ્રથમ પ્રેમ હતો, છે અને રહેશે. દુનિયા સાક્ષી છે કે વ્યક્તિ પોતાનાં જીવનમાં ઈચ્છીને પણ પોતાનાં પ્રથમ પ્રેમને ભૂલી સકતી નથી અને હું પણ તેમાંથી બાકાત નથી. મારા જીવનમાં શ્વાસની જેમ ભાર્ગવ આવી તો ગયો પણ ઊચ્છવાસની જેમ નીકળી નથી શકતો. આ છે મારા મનની વાત જે કદાચ હું તમને રુબરુમાં ક્યારેય ન કહી શકત. પરંતુ, થેંકયુ કે તમે મને મારી વાત રાખવાનો મોકો આપ્યો તે માટે…”

નિલય આસ્થાનો પત્ર વાંચતો રહ્યો અને મનમાં ને મનમાં આસ્થાની પરિસ્થિતિ માટે પોતાને જવાબદાર સમજવા લાગ્યો. રાત દિવસ પોતે આ પરિસ્થિતિમાં શુ કરી શકે એ વિચારવા લાગ્યો. તે આસ્થા સાથે વાત પણ માંડ કરતો. એ દરમિયાન તેણે પોતાનુ કામ કર્યુ અને સાતમા દિવસે આસ્થાના ડ્રેસીંગ ટેબલ પર એક લેટર મુકયો.

“ડીયર આસ્થા‍!”

કેમ ચોંકી ગઈને મારા અક્ષર જોઈને હા.. હું જ છું ભાર્ગવ. હું પણ આમ જ ચોંકી ગયેલો તારા પતિ નિલયને મારી સામે જોઈને.. મને નથી ખબર એણે મને કેવી રીતે શોધી કાઢ્યો પણ માણસ ખૂબ નિર્દોષ છે.

નિલય પાસેથી તારી વાત, તારી પરિસ્થિતિ જાણી અને એક દિકરી તરીકે તે જે નિર્ણય લીધો એના માટે મને ગર્વ છે તારા પર ઈશ્વરની સાક્ષીએ કહું છું આસ્થા, મને તારાથી કોઈ ફરિયાદ નથી. તે મને દગો આપ્યો છે કે છેતર્યો છે એવો ભાવ મનમાંથી પ્લીઝ કાઢી નાખ. તું મારો અને હું તારો પ્રથમ પ્રેમ છું એ હકીકત કોઈ જ નહી મીટાવી શકે એ અલગ વસ્તુ છે કે આપણો પ્રેમ એની મંઝીલ સુધી ન પહોંચી શક્યો. આપણા બંન્નેના સ્મૃતિપટમાથી આપણને એકબીજાથી દુનિયાની કોઈ તાકાત અલગ ન કરી શકે. તું ભાગ્યશાળી છે કે તને નિલય જેવો દોસ્ત કમ લાઇફ પાર્ટનર મળ્યો છે એ તને ખૂબ પ્રેમ કરે છે એ તો આજે પણ પોતાના પ્રેમની ખુશી ઇચ્છે છે. તારી ખુશી માટે એ પુરા આદરથી તને મને સોંપવા માટે તૈયાર છે પણ તું જ કહે આસ્થા પહેલા તારા પિતાની આબરુ દાવ પર હતી જ્યારે હવે તો તારી સાથે તારા નિલયની ઈમેજ પણ દાવ પર છે. આપણો પવિત્ર પ્રેમ શું આપણને એક નિર્દોષ, નિસ્વાર્થ માણસની સરળતાનો આવો ગેરલાભ ઊઠાવવાની મંજૂરી આપશે? આપણે બંને એકબીજાથી દૂર હશુ તો શું આપણા પ્રેમનો અંત આવી જશે? નહિ, આસ્થા ! પ્રેમ નો ખરો અર્થ શું એકબીજાને સશરીર મેળવવામાં જ છે? અન્યની સાથે રહીને પણ આપણે આપણા હ્રદયમાં આ લાગણીને મરવા ન દઈએ એ જ સાચો પ્રેમ છે.

તને ખબર છે ને હુ ફાર્મસીમાં હતો, બી. ફાર્મ, કરીને હવે હું કાયમ માટે અમેરિકા જઈ રહ્યો છું. જો તને મળત તો કદાચ ફરીથી હુ તારાથી દુર ન જઇ શકત. એટલે જ નિલયના હાથે તારા માટે આ લેટર મોકલુ છુ. નિલયને મળ્યા પહેલા ચાલ્યો ગયો હોત તો કદાચ જીવનભર હું તારા માટે ઝૂરતો રહેત પણ હવે વાત અલગ છે હજી પણ હું આજીવન તને ચાહતો રહીશ પણ એના માટે તું મારી સામે હોવી જરુરી નથી. તારી સાથેની મારી મુલાકાતો, આપણી વાતો, આપણા કિસ્સા, આપણી એકબીજા સાથેની યાદો અને આપણા એકબીજા પ્રત્યેના પ્રથમ પ્રેમની અનુભૂતિ એ આપણી ને માત્ર આપણી મૂડી છે તેના પર કોઈનો હક્ક નથી.

ફરીથી કહુ છું આસ્થા તું મારો પ્રથમ પ્રેમ હતી, છો અને સદાય રહીશ. બની શકે તો તારી જીંદગીમાં સામાન્ય બની મારા ખાતર, મારા પ્રેમ ખાતર, આગળ વધ અને સમાજ કે પરિવાર પ્રત્યેનો તારો ગુસ્સો, નારાજગી છોડી દે. તારા જીવનને ફરીથી નવી આશા અને ઉમંગથી ભરી દે. તારી આવનારી જીંદગીને મારી શુભેચ્છા સમજી વહાલથી ગળે લગાડી લે.“

લિ. તારો અને માત્ર તારો પ્રથમ પ્રેમ

ભાર્ગવ

આસ્થા એ ભીની આંખે પત્રને અનેકવાર વાચ્યો અને ભાર્ગવના કહેવાનો ભાવાર્થ સમજી ગઈ. આ વાતને છ મહિના થઈ ગયા. સમય લાગ્યો પણ આસ્થા નિલય સાથે પોતાનું ખુશાલીભર્યું લગ્નજીવન વીતાવવા લાગી છતાં હજી પણ આસ્થા ભાર્ગવને યાદ કરે છે, તેનાં સપના જુએ છે કારણ કે તેનું મન તો ભાર્ગવ નામના “પ્રથમ પ્રેમ” ને ક્યારેય ભૂલતું જ નથી.

લેખિકા : નિશા રાઠોડ

દરરોજ અવનવી અલગ અલગ વિષયની વાર્તાઓ વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !


– તમારો જેંતીલાલ