જલ્સા કરોને જેંતીલાલ

પ્રતાપ ચંદ્ર સારંગી – એક સામાન્ય વ્યક્તિની જેમ જીવે છે જીવન, ગર્વ છે આવા વ્યક્તિ આપણા દેશમાં છે…

પ્રતાપ ચંદ્ર સારંગી, જેમને ઓડિસાના મોદી કહેવાય છે. જાણો શું છે તમની કહાની…

જેમની ટ્વીટર અને બીજા સોશિયલ મીડિયામાં થઈ રહી છે ખુલ્લા મોંએ પ્રસંશા તેવા સાધુ જેવું જીવન જીવતા જૈફવયના રાજકારણીને ઓળખો…


જેમનું નામ જ્યારે રાષ્ટ્રપતિભવનમાં સાંસદ તરીકેની શપથ લેવા માટે બોલાયું ત્યારે હજારોની મેદનીમાં દેશ અને દુનિયાના સર્વોચ્ચ લબ્ધપ્રતિષ્ટિત નાગરિકો બેઠા હતા. ઔધોગિક આગેવાનો, રાજનૈતિક નેતાઓ, ફિલ્મી કલાકારો, સ્પોર્ટ્સ પર્સન અને અનેક એવી વ્યાક્તિઓ જેઓ અહીં આ ખાસ અવસર પર આમંત્રિત કરાયા હાતા. એ સૌએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા. જોકે સફેદ સાદા જભ્ભા લેંગામાં ઊભેલ એ સફેદ વાળવાળા જટાધારી અલગારી લાગતા એ વ્યક્તિને એ તાળીઓનો મોંહ હોય એવું એમની આંખોના ભાવમાં જરા પણ ડોકાતું નહોતું. એ ૬૪ વર્ષની એકવડી કાયાએ અહીં ભલે પહેલીવાર સાંસદ તરીકેની શપથ લીધી પરંતુ રાજકારણમાં ખાસ કરીને ભારતીય જનતાપાર્ટી અને સંઘ પરિવાર માટે આ નામ અજાણ્યું નહોતું. આવો જાણીએ આ વ્યક્તિની એવી તે શું વિશેષતા છે જેથી પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી સહિત દરેક વ્યક્તિએ તેમને સન્માનની નજરે જુએ છે.

સાદગી જેમનો સ્વભાવ –


પ્રતાપ ચંદ્ર સારંગી, વર્ષોથી તેઓ સામાજિક અને રાજનૈતિક કાર્યો કરતા આવ્યા છે. જેમાં તેઓએ કોઈપણ જાતની અપેક્ષા વિના પોતાનું કર્મ કર્યા કરવું એવો સ્વભાવ રાખ્યો છે. ગરીબ અને અભણ બાળકો તથા ગામડાંના લોકોનો વિકાસ તેમની પહેલી પ્રાથમિકતા રહી છે. જે તેઓએ ક્યારેય તેમના ભાષણોમાં કહેવું નથી પડતું. આ તેમના કામમાંથી છતું થતું દેખાઈ આવે છે. બાલાસોરના ગામડાંમાં સાદી ઝૂંપડીમાં તેઓ રહે છે. સફેદ જબ્ભો – લેંગો પહેરે છે અને એ પણ તદ્દ્ન સાદો. તેઓ ચહેરા પર ચશ્મા અને ખભા પર મોટો ઝોળા જેવો થેલો લઈને સાયકલ પર બેસીને નીકળી પડે છે લોક જાગૃતિના કામોમાં. તેઓને જ્યારે પૂછાય છે કે આપ આટલી સાદગીમાં કેમ રહો છો? ત્યારે તેઓ કહે છે, મારે કોઈ પ્રયત્ન પૂર્વક સાદગી ભર્યું જીવન વિતાવવું એવો નિર્ણય નથી લેવો પડ્યો. સાદગી મારો સ્વભાવ છે. એમ જ સહજ રીતે જ હું રહું છું.

કઈરીતે આવ્યા રાજનીતિમાં?


તેમને એકલું જીવન જ જીવવું હતું. એ પહેલાં તેઓ સાધુ બનીને રહેવા માગતા હતા. પરંતુ તેમને એમના માતાની જવાબદારી હતી. સમાજ પ્રત્યેની સદભાવના અને દેશપ્રેમને લીધે વર્ષોથી તેઓ આર.એસ.એસ સાથે જોડાયેલા રહ્યા. અપરણિત એકલા વ્યક્તિ માતાના દેહાંત બાદ સંપૂર્ણ રીતે દેશને સમર્પિત થઈ ગયા અને નીકળી પડતા તેઓ કોઈને કોઈ સામાજિક ઉત્કર્ષના કાર્યો માટે. તેઓ અગાઉ બે વખત ઓડિસાના વિધાનસભાની ચૂંટણી પણ જીત્યા છે અને પહેલીવાર સાંસદ સભ્ય બન્યા છે. માત્ર પોતાના પ્રદેશ અને દેશની સેવાના હેતુથી.


અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા પ્રતાપ ચંદ્ર સારંગીનો જન્મ ઓરિસ્સાના નિલગીરીના ગોપીનાથપુર ગામમાં થયો છે. ૪ જાન્યુઆરી ૧૯૫૫ જન્મેલા સારંગીએ ત્યાંના સ્થાનીક ફકીર મોહન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ નાનપણથી જ ખૂબ આદ્યાત્મિક હતા અને ધાર્મિક તેમજ દેશપ્રેમી પણ હતા. તેમના વિશે મળેલી એક માહિતી મુજબ તેઓને રામકૃષ્ણ મઠમાં સાધુ બની જવાની ઇચ્છા હતી. તેઓ અનેકવાર મઠ પણ જતા. પરંતુ જ્યારે મઠવાળાને ખબર પડી કે તેમના માતા વિધવા છે તો માતાની સેવા કરવાનું સૂચન આપ્યું. પ્રતાપ ચંદ્ર સારંગી ગામ પરત ફર્યા અને જોતજોતાંમાં વિવિધ પ્રકારના સમાજસેવાના કામોમાં લાગી ગયા.


કઈરીતે કરે છે પોતાના માટે એકલપંથે ચૂંટણી પ્રચાર?

એક અલગારી સાધુ જેવું જીવન જીવતા વ્યક્તિને પોતાના પ્રદેશના લોકો સુધી પહોંચવા ગાડી, જીપ કે હેલિકોપ્ટરની જરૂર નથી. તેઓ પોતાની સાદગી સભર દિનચર્યા આટોપીને સાયકલથી, ઘોડાગાડીથી કે રીક્ષાથી પ્રચાર કરવા નીકળી પડે છે. શું તકલીફો છે અને કઈરીતે તેને નિવારી શકાય એ તેમને સ્થાનિક લોકો વિશે સવિશેષ જાણકારી છે. સાંસદ તરીકે હાલમાં ચૂંટાયા પહેલાં તેઓ ઓરિસ્સાના નિલગીરી વિધાનસભાથી વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯માં ધારાસભ્યના પદે રહી ચૂક્યા છે. અગાઉ તેઓ ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ ઊભા રહ્યા હતા પરંતુ હારી ગયા હતા.


કઈરીતે જીત્યા?

તેમણે બીજેડીના ઉમેદવાર રબિન્દ્ર કુમાર જેનાને બાલાસોર સંસદીય મતદારક્ષેત્રમાંથી ૧૨,૯૫૬ મતોથી હરાવ્યા છે. તેમના આ પ્રતિસ્પર્ધી ત્યાંના સૌથી ધનાઢ્ય રાજકારણી છે જેમની સામે આટલા બધા મતોથી જીતવું એ એક પ્રકારો મોટો પડકાર ઝીલ્યા સમાન છે.

ઓડિસાના મોદી


ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય સારંગીને ઓરિસ્સાના મોદી પણ કહેવામાં આવે છે. જ્યારે કોઈપણ પત્રકાર તેમને આ વિશે પૂછે છે ત્યારે તેઓ અતિ વિવેકથી સ્મીત કરીને કહે છે કે કહાં મૈં ઔર કહાં મોદી જી. તેઓ સહજતાથી કહે છે કે હું ભાગ્યશાળી છું કે વડા પ્રધાન મોદીએ મારા પર તેમનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને હું રાષ્ટ્રની સેવા કરવાના એક સાધન માત્ર તરીકે રાજકારણમાં આવવાનો વિચાર કરું છું. આપણા પક્ષ માટે પ્રથમ રાષ્ટ્ર, પક્ષ બીજા અને છેલ્લા ક્રમે પોતાની જાત આવે છે. હું મોદી જી અને સામાન્ય લોકોનો વિશ્વાસ જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.

તેમની પાસે છે નહિવત સંપત્તિ


આજના સમયમાં હવે લાલબત્તીનો દબદભો ભલે ઓછો થયો હોય પરંતુ નેતાઓની મોંઘી ગાડીઓનો કાફલો અને અનેક એવા આરામદાયક બંગલા જેવી જાહોજલાલીને બદલે તેમણે આસપાસના વિસ્તારના લોકો માટે સેવાકીય કાર્યો કર્યા છે. બાલાસોર અને મયૂરભંજના કેટલાક આદિવાસી વિસ્તારમાં ગરીબ બાળકો માટે અનેક સ્કૂલ બનાવડાવી છે. વર્ષ ૨૦૧૪માં લોકસભા ચૂંટણીમાં આપેલ એફિડેવિટ અનુસાર તેમની સંપત્તી દસ લાખ રુપિયા લખી હતી. વધુમાં, કહેવાય છે કે તેઓ પોતાના પેન્શનનો બાળકોનું ભણતર અને દીકરીનોના ઉછેરમાં ઉપયોગ કરે છે.

વિરોધ અને સંઘર્ષ


શ્રી પ્રતાપ ચંદ્ર સારંગીજીએ એક ઇન્ટરવ્યૂમાં પત્રકારને જરા પણ ગુસ્સે થયા વિના કે વિચલિત થયા વિના એમના સંઘર્ષની વાત કહી. સચ્ચાઈ અને ઇમાનદારીના રસ્તા ઉપર સાદગીથી માત્ર લોકસેવાના હેતુથી ચાલતા વ્યક્તિ પર અનેકવાર હુમલાઓ થયા છે. તેમાના કેટલાક જીવલેણ પણ હતા. તેમણે કોમ્યુનિસ્ટોએ ૩૦ વર્ષથી તેમની પાછળ અનેકવાર મારી નાખવાની કોશિશો કરી છે એવું કહ્યું. જો બીજો કોઈ વ્યક્તિ હોત તો તેમના ધ્યેયથી વિમુખ થઈ ગયો હોત અને અથવા તો ફરિયાદો કરીને હોબાળા પણ મચાવી શક્યા હોત પરંતુ વિપરિત સ્થિતિમાં પણ તેઓ અડગ રહ્યા. આજે પોતાના પ્રદેશના ગરીબ લોકોનો અવાજ બનવા દીલ્હી પહોંચ્યા છે.

ટ્વીટર પર થઈ તેમની તસ્વીરો વાઈરલ


સુલગના ડેશ નામના યુઝરે ૨૪ મેના તેમના વિશે પોસ્ટ મૂકી હતી. જેમાં પ્રતાપ ચંદ્ર સારંગીની ત્રણ તસવીર શેર કરી છે. જેમાં તેઓ જમીન પર બેસીને તેમના કાગળો અને સામાન ઠીક કરીને એક બેગમાં મૂકી રહ્યા છે. આ ટ્વીટ પોસ્ટ ખૂબ જ વાઈરલ થઈ. જેમાં એવા કેપ્શન સાથે લખાયું હતું કે આ ઓરિસ્સાના મોદી છે. તેઓએ લગ્ન કર્યાં નથી. માતાનું ગત વર્ષે અવસાન થયું છે. અને તેમની પાસે વધુ સંપત્તી નથી. નાના ઘરમાં રહે છે. સાઈકલ ચલાતા જમીન સાથે જોડાયેલ વ્યક્તિ છે. આ વાત લોકોને ખૂબ જ સ્પર્શી ગઈ. અને સૌએ તેમને રીટ્વીટ કરીને આદર સાથે વખાણતા શબ્દો શેર કર્યા છે. કેટલાક લોકોએ તો એ પણ કહી દીધું કે તેમણે ઓડિસાના મુખ્ય મંત્રી બનવું જોઈએ.


કોઈ જ જાતની સ્વ પ્રસંશાના શબ્દોની અપેક્ષા વિનાના કર્તવ્યનિષ્ઠ સંત – ઓલિયા સમાન આ રાજનેતા દેશના દરેક યુવાનો માટે એક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version