જલ્સા કરોને જેંતીલાલ

પ્રસ્તાવ – પતિના મૃત્યુ પછી નોકરી કર્યા સિવાય તેની પાસે કોઈ રસ્તો નહોતો, પણ જીવનમાં આવો વળાંક પણ આવશે…

*”આંસુઓને કયાં પાળ હોય છે ?*

*એ તો સરી જાય છે જયાં લાગણીઓના ઢાળ હોય છે”*

રાતના આઠ વાગ્યા હતાં. ઓફિસ ખાલી થઇ ગઇ હતી. એક માત્ર ઓફિસના બોસ અનુરાગ દેસાઇ તેમની કેબિનમાં હતા, અને બહાર બેઠી હતી શિલ્પા. સેન્ટ્રલી એ.સી. ઓફિસમાં પણ શિલ્પાને પરસેવો થતો હતો. વારેવારે તે કપાળ પરનો પરસેવો લુછતી, મનની ધબરાહટ છુપાવીને અનુરાગની કેબીન સામે જોતી હતી.

અનુરાગ કંઇક કામમાં હતો શિલ્પાએ આ ઓફિસમાં નોકરી શરૂ કરી તેને દોઢ વર્ષ થયુ હતું. આજે પહેલીવાર અનુરાગે કહ્યુ હતુ કે, “મારે તમારું કામ છે, ઓફિસ છુટ્યા પછી થોડીવાર બેસજો.” શિલ્પા ના ન પાડી શકી. આમ તો રોજ છ વાગ્યે ઓફિસ છૂટે એટલે તરત તે ઘરે જતી રહેતી. ઘરે દસ વર્ષનો દીકરો દર્શ એકલો હોય, એટલે તે સીઘી ઘરે જતી. ઓફિસમાં બધાને ખબર હતી એટલે છ વાગ્યા પછી તેને કોઇ રોકતું નહી.

આજે તેનો દીકરો પિકનિકમાં ગયો હતો તેને મુકવા ગઇ હતી એટલે સવારે ઓફિસમાં થોડી મોડી આવી હતી. આથી અનુરાગને તેની ખબર હતી શિલ્પા કંઇ જ બોલી શકે તેમ ન હતી. પણ તે ગભરાતી હતી તે વિચારતી હતી કે અનુરાગ શું કહેશે ? તેને શું કામ હશે ? શું તે પણ બીજા બોસ જેવો જ હશે ? આજ સુધી કયારેય અનુરાગની આંખમાં વિકાર જોયો નથી. તે કંઇક કહે, કંઇક માંગણી કરશે તો શું કરવું? તે વિચારતી હતી. જો અનુરાગ કંઇક ખોટી માંગણી કરે તો ના પાડવાથી નોકરી જવાની બીક હતી આ નોકરી શિલ્પા માટે જરૂરી હતી પતિ કશ્યપના મૃત્યુ પછી દીકરાને ઉછેરવા નોકરીની જરૂર હતી.

શિલ્પા વિચારતા વિચારતા ભૂતકાળમાં પહોંચી ગઇ.મા-બાપ વગરની શિલ્પા કાકા – કાકીના સહારે ઉછરેલી હતી મોટી થતાં તેના જીવનમાં કશ્યપ આવ્યો. કાકા – કાકીની મરજી ન હોવા છતાં શિલ્પાએ તેની સાથે લગ્ન કરી લીઘા. કાકાએ સંબંધ તોડી નાખ્યો કશ્યપ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. બન્ને ખુશ હતા, પણ કદાચ કોઇની નજર લાગી હોય તેમ એકવાર ઓફિસેથી પાછા ફરતે કશ્યપનો ટ્રેનમાંથી હાથ છુટી ગયો અને તે શિલ્પા અને દર્શને દુનિયામાં એકલિ મૂકીને ચાલ્યો ગયો શિલ્પાએ રડી રડીને આંખો નીચોવી નાખી. હવે શું કરવું તે તેને સમજાતું ન હતું.

કશ્યપની ઓફિસ તરફથી થોડી મદદ મળી હતી, પણ થોડા સમય પછી પૈસા ખલાસ થવા લાગ્યા. શિલ્પા બહુ ભણેલી તો ન હતી, એટલે જલ્દી નોકરી મળે તેમ ન હતી એક બે જગ્યાએ નોકરી શરૂ કરી દીઘી, પણ બોસને ઓફિસના કામને બદલે બીજા કામમાં રસ વધારે હતો. તેમાં પણ ખબર પડે કે શિલ્પા એકલી છે એટલે મદદ કરવાને બહાને તેનો ફાયદો લેવાની કોશીશ થવા લાગી. જે શિલ્પાને મંજૂર ન હતું, એટલે તેને નોકરી છોડવી પડતી. ઘણી મહેનત પછી અનુરાગની ઓફિસમાં તેને નોકરી મળી હતી. અનુરાગ ખૂબ જ સરળ બોસ હતો. સ્ત્રી કર્મચારીનું માન જાળવતો. અહી પગાર પણ સારો હતો અને રહેવા માટે કવાર્ટર પણ મળ્યું હતું. નોકરીના આધારે તેણે દર્શને સારી સ્કૂલમાં ભણવા પણ બેસાડયો હતો.

આજે દોઢ વર્ષમાં પહેલીવાર અનુરાગે તેને રોકી હતી. શિલ્પા વિચારતી હતી કે બધા પુરુષો સરખા જ હોય છે. કોઇ સામે મળે ને તરત તરાપ મારે, તો કોઇ પહેલા અહેસાનના ભાર નીચે દબાવે અને પછી શિકાર કરે. અનુરાગ પણ તેને તેવો જ લાગ્યો નોકરી-ઘરના બદલામાં હવે તે કંઇક માંગશે તે વિચારતા ઘ્રૃજતી હતી.

સાડા આઠ થયે ત્યારે અનુરાગે શિલ્પાને કેબિનમાં બોલાવી. તે ગભરાતી ગભરાતી ગઇ. અનુરાગે તેને બેસવાનું કહ્યું. અનુરાગ થોડીવાર કંઇ જ ન બોલ્યો. બસ વારે વારે શિલ્પાની સામે જોઇ લેતો. જાણે કંઇક કહેવાની હિંમત ભેગી કરતો હોય તેવું લાગતું હતું. થોડીવાર પછી શિલ્પાએ જ પુછી લીઘું કે, ” સર..કંઇ કામ હતું ??? તમે મને રોકાવાનું કહ્યું હતું.” અનુરાગ બોલ્યા વગર ઊભો થયો શિલ્પાની પાસે આવ્યો. શિલ્પા આંખ નીચી કરીને આવતી ક્ષણનો સામનો કેવી રીતે કરવો તે વિચારતી બેસી રહી.

અચાનક અનુરાગ તેની સામે જમીન પર બેસી ગયો શિલ્પાને નવાઇ લાગી. અનુરાગે કહ્યું, “શિલ્પા… કોઇ ગેરસમજ ન કરતાં, મારી વાત સાંભળીને સ્વીકારવી કે ન સ્વીકારવી તે તમારા હાથમાં છે. હું જાણું છું કે તમે એકલા છો, તમારે દસ વર્ષનો દીકરો છે. તમે પણ જાણો છો કે હું એકલો છું. મેં લગ્ન નથી કર્યા, તમારા કરતા પંદર વર્ષ મોટો છું, પણ તમને જોયા પછી તમારા પ્રત્યે ખેંચાણ અનુભવું છું. તમને ખબર નહો હોય પણ હું વારેવારે ચોરીછુપીથી કેબિનમાંથી તમને જોયા કરૂં છું. તમને જોયા પછી જિંદગી પ્રત્યે પ્રેમ જાગ્યો છે, લગ્ન કરવાના અરમાન જાગ્યા છે.

હું તમારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું તમારા દર્શને પિતાનો પ્રેમ આપવા માંગુ છું. મારી વાત માનવી કે ન માનવી તે તમારી મરજી છે. આ મારી ઈચ્છા છે, જે મેં તમને જણાવી , તમારા પર કોઇ બળજબરી નથી. તમારી હા મારી જિંદગીમાં ખુશી ભરી દેશે. પણ તમારી ઈચ્છા ન હોય તો ના પાડવાની છુટ છે. તમારી ના તમારી નોકરી કે મેં આપેલા ઘરને કોઇ અસર નહી કરે. તમે હા પાડશો તો બે-ચાર દિવસમાં સાદાયથી લગ્ન કરી લઈશું. અને ના પાડશો તો આજ પછી કયારેય બીજીવાર આ વાત નહીં ઉચ્ચારું.”

શિલાપા સાંભળીને આશ્ર્ચર્યમાં પડી ગઇ. તેણે અનુરાગ માટે હલકા વિચાર કર્યા તે બદલ શરમ આવી. બે મિનિટ પછી તેના ખભે પોતાનું માથુ મૂકી દીઘું. તેના આંસુ અનુરાગને ભીંજવી રહ્યા હતાં. અનુરાગને જવાબ મળી ગયો. ચાર દિવસ પછી બન્નેએ ઓફિસ સ્ટાફની હાજરીમાં સાદગીથી લગ્ન કરી લીઘા. દર્શે પણ અનુરાગને સ્વીકારી લીઘો. હવે શિલ્પા ખુશ છે. આટલી કસોટી પછી જીવનમાં આવેલ સુખ માટે ભગવાનનો આભાર માને છે.

લેખક : દિપા સોની “સોનુ”

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version